સત્ય-અસત્ય માટે વિવેક

એકવાર ભગવાન બુદ્ધ કૌશલ જનપદમાં આવેલ કેસપુત્ત નિગમમાં આવ્યા. એક રાત્રીએ એમનું પ્રવચન યોજાયું. પ્રવચન પૂરું થયા પછી એક શિષ્યે ભગવાન બુદ્ધને પ્રશ્ન પૂછ્યો: ‘મહાશય, આ કેસપુત્તમાં જ્યારે કોઈ શ્રમણ આવે છે ત્યારે એ પોતાના મતનો પ્રચાર કરે છે અને બીજાના મતનું ખંડન કરે છે. એ વખતે અમે ‘કોનું કથન સાચું અને કોનું ખોટું’ એવા ભ્રમમાં પડી જઈએ છીએ.’

ભગવાન તથાગતે કહ્યું: ‘મિત્રો, આવી રીતે તમારું ચિત્ત વિચલિત બની જાય એ સ્વાભાવિક છે. વાસ્તવિક રીતે સંશય કે ભ્રમમાંથી જ જ્ઞાન ઉદ્‌ભવે છે. એટલે તમારી સામે ઉચ્ચારાયેલ વચન તમારી શ્રુતિ છે એમ માનીને સત્ય ન માની લો. પણ તમે પોતે જેને સદૈવ સત્ય જ માનો છો કે માનતા રહ્યા છો, એને જ તમારે સાચું માનવું. આવું તો છે જ, એવું કહીને પણ કોઈ વાતને સાચી ન માનવી. ‘પિટક’ (ધર્મશાસ્ત્ર)માં અમુક બાબતોનું અનુમોદન કરવામાં આવ્યું છે અથવા એ તર્કસંગત કે ન્યાયપૂર્ણ છે, એટલે પણ સાચું ન માનવું. મત વ્યક્ત કરનાર વ્યક્તિનું રૂપ તેમજ એના આકર્ષક વ્યક્તિત્વથી આકર્ષાઈને કે તે શ્રદ્ધાવાન છે કે આચાર્ય છે એટલે એનું કથન સત્ય હશે એવી ભ્રાંતિમાં પડવું શ્રેયષ્કર નથી. પરંતુ તમારો વિવેક કહે કે આ સત્ય છે અને તે અસત્ય છે ત્યારે જ તમે સત્ય કે અસત્ય માનજો.’

જ્યાં સુમતિ ત્યાં વિવિધ સંપત્તિ

ભગવાન બુદ્ધ પાટલીપુત્રમાં આવ્યા છે. પાટલીપુત્રની દરેક વ્યક્તિ પોતપોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે એમને ભેટસોગાત આપવાની યોજના કરવા લાગ્યા. રાજા બિબિંસાર એમની પાસે ગયા. તેઓ પોતાના રાજકોશમાંથી કીમતી હીરા-મોતી, રત્ન લાવ્યા અને ભગવાન બુદ્ધનાં ચરણે ધર્યાં. ભગવાન બુદ્ધે બધાંનો એક હાથે સહર્ષ સ્વીકાર પણ કર્યો. ત્યાર પછી રાજાના મંત્રીઓ આવ્યા. નગરના શેઠ શાહુકારો આવ્યા અને ધનિક લોકો પણ આવ્યા. એમણે પોતપોતાની રીતે ઉપહાર અર્પણ કર્યા અને ભગવાન બુદ્ધે એક હાથે એ બધાનો સ્વીકાર કર્યો.

આ સમય દરમિયાન ૭૦-૮૦ વર્ષની એક વૃદ્ધ સ્ત્રી લાકડીને ટેકે ટેકે ત્યાં આવી. એનાથી બરાબર ચાલી શકાતું ન હતું. ભગવાન બુદ્ધને પ્રણામ કરીને એમણે કહ્યું: ‘પ્રભુ, આપના આગમનના સમાચાર મને હમણાં હમણાં જ મળ્યા. એ વખતે હું દાડમ ખાતી હતી. મારી પાસે કોઈ બીજી ચીજવસ્તુ તો હતી નહિ એટલે મેં અડધું ખાધેલું દાડમ આપને માટે લાવવાનું નક્કી કર્યું. એ ફળ લાવી છું. હે પ્રભુ, જો મારી આ તુચ્છ ભેટનો સ્વીકાર કરશો તો હું મારી જાતને સદ્‌ભાગી માનીશ.’ ભગવાન બુદ્ધે પોતાના બંને હાથ લંબાવીને એ વૃદ્ધ સ્ત્રીનું અડધું ખાધેલું દાડમ પ્રેમથી સ્વીકારી લીધું. આ જોઈને રાજા બિંબિસારને ઘણું આશ્ચર્ય થયું. એમણે ભગવાન બુદ્ધને કહ્યું: ‘ભગવાન, માફ કરજો. પણ મારે એક પ્રશ્ન પૂછવો છે. મારા મનની શંકાનું સમાધાન કરશો એવી અપેક્ષા છે. જુઓ, અમે બધાએ આપને અત્યંત મૂલ્યવાન અને મોટી મોેટી ભેટસોગાત આપી. એ બધી આપે એક હાથે જ સ્વીકારી. પણ આ વૃદ્ધ નારીએ આપેલું એઠું દાડમ આપે બંને હાથે સ્વીકાર્યું, એવું કેમ? આ સાંભળીને ભગવાન બુદ્ધ હસ્યા અને કહ્યું: ‘રાજન્‌, આપ બધાએ ખરેખર બહુમૂલ્ય ભેટ આપી છે. પણ એ બધી ભેટો આપની સંપત્તિના દસમા ભાગ જેટલી પણ નથી. વળી તમે બધાએ મૂલ્યવાન વસ્તુઓનું દાન કરીને પોતાની મોટાઈ બતાવાનો પ્રયત્ન કર્યો. આપે આ દાન દીનહીનનાં કલ્યાણ માટે નથી કર્યું. એટલે આપનું દાન સાત્ત્વિક દાન ન કહેવાય. એનાથી ઊલટું આ વૃદ્ધ નારીએ પોતાની પાસે દેવાનું કંઈ ન હતું છતાં પણ મોઢાનો એક કોળિયો મને આપી દીધો. પછી ભલે એમણે સાવ ક્ષુદ્ર ભેટ કેમ ન આપી હોય! એમણે જે કંઈ આપ્યું છે એ સાચા અંત:કરણથી આપ્યું છે. આ વૃદ્ધ નારી નિર્ધન છે, પણ એને સંપત્તિની લાલસા નથી. એટલે જ આ સાવ તુચ્છ વસ્તુને જ એ પોતાની સંપત્તિ ગણે છે અને એનાથી એને સંતોષ પણ છે. એટલે જ મેં એમના દાનને ખુલ્લા હૃદયે, બંને હાથે સ્વીકાર્યું છે.’

પ્રમાદને કેમ ઓળખવો?

ભગવાન બુદ્ધ કોંડિયાનગરમાં ભ્રમણ કરતા હતા. અનેક ભિક્ષુઓ અને લોકોને પોતાના જ્ઞાનનો લાભ આપતા હતા. એક દિવસ ભિક્ષુ સંગામજીએ પ્રશ્ન પૂછ્યો: ‘હે ભગવંત, સંસારના પ્રમાદમાં ફસાયેલા અને એમાં જ પડી રહીને જીવતા લોકોને કેવી રીતે ઓળખી શકાય?’ એ સમયે તો ભગવાન બુદ્ધે એ ભિક્ષુના પ્રશ્નનો ઉત્તર ન આપ્યો. એને બદલે તેઓ તો બીજા વિષય ઉપર જ ચર્ચા કરતા રહ્યા.

આ ચર્ચાસભાના બીજા દિવસે એમને કોલીય પુત્રી સુપ્પવાસાના ઘરે ભોજનનું નિમંત્રણ મળ્યું. સુપ્પવાસા સાત વર્ષ સુધી ગર્ભધારણ કરવાનું દુ:ખકષ્ટ ભોગવી ચૂકી હતી. ભગવાન બુદ્ધની કૃપાથી એને આ કષ્ટમાંથી છૂટકારો મળ્યો હતો. ભગવાન બુદ્ધની કૃપાથી પોતાનું કષ્ટ દૂર થયું એટલે એમણે શ્રદ્ધાભાવથી ભિક્ષુસંઘને ભોજન માટે આમંત્રણ આપ્યું. ભોજન કરતી વખતે ભગવાન તથાગતે જોયું કે સુપ્પવાસાનો પતિ નવજાત શિશુને લઈને નજીક જ ઊભો છે. બાળક સાત વર્ષ સુધી ગર્ભમાં રહ્યું હતું એટલે એ ખૂબ વિકસિત અને સુંદર પણ હતું. એમની ક્રિડા કરવાની રીતભાત અત્યંત મનમોહક હતી. તે પોતાની માતા પાસે જવા માટે વારંવાર તલસતું હતું. ભગવાન બુદ્ધે હસતાં હસતાં સુપ્પવાસાને પ્રશ્ન પૂછ્યો: ‘બેટી, જો તને આવા પુત્ર મળે તો તું કેટલા પુત્રોની કામના કરી શકે છે?’ સુપ્પવાસાએ ભગવાન બુદ્ધના પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું: ‘હે ભગવાન, મારી કુખે આવા સાત પુત્રો જન્મે તો પણ હું દુ:ખી ન થાઉં.’

ભિક્ષુ સંગામજી નજીકમાં જ બેઠા હતા. આ સ્ત્રીના ઉત્તરથી એમને એ આશ્ચર્ય થયું કે ગઈ કાલ સુધી તો પ્રસવની પીડાથી ઘણી આકુળવ્યાકુળ હતી અને આજે એક નહિ પણ આવા સાત-સાત પુત્રોની કામના કરી રહી છે! ભગવાન બુદ્ધે સંગામજીના મનને વાંચી લીધું અને પછી કહ્યું: ‘ભાઈ, તમારા ગઈકાલના પ્રશ્નનો આ જ ઉત્તર છે.’

આત્મશ્રદ્ધા જ સાચું બળ

કપિલવસ્તુના રાજકુમાર સિદ્ધાર્થ કઠિન તપશ્ચર્યા કરીને ગૌતમ બુદ્ધ બન્યા. એમણે બૌદ્ધધર્મની સ્થાપના કરી. જન્મ-જરા-વ્યાધિ-મૃત્યુના દુ:ખથી પીડાતી આ દુનિયાને સુખશાંતિ અપાવે એવું અમૃત શોધવા ગૃહત્યાગ કરીને નીકળી પડ્યા વનની વાટે. કેટકેટલીય તપશ્ચર્યા પછી પણ એમને સત્યનાં દર્શન ન થયાં. અહીંતહીં ભમતા-ફરતા રહ્યા પણ ક્યાંય આ દુનિયાના દુ:ખની દવા ન મળી. અંતે એમના મનને હતાશાએ ઘેરી લીધું. વારંવાર એમના મનમાં આવા વિચારો આવવા લાગ્યા: ‘ચાલો, રાજમહેલમાં જ પાછા ચાલ્યા જઈએ. અહીં કંઈ વળવાનું નથી.’

એક દિવસ તો તેઓ કપિલવસ્તુ તરફ પાછા ફરી રહ્યા હતા. ચાલતાં ચાલતાં રસ્તામાં એમને તરસ લાગી. સામે જ એક સુંદરમજાનું સરોવર હતું. તેઓ એ સરોવરના કિનારે આવીને ઊભા રહ્યા. પાણી પીવા જતા હતા ત્યાં જ તેમની નજર એક ખિસકોલી પર પડી. એમને માટે ખિસકોલી કોઈ દુર્લભ પ્રાણી ન હતું પણ ખિસકોલી જે રીતે પ્રયાસ કરતી હતી એના તરફ કુમાર સિદ્ધાર્થનું ધ્યાન આકર્ષાયું. વાત આવી હતી – એ ખિસકોલી વારંવાર પાણી પાસે જતી, પોતાની પૂંછડી એમાં ડૂબાડતી અને કિનારાની રેતી પર આવીને પોતાની પૂંછડીમાંથી પાણી ખંખેરતી. સિદ્ધાર્થથી ચૂપ ન રહેવાયું. એમણે પૂછી નાખ્યું: ‘અરે! નાની એવી ખિસકોલી, તું આ શું કરે છે?’ ખિસકોલીએ મક્કમતાથી જવાબ આપ્યો: ‘હું તો આ સરોવરને સૂકવી રહી છું.’

ખિસકોલીનો ઉત્તર સાંભળીને સિદ્ધાર્થના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમણે કહ્યું: ‘તું આ કામ ક્યારેય પૂરું નહિ કરી શકે. તું ભલે હજાર વર્ષ જીવ કે પછી કરોડો અને અબજો વર્ષ જીવ અને આ જ રીતે પૂંછડીને પાણીમાં ડૂબાડીને રેતીમાં ખંખેરતી રહે પણ આ સરોવર સૂકાઈ જાય એ વાતમાં માલ નથી.’

એ સાંભળીને ખિસકોલીએ કહ્યું: ‘તમે ભલે એમ માનો, પણ હું એમાં માનતી નથી. હું તો આટલું જ જાણું છું કે મનમાં જે કાર્ય કરવાનો નિશ્ચય કર્યો એના પર અટલ રહેવાથી જ એ કાર્ય થઈ જાય. ભાઈ, હું તો મારું કામ કરતી રહીશ.’ અને ખિસકોલી તો વળી પાછી પોતાની પૂંછડી સરોવરમાં પલાળવા ચાલી નીકળી.

નાની મજાની આ ખિસકોલીની વાતે સિદ્ધાર્થના હૃદય પર જબરી અસર કરી. એમને પોતાના મનની નિર્બળતાનો ખ્યાલ આવ્યો. તેઓ વળી પાછા જંગલમાં ગયા અને પોતાના તપમાં લીન થઈ ગયા.

એટલે જ સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘જગતનો ઇતિહાસ એટલે એવા અલ્પસંખ્યક માનવીઓનો ઇતિહાસ કે જેમને પોતાનામાં શ્રદ્ધા હતી.’

Total Views: 134

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.