પ્રેમ, અંતરની સચ્ચાઈ અને ધીરજ સિવાય બીજું કાંઈ જરૂરનું નથી. વિકાસ, એટલે કે વિસ્તાર અથવા પ્રેમ, એ સિવાય જીવનમાં બીજું શું છે? માટે સર્વ પ્રકારનો પ્રેમ એ જીવન છે. જીવનનો એ એક જ નિયમ છે. સર્વ પ્રકારનું સ્વાર્થીપણું એ જ મૃત્યુ છે. વળી, આ નિયમ આ લોકમાં કે પરલોકમાં બધે સાચો છે. અન્યનું ભલું કરવું એ જ જીવન છે, અને તેમ ન કરવું તે મૃત્યુ છે. જે નેવું ટકા માનવરૂપી પશુઓને તમે જુઓ છો તે મરેલા છે, પ્રેતો છે, કારણ કે ઓ મારા શિષ્ય! પ્રેમ કરનાર સિવાય કોઈ જીવંત નથી. મારા બાળકો! અન્ય માટે લાગણી રાખતાં શીખો; ગરીબ, અજ્ઞાની અને કચડાયેલાં માટે લાગણી રાખો; એટલી હદ સુધી લાગણી રાખો કે તમારું હૃદય બંધ પડી જાય, મગજ ઘૂમ્યા કરે અને તમને લાગે કે તમે પાગલ થઈ જશો; અને પછી ઈશ્વરને ચરણે હૃદયની વ્યથાને ધરી દો. ત્યાર પછી આવશે શક્તિ, સહાય અને અદમ્ય ઉત્સાહ. છેલ્લાં દસ વર્ષ દરમિયાન પુરુષાર્થ, પુરુષાર્થ એ જ મારો મુદ્રાલેખ હતો. હજુ પણ હું કહું છું કે પુરુષાર્થ કરો! જ્યારે સર્વત્ર અંધકાર હતો ત્યારે હું કહેતો હતો કે પુરુષાર્થ કરો; આજે જ્યારે પ્રકાશ આવતો લાગે છે ત્યારે પણ હું કહું છું કે પુરુષાર્થ કરો! મારા શિષ્યો! ડરો નહીં. પેલા અનંત તારા મંડિત આકાશના ઘુમ્મટ ત૨ફ એ જાણે કે કચડી નાખશે. એવી ભયભીત દૃષ્ટિથી જુઓ મા. જરા થોભો; થોડા જ વખતમાં એ આખું તમારા પગ તળે આવી જશે. થોભો; પૈસાથી કંઈ વળતું નથી, નામથી પણ નહીં, યશથી પણ નહીં, વિદ્યાથી પણ નહીં, માત્ર પ્રેમથી લાભ થાય છે; માત્ર ચારિત્ર્ય જ મુશ્કેલીઓની વજ્ર જેવી દીવાલો તોડીને તેમાંથી માર્ગ કાઢે છે.

સ્વતંત્રતા વિના કોઈ જાતનો વિકાસ હોઈ શકે નહીં. આપણા પૂર્વજોએ ધાર્મિક વિચારોને મુક્ત રાખ્યા અને આપણને પરિણામે અપૂર્વ ધર્મ મળ્યો. પણ તેમણે સમાજને ભારે સાંકળથી જકડી રાખ્યા અને પરિણામે આપણો સમાજ, ટૂંકમાં કહીએ તો, ભયંકર પૈશાચી બની ગયો છે. પશ્ચિમમાં સમાજ હંમેશાં સ્વતંત્ર હતો, તેનું પરિણામ જુઓ. બીજી બાજુએ તેમના ધર્મ તરફ નજ૨ કરો.

વિકાસની પ્રથમ શરત છે સ્વતંત્રતા. જેમ માણસને વિચા૨ની કે વાણીની સ્વતંત્રતા હોવી જોઈએ, તેવી જ રીતે તેને આહારમાં, પહેરવેશમાં, લગ્નમાં અને બીજી બધી બાબતોમાં બીજાને હાનિ ન કરે ત્યાં સુધીની છૂટ હોવી જોઈએ.

– સ્વામી વિવેકાનંદ

(‘સ્વામી વિવેકાનંદના પત્રો’માંથી-પાના નં. ૫૦-૫૧)

Total Views: 292

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.