ગતાંકથી આગળ…

ભક્તિયોગ :

શાસ્ત્રમાં ભક્તિયોગમાં પ્રતિષ્ઠિત વ્યક્તિનાં અનેક લક્ષણો આપ્યાં છે. પરંતુ આપણે જેનાથી સ્વયં ભક્તિશાસ્ત્ર મહિમાવાન છે એવી ગોપીઓના જીવન-માધ્યમથી શ્રી શ્રીમા શારદાદેવીમાં ભક્તિયોગની પરાકાષ્ઠાને જોઈશું. ઉદ્ધવજી જ્યારે વૃન્દાવનમાં આવે છે ત્યારે ગોપીઓની અવસ્થા જોઈને આભા બની જાય છે. ગોપીઓની પરમ પાવનતા, ભાવ, વિશેષ કરીને રાધાજીનો મહાભાવ, કૃષ્ણભાવે ભાવિત, કૃષ્ણસ્વરૂપા અવસ્થા નિહાળીને ઉદ્ધવજીને પોતાની જ્ઞાન મિશ્રિત ભક્તિ પણ તુચ્છ લાગે છે.

શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી શ્રીમા વૃન્દાવનની યાત્રાએ જાય છે. અંતરમાં જાણે વિરહનાં અજસ્ર અશ્રુઓનો મહાસાગર ઘૂઘવે છે. વૃન્દાવનનાં વિવિધ પાવન સ્થાનોનાં દર્શન કરી ગોપીઓના વિરહની એકાત્મતાથી શ્રી શ્રીમાની વિરહ અવસ્થા અનેક ગણી વધી ગઈ અને શ્રી શ્રીમા ભાવ અને મહાભાવમાં વિરાજ કરવા લાગ્યાં. અને એક વાર પોતાના ઇષ્ટ શ્રી શ્રીઠાકુરના ભાવ-સ્વરૂપમાં એક બની ગયાં. ઠાકુરની જેમ જ હાવભાવ, ખાવું-પીવું, બોલવું-ચાલવું : જાણે શારદારૂપી ખોળિયામાં શ્રીઠાકુર આવિર્ભૂત થયા ! આમ ગોપીઓની જેમ ભક્તિની પરાકાષ્ઠામાં શ્રી શ્રીમા પ્રતિષ્ઠિત થયાં. મહાસતી સાધ્વી શ્રી શારદાદેવીને શ્રીઠાકુરનાં અવારનવાર દર્શન પ્રાપ્ય ન થયાં હોત તો શ્રીઠાકુરની મહાસમાધિ પછી દીર્ઘ ચોત્રીસ વર્ષ સુધી એમનું શરીર ટકી શક્યું ન હોત.

સ્વામી કેશવાનંદ એક વાર શ્રીમા શારદાદેવી પાસેથી શ્રીરામકૃષ્ણ વિશે વાત સાંભળતાં સાંભળતાં ખેદ કરીને બોલ્યા કે એમનું કેટલું દુર્ભાગ્ય કે પ્રભુ શ્રીરામકૃષ્ણ પૃથ્વી પર અવતર્યા તોપણ એમનાં દર્શન ન કરી શક્યા. ત્યાં શ્રી શ્રીમા પોતાના તરફ આંગળી ચીંધી બોલ્યાં, ‘આની અંદર તેઓ સૂક્ષ્મદેહે બિરાજે છે. ઠાકુરે પોતે કહ્યું હતું કે હું તમારી અંદર સૂક્ષ્મદેહે રહીશ.’

સ્વામી અભેદાનંદજી મહારાજે શ્રી શ્રીમા શારદાદેવી વિશે ‘પ્રકૃતિં પરમાં…’ સ્તોત્રની રચના કરી શ્રી શ્રીમાને સંભળાવ્યું. જ્યારે તેમણે ગાયું ‘रामकृष्णगतप्राणां तन्नामश्रवणप्रियाम् । तद्भावरञ्जिताकारां प्रणमामि मुहुर्मुहुः।।’ ત્યારે અભેદાનંદજી મહારાજ અનુભવ કરે છે કે શ્રીમાની જગ્યાએ શ્રીઠાકુર બિરાજમાન છે!

ભક્તિશાસ્ત્રના આચાર્યો જેમ કે વ્યાસજી, શાન્ડિલ્ય મુનિ, ગર્ગાચાર્ય, નારદજી વગેરે કોઈ વિશેષ ગુણની પરાકાષ્ઠા દ્વારા ભક્તિની વ્યાખ્યા કરે છે, છતાં નારદજીને સંતોષ થયો નહીં અને ભક્તિની વ્યાખ્યા આપતાં ‘यथा व्रजगोपिकानाम्’ એમ બોલી ઊઠે છે. તેવી જ રીતે અહીં પણ શ્રીમા શારદાદેવીનું જીવન ભક્તિના પરમ રસમાધુર્યથી પરિપૂર્ણ હતું. તેથી અહીં પણ કહી શકાય ‘यथा सारदां जीवनम्’। આમ ગોપીઓ, મીરાંબાઈ, મા શારદાદેવી એવાં અસંખ્ય જીવનચરિત્રો છે, જેનાથી ભક્તિદેવી સ્વયં મહિમાન્વિત થાય છે.

રાજયોગ :

રાજયોગની સાધના વિશેષજ્ઞ કે ઉત્તમ ગુરુના માર્ગદર્શન અથવા સાન્નિધ્યમાં કરવી જોઈએ. મહર્ષિ પતંજલિના યોગસૂત્રના વિભૂતિપાદમાં જણાવ્યું છે-

सत्त्वपुरुषान्यताख्यातिमात्रस्य
सर्वभावाधिष्ठातृत्वं सर्वज्ञातृत्वं च।।50।।

પુરુષ અને બુદ્ધિના પરસ્પર પાર્થક્ય-જ્ઞાનમાં સંયમ કરવાથી બધી વસ્તુઓ પર અધિષ્ઠાતૃત્વ અને સર્વજ્ઞાતૃત્વ પ્રાપ્ત થઈ જાય છે. વ્યાસસૂત્ર, ચતુર્થ અધ્યાય, પ્રથમપાદના આઠમા સૂત્રમાં કહેવામાં આવ્યું છે – ध्यानाच्च।।

અર્થાત્ ધ્યાનને કારણે પણ. એટલે યોગની શ્રેષ્ઠતા ગહન ધ્યાનમાં પરિણમે છે. શ્રી શ્રીમાના જીવનમાં યોગશાસ્ત્રમાં વર્ણવેલા આ બધા ગુણો પરિસ્ફુટ થયા હતા.

શ્રીશારદાદેવીની યોગની સાધના ઉત્તમ જગદ્ગુરુ શ્રીરામકૃષ્ણદેવના સાન્નિધ્યમાં થઈ હતી. શ્રીમા યોગનાં ઉત્તમ અધિકારિણી હતાં. ૧૪ વર્ષની વયે કામારપુકુરમાં પોતાના સાસરે પતિ શ્રીરામકૃષ્ણદેવના સાન્નિધ્યમાં રહેવાનો તેમને સુઅવસર મળ્યો હતો. કામારપુકુર ગામની ગોપીઓ સમાન પવિત્ર સ્ત્રીઓ જલદી જલદી વાળુ કરી શ્રીરામકૃષ્ણના દિવ્ય સંગનો લાભ મેળવવા ગોરાણીમા શ્રીચંદ્રાદેવીને ત્યાં ઉપસ્થિત થઈ જતી. વાર્તાઓ, પુરાણો, કથાઓ, ભજનો વગેરે દ્વારા શ્રીરામકૃષ્ણદેવ તેઓને અધ્યાત્મના સાગરમાં તરબોળ કરી દેતા. આ દરમિયાન શારદાદેવી આખા દિવસના પરિશ્રમને કારણે સૂઈ જતાં. ત્યારે આ ભાગ્યવાન સ્ત્રીઓ વ્યંગ કરતી, ‘અરે, આવી દિવ્યવાણી ચાલે છે અને આ શારદા સૂઈ ગયાં છે’, ત્યારે શ્રીઠાકુર કહેતા, ‘નહીં, નહીં, સૂવા દો. તેઓ અત્યારથી આ બધું સાંભળશે તો ધ્યાન દ્વારા તેમના સ્વરૂપનું જ્ઞાન થતાં તેમનું શરીર છૂટી જશે!’

શ્રીરામકૃષ્ણદેવના સાન્નિધ્યમાં તેમને દીવાની વાટ સંકોરવાના વ્યાવહારિક જ્ઞાનથી માંડીને સમાધિ-બ્રહ્મજ્ઞાન સુધીની પ્રાપ્તિ થઈ હતી. એટલે જ યોગીરાજ શ્રીરામકૃષ્ણદેવે તેમની જગન્માતા ષોડશીરૂપે પૂજા કરી અને પોતાની સર્વસાધનાનું ફળ જગજ્જનનીરૂપે પ્રગટિત શ્રીશારદાદેવીનાં શ્રીચરણમાં અર્પણ કર્યું અને પૂજાને અંતે ઉપાસક અને ઉપાસ્ય બન્ને ગહન સમાધિના માધ્યમથી એકાકાર બની ગયાં!

શ્રીશારદાદેવી આદિશક્તિ પરામ્બા મહાયોગિની હતાં તે કેટલીક ઘટનાઓના માધ્યમથી જોઈએ.

તે સમય દરમિયાન શ્રીશારદાદેવી નોબતખાનામાં નિવાસ કરતાં હતાં. બ્રાહ્મમુહૂર્તના ઘણા સમય પહેલાંથી જ નોબતખાનાની પરસાળમાં શ્રીમા દરરોજ ધ્યાન કરતાં. દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણદેવ પાસે યોગિન (સ્વામી યોગાનંદ) રાત્રિવાસ કરતા હતા. વહેલી સવારે શ્રીરામકૃષ્ણદેવની સાથે ઝાઉતલા જવા માટે નીકળ્યા. નોબતખાના પાસે એક અદ્‌ભુત દૃશ્ય! શ્રી શ્રીમા પરમ દિવ્ય ગહન ધ્યાનમાં નિમગ્ન! હવાની લહેરથી શ્રીમાનો ઘૂંઘટ સરી પડ્યો હતો. એ પરમ દિવ્ય માતૃમૂર્તિનાં યોગાનંદ મહારાજને દર્શન થયાં. એ પરમ દિવ્ય ધ્યાનમૂર્તિના દર્શન-પ્રસાદથી જ યોગાનંદજી મહારાજના હૃદયને સમજાઈ ગયું કે આ ધ્યાનસ્થ દેવીમૂર્તિ સ્વયં જગદંબા જ છે. તેઓ શ્રીમાના આજીવન ભક્ત-સેવક અને શિષ્ય બની ગયા!

સ્વામીજીની મહાસમાધિ પછી તેમના સંન્યાસી શિષ્ય અને શ્રીમાના મંત્રદીક્ષિત કાલીકૃષ્ણ મહારાજ (સ્વામી વિરજાનંદ) શોકથી અત્યંત વ્યાકુળ બની ગયા અને હિમાલયના શ્યામલાતલની ગિરિકંદરાઓમાં તીવ્ર વૈરાગ્યવાન બની ધ્યાનમગ્ન બન્યા. દિવસના પંદર પંદર કલાક સુધી ધ્યાનમગ્ન! એક તો હિમાલય અને દીર્ઘકાલ સુધી ગહન ધ્યાનાવસ્થા! એક માત્ર યોગીરાજ જ આવું કરી શકે! શરીરના પૂરતા પોષણના અભાવે કાલીકૃષ્ણ મહારાજની શારીરિક અને માનસિક અવસ્થા વિષમ બની ગઈ. શરીર તરફ કોઈ લક્ષ નહીં. પછી તેમને આગ્રહપૂર્વક પરાણે બેલુર મઠ ખસેડવામાં આવ્યા. ત્યાં તેમની ઔષધ, પથ્ય અને ચિકિત્સાની ઉત્તમ વ્યવસ્થા થઈ. પરંતુ તેમની માનસિક અવસ્થામાં કોઈ ફેર પડ્યો નહીં. અંતે જયરામવાટીમાં શ્રી શ્રીમા સમક્ષ ઉપસ્થિત. અંતર્યામી મહાયોગિની શ્રીમા જોતાંવેંત જ પરિસ્થિતિ કળી ગયાં! ‘બેટા, આ શું થયું? અહીં ધ્યાન કરાય?’ પછી તેમના વક્ષસ્થળ પર પોતાના હાથથી ત્રણવાર ટકોરા મારી કહ્યું ‘અહીં ધ્યાન કર, અહીં ધ્યાન કર.’ પરમ આશ્ચર્ય! થોડા દિવસોમાં કાલીકૃષ્ણ મહારાજ સહજ અને સ્વસ્થ બની ગયા! પછીથી તો તેઓ રામકૃષ્ણ સંઘના છઠ્ઠા પરમાધ્યક્ષ પણ બન્યા! ત્યારે તેઓએ કહ્યું હતું, ‘પંકે બદ્ધ કરો કરિ પંગુરે લંગાઓ ગિરિ, કારે દો મા બ્રહ્મપદ કારે કરો અધોગામિ.’ અર્થાત્ હાથીને કીચડમાં ફસાવો અને અપંગને પર્વત ઓળંગાવો. વળી કોઈને બ્રહ્મપદ આપો કે કોઈને અધોગામી બનાવો. ‘જુઓ, જગજ્જનની શ્રીમાની દિવ્ય કૃપાથી આજે પરમાધ્યક્ષ, નહીં તો ક્યાંય માનસિક રીતે અસંતુલિત બનીને પડ્યો હોત!’

સ્વામી શાન્તાનંદજી મહારાજ શ્રીમાના મંત્રદીક્ષિત શિષ્ય હતા. તેઓ એક અસાધારણ મહાપુરુષ હતા. તેઓ જપમાં સિદ્ધ હતા. નાદબ્રહ્મની અનુભૂતિ તેમને સહજ હતી. એક સાધક-યુવક તેમની પાસે આવે છે. તેમણે મહારાજને પૂછ્યું, ‘મહારાજ, શ્રીઠાકુરને કેટકેટલી ભાવસમાધિ, નિર્વિકલ્પ સમાધિ વગેરે થતી જોવા મળે છે. પણ શ્રી શ્રીમાને તો એવું કશુંયે જોવા નથી મળતું.’ મહારાજ ગંભીર અને રુદ્ર બની ગયા અને યુવાન પર વરસી પડ્યા, ‘વિવેકહીન, બુદ્ધિહીન, નીચ-મના, તું શું જાણે, મારી મા શું જેવી-તેવી છે? સ્વયં રાજરાજેશ્વરી, પરામ્બા છે. સામાન્ય નારીના વેશમાં આવ્યાં છે, તારા ઠાકુરને જે સમાધિ-બમાધિ થાય છે તે એમની દિવ્યકૃપાથી જ થાય છે!’ કોણ હતાં શ્રીમા?

દક્ષિણેશ્વરના નોબતખાનામાં શ્રીમા નિવાસ કરે છે. કેટલાય ભક્તો કંઈ કેટલીયે વસ્તુઓ લાવે પણ શ્રીમાનો હાથ છૂટો, ગરીબ માછીમાર બાઈઓ આવે, નાનાં બાળકો આવે, ગરીબ ભક્તો આવે તેમને વિતરણ કરી દેતાં. એક વાર શ્રીઠાકુરે ટકોર કરી, ‘આમ હાથ છૂટો રાખશો તો કેમ ચાલશે?’ શ્રીમા અત્યંત ગંભીર બની ગયાં. જાણે શ્રીમાનું વૈશ્વિક માતૃત્વ ઘવાયું. શ્રીમાનું ગંભીર સ્વરૂપ જોઈને શ્રીઠાકુર ગભરાઈ ગયા અને વ્યગ્ર બની ગયા. તાત્કાલિક તેમના ભત્રીજા રામલાલને બોલાવ્યા અને કહ્યું, ‘જા, જા, તારાં કાકીને શાંત કર, નહીં તો અહીંનું કર્યું-કારવ્યું બધું ધૂળ-ધાણી થઈ જશે.’ કોણ હતાં શ્રીમા?

દક્ષિણેશ્વરમાં હૃદયરામ શ્રીમાને સાધારણ નારી સમજીને તેમનું અવારનવાર અપમાન કરતા. ત્યારે ઠાકુરે તેમને સાવધાન કરી દેતાં કહ્યું, ‘(પોતાના શરીરને બતાવતાં) જો આની અંદર જે છે તે રુષ્ટ થઈ દંશ દેશે તો કદાચ કૈંક બચી જઈશ પણ (નોબતખાનામાં રહેતાં શ્રીમા તરફ આંગળી ચીંધીને) તેની અંદર જે છે તે રુષ્ટ થશે અને દંશ આપશે તો બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ પણ તને બચાવી નહીં શકે.’ કોણ હતાં શ્રીમા?

अनन्तरूपिणी अनन्तगुणवती अनन्तनाम्नि गिरिजे मा। વારાણસીમાં લક્ષ્મીવિલામાં રહેતાં શ્રીમાને બ્રહ્માનંદજી મહારાજે પૂછ્યું, ‘શક્તિની પૂજા શા માટે થાય છે?’ ત્યારે શ્રીમાએ કહ્યું, ‘જીવની મુક્તિની ચાવી શક્તિ અર્થાત્ મહામાયાના હાથમાં છે. તેમની કૃપા થાય તો જ જીવને મુક્તિ પ્રાપ્ત થાય છે.’ ગીતામાં કહ્યું છે :

दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया।
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते।।

આધ્યાત્મિક સાધનામાં સ્વામી વિવેકાનંદ દ્વારા પ્રદર્શિત પ્રશસ્ત સહજ રાજમાર્ગ માટે આ યુગમાં યોગોનો સમન્વય અનિવાર્ય છે. જ્ઞાન, ભક્તિ અને કર્મ એક ત્રિકોણ છે, ગમે તે એકની પ્રાપ્તિ કરીએ તો બીજા અનાયાસે પ્રાપ્ત થાય; છતાં પણ સાધારણ સાધકે આ કલિકાળમાં ભક્તિયોગનો આશ્રય વિશેષ રૂપે લેવો જોઈએ. રાજયોગમાં ૧.૨૭-૨૮માં પણ કહ્યું છે :

तस्य वाचकः प्रणवः।
तज्जपस्तदर्थभावनम्।

આમ, યોગશાસ્ત્રમાં પણ મંત્ર અને જપનો મહિમા વર્ણવાયો છે તથા નારદ ભક્તિસૂત્રમાં કહ્યું છે :

सा ते कर्मज्ञानयोगेभ्योऽप्यधिकतरा।।25।।

આ (પ્રેમ ભક્તિ) તો કર્મ, જ્ઞાન અને યોગથી પણ શ્રેષ્ઠતમ છે. તાત્ત્વિક દૃષ્ટિએ સર્વ દેવી-દેવતાઓ એક જ છે. એટલે કોઈ પણ અવતાર કે દેવી-દેવતાના દિવ્ય જીવનનું અનુધ્યાન અને સદ્ગુરુ પ્રદત્ત દિવ્યમંત્રનો જાપ કરવાથી સાધક સહજતાથી સાધનામાં અગ્રેસર થઈ શકે છે.

રામકૃષ્ણ સંઘના તત્કાલીન ઉપાધ્યક્ષ સ્વામી તપસ્યાનંદજી મહારાજ કહે છે, ‘જ્યારે તમને મંત્રદીક્ષા આપવામાં આવે છે ત્યારે તમને બીજના રૂપમાં ભગવાન આપવામાં આવે છે, જે તમને પ્રત્યક્ષ ભગવાન સાથે સાંકળે છે.’ પણ આપણને તેના મહિમાનો ખ્યાલ નથી.આપણને એમ થાય કે આ મંત્રજાપ તો અતિ સાદો વિધિ છે. આપણને તો કોઈ વિશિષ્ટ પ્રકારનું અજબ આસન, પ્રાણાયામ, ક્રિયા વગેરે, તે પણ એક સંયોજન(પેકેજ)ના રૂપે હોય તો કંઈક થોડોક સંતોષ થાય. જો કે સાધક એ પણ નિયમિત કરતો નથી. જો સાધક સાચાં ભક્તિ-શ્રદ્ધાથી શ્રીમા શારદાદેવીના શરણાગત બને તો તેમની કરુણા અને પરમકૃપાથી સાધનામાં ઉત્સાહ, પ્રેરણા, ગતિ, સિદ્ધિ વગેરે સહજતાથી પ્રાપ્ત કરી શકે છે.

Total Views: 466

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.