મારા ગુરુદેવના જીવનનું બીજું એક મહાન તત્ત્વ-બીજાઓ પ્રત્યેનો તેમનો અગાધ પ્રેમ હતો. જીવનનો પૂર્વાર્ધ તેમણે ધર્મનું ઉપાર્જન કરવામાં અને ઉત્તરાર્ધ તેના વિતરણમાં ગાળ્યો. અમારા દેશમાં કોઈ ધાર્મિક પ્રચારક અથવા સંન્યાસીના દર્શને જવાની રીત તમારા દેશના જેવી નથી, ભારતવર્ષમાં વિવિધ પ્રશ્ન પૂછવા માટે લોકો સાધુસંન્યાસીઓ પાસે જાય છે; કોઈ કોઈ તો સેંકડો માઈલ પગે ચાલીને કેવળ એક પ્રશ્ન પૂછવાને જાય છે : ‘મહારાજ! એક શબ્દ કહો કે જેથી મને મોક્ષ મળી જાય.’ આ રીતે તેઓ આવે છે. તેઓ આડંબર વિના ટોળેટોળામાં આવે છે, જ્યાં એ સાધુ વધારે પ્રમાણમાં રહેતો હોય તેવે સ્થાને કે કોઈ વૃક્ષ વગેરે નીચે પહોંચી જાય છે. આ રીતે જો મને કોઈ મનુષ્ય અસામાન્ય આધ્યાત્મિકતાથી સંપન્ન હોય તો ઘણીવાર તો દિવસ રાત તેને જરાયે વિસામો મળતો નથી; તેને લગાતાર વાતચીત કરતાં જ રહેવું પડે છે; કલાકોના કલાકો સુધી લોકોનો દરોડો ચાલુ જ રહે છે અને આ મહાપુરુષ પોતાનો ઉપદેશ આપ્યા જ કરે છે.
આમ લોકોનાં ટોળેટોળાં મારા ગુરુદેવની કલ્યાણકારી વાણી સાંભળવા આવતાં હતાં. અને અને તેઓ ચોવીસ કલાકમાંથી વીસ વીસ કલાક સુધી તેમની સાથે વાતચીત કર્યા કરતા. એક દિવસ નહીં, બલ્કે મહિનાઓના મહિના સુધી આ ક્રમ ચાલુ રહ્યો. અંતે પરિણામ એ આવ્યું કે વધારે પડતા પરિશ્રમને કારણે ગુરુદેવનું શરીર ભાંગી ગયું. માનવજાતિ પ્રત્યે તેમને એવો અગાધ પ્રેમ હતો કે તેમની કૃપા મેળવવા આવનાર હજારો માણસોમાંથી અતિ સામાન્ય પણ વંચિત રહેતો નહીં. આથી ધીરેધીરે તેમને ગળાનો ભયંકર રોગ લાગુ પડ્યો. તેમને આગ્રહપૂર્વક સમજાવ્યા છતાં તેમણે ગળાને કષ્ટ આપવાનું છોડ્યું નહીં. બહાર ભેગા થયેલાં લોકો તેમને મળવા માગે છે એમ સાંભળતાં જ તેઓ તેમને અંદર બોલાવ્યા વિના રહેતા નહીં. દરેકને તેના બધા સવાલોના જવાબ આપતા. જો એમ કરતાં તેમને અટકાવવામાં આવતા તો તેઓ કહેતા : ‘હું દરદની પરવા કરતો નથી; જો એક પણ મનુષ્યને હું સહાય કરી શકું તો આવાં હજારો શરીરો છોડવા હું તૈયાર છું. એક માણસને સહાયભૂત થવું એ ગૌરવની વાત છે.’ તેમને માટે જાણે કે વિસામો હતો જ નહીં. એકવાર એક ભાઈએ તેમને પૂછ્યું : ‘મહારાજ! આપ મોટા યોગી છો. આપ આપનું ધ્યાન શરીર તરફ કેમ કેન્દ્રિત નથી કરતા કે જેથી આપની બીમારી દૂર થઈ જાય.’ પહેલાં તો તેમણે જવાબ આપ્યો નહીં. પરંતુ એ પ્રશ્ન ફરીફરી ઘણીવાર પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું : ‘ભાઈ! હું ધારતો હતો કે તમે જ્ઞાની છો, પરંતુ તમે પણ સંસારના બીજા માણસો જેવી જ વાત કરો છો. મારું સમગ્ર મન મેં ઈશ્વ૨ાર્પણ કરી દીધું છે, તો શું હવે હું પાછું લઈ લઉં, અને આ શરીર કે જે આત્માનું એક પિંજર છે તેના ઉપર તેને લગાડું?’
– સ્વામી વિવેકાનંદ
(‘મારા ગુરુદેવ’ પૃ. ૪૨-૪૩)
Your Content Goes Here




