સંસ્થાને આગળ ધપાવો. પ્રેમ, અંતરની સચ્ચાઈ અને ધીરજ સિવાય બીજું કંઈ જરૂરનું નથી. વિકાસ, એટલે કે વિસ્તાર અથવા પ્રેમ, એ સિવાય જીવન બીજું શું છે ? માટે સર્વ પ્રકારનો પ્રેમ એ જ જીવન છે. જીવનનો એ એક જ નિયમ છે. સર્વ પ્રકારનું સ્વાર્થીપણું એ જ મૃત્યુ છે. વળી આ નિયમ આ લોકમાં કે પરલોકમાં બધે સાચો છે. અન્યનું ભલું કરવું એ જ જીવન છે, અને તેમ ન કરવું તે મૃત્યુ છે. જે નેવું ટકા માનવરૂપી પશુઓને તમે જુઓ છો તે મરેલાં છે, પ્રેતો છે, કારણ કે ઓ મારા શિષ્યો! પ્રેમ કરનાર સિવાય કોઈ જીવંત નથી. મારાં બાળકો ! અન્ય માટે લાગણી રાખો; ગરીબ, અજ્ઞાની અને ચડાયેલાં માટે લાગણી રાખો; એટલી હદ સુધી લાગણી રાખો કે તમારું હૃદય બંધ પડી જાય, મગજ ઘુમ્યા કરે અને તમને લાગે કે તમે પાગલ થઈ જશો; અને પછી ઈશ્વરને ચરણે હૃદયની વ્યથા ધરી દો. ત્યારે પછી આવશે શક્તિ, સહાય અને અદમ્ય ઉત્સાહ. છેલ્લાં દસ વર્ષ દરમિયાન પુરુષાર્થ એ જ મારો મુદ્રાલેખ હતો. હજુ પણ હું કહું છું કે પુરુષાર્થ કરો ! જ્યારે સર્વત્ર અંધકાર હતો ત્યારે હું કહેતો કે પુરુષાર્થકરો; આજે જ્યારે પ્રકાશ આવતો લાગે છે ત્યારે પણ હું કહું છું કે પુરુષાર્થ કરો! મારા શિષ્યો! ડરો નહીં. પેલા અનંત તારામંડિત આકાશના ઘુમ્મટ તરફ એ જાણે કે કચડી નાખશે એવી ભયભીત દૃષ્ટિથી જુઓ મા. જરા થોભો; થોડા વખતમાં એ આખું તમારા પગ તળે આવી જશે. થાભો; પૈસાથી કંઈ વળતું નથી, નામથી પણ નહીં, યશથી પણ નહીં, વિદ્યાથી પણ નહીં. માત્ર પ્રેમથી લાભ થાય છે; માત્ર ચારિત્ર્ય જ મુશ્કેલીઓની વજ જેવી દીવાલો તોડીને શુદ્ધ સુવિ તેમાંથી માર્ગ કાઢે છે.

(આલાસિંગા પેરુમલ વગેરે મદ્રાસના શિષ્યોને ૧૯મી નવેમ્બર, ૧૮૯૪ના સ્વામી વિવેકાનંદે અમેરિકાથી લખેલ પત્રનો અંશ, ‘સ્વામી વિવેકાનંદના પત્રો’ ભાગ પહેલો, પૃ. ૫૧, શ્રીરામકૃષ્ણ આશ્રામ, રાજકોટ.)

Total Views: 90

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.