ઠાકુરની સમાધિ ઊતરી. ગીત પણ પૂરું થયું. શશધર, પ્રતાપ, રામદયાળ, રામ, મનમોહન, યુવાન ભક્તો વગેરે ઘણાય બેઠા છે. શ્રીરામકૃષ્ણ માસ્ટરને કહે છે : ‘તમારામાંથી કોઈક એકાદો ગોદો મારો ને!’ એટલે કે પંડિત શશધરને કંઈક પૂછો.
રામદયાળ (શશધરને)- બ્રહ્મની રૂપ-કલ્પના જે શાસ્ત્રોમાં કહી છે, તે કલ્પના કોણ કરે છે?
પંડિત- બ્રહ્મ પોતે કરે છે. માણસની કલ્પના નથી.
ડો. પ્રતાપ – બ્રહ્મ શા માટે રૂપ કલ્પના કરે છે?
શ્રીરામકૃષ્ણ- કેમ ભલા? બ્રહ્મ કંઈ કોઈની સાથે મસલત કરીને કામ કરતા નથી. એની મરજી, એ ઇચ્છામય! શા માટે એ કલ્પના કરે છે, એ સમાચારની આપણને જરૂર શી? બગીચામાં કેરી ખાવા આવ્યા છો તો કેરી ખાઓ; બાગમાં કેટલાં ઝાડ, તેની કેટલા હજાર ડાળીઓ, તેનાં કેટલાં લાખ, પાંદડાં, એ બધી ગણતરીની આપણે શી જરૂર? નકામો તર્ક-વિચાર કર્યે વસ્તુની પ્રાપ્તિ ન થાય.
પ્રતાપ- તો પછી શું વિચાર કરવો જ નહિ?
શ્રીરામકૃષ્ણ- નકામો તર્ક-વિચાર કરવો નહિ. પણ સત્-અસત્નો વિચાર કરવો; શું નિત્ય, શું અનિત્ય એ વિચાર કરવો. જેમ કે કામ, ક્રોધ વગેરેને વખતે, યા તો શોકને વખતે.
પંડિત- એ અલગ. એને વિવેકાત્મક વિચાર કહે.
શ્રીરામકૃષ્ણ – હાં સત્-અસત્ વિચાર. (સૌ કોઈ શાંત બેસી રહ્યા છે.)
શ્રીરામકૃષ્ણ (પંડિતને)- પહેલાં મોટા મોટા લોકો (મારી પાસે) આવતા.
પંડિત- શું પૈસાદાર માણસો?
શ્રીરામકૃષ્ણ- ના, મોટા મોટા પંડિતો.
એટલામાં જગન્નાથજીનો નાનો રથ બહારની મેડીની ઓસરીમાં લાવવામાં આવ્યો છે. તેમાં શ્રી જગન્નાથદેવ, સુભદ્રા અને બલરામ વિવિધ-રંગી પુષ્પો અને માળાઓથી સુશોભિત થઈ રહ્યા છે, અને અલંકાર તથા નવાં વસ્ત્ર, પીતાંબર ધારણ કરીને શોભી રહ્યા છે. બલરામની સાત્ત્વિક પૂજા, તેમાં કોઈ જાતનો આડંબર નહિ. બહારના લોકોને તો ખબરે ન પડે કે ઘરમાં રથયાત્રા નીકળી છે.
હવે ઠાકુર ભક્તો સાથે રથની સન્મુખે આવ્યા છે. એ ઓસરીમાં જ રથ ફેરવવામાં આવવાનો છે. ઠાકુરે રથની દોરી પકડી અને જરા વાર ખેંચ્યો. પછી ગીત ઉપાડ્યું : નદિયા ડગમગ કરે, ગૌર પ્રેમના હિલ્લોળે… વગેરે.
ગીત : જેમનાં હરિ-નામે નયનો ઝરે એવા બે ભાઈ આવ્યા છે રે… (પા. ૨૩૫).
ઠાકુર નૃત્ય કરી રહ્યા છે. ભક્તોય તેમની સાથે નાચે છે અને ગાય છે. કીર્તનકાર વૈષ્ણવચરણ પોતાની મંડળી સહિત ગીત અને નૃત્યમાં જોડાયા છે.
જોતજાતામાં આખી ઓસરી ભરાઈ ગઈ. સ્ત્રીઓ પણ બાજુના ઓરડામાંથી આ પ્રેમ-આનંદ નીરખી રહી છે. એમ લાગ્યું કે જાણે શ્રીવાસને ઘેર શ્રીગૌરાંગ ભક્તો સાથે હરિ-પ્રેમમાં મતવાલા થઈને નૃત્ય કરી રહ્યા છે! મિત્રમંડળી સાથે પંડિત પણ રથની સન્મુખે આ નૃત્ય-ગીત જોઈ રહ્યા છે.
હજી સંધ્યા થઈ નથી. ઠાકુર દીવાનખાનામાં પાછા આવ્યા છે અને ભક્તોની સાથે બેઠા છે.
શ્રીરામકૃષ્ણ (પંડિતને)- આનું નામ ભજનાનંદ! સંસારીઓ માત્ર વિષયનો આનંદ લે છે, કામિની-કાંચનનો આનંદ. ભજન કરતાં કરતાં જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે એ દર્શન દે, ત્યારે બ્રહ્માનંદ.
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’, ખંડ-૨૪, અધ્યાય-૫)
Your Content Goes Here




