આધુનિક માનવ એકલતાની ભાવનાથી પીડાય છે. જ્યાં સુધી જીવનમાં સાચા પ્રેમની ભાવના ન આવે ત્યાં સુધી સાચી શાંતિ મળવી અશક્ય છે. સુપ્રસિદ્ધ પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિક ઍરિક ફ્રોમે ‘Art of Loving’ (પ્રેમની કળા) નામના પુસ્તકમાં પ્રેમનું તાત્ત્વિક સ્વરૂપ સમજાવી પ્રેમના વિવિધ સંબંધો પિતૃપ્રેમ, માતૃપ્રેમ, ભ્રાતૃપ્રેમ, વિજાતીય પ્રેમ, આત્મપ્રેમ અને પ્રભુપ્રેમની માર્મિક ચર્ચા કરી છે, તેના થોડા અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

આધુનિક માનવી પોતાની જાત, પોતાના માનવબંધુઓ અને પ્રકૃતિથી વિખૂટો પડી ગયો છે. એ પોતે બજારના માલસામાનના રૂપમાં ફેરવાઈ ગયો છે. એ પોતાની જીવનશક્તિનું એવી રીતે રોકાણ કરવા માગે કે જે દ્વારા વધારેમાં વધારે નફો મેળવી શકાય. માનવી સ્વયંસંચાલિત યંત્ર જેવો બની ગયો છે. દરેકને પોતાની સલામતીનો ભય છે તેથી તે ટોળામાં રહેવા મથે છે. અને ટોળાના વિચારો, લાગણી અને કાર્ય પ્રમાણે અનુકૂળ થવા પ્રયત્નશીલ રહે છે. દરેકે પોતાના સ્વતંત્ર વિચારો અને લાગણી ગુમાવી દીધાં છે.

ટોળાશાહીમાં ભળવાનું પરિણામ એ આવે છે કે દરેક વ્યક્તિ તીવ્રતાથી એકલતાનો અનુભવ કરે છે. દરેકને બિનસલામતી, ચિંતા અને અપરાધભાવ પીડે છે. તલ મૂકવાની જગ્યા ન મળે એવી ભીડમાં માણસ એકલો ને અટૂલો છે.

આ એકલતાની લાગણી ન પીડે એટલા માટે આધુનિક સંસ્કૃતિએ અનેક ઉપકરણો વિકસાવ્યાં છે. એક તો, રોજબરોજનું યંત્રવત્ કાર્ય માણસને એવું તો રોકી રાખે છે કે, તેને પોતાની મૂળભૂત જરૂરિયાતો પ્રત્યે ધ્યાન જ નથી રહેતું. એટલું અધૂરું હોય તેમ મનોરંજનનાં સાધનો દ્વારા માણસનું ચિત્ત રોકાઈ જાય છે. એ ઉપરાંત રોજ નવી નવી વસ્તુઓ ખરીદવી કે થોડા વખત પછી તેને બદલી નાખવી, જુદી જુદી વસ્તુઓ, દૃશ્યો, ખાણીપીણી, સિગારેટ, પ્રવચનો, પુસ્તકો, સિનેમા, ટી.વી.- આ બધી વસ્તુઓ ખરીદવી અને તેનો ઉપભોગ કરવો એમાં માનવી રચ્યોપચ્યો રહે છે. આ જગત જાણે કે એક મોટું સફરજન છે, એક મોટો શીશો છે, એક મોટું સ્તન છે; જેને આપણે સતત ચૂસતા રહીએ છીએ.

આલ્ડસ હક્સલે ‘બ્રેવ ન્યુ વર્લ્ડ’માં વર્ણવ્યો છે એવો હું આધુનિક માનવી દેખાય છે. આધુનિક માનવી પાસે સારું ભોજન છે; સારાં વસ્ત્રો છે; જાતીય જીવનની દૃષ્ટિએ તે સંતુષ્ટ છે; પણ પોતાની જાતથી તે અળગો પડી ગયો છે. તે વિલાસી જીવન જીવે છે, પણ સાચું સુખ પ્રાપ્ત કરી શકતો નથી. સવારથી સાંજ સુધી તેને દોડધામ કરવી પડે છે. નિરાંતે શ્વાસ લેવા પૂરતી પણ શાંતિ તેને પ્રાપ્ત થતી નથી. તેનું આખું જીવન સોદાબાજીમાં જ ખર્ચાઈ જાય છે. ‘આજનો લહાવો લિજિયે રે કાલ કોણે દીઠી છે?’ એ આધુનિક માનવીનું જીવનસૂત્ર છે!

પ્રેમની બાબતમાં પણ આવી જ પરિસ્થિતિ છે, અહીં જીવનના કેન્દ્રમાં વિલાસિતા રહેલી છે, એનો આધાર લેવડદેવડ ઉપર રહેલો છે. ‘વ્યક્તિત્વનાં પોટલાં’ની લેવડદેવડ થાય છે. નફો કરવાની દૃષ્ટિએ દરેક સોદા થાય છે. લગ્નની બાબતમાં પણ આવો જ અભિગમ અપનાવવામાં આવે છે. સુખી લગ્ન જીવન અંગેના કોઈ પણ લેખ તમે વાંચો તો તેમાં પતિપત્નીના સહકાર અને પરસ્પરની અનુકૂળતાને એક આદર્શ તરીકે વર્ણવવામાં આવે છે.

જાણે કે શેઠ અને નોકર જેવો પતિપત્નીનો સંબંધ છે. આદર્શ નોકર શેઠની જરૂરિયાતો સમજી અને અનકૂળ થાય એવું વર્તન કરે છે. નોકર પ્રમાણમાં સ્વતંત્ર હોવો જોઈએ; સહકારની ભાવનાથી વર્તતો હોવો જોઈએ; તેનામાં સહિષ્ણુતાનો ગુણ જરૂરી છે; અને સાથે સાથે તે મહત્ત્વાકાંક્ષી પણ હોવો જોઈએ. જરૂર પડ્યે તે શેઠનો વિરોધ કરી શકતો હોવો જોઈએ. સામે પક્ષે શેઠ પણ પોતાના નોકરને અનુકૂળ થઈ રહે. આ રીતે બધું સારી રીતે પાર ઊતરી જાય.

આ જ માપદંડ લગ્નજીવનમાં યોજવામાં આવે છે. લગ્નના સલાહકારો આપણને સલાહ આપે છે કે પતિ પત્નીને સમજે અને તેને મદદરૂપ થાય. પત્ની જ્યારે નવી સાડી પહેરે ત્યારે પતિએ તેની પ્રશંસા કરવી; પત્નીએ બનાવેલું ભોજન ‘ભારે સ્વાદિષ્ટ છે,’ એમ કહીને તેનાં વખાણ કરવાં, ટૂંકામાં પતિએ પત્નીની સગવડ જોવી, અને યેનકેન પ્રકારે તેને ખુશ રાખવી.

સામે પક્ષે પત્નીએ પણ પતિ જ્યારે થાક્યોપાક્યો ઑફિસેથી ઘેર આવે ત્યારે એની સારસંભાળ લેવી; એ પોતાના ધંધાની મુશ્કેલીઓ રજૂ કરે ત્યારે ધ્યાનપૂર્વક એની વાત સાંભળવી; જો એ પોતે મગાવેલી ચીજ લાવવાનું ભૂલી જાય તો ગુસ્સે ન થવું પણ સમજણથી કામ લેવું. કોઈ બાબતમાં મતભેદ, મનદુઃખ કે સંઘર્ષ ઊભો ન થાય તેની પત્નીએ સાવચેતી રાખવાની.

પતિપત્ની એકબીજાનું ધ્યાન રાખે, મતભેદ થાય એવી વસ્તુઓથી દૂર રહે, એકબીજાને મદદરૂપ થાય એ રીતે વર્તે. એકબીજાના સંબંધમાં સહકારથી વર્તવું અને સંઘર્ષથી દૂર રહેવું; પતિપત્ની ખાસ કરીને આટલું જુએ એટલે ગાડું ગબડતું રહે. બંને આખું જીવન સાથે વિતાવે છતાં એકબીજાથી સાવ અજાણ્યાં રહી જાય. બંને વચ્ચે સાચો સંબંધ કદી ન સ્થપાય. બહારથી ઉપરછલ્લી દૃષ્ટિએ જોતાં આ બંને જણાનું જીવન સુખી દેખાય. બંને જણા પરસ્પરવિવેકથી વર્તતાં હોય અને એક્બીજાને સુખી કરવા પ્રયત્ન કરતાં હોય. (કવિ ઉમાશંકરની કાવ્યપંક્તિ છે; ‘સામસામે સિંધુતીરે, સૂતેલાં સોડમાં છતાં.’ પતિપત્ની એક જ પથારીમાં સાવ પાસે પાસે સૂતાં છે પણ બંને વચ્ચે મહાસાગર જેટલું અંતર છે.)

લગ્નજીવનમાં જ્યારે સાચો સંબંધ સ્થાપિત થતો નથી ત્યારે એકલતા એવી ને એવી જ રહે છે. લગ્ન પહેલાં બહારની દુનિયાથી માત્ર એક વ્યક્તિ જુદી પડી ગઈ હતી; અને એકલતાનો અનુભવ કરતી હતી. લગ્ન પછી બે વ્યક્તિ એકઠી થઈને દુનિયાથી જુદી પડે છે. લગ્ન પછી પરિસ્થિતિમાં કંઈ ફેર પડતો નથી. બંને એકલાં ને અટૂલાં જ રહે છે. પતિ કે પત્ની કોઈ એકલતાની દીવાલોને ભેદી શકતાં નથી. આ ઘટનાના મૂળમાં પ્રેમનો અભાવ રહેલો છે. પ્રેમની અનુભૂતિ વિનાનું લગ્નજીવન સાચું સુખ આપી શકતું નથી. લગ્નજીવનમાં સુખી થવા માટે બે મટીને એક થાય એ જરૂરી છે. એ પ્રક્રિયા પ્રેમ વિના શક્ય નથી.

Total Views: 210

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.