ગયા અંકોમાં આપણે જોયું કે સ્વામી વિવેકાનંદે વિશ્વભરમાં વેદાંતનો પ્રચાર કર્યો અને ‘શિવજ્ઞાને જીવસેવા’ના ઉદ્દેશને કાર્યાન્વિત કરવા ભારતમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આ અદ્‌ભુત સંઘર્ષને પરિણામે તેઓનું સ્વાસ્થ્ય પડી ભાંગ્યું અને તેઓ ચિકિત્સકની સલાહ અનુસાર સ્વાસ્થ્યોદ્ધાર માટે ફરીથી અમેરિકા આવ્યા. પરંતુ સ્વામીજીને અમેરિકા લઈ આવવા પાછળ મા ભગવતીની એક બીજી જ ઇચ્છા હતી. ૩ ડિસેમ્બર, ૧૮૯૯ના રોજ સ્વામીજી કેલિફોર્નિયા રાજ્યમાં પધાર્યા જ્યાં તેઓએ ૬ મહિના રહી દિવ્ય આનંદમય એક નવો જ સંદેશ પ્રચારિત કર્યો.

ડિસેમ્બર, ૧૮૯૯ દરમિયાન એમણે લખેલ પત્રોમાં સ્વામીજી પોતાના સ્વાસ્થ્ય સંબંધે શું કહે છે તેનું સંકલન અહીં પ્રસ્તુત છે :

સ્વામીજીનું સ્વાસ્થ્ય

આ શહેરમાં હું હવે થોડા દિવસ રહેવા માગું છું. પછી ક્યાં, તે ‘મા’ જાણે! કેટલાય મહિનાઓ પછી મને શરીરે સારું લાગે છે. હૃદયની નબળાઈ લગભગ જતી રહી છે. અગ્નિમાંદ્ય પણ ઘણું ઘટી ગયું છે. હૃદય પર કશી અસર વિના હવે હું માઈલો ચાલી શકું છું. આ પ્રગતિ ચાલુ રહી તો મને નવજીવનની આશા છે.

મારા વિશે લખું, તો મને હમણાં પાછો દરદનો હળવો હુમલો આવ્યો હતો અને તેનો ઉપચાર કરવાને ઉપચાર કરનારે ઘસીઘસીને મારી ચામડી કેટલાક ઈંચ સુધી ઉતારી નાખી. અત્યારે હું તેની બળતરા અનુભવી રહ્યો છું. … માનિસક રીતે હું ઘણો સારો છું; ખરું તો અત્યારે છું તેવો શાંત હું ખરેખર કદીયે નહોતો. એક તો વ્યાખ્યાનો મારી ઊંઘને બગાડતાં નથી, તે પણ એક ફાયદો છે.

આકર્ષણની સારવારની હાથચાલાકીથી હું ખરેખર સાજો થતો જાઉં છું ! ગમે તેમ પણ હું સ્વસ્થ થઈ ગયો છું. મારા શરીરના અવયવોની બાબતમાં કંઈ જ ગંભીર દર્દ ન હતું; ફક્ત જ્ઞાનતંતુની નબળાઈ અને અજીર્ણ હતાં.

હવે તો હું જમ્યા પહેલાં કે જમ્યા પછી ગમે તે સમયે, દરરોજ માઈલો સુધી ચાલું છું. હું પૂર્ણપણે સ્વસ્થ છું; અને મારી ખાતરી છે કે હું તેવો જ રહેવાનો છું.

‘જૉ’ એ લોહચુંબક વડે ઉપચાર કરનાર કોઈ સ્ત્રી શોધી કાઢી છે. અમે બંને તેની સારવાર લઈએ છીએ. ‘જાૅ’ એમ માને છે કે તેનાથી હું સરસ રીતે સાજો થતો જાઉં છું; અને પોતાની ઉપર તો એની જાદુઈ અસર થયાનો એનો દાવો છે. એ ભલે લોહચુંબકનો ઉપચાર હોય કે કેલિફોર્નિયાની ઓઝોનભરી દરિયાની હવા હોય કે ખરાબ ‘કર્મો’ના આ તબક્કાનો અંત હોય, ગમે તે હોય, પણ મારી તબિયત સુધરતી જોઉં છું. ભારે જમણ લીધા પછી પણ, ત્રણ ત્રણ માઈલ ચાલી શકવું તે મારે માટે ઘણી મોટી વાત છે.

તમને જાણીને આનંદ થશે કે હું સાજો થઈ ગયો છું. ઉપચારકો કહે છે કે માત્ર અજીર્ણ હતું; હૃદય કે મૂત્રાશયની તકલીફ કે બીજું કંઈ જ ન હતું અને ભારે ખોરાક ખાધા પછી હું રોજના ત્રણ માઈલ ચાલુ છું.

કહું છું કે – જેણે મને સાજો કર્યો તેણે મને ધૂમ્રપાન ચાલુ રાખવાનો આગ્રહ કર્યો છે ! તેથી હું મારી ચૂંગી મોજથી પીઉં છું અને તેથી વધારે લહેરમાં છું. સાદી અંગ્રેજી ભાષામાં કહું તો જે ગભરામણ વગેરે હતું તે અજીર્ણના કારણે હતું; બીજું કંઈ ન હતું.

…. હું હવે કામે પણ ચડ્યો છું. કામ કરું છું, પણ સખત નહીં. પણ મને તેની પરવા નથી; આ વખતે મારે સારી રીતે પૈસા પેદા કરવા છે. આ વાત માર્ગાેટને કહેજો- ખાસ કરીને ચૂંગીની વાત તો જરૂર કહેજો. મને કોણ સાજો કરે છે તે તમે જાણો છો ? કોઈ વૈદ્ય નહીં; કોઈ ક્રિશ્ચિયન સાયન્સવાળો ઉપચારક પણ નહીં, પરંતુ લોહચુંબક જેવી શક્તિ ધરાવનાર ઉપચાર કરનાર સ્ત્રી – તે જ્યારે ઉપચાર કરે છે ત્યારે મારી છાલ ઉતારી નાખે છે. અદ્‌ભુત ! માલીશ દ્વારા તે શસ્ત્રક્રિયા – અંદરની શસ્ત્રક્રિયાઓ પણ – કરે છે, તેના દરદીઓ મને આમ કહે છે. …

અહીં ઉત્તર હિંદુસ્તાનના શિયાળા જેવું જ છે; માત્ર કેટલાક દિવસો સહેજ ગરમ રહે છે. ગુલાબ અને સુંદર તાલવૃક્ષો પણ અહીં છે. ખેતરમાં જવ ઊભા છે અને જે પર્ણકુટિમાં હું રહું છું તેની આજુબાજુ ગુલાબ અને બીજાં પુષ્પો છે. મારાં યજમાન શ્રીમતી બ્લોજેટ શિકાગોનાં બાનુ છે – સ્થૂળકાય, વૃદ્ધ અને અત્યંત રમૂજી વૃત્તિવાળાં. તેમણે મારું શિકાગોમાં ભાષણ સાંભળેલું અને મારા પ્રત્યે ઘણો જ માતૃભાવ રાખે છે.

હું અહીં આવ્યો તે સારું થયું, કારણ કે એક તો હું સાજો થઈ ગયો. તને આ કેવું લાગે છે – રોજ ચાલી શકું છું અને વધારે જમ્યા પછી ત્રણ માઈલ ચાલી શકું છું ! સરસ ! ખરું ને ? …

કિડનીઓની કે હૃદયની મને કશી તકલીફ નથી એમ મને લાગે છે. બધું અજીર્ણને કારણે હતું અને હવે એ બધું પૂરું થયું લાગે છે. એક માસ વધારે અને હું પાછો સિંહ જેવો બળવાન થઈ જઈશ અને ખચ્ચર જેવો મજબૂત.

પાેતાના ગુરુભાઈઓ પ્રતિ

પરંતુ સ્વામીજીને અણસારો આવી ગયો હતો કે પૃથ્વી પર તેમનું કાર્ય સમાપ્ત થવાની અણી પર છે અને તેમની જીવનજ્યોત હવે ટમટમ થઈ રહી છે જે ટૂંક સમયમાં ઓલવાઈ જશે. અને સાચે જ તેઓની સામે હવે માત્ર અઢી વર્ષનો જ જીવનકાળ બાકી હતો. તેઓ રામકૃષ્ણ મિશનની કાર્યશૈલી અને નાણાકીય વ્યવહાર સંબંધે પોતાના ગુરુભાઈઓને સંપૂર્ણ પગભર બનાવી દેવા અધીર બની ગયા હતા. પરંતુ સ્વામીજી ટૂંક સમયમાં જ તેઓનો ત્યાગ કરી સ્વ-સ્વરૂપમાં વિલીન થઈ જશે અને મિશનનો સંપૂર્ણ કાર્યભાર પોતાની ઉપર આવી પડશે, એ અંદાજ તેઓના ગુરુભાઈઓને આવ્યો ન હતો તેથી તેઓ કાર્ય અને નાણાની જવાબદારી સ્વીકારવાનું ટાળતા હતા. નાછૂટકે સ્વામીજીએ કઠોર ભાષામાં તેઓને ઠપકો આપવો પડ્યો. આ ઘટના વિશે શરદ મહારાજના પત્ર દ્વારા જાણીને મિસિસ ઓલી બુલનું માતૃહૃદય દ્રવિત થયું અને તેઓએ સ્વામીજીને એનો ખુલાસો માગતો પત્ર લખ્યો, જેનો ઉત્તર સ્વામીજીએ આપ્યો :

મારા કાર્યકરો પ્રત્યે કડક ભાષા વાપરવા માટે હું બહુ જ દિલગીર છું, પરંતુ તેઓ એ પણ જાણે છે કે આ પૃથ્વી પર બીજા કોઈના કરતાં હું તેમને વધારે ચાહું છું.

મને ઈશ્વરી મદદ મળી હોય એ ખરું પણ એ ઈશ્વરી મદદનો એકેએક કણ એક એક શેર રક્તથી મારે વાળી આપવો પડ્યો છે ! હું તો તેના વિનાનો જ વધારે રાજી અને વધારે સારો હોત. ખરેખર, વર્તમાન ખૂબ અંધકારમય લાગે છે. પણ હું તો યોદ્ધો છું, એટલે લડતાં લડતાં જ મરીશ પણ મચક નહિ આપું. તેથી જ હું સાથીઓ પર ખિજાઉં છું. હું તેમને લડવાનું નથી કહેતો, પણ મારી લડાઈમાં વિઘ્ન ન નાખવાનું કહું છું.

મારા ભાગ્ય વિશે હું ફરિયાદ નથી કરતો. પણ હવે તો મારે એકાદ માણસની જરૂર છે. મારો એકાદ સાથી એવો હોવો જોઈએ જે મારી પડખે ઊભો રહે અને બધી વિપત્તિઓ સામે ઝઝૂમે.

મારાથી ઘણી મોટી ભૂલો થઈ છે; પણ તે દરેક મારા વધુ પડતા સ્નેહનું પરિણામ છે. ધિક્કાર છે એ ‘પ્રેમ’ને ! મારામાં કદી પણ જરાય ભક્તિ જ ન હોત તો બહુ સારું થાત ! ખરેખર, હું તો ઇચ્છું છું કે હું શુષ્ક અને લાગણીહીન અદ્વૈતવાદી થઈ શકું. વારુ, આ જિંદગી તો હવે ગઈ છે; આવતા જન્મે પ્રયત્ન કરીશ. મને ખાસ કરીને અત્યારે દુ :ખ થાય છે કે મારા સ્નેહીઓનું કલ્યાણ કરવા કરતાં મેં તેમનું નુકસાન વધારે કર્યું છે. જે શાંતિ, જે નિશ્ચિંતતા હું શોધતો હતો તે મને કદી મળ્યાં જ નહિ.

વર્ષો પૂર્વે હું હિમાલય ગયેલો; ત્યાંથી હું કદી પાછો ફરવા માગતો ન હતો. પરંતુ મારી બહેને આપઘાત કર્યાના ખબર મને ત્યાં મળ્યા અને મારા નિર્બળ હૃદયે એ શાંતિની આશાના સ્થાનમાંથી મને નીચે ધકેલી દીધો! એ જ નિર્બળ હૃદયે મારા વહાલા દેશબાંધવો માટે કંઈક મદદ મેળવવા મને ભારતની બહાર ધકેલ્યો અને હું અહીં આવ્યો ! મેં ઝંખી છે શાંતિ, પરંતુ ભક્તિનું સિંહાસન પેલું હૃદય, મને શાંતિ લેવા દેતું નથી. કેવળ, પ્રયત્ન અને કલેશ અને પ્રયત્ન ! ખેર; મારા નસીબમાં જ તે છે તો ભલે રહ્યાં; અને એ જેટલાં જલદી પૂરાં થાય તેટલું વધુ સારું. લોકો કહે છે કે હું ઊર્મિલ છું; પણ સંજોગો તો જુઓ ! તમે મને આટલું બધું ચાહો છો અને અત્યંત મમતા દર્શાવો છો, છતાં તમારા જ દુ :ખનું હું કારણ થયો છું તે બદલ હું દિલગીર છું. પણ એ બની ગયું – એ એક હકીકત હતી. હવે હું તે ગાંઠ કાપવાનો છું; અને નહિતર પ્રયત્ન કરતાં કરતાં જ મરીશ. …

એક ક્ષણ પણ ધારશો નહિ કે હું કાર્ય પડતું મૂકીશ. ભગવાન તમારું કલ્યાણ કરો. ઈશ્વરે જો મને તેનો ભાર ઉપાડવા, તેનું કાર્ય કરવાનું હથિયાર બનવા અને રસ્તા પર રઝળતો મરી જવા સર્જ્યાે હોય તો ભલે તે તેમ કરે. … ‘વાહ ગુરુકી ફતેહ !’ ગુરુદેવનો જય હો ! હા, ભલે સામે જગત આવે, નરક આવે, દેવો આવે, મા ભગવતી આવે, તો પણ હું તો લડીશ અને ઢીલો નહિ પડું. રાવણે સાક્ષાત્ ભગવાન સાથે લડાઈ કરીને ત્રણ જ જન્મમાં મુક્તિ મેળવેલી ! ભગવતી સામે લડવું એમાં તો ગૌરવ છે.

 

Total Views: 575

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.