૨૦મી જૂને બારામુલાથી યાત્રાનો પ્રારંભ થયો. આ મંડળીમાં બીજા કોઈ પુરુષ યાત્રીઓ ન હોવાથી નાનામોટાં બધાં કાર્યો સ્વામીજીને જ કરવાં પડતાં હતાં. વિદેશી મહિલાઓ નહોતી અહીંની ભાષા જાણતી કે નહોતી તેમને અહીંનાં રીતરિવાજો અને કાર્ય પદ્ધતિની જાણકારી. આથી સ્વામીજીને પોતાને જ બારામુલામાં હોડીની શોધ કરવા જવું પડ્યું. પરંતુ તેઓ એકાએક ડાકબંગલામાં એમના વિદેશી મહેમાનોના ઓરડામાં પાછા આવ્યા અને ‘ભાગ્યશાળીનો ભાર ભગવાન વહન કરે છે’ એમ કહીને પોતાની છત્રીને બંને ગોઠણ પર રાખીને બેસી ગયા. તેઓ હોડી ભાડે કરવા માટે નીકળ્યા હતા. પણ અચાનક જ એક માણસ તેમને મળી ગયો. એ માણસે સ્વામીજીનું નામ સાંભળતાં જ, સઘળી વ્યવસ્થાનો ભાર પોતે ઉઠાવી લીધો અને એમને નિશ્ચિંત મને પાછા જવા કહ્યું. આથી બધા માટે આ દિવસ ખૂબ જ આનંદનો બની ગયો. એમણે કાશ્મીરી ‘સામાભાર’માંથી ચા પીધી અને તે પ્રદેશના મુરબ્બા ખાધા. એ પછી તે લોકો ત્રણ ડોંગો કે હાઉસબોટમાં લગભગ ચાર વાગે શ્રીનગર જવા નીકળ્યાં. પહેલી સંધ્યા વખતે સ્વામીજીના એક પૂર્વપરિચિત મિત્રના બગીચાના છેડા પર નૌકાઓએ લંગર નાંખ્યું.
બીજા દિવસે એ લોકો હિમાચ્છાદિત પર્વતોથી ઘેરાયેલી એક સુંદર ખીણમાં આવી પહોંચ્યા. આ જ તો હતી કાશ્મીરની વિશ્વવિખ્યાત ખીણ. એક જગ્યાએ હોડીઓને બાંધીને તેઓ બધાં સવારે ફરવા નીકળ્યાં. ઘણું અંતર પાર કરીને તેઓ એક સાધુને રહેવાની જગ્યા થઈ શકે એવી વિશાળ બખોલવાળા ચિનાર વૃક્ષની પાસેથી નીકળીને ચાલતાં ચાલતાં એક ખળામાં આવી પહોંચ્યા. આ સ્થળ સ્વામીજીનું પૂર્વપરિચિત હતું. ગઈ શરદઋતુમાં જ્યારે સ્વામીજી કાશ્મીર આવ્યા હતા ત્યારે આ ઘરમાં કાશ્મીરી સ્ત્રીઓની પ્રથા પ્રમાણે લાલ ટોપી અને સફેદ કપડાં પહેરેલી એક વૃદ્ધા તેમને મળી હતી. સ્વામીજીએ એની પાસે પાણી માંગીને પીધું હતું. એ પછી જતી વખતે તેમણે ધીમેકથી તેને પૂછ્યું હતું : ‘મા, તમે ક્યા ધર્મનાં છો?’ તો વૃદ્ધાએ ગર્વભેર જવાબ આપ્યો કે ‘ખુદાનો આભાર કે હું મુસલમાન છું.’ સ્વામીજીએ વૃદ્ધાની પોતાના ધર્મમાં નિષ્ઠા અને ધર્મના ગૌરવને વ્યક્ત કરતી આ ઉક્તિનો દેશ-વિદેશમાં અનેકવાર આનંદપૂર્વક ઉલ્લેખ કર્યો હતો. આજે એ પૂર્વપરિચિત મુસલમાન પરિવારે સ્વામીજીનું પ્રેમપૂર્વક સ્વાગત કર્યું અને એમની સાથે આવેલી વિદેશી મહિલાઓ પ્રત્યે પણ સૌજન્ય દાખવ્યું.
શ્રીનગર સુધીના માર્ગની અદ્ભુતતાનું વર્ણન કરતાં નિવેદિતાએ લખ્યું છે, ‘અમારા યાત્રાપથના સૌંદર્યનું વર્ણન કરતાં સહજપણે જ ભાવવિભોર થઈ જવાય છે. કેમકે વિતસ્તાની ધારીમાં ચર્ચના આકાર અને સુશોભિત પર્વતો અને ખેતરોની હરિયાળી વચ્ચે છૂપાયેલાં ગામડાંઓ આ માર્ગમાં આવેલાં છે. એ સમયની વાતોને યાદ કરતાં કેટલાંય સુંદર દૃશ્યો એક પછી એક માનસપટ પર આવી રહ્યાં છે. અહીં આગળ હું શ્રીનગરના બહાર આવેલા ભાગમાં લોમ્બાર્ડી નગર જેવાં ઊંચાં ઊંચાં પોપ્લર વૃક્ષોએ જે માર્ગની રચના કરી છે, તેનો ઉલ્લેખ કરી શકું છું.’ તે લોકોએ એ પણ જોયું કે પોતાનામાં મગ્ન એવા ખેડૂતો ગીતો ગાતા જઈ રહ્યા છે. અને ક્યાંક ક્યાંક સાધુ લોકો વાંકીચૂકી કેડી પર ચાલતાં ચાલતાં દેવસ્થાનો તરફ આગળ વધી રહ્યા છે. પર્વતોની ધાર પર હજારો આઈરિશ ફૂલો ખીલેલાં છે. તેની વચ્ચે લીલીછમ ખીણો અને ખેતરો આવેલાં છે. તેમને હિમાવૃત્ત પર્વત શિખરોએ ચારેબાજુથી ઘેરી લીધેલાં છે.
શ્રીનગર પહોંચ્યા પહેલાં, સાંજના સમયે ખેતરમાં ફરતી વખતે વિદેશી મહિલાઓમાંથી એકે પૂછ્યું; ‘સ્વામીજી, લોકો મૂર્તિની સામે ભૂમિષ્ઠ થઈને સાષ્ટાંગ પ્રણામ કેમ કરે છે ?’ એમની દૃષ્ટિએ તો આ ભક્તિનો અતિરેક માત્ર હતો. એ સમયે સ્વામીજીના હાથમાં તલનું ભૂરા રંગનું નાનકડું ફૂલ હતું અને તેઓ કહી રહ્યા હતા કે તલ એ આર્યોનાં સૌથી પ્રાચીન તેલીબિયાં હતાં. પરંતુ આ પ્રશ્ન સાંભળીને તેમણે ફૂલને ફેંકી દીધું અને સ્થિર ઊભા રહીને ગંભીરતાથી કહ્યું : ‘આ પર્વતમાળાની સામે સાષ્ટાંગ થવું અને મૂર્તિની સામે સાષ્ટાંગ થવું એ શું એક જ વાત નથી ? વાસ્તવમાં કોઈ વસ્તુ ફક્ત વસ્તુ સ્વરૂપે જ અનુરાગીને આકૃષ્ટ નથી કરતી, પરંતુ તેની અંદરમાં રહેલું દૈવી સૌંદર્ય જ મનુષ્યના હૃદયને આકર્ષી લે છે.’
ધીમે ધીમે ૨૨મી જૂને તેઓ શ્રીનગર આવી પહોંચ્યાં. સ્વામીજીએ પહેલાંથી જ બધાંને કહી રાખ્યું હતું કે ત્યાં તેઓ બધાંને કોઈ શાંતિપૂર્ણ સ્થળે લઈ જઈને ધ્યાન શીખવશે. હવે એવું નક્કી કર્યું કે બધાં થોડા દિવસ આરામ કરશે અને પછી એકાંત સ્થળની વ્યવસ્થા કરશે. એ દિવસોમાં સ્વામીજી અલગ હોડીઘરમાં રહેવા છતાં પણ નાસ્તા સમયે નક્કી કરેલી હોડી પર આવી જતા. બધાંને મળતા અને અનેક વિષયો પર ચર્ચા કરતા. ક્યારેક ક્યારેક ફરવા માટે બધાં સાથે પણ નીકળતાં.
શ્રીનગરની પહેલી રાતે તો તેમને બધાંને શહેરના બંગાળી રાજકર્મચારીઓએ ભોજન માટે નિમંત્ર્યા હતા. ત્યાં પશ્ચિમના મહેમાનોમાંના એકે વાર્તાલાપ વખતે કહ્યું : ‘પ્રત્યેક રાષ્ટ્રનો ઇતિહાસ એટલે કેટલાક વિશિષ્ટ આદર્શાેનો વિકાસ અને તેનાં દૃષ્ટાંતો. એ રાષ્ટ્રના લોકોએ તેનું દૃઢપણે પાલન કરવું જોઈએ.’ પરંતુ ત્યાં હાજર રહેલા હિન્દુઓએ કહ્યું કે આવી સ્થિતિ પણ એક બંધન સિવાય બીજું કંઈ જ નથી; માનવ મન એનો હંમેશ માટે સ્વીકાર કરી શક્તું નથી. આખરે સ્વામીજીએ મધ્યસ્થ થઈને બંનેને સમજાવી દીધું કે, માનવ સ્વભાવની દૃષ્ટિમાં ભૌગોલિક કરતાં મનોવૈજ્ઞાનિક ભેદ જ વધારે મહત્ત્વપૂર્ણ અને સ્થાયી છે, એટલું તો બધા લોકો જરૂર સ્વીકારશે. એ પછી એમણે ત્યાં બેઠેલી વ્યક્તિઓમાંથી બે જાણીતી વ્યક્તિઓનાં નામ લઈને કહ્યું : ‘જુઓ, આમાંનાં પહેલાં ખ્રિસ્તી છે પણ બંગાળી મહિલા છે. તો પણ ખ્રિસ્તી ધર્મ પાળનારાઓમાં તેમને આદર્શ રૂપ કહી શકાય. બીજા ખ્રિસ્તી દેશમાં જન્મ્યા છે, તોપણ અનેક હિન્દુઓ કરતાં વધારે શ્રેષ્ઠ હિન્દુ છે. બધી બાજુથી વિચાર કરીને જોતાં શું એ વધારે ઇચ્છવા યોગ્ય નથી લાગતું કે આમાંથી પ્રત્યેકને એક-બીજાના દેશમાં જન્મ લઈને પોતપોતાના આદર્શનો શક્ય તેટલો પ્રચાર કરવો ?
સવારની ચર્ચાઓમાં ક્યારેક કાશ્મીરના જુદા જુદા ધાર્મિક યુગોના સંદર્ભમાં, ક્યારેક બૌદ્ધધર્મ કે નીતિશાસ્ત્ર ઉપર, તો ક્યારેક શિવપૂજનનો ઇતિહાસ તો વળી કનિષ્ક યુગનું કાશ્મીર – વગેરે વિષયો રહેતા. એક દિવસ બૌદ્ધધર્મ પર ચર્ચા કરતી વખતે તેમણે અશોકના ધર્મસમન્વયના કાર્ય વિષે કહ્યું : ‘વાસ્તવિકતા તો એ છે કે, અશોકના સમયમાં બૌદ્ધ ધર્મે જે કંઈ કરવાનો પ્રયત્ન કર્યો એ માટે જગત હવે છેક તૈયાર થયું છે.’ ઐતિહાસિક ઘટનાઓના ક્રમના આધારે એમણે સમજાવ્યું કે ‘અશોકના ધર્મસામ્રાજ્યને કઈ રીતે ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મનાં વારંવાર આવતાં મોજાઓએ છિન્ન ભિન્ન કરી દીધું. આમાંના દરેકે કઈ રીતે મનુષ્યોની ચેતના પર માત્ર પોતાના જ અધિકારનો દાવો કર્યો.’ અને અંતમાં તેમણે જણાવ્યું કે ક્યા ઉપાયોથી ધર્મોનો સમન્વય ટૂંકાગાળામાં જ શક્ય બનશે. (ક્રમશ 🙂
Your Content Goes Here





