[શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમના સાંનિધ્યમાં 13મી ઑક્ટોબર, 1989નાં રોજ એક યુવા-સંમેલનનું આયોજન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયું હતું, જેમાં લગભગ 300 ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. યુવક-યુવતીઓએ કરેલ પ્રશ્નોના ઉત્તર સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપ્યા હતા. આ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ ઘણો જ રસપ્રદ હતો. જે યુવક-યુવતીઓ આ સંમેલનમાં ભાગ નહોતાં લઈ શક્યાં તેમના લાભાર્થે અહીં આ પ્રશ્નોત્તરી રજૂ કરીએ છીએ.]

પ્રશ્ન: મહાત્મા ગાંધી જેવા સંત-નેતાએ ઝંખેલી નૈતિક્તાનું ભારતના રાજકારણમાં પુનઃ સ્થાપન કરવા માટે યુવાનો સ્વાર્થમય અને અનૈતિક રાજકારણનો ભોગ બન્યા વગર શું કરી શકે? એમણે શું કરવું ઘટે?

ઉત્તર: પહેલી વાત તો એ છે કે તેમનામાં દૃઢ નિર્ણયશક્તિ હોવી જોઈએ. જ્યારે આપણામાં દૃઢ નિશ્ચય હોય ત્યારે એ એક આગવી તાકાત બની રહે છે. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે મહાન નિર્ણયો તો મહાન કાર્યોની જનની છે. એટલે આજનો યુવા વર્ગ રાજનૈતિક, સામાજિક અને નૈતિક ક્ષેત્રે આવો નિશ્ચયશક્તિનો બલિષ્ઠ વિકાસ કરીને પરિસ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે. સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન આપણને આવા મહાન રાજકીય માનવો સાંપડ્યા હતા અને તેઓ આપણે માટે મોટાં ઉદાહરણો છે. આપણી નજર સમક્ષ તેઓ સતત રહ્યા કરવા જોઈએ. શ્રી સી. આર. દાસ, શ્રી ગાંધીજી, શ્રીનેતાજી – તેઓ વિશાળહૃદયી માનવો હતા. આજે પરિવર્તન ઝંખતા માનવોની સંખ્યા જો કે ઓછી છે, છતાં પણ ધીરેધીરે આપણે એ સંખ્યા વધારી શકીએ અને એક પરિણામદાયક અસર ઊભી કરી શકીએ. આવી રીતે આપણા સમાજમાંની તેમજ આપણા રાજકારણમાંની આજની પરિસ્થિતિમાં વધુ સારું પરિવર્તન લાવી શકીશું. ભારતના જુદાજુદા ભાગોમાં આ ધ્યેયને હાંસલ કરવા જે જૂથો સાથે મળીને કાર્ય કરી રહ્યાં છે, એ એક મોટી અસર ઊભી કરશે. એક વાત તમારે યાદ રાખવી ઘટે કે જ્યારે ભારત બ્રિટિશ સામ્રાજ્યનું એક સંસ્થાન બન્યું, ત્યારે લોકો પરિતોષ અનુભવતા હતા. વીસ રૂપિયાની નાનકડી નોકરી મેળવીનેય તેઓ પોતાને સુખી ગણતા. પણ કેટલાક એવા હતા કે જેઓ સુખી ન હતા. તેઓ કહેતા:“આપણે આપણી સ્વતંત્રતા ગુમાવી છે, આપણને એ સ્વતંત્રતા પાછી જોઈએ છે” આવા લોકોની સંખ્યા ભલે શરૂઆતમાં મૂઠીભર હતી, પણ ધીરે ધીરે એ સંખ્યા ગુણાત્મક રીતે વધતી ચાલી અને છેવટે આખું રાષ્ટ્ર સ્વાતંત્ર્યસંગ્રામમાં ભળી ગયું કે એમાં સંમત થયું. સમાજમાં મોટું પરિવર્તન આ રીતે આવે છે. દૃઢ નિશ્ચયશક્તિવાળાં થોડાંક જ સ્ત્રી-પુરુષોએ બીજાઓ પર અસર ઉપજાવી છે. આજે આપણી મોટી ખામી જ આ છે અને વધુ ને વધુ લોકો દ્વારા સ્વામી વિવેકાનંદના સાહિત્યના પરિશીલનથી આ ખામી દૂર થઈ શકશે.

પ્રશ્ન: સ્વામી વિવેકાનંદના ઉપદેશોના આધારે અમને એ સમજાવશો કે શું અમારે સંન્યાસી બનીને જીવનની પ્રાથમિક જરૂરતો માટે સમાજ ઉપર આધાર રાખવો કે પછી અમારે સમાજ માટે રળવું-કમાવું? રાષ્ટ્રના કલ્યાણ માટે આ બેમાંથી ક્યો માર્ગ વધારે સારો છે?

ઉત્તર: બધા જ લોકો સ્વાવલંબી બને. કોઈ જ પરાવલંબી ન રહે એ સારું છે. ખૂબ કામ કરો, દિલ દઈને કામ કરો, ધન કમાઓ અને એ તમારા કુટુંબ અને રાષ્ટ્રના કલ્યાણ માટે વાપરો. એ જ ગૃહસ્થ ધર્મ છે. આજે એની જ જરૂર છે. પરંતુ જે થોડાક લોકો બીજો જે વૈયક્તિક સુખના ત્યાગનો અને વ્યક્તિગત લાભના ત્યાગનો માર્ગ પસંદ કરે છે, તેઓ પણ લોકકલ્યાણ કરે છે. તેઓ પોતાના કોઈ નિજ હેતુ માટે કાર્ય કરતા નથી પણ સર્વજનહિત માટે કરે છે. આવા અલ્પસંખ્યક લોકો પણ રાષ્ટ્ર માટે ઘણું અગત્યનું અને મોટું કાર્ય કરતા હોય છે. આમ, બંને માર્ગો એકસરખી રીતે જરૂરી છે, છતાં પહેલા પ્રકારના લોકોની, ગૃહસ્થોની જરૂર બીજા પ્રકારના લોકો કરતાં વધારે છે. પણ ગૃહસ્થોએ સામાજિક જવાબદારીઓને સમજી – વિકસાવીને સાચા નાગરિક બનવું જોઈએ.

પ્રશ્ન: મારાં માતાપિતા ધાર્મિક વૃત્તિનાં નથી. હું જો આવા કોઈ સંમેલનમાં ભાગ લેવા ઇચ્છું, તો મારે ખોટું બોલવું પડે. તો મારે શું કરવું? (હાસ્ય)

ઉત્તર: હું નાનો હતો ત્યારે મારેય આવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો! (હાસ્ય) એટલે મારે આધ્યાત્મિક કાર્યક્રમમાં જવું હોય ત્યારે હું કહ્યા કરતો કે હું અમુક-તમુક શાળાના પુસ્તકાલયમાં વાંચવા જાઉં છું. એથી હું પુસ્તકાલયમાં તો જતો જ અને સાથોસાથ પ્રવચનોમાં પણ જઈ આવતો, મેં તો આવી વ્યવસ્થા કરી હતી.

પ્રશ્ન: સ્વામી વિવેકાનંદમાંથી મને પ્રેરણા મળી છે અને હું દેશ માટે નિઃસ્વાર્થ સેવા કરવા ઇચ્છું છું. મારે એ કેવી રીતે કરવી જોઈએ?

ઉત્તર: તમે સંપૂર્ણપણે નિઃસ્વાર્થ સેવા કરી શકતા નથી. તમારામાં સેવાનું વલણ તો છે, પણ તમે તમારી પોતાની આજીવિકા માટે પણ કાર્ય કરો જ છો. એટલે તમારી શક્તિનો એક ભાગ રાષ્ટ્રસેવામાં અને એક ભાગ તમારા પોતાના કુટુંબના ભરણપોષણમાં ખર્ચાય છે. આને ‘જ્ઞાનપૂર્વકનો સ્વાર્થ’ કહેવામાં આવે છે. ભલે એ ‘સ્વાર્થ’ રહ્યો, પણ એ ‘જ્ઞાનપૂર્વક’ છે. સમાજમાં આવા ઘણા બધા માણસોની આવશ્યકતા આજે છે. તમારા કુટુંબની બાબતોની સાથોસાથ તમે રાષ્ટ્રની પણ કાળજી રાખો છો. આ સારી નાગરિક્તાનો પાયો છે. સારો નાગરિક એના પોતાના કુટુંબની કાળજી રાખે છે જ પણ સાથોસાથ સમસ્ત સમાજના કલ્યાણમાં પણ રસ દાખવે છે. તેથી તમે આવા સારા નાગરિક બનો.

પ્રશ્ન: મનનો નિગ્રહ (અવધારણ) કેમ કરી શકાય?

ઉત્તર: સામાન્ય રીતે બધા જ સદ્‌ગુણો સતત અભ્યાસથી પ્રાપ્ત કરી શકાય છે. જો તમે તમારા કાંડાના સ્નાયુનો વિકાસ કરવા માંગતા હો તો તમે વ્યાયામશાળામાં જાઓ, ડમ્બેલ્સ ઉપાડો; નિયમિત રીતે કસરત કરો તો સ્નાયુઓ મજબૂત થશે. બરાબર એવી જ રીતે, તમે ગમે તે કામ કરો પણ એમાં મન રેડીને કરો. મનની આવી તલ્લીનતા કંઈ ધ્યાનના સમયે જ કેળવવી જોઈએ, એવું નથી; પણ આપણે કામ કરતા હોઈએ તે દરમિયાન પણ એનો સતત અભ્યાસ થતો રહેવો જોઈએ. હું જો તલ્લીન મનથી મારું આંગણું ખૂબ સારી રીતે વાળતો હોઉં, તો બધું જ સ્વચ્છ બનશે – નહિતર અડધું આંગણું અસ્વચ્છ જ રહેવાનું. એટલે તમે જે કંઈ કામ કરો કે જે અધ્યયન કરવા ધારો તેમાં તમારા મનની જે તલ્લીનતાનો અભ્યાસ તમે કરો, તો તે જ ધ્યાનમાં પણ મનની તલ્લીનતા ઉત્પન્ન કરશે, જેટલું પરિશીલન તમે કામમાં કરો, એની અસર ધ્યાનના સમયે મનની સ્થિરતા-તલ્લીનતા ઊપજવાની. આથી જ શ્રીકૃષ્ણે ભગવદ્‌ગીતામાં અર્જુનને ઉત્તર આપતાં કહ્યું કે:

असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् ।

अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ।। (6/35)

એટલે તેમણે કહ્યું છે: અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આપણે મનની એવી તન્મયતા પ્રાપ્ત કરી શકીએ. અભ્યાસ એટલે વારંવારનું પુનરાવર્તન અને વૈરાગ્ય એટલે અનાસક્તિ. આ બે પદ્ધતિઓ છે. વાઘ એક ભયંકર ઘાતકી પ્રાણી છે. પરંતુ સરકસનો માણસ છ માસની તાલીમ લીધા પછી, એને પાળ્યા પછી એની પીઠ ઉપર સવાર થઈ શકે છે. મન પણ આવું છે. શરૂઆતમાં એને વશ કરવું કઠિન છે. પણ સમય જતાં એ તમારું કહ્યાગરું બની જશે. આમ, બસ પુનરાવર્તન કર્યા કરો, કર્યા જ કરો, વારંવાર કરતા રહો! ખાલી ધ્યાનના સમય દરમિયાન જ નહિ, પણ કામ કરતાં કરતાંય, અધ્યયન કરતાં કરતાંય – અરે ગમે ત્યાંય મન કેળવાય છે. એ જ સાચું શિક્ષણ છે. આમ, મનની તાલીમ જ પાયાનું શિક્ષણ છે.

પ્રશ્ન: આપ યુવાશક્તિના જાગરણની વાત કરો છો, પણ આપના રામકૃષ્ણ મઠમાં તો ફક્ત પુરુષસભ્યો જ છે. મહિલાસભ્યો તો નથી. તો આવું કેમ?

ઉત્તર: જેમણે આ પ્રશ્ન પૂછ્યો છે, તેમણે જાણવું જરૂરી છે કે એક બીજી સંસ્થા શારદામઠ છે અને ત્યાં અત્યારે 120થી વધારે સુશિક્ષિત કન્યાઓ છે. એમાં રાજકોટમાંથી પણ બે કન્યાઓ છે. તેઓ હેરત પમાડે તેવાં જબરાં કાર્યો કરે છે. – અરુણાચલ પ્રદેશના આદિવાસી વિસ્તારોમાં કન્યાશાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પણ ચલાવે છે. તેમનું એક કેન્દ્ર સીડની – ઓસ્ટ્રેલિયામાં પણ છે. તેઓ આશ્ચર્યજનક કાર્યો કરે છે. સ્વામી વિવેકાનંદ પુરુષો માટે તેમ જ મહિલાઓ માટે આશ્રમો હોય તેમ ઇચ્છતા હતા. તેમણે કહ્યું હતું કે પંખીને ઊડવા માટે બે પાંખો જોઈએ – એક પાંખથી તે ઊડી શકે નહિ, એટલા માટે રામકૃષ્ણ મિશને 1953 (શ્રીશ્રીમા શ્રીશારદાદેવીના શતાબ્દીના વર્ષે)માં શારદા મઠ સ્થાપવાના પ્રયત્નો કર્યા. વિદેશી મહિલાઓ પણ એમાં જોડાઈ રહી છે. સીડનીમાં ઓસ્ટ્રેલિયાની એક કન્યા પણ શારદા મઠમાં જોડાઈ છે. આ રીતે શારદામઠનો વ્યાપ સ્થિરતાથી આગળ વધતો ચાલ્યો છે. જો કે આ મઠ હજુ તાજો જ છે. છતાં પૂરતો વ્યવસ્થિત મજબૂત છે અને એનું મુખ્ય સંચાલન કેન્દ્ર દક્ષિણેશ્વર (કલકત્તા)માં છે અને તયાં ગંગાતટે શ્રીરામકૃષ્ણ અને શ્રીશ્રીમાનું એક સુંદર મંદિર છે. ખરેખર એ એક સુંદર સ્થળ છે. અમેરિકામાં પણ હૉલીવુડ, સેન્ટા બાર્બારા અને સાન્ફ્રાન્સિસ્કોનાં કેન્દ્રોમાં લગભગ 50 અમેરિકી મહિલાઓ આશ્રમમાં જોડાઈ છે અને સંન્યાસિનીઓનું જીવન ગાળી રહી છે. શારદા મઠ દ્વારા પ્રકાશિત બંગાળી સામયિક (નિબોધત)માં શારદા મઠનાં પ્રથમ અધ્યક્ષા પરિવ્રાજિકા ભારતીપ્રાણા વિશે એક લેખ છે. આ લેખ તમારા ગુજરાતી સામયિક માટે ભાષાંતરિત અને પ્રકાશિત કરવા જેવો છે. એમના વિવાહ નાની વયમાં ગોઠવાઈ ચૂક્યા હતા, તે જ રાત્રે બાર વાગે કેવી હિંમત અને કેવી સ્વતંત્રતા અને ખુમારીથી પોતાના ઘરમાંથી નાસી છૂટ્યાં! એ વખતે તો તેઓ એક નાનકડી બાલિકા જ હતાં. તેઓ દસ વરસની ઉંમરથી શ્રીશ્રીમા સાથે રહ્યાં અને શ્રીશ્રીમાની છેલ્લી માંદગી સુધી તેમણે તેઓશ્રીની સેવાશુશ્રૂષા કરી. તેમણે સવામી શારદાનંદજીની પણ એમના અંતિમ દિવસો સુધી સેવાચાકરી કરી. આ નાની બાલિકાએ આવું પરમમંગલ કાર્ય કરી બતાવ્યું અને એ પણ આ સદીના પહેલા દશકામાં, કે જ્યારે આપણો દેશ જાગૃત થયો ન હતો! હું એ લેખ એક જ બેઠકે વાંચી ગયો. અધવચ્ચે અટકી શક્યો નહિ. જ્યારે માનવને હચમચાવી મૂકતા આવા હિંમત, સ્વતંત્રતા, ખુમારી અને એવા પ્રકારના મહાન આદર્શોને હું પુસ્તકોમાં જોઉં છું ત્યારે આવાં પુસ્તકો વારંવારે વાંચું છું. આવાં પુસ્તકો ભારે પ્રેરક છે.

પ્રશ્ન: હું મારી જાતને ઈશ્વરને સમર્પિત કરી દેવા ઇચ્છું છું અને આ સંસારમાં ફસાવા માગતી નથી. પણ ઘરનાં લોકો એનો વિરોધ કરે છે. તો મારું કર્તવ્ય શું છે?

ઉત્તર: આ બધાંનો આધાર તમારા અંતરની લાગણીની તીવ્રતા ઉપર રહેલો છે. જો એ લાગણી ફક્ત મોળી હોય તો ઘરમાં કોઈ કહે કે, “એને છોદી દો” અને તમે એ છોડીય દો. પણ જો એ ઇચ્છા પ્રબળ હશે તો તમે એ છોડી દેશો નહિ, ભલેને બીજા એવું કહ્યા કહે. મેં આવું જ વલણ દાખવ્યું હતું. તમે એવું નહિ ધારી લેતા કે, હું ઘરનાં માણસોના આશીર્વાદો લઈને રામકૃષ્ણ સંઘમાં જોડાયો હતો. શરૂઆતમાં તેઓએ વિરોધ કર્યો પણ પછીથી જ્યારે તેમણે મને દૃઢ અને સ્થિર જોયો, ત્યારે તેઓ ઘણા પ્રસન્ન થયા. બે-ત્રણ વરસ પછી તો તેઓ મારે માટે ગૌરવ પણ અનુભવવા લાગ્યા. કારણ કે તેમણે જાણ્યું કે હું કંઈક સારું કરી રહ્યો છું, કશુંય ખરાબ તો કરી રહ્યો નથી જ. તમે પણ તમારા મનને આ રીતે પ્રેરી શકો.

પ્રશ્ન: રામકૃષ્ણ મઠ અને મિશનમાં શું કેવળ સુશિક્ષિતોને જ સ્થાન મળે છે? શું સામાન્ય જન માટે ત્યાં કોઈ સ્થાન જ નથી?

ઉત્તર: આ ‘સામાન્યજન’ શબ્દ ઘણો અસ્પષ્ટ છે. ઓછામાં ઓછું જીવનની વર્તમાન સમસ્યાઓને સમજી શકે અને પોતાને તેમજ બીજાને સહાય કરી શકે એવું થોડુંઘણું શિક્ષણ પામેલા લોકોની અમને જરૂર છે. જો તમે બીજાને મદદ કરવા માગતા હો તો તમારે શિક્ષણ તો લેવું જ પડે. તો અન્યને સહાય કરવાના હેતુ સાથે ઊભું થયેલું સંગઠન એના સભ્યો તરીકે શિક્ષિત સ્ત્રી-પુરુષોની અપેક્ષા રાખે જ. આટલું આનું મહત્ત્વ છે. ગમે તેવો સામાન્યજન પણ આધ્યાત્મિક બની શકે છે. એને કંઈ સ્નાતક થવાની જરૂર નથી. એક સીધી-સાદી – ઘરરખ્ખુ નિરક્ષર નારી પણ ઉચ્ચસ્તરે આધ્યાત્મિક હોઈ શકે છે. પરંતુ સમાજમાં કામ કરવા માટે તો શિક્ષણની પશ્ચાદ્‌ભૂમિકા આવશ્યક જ છે. એટલા માટે અમે સાધુ તરીકે સંઘમાં જોડાવા માટે દશ ધોરણ ઉત્તીર્ણ થવાની ઓછામાં ઓછી પાત્રતા નક્કી કરી છે. એનાથી વધુ શિક્ષણ લીધું હોય તો તો એ વધુ આવકાર્ય છે.

(ક્રમશ:)

Total Views: 571

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.