આ ભૌતિકતા આપણને ક્યાં લઈ જશે?

૧૯મી સદીના અંત સુધી લગ્નનો આધાર ધર્મ કે ધાર્મિકભાવ હતો, સ્ત્રીઓ વૈવાહિકનિષ્ઠાને સન્માનની નજરે જોતી. બાળકોના હિતાર્થમાં રસરુચિ રાખતી. પરિવારના બધાં લોકો તથા ઘરનાં વડીલોવૃદ્ધોની સેવા પણ કરતી. આજે આ બધી બાબતો ક્રમશઃ લુપ્ત થતી જાય છે. માતપિતાની જીવન પદ્ધતિમાં આવેલા પરિવર્તનને લીધે બાળકોની દશા દુઃખમય બની ગઈ છે. અમેરિકામાં સરકાર દ્વારા સંચાલિત અનાથાલયોમાં માતપિતા દ્વારા ત્યજાયેલાં બાળકોની સંખ્યા વધતી જાય છે. માતપિતાના સ્નેહ અને એમની દેખભાળથી વંચિત આ બાળકો જ ભવિષ્યના નાગરિક બનવાનાં છે. આજના વિદ્યાર્થીઓમાં શિસ્ત, આજ્ઞાંકિતતાનો અભાવ, સ્વાર્થ-પરાયણતા અને હિંસા વધતી જ જાય છે. જે વૃદ્ધોને પોતાનાં સંતાનો દ્વારા સંરક્ષણ કે સેવા મળતાં નથી તેઓ પોતાની જાતને નિરાધાર માનતા થયા છે અને પોતાના જીવનના પૂરી ન શકાય તેવા એકાકીપણાને સહન કરવામાં નિર્બળ બને છે અને ક્યારેક આત્મહત્યા પણ કરી લે છે.

કિંસેનું આવું કહેવું છે, ‘અમેરિકાની નારીઓ વિવિધ પ્રકારના માનસિક રોગોથી પીડાઈ રહી છે. એનું મુખ્ય કારણ છૂટાછેડા કે લગ્ન પહેલાંના કે પછીના યૌનસંબંધમાં દેખાતી નૈતિક શિથિલતા અને એમાંથી ઊભી થતી સમસ્યાઓ પણ છે. આજે અમેરિકાની હોસ્પિટલોમાં માનસિક રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યા વધુ છે. એવું કયું તત્ત્વ છે કે જેણે લગ્નસંસ્થાની પવિત્રતા, પરિવારના સ્થાયિત્વ તેમજ બાળકોની સુરક્ષાને ભયમાં મૂકી દઈને આવી અસામાજિક આપત્તિને જન્મ દીધો છે. આ આપત્તિનું મૂળ કયું છે? એનુ મૂળ લોકોમાં ફેલાયેલો એવો તર્ક છે જે શારીરિક સુખના પક્ષમાં રજૂ કરાય છે અને એના દ્વારા યૌનસુખને પૂરેપૂરું મહત્ત્વ અપાય છે.

જે તર્ક માતૃત્વના મહત્ત્વને એકબાજુ મૂકી દે, અને જે ધારણા પુરુષ અને નારીને જીવનમાં એકબીજાના પ્રતિદ્વંદ્વી માનવામાં આવે એવો આ ભૌતિકવાદી દૃષ્ટિકોણ આજે દેખાતા જગત તથા ઈંદ્રિયોના સુખભોગને જ સર્વાેચ્ચ માને છે. આ ભૌતિકવાદી ભાવનાની આગ વિશ્વનાં લાખો-કરોડો નરનારીઓનાં હૃદયને બાળી રહી છે.’

જો વૈવાહિક જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય ભોગ અને સ્વાર્થપરાયણતા જ હોય તો પછી પતિપત્નીની વચ્ચે થનારા સંઘર્ષમાંથી કેવી રીતે બચી શકાય? ઈંદ્રિયસુખમાં નાની એવી ઊણપ આવતાં પતિ કે પત્ની એની ઝંખના અને શોધ બીજે કરવા લાગે છે. વળી એમનું પોતાનું સુખ જ એમની એક માત્ર પ્રેરણા છે એટલે એમનાં બાળકો આવારા બની જાય છે.

આવાં માતપિતા માટે બાળકો એમના પોતાના સુખમાં નડતરરૂપ અને બિનજરૂરી બોજો બની જાય છે. નવજાત બાળકને પાસે રાખવું એ એમની સુખસુવિધા અને આનંદ પ્રમોદમાં બાધક બની જાય છે, સ્તનપાન કરાવવાથી પણ માના શરીરના સૌંદર્ય પર અસર થાય છે. સાચી વાત તો એ છે કે એમને તો બાળકને જન્મ દેવો એ પણ દુઃખકષ્ટનું કારણ લાગે છે. બાળકોનું પાલન પોષણ એમના સ્વચ્છંદ વિહારમાં નડતરરૂપ બની જાય છે. શું આવાં બધાં બંધનોને તોડી નાખવા એ બુદ્ધિમાની નથી? – આધુનિક તર્ક તો આવું જ કહે છે.

સ્વેચ્છાચારિતાની ઉપાસના

આધુનિક દૃષ્ટિકોણનો અર્થ છે, બધાં અનુશાસન તથા સંયમને તિરસ્કાર કે અવગણનાના ભાવે જોવાં. વળી આ બાબતને ‘સ્વાધીનતાની ભાવના’ કહીને એનું સન્માન થાય છે. આ ભાવના આવું કહે છે, ‘મને સ્વચ્છંદતાપૂર્વક આચરણ કરવા દો. તમે મને પ્રશ્ન કરનાર કોણ? મારી સ્વતંત્રતામાં અડચણરૂપ બનનાર તમે કોણ છો? હંુ કોઈ નિયમનો દાસ કે દાસી નથી રહેવા ઈચ્છતો કે ઈચ્છતી. હું પૂર્ણતઃ સહજ અને સ્વાભાવિક રહેવા ઈચ્છું છું.’ પણ સાચી સ્વાધીનતાનો અર્થ આવો છે- બધી તકોનો લાભ લઈને પોતાના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરવો અને પોતાના નક્કી કરેલા પથ પર આગળ વધવું. હવે આત્મસંયમ વિના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ ન થઈ શકે.

માંસપેશીઓને વિકસિત કરવા ઈચ્છનારે નિયમિતરૂપે વ્યાયામ, કસરત કરવાં પડે. કોઈ લક્ષ્યની પ્રાપ્તિ માટે એની એક નિયમાવલિ બનાવીને એનું પાલન કરવું. એ આપણી સ્વતંત્રતા પર પ્રતિબંધ મૂકવા જેવું લાગી શકે, પરંતુ પોતાના હિત માટે પણ આ પ્રતિબંધ જરૂરી છે.

પોતાના પર પ્રતિબંધ-સંયમ મૂકીને જ આપણે શારીરિક દુર્બળતામાંથી બચીએ છીએ અને ઉત્તમ સ્વાસ્થ્ય મેળવી શકીએ છીએ. સ્વાધીનતાના વિકાસ માટે સંયમ જરૂરી છે. પ્રકૃતિ સર્વત્ર નિયમોનું અનુસરણ કરે છે. મનુષ્યે પણ પોતાના સર્વાંગી વિકાસ માટે નિયમોનું પાલન કરવું પડે તો જ તેને અંતે સ્વાધીનતાના મીઠાં ફળ ચાખવા મળે. ભગવાન બુદ્ધે કહ્યું હતું, ‘જેમ છત વિનાના મકાનમાં વરસાદનું પાણી પ્રવેશી જાય છે, તેવી રીતે સંયમ વિનાના મનમાં પણ ખરાબ વિચારો પ્રવેશી જાય છે.’

કામ એક સ્વાભાવિક પ્રવૃત્તિ છે, એને લીધે પ્રકૃતિ પ્રજનનમાં વૃદ્ધિ કરીને વિભિન્ન પ્રજાતિઓનું રક્ષણ કરે છે. ‘મારી કામભાવનાની પૂર્તિ થવી જોઈએ, પરંતુ હું સંતાનોના લાલન-પાલનની જવાબદારીની પરવા કરતો કે કરતી નથી.’ એમ કહેવું એ પ્રકૃતિના નિયમ વિરુદ્ધનું આચરણ છે.

પિટ્રિમ સોરોકિન પોતાના પુસ્તક ‘સેફ સેક્સ ઓર્ડર- સ્વસ્થ યૌન વ્યવસ્થા’માં કહે છે, ‘યૌન સંબંધની સ્વાધીનતાને ઘણી કડકાઈથી સંયમિત કરનાર સભ્યસમાજે સર્વાેચ્ચ સંસ્કૃતિ વિકસાવી છે. સંપૂર્ણ માનવ જાતિના ઈતિહાસમાં એકપણ એવું ઉદાહરણ નથી મળતું કે જેમાં એક પતિ પ્રત્યે નિષ્ઠા રાખવાની કઠોર પ્રથામાં જન્મનાર, ઊછરનાર સ્ત્રીઓ વિના કોઈ સમાજ કોઈપણ પ્રકારની બુદ્ધિવાદી સંસ્કૃતિ તરફ આગળ વધવામાં સમર્થ બન્યો હોય.’

વિશેષજ્ઞોનું એવું કહેવું છે કે જો સ્ત્રીઓ સ્વાર્થી બનીને બાળકોને જન્મ દેવાના તથા તેમનાં પાલનપોષણ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવી લે છે, તેઓને પ્રકૃતિના નિયમોનું ઉલ્લંઘન કરવાનું મૂલ્ય ચૂકવવું પડે છે. આનો સારાંશ એ છે કે પોતાનાં બાળકોને સ્તનપાન ન કરાવનાર સ્ત્રીઓમાં સ્તનના કેન્સર થવાની શક્યતા વધુ છે. બાળકોને જન્મ દેવામાં તથા તેના લાલનપાલન કરવાના કામથી બચનારી સ્ત્રીઓને મનોરોગી બનવું પડે છે. આવી સ્ત્રીઓ ચીડિયા સ્વભાવની બની જાય છે, નાનીનાની બાબતે ઝઘડા કરતી રહે છે અને અંતે વાત છૂટાછેડા સુધી આગળ વધે છે. સમાજશાસ્ત્રના વિશેષજ્ઞોનો આવો જ મત છે. સામાજિક સ્વાસ્થ્ય અને સમાજના અસ્તિત્વનો તથા તેનો વિકાસ સ્ત્રીપુરુષ વચ્ચેના સંબંધોની પવિત્રતા પર આધારિત છે. આ સર્વજન સ્વીકૃત મત કે વિચાર છે. કોઈપણ સાચો વૈજ્ઞાનિક કે ચિંતક ક્યારેય આ સત્યનો ઈન્કાર ન કરી શકે.

ધર્મ અને આધ્યાત્મિક આદર્શાે વિના નરનારીની વચ્ચે સંબંધોની પવિત્રતાને સદાને માટે જાળવી રાખવી સંભવ નથી. એક ઉચ્ચ આદર્શ પ્રત્યે દૃઢ પ્રતિબદ્ધતા વિના આપણે પરસ્પર સમજદારી, સહિષ્ણુતા, સહયોગ અને સન્માનનું જીવન જીવી શકતા નથી. મહારાષ્ટ્રના એક મહાન દેશભક્ત સાને ગુરુજી પોતાના ‘ભારતીય સંસ્કૃતિ’નામના પુસ્તકમાં વિવાહને આદર્શ માનતા આમ લખે છે, ‘સ્ત્રી અને પુરુષની વચ્ચેનો સંબંધ પવિત્ર પ્રેમ પર આધારિત હોવો જોઈએ. સ્ત્રીને કોઈ વ્યક્તિની સંપત્તિ ન માનવી જોઈએ. સ્ત્રીને પોતાનું મન અને ભાવનાઓ હોય છે. એમને પણ આત્મા છે, સ્વાભિમાન છે અને તે સુખદુઃખનો અનુભવ કરી શકે છે.

પુરુષોએ આ વાત યાદ રાખવી જોઈએ કે સંસારમાં નારી એક મહાન શક્તિ છે. આ શક્તિ સાથે કાર્ય કરનાર પુરુષો પાસે પણ દૈવી સદ્ગુણ હોવા જોઈએ. પારિવારિક જીવનનું સુખ સ્ત્રીપુરુષ વચ્ચેના પવિત્ર સંબંધ પર આધારિત છે. એમનો સંબંધ આત્મસંયમ અને અનુશાસન પર આધારિત બનવો જોઈએ. ભારતીય પૌરાણિક કથામાં શિવ અને શક્તિના સંયોગની એક સુંદર વાત છે, અને એ આત્મસંયમ પર આધારિત છે. એનાથી જ મહાબલિ કાર્તિકેયના જન્મનો માર્ગ ખુલ્લો થયો. એ જ કાર્તિકેય પછીથી દેવતાઓ અને મનુષ્યોને રાક્ષસોના પંજામાંથી છોડાવે છે. સ્ત્રી અને પુરુષ વચ્ચેનો પવિત્ર સંબંધ સબળ, સાહસિક અને બુદ્ધિમાન સંતાનોને જન્મ આપે છે.’

Total Views: 820

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.