‘પ્રેમ’ વિશે કવિઓ અને સાહિત્યસર્જકો લખતાં થાકતા નથી. કોઈએ કહેલું કે વિશ્વભરના સાહિત્યમાં મુખ્યત્વે બે જ વિષયો ઉપર લખાય છે : એક પ્રેમ અને બીજો મૃત્યુ. આ બંનેને પણ કોઈ સંબંધ હોવો જોઈએ. માણસને સૌથી મોટો ભય મૃત્યુનો છે, એ ભયને ખાળવા માટે તે અ-મૃત તત્ત્વની શોધ કરે છે. મોટામાં મોટું અ-મૃત તત્ત્વ પ્રેમ છે. એ પ્રેમ એને પેલા ભયની સામે ટકી રહેવાનું બળ આપે છે. એટલે અતાગ કરુણતાથી ભરેલા મનુષ્યજીવનમાં તે પ્રેમની ઝંખના કરે છે. પણ ઘણી વાર અસલ વસ્તુ હાથતાળી દઈ ચાલી જાય છે. પ્રેમની આજુબાજુ મોહમાયાની અભેદ્ય દીવાલ એની નજરે પડે છે. જો મૂળ પદાર્થ ઉપર અતન્દ્ર નજર હોય તો જ એ ભેદી શકાય છે. પછી મોહ કે વાસનાની કશી આળપંપાળ રહેતી નથી. શુદ્ધ પ્રેમ જ વિલસતો દેખાય છે. આત્મા પણ રહે છે તો શરીરમાં, પણ શરીર એ આત્મા નથી. સાચો પ્રેમ આત્માનો છે. જે શરીર આગળ અટકી જાય છે તે કદાપિ પ્રેમના ઉજ્જવળ સ્વરૂપને પિછાની શકતો નથી. કાળે કરીને એને સમજાય છે કે મૂળ પદાર્થ તો છટકી ગયો! ‘અ-મૃત’ તત્ત્વ પામવા નીકળેલો માણસ ‘મૃત’માં જ ખૂંપી ગયો. કાકાસાહેબે એથી જ ‘પ્રણય’ અને ‘પ્રેમ’ વચ્ચે ભેદ કરેલો. ‘પ્રેમ’ ઉદાત્ત તત્ત્વ છે, એ માણસને બે ડગલાં આગળ લઈ જાય છે. આ પ્રેમ વ્યક્તિનિષ્ઠ હોવા છતાં સમષ્ટિને અવિરોધી છે. ઉમાશંકર ‘શાકુન્તલ’નું રહસ્ય બતાવતાં કહે છે કે કામની અનર્ગળ શક્તિ નિરૂપનાર કાલિદાસ નર્યા કામની શાપિત દશા બતાવે છે, ‘જે પ્રેમ અંતે લોકસંગ્રહને પોષક નીવડે છે તેવા પ્રેમને જ કાલિદાસની કાવ્યકલાના આશીર્વાદ છે, બીજાને નહિ.’ શુદ્ધ પ્રેમ સમગ્ર સમષ્ટિ સાથે સુસંવાદી હોય છે.

છેવટે પ્રેમનું વિગલન ભક્તિમાં થઈ જાય છે. કવિ ન્હાનાલાલે તો પ્રેમનો ચડ-ઊતર ક્રમ બતાવતાં સૂત્ર જ આપી દીધું કે ‘પરમ પ્રેમ પરબ્રહ્મ’, નારકનાં ભક્તિસૂત્રોમાં આરંભે જ ભક્તિની વ્યાખ્યા આપતાં ‘સા ત્વસ્મિન ૫રમપ્રેમરુપા’ પ્રભુમાં પરમ પ્રેમ ધરાવવો તે ભક્તિ છે એમ કહ્યું છે. શાણિ્ડલ્યભક્તિસૂત્રોમાં પણ ‘અથાડતો ભક્તિજિજ્ઞાસા’ કહીને ભક્તિ એટલે ‘સા પરાનુરક્તિરીશ્વરી – ઈશ્વરમાં પરમ અનુરાગ એમ કહ્યું છે.

આપણા કવિ સુન્દરનું એક કાવ્ય પ્રેમના પ્રોજ્જવલ સ્વરૂપને બહુ જ સુંદર રીતે પ્રગટ કરે છે :

મેરે પિયા મૈં કછુ નહીં જાનૂ,
મૈં તો ચુપચુપ ચાહ રહી.

મેરે પિયા, તુમ કિતને સુહાવન,
તુમ બરસો જિમ મેહા સાવન,
મૈં તો ચુપચુપ નાહ રહી.

મેરે પિયા…
તુમ અમર સુહાગી,
તુમ પાયે મૈં બહુ બડ ભાગી,
મૈં તો પલ પલ બ્યાહ રહી..
મેરે પિયા.…

‘ચાહ રહી’, ‘નાહ રહી’ અને છેલ્લે પ્રત્યેક ક્ષણે ‘બ્યાહ રહી’ – મારો વિવાહ થઈ રહ્યો છે એવા નિરૂપણમાં નિત્યનૂતન પ્રેમતત્ત્વનો પ્રકાશ દેખાય છે. આ કીમિયો સિદ્ધ થતાં મનુષ્ય સમગ્ર સૃષ્ટિ સાથે અપૂર્વ સંવાદ સાધે છે. અને પછી તો સુન્દરમ્ કહે છે : ‘બાજો વિજય દદામાં’ :

આ કૌઆ અને કબૂતર દોસ્ત બન્યાં અમ!
આ સાગર અને શિખર પણ દોસ્ત બન્યાં અમ!
આ જ્યાં જ્યાં પડે નજર અમ ત્યાં ત્યાં
કો ન અવર અમ પાખે!
જ્યમ જ્યમ પેખું અધિક જગત ત્યમ,
અધિક અધિક રસ દાખે!
હો, બાજો વિજય દદામાં, હે હો.

સમગ્ર પ્રક્રિયા ચેતોવિસ્તારની છે (‘મેરે પિયા!’ ૧૯૪૧માં રચાયું છે અને ‘બાજો વિજય દદામાં’(૧૯૪૫માં) ‘મનુજ-પ્રણય’ના કવિ સાચા પ્રેમની અનુભૂતિમાં પહોંચે છે.

આ ‘પ્રેમ’ના અનુભવ પછી કશાં દ્વન્દ્વ રહેતાં નથી. મનુષ્ય-પ્રેમ અને પ્રભુ-પ્રેમ જુદા રહેતા નથી. એકમાત્ર પ્રેમ તત્ત્વ જ વિલસે છે. આ પ્રેમના પારસમણિના સંસ્પર્શથી પરમાત્માની મહાન બક્ષિસરૂપ માનવજીવનને ચરિતાર્થ કરીએ.

Total Views: 349

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.