શ્રી આર. નટરાજને સ્વામી શ્રીધરાનંદજીને પૂછ્યું – પશ્ચિમમાં યોગ અંગે જિજ્ઞાસા વધતી જાય છે, સાથે સાથે તેના વિશે ગેરસમજ પણ પ્રવર્તે છે. અહીંના લોકો કંઈક સારું તેમજ નવું હોય તો તેને ઝડપથી સ્વીકારી લે છે અને તેના પ્રચારમાં પણ લાગી જાય છે. યોગ વિશે પણ કંઈક તેવું છે. પરંતુ લોકોમાં ખૂબ જ ભ્રામક માન્યતાઓ છે. શરીરને ખેંચવું-વાળવું (Stretching and bending) એ જ યોગ છે તેવી ગેરસમજ અહીં છે. યોગ વિશે અમારા પ્રેક્ષકોને સમજાવવા વિનંતી.
સ્વામી શ્રીધરાનંદજી – યોગ શીખવે છે સ્થૂળ તેમજ સૂક્ષ્મ ખોરાક દ્વારા શરીરમાં ઉદ્ભવેલ શક્તિઓને મન દ્વારા નિયંત્રિત કરી કાર્યમાં કેમ લગાવવી. આ આત્મસાત્ કરેલી શક્તિઓ ઈશ્વરમાંથી જ ઉદ્ભવતી વૈશ્વિક શક્તિઓનો ભાગ છે.
હવે જો આપણે શિસ્તબદ્ધ રીતે, સમર્પિત ભાવથી, કૃતનિશ્ચયતાથી આ શક્તિઓને આપણા અંગત સ્વાર્થમાં ન વાપરીએ અને જગતના શ્રેયને માટે તેનો ઉપયોગ કરીએ તો આપણે સ્વામી વિવેકાનંદના સંદેેશ ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ જે તેમણે બુદ્ધના ‘બહુજન હિતાય બહુજન સુખાય’માંથી લીધો અને જે યોગનું મુખ્ય અંગ છે તેને પામી શકીએ.
યોગ શીખવે છે કે તમારું જીવન ઈશ્વરની ઇચ્છામાં એકરાગ કરો અને જીવો. તમે આત્મસાત્ કરેલી શક્તિઓ કે જે વૈશ્વિક શક્તિઓનો જ ભાગ છે, તેને શરીર અને મનના સંયોજનથી બહુજન હિતાય – લોકોના ભલા માટે, બહુજન સુખાય – લોકોના સુખ માટે અને જગત્ હિતાય – જગતના હિત માટે ઉપયોગ કરો. આ પ્રક્રિયાથી તમારું જીવન જગતના લોકોના ઉચ્ચજીવન માટે અર્પણ થશે અને અંતમાં તમે દિવ્યતાને પ્રાપ્ત કરશો.
જ્યારે યોગનો આ વિચાર અને અભિગમ પશ્ચિમમાં ગયો ત્યારે પશ્ચિમના લોકો જીવન વધારે સારી રીતે, તંદુરસ્ત જીવનશૈલીથી, વધારે આનંદથી જીવવા માટે મથામણ કરી રહ્યા હતા – જેમાં કાંઈ જ ખોટું નથી. આ કાર્યમાં જોડાયેલા યોગશિક્ષકોએ યોગના મૂળ વિચારને-હાર્દને ધ્યાનમાં ન લેતાં, સમાજના પ્રવાહને ધ્યાનમાં લઈ યોગનો અર્થ તંદુરસ્ત જીવનશૈલી જ કર્યો. આધ્યાત્મિક અર્થને, ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ને ધ્યાનમાં ન લીધું અને શરીરને ખેંચવા તેમજ વાળવાને જ અગ્રીમતા આપી. આમ, માત્ર શારીરિક અર્થમાં યોગને પ્રચલિત કર્યો. પરિણામે માનસિક તાણ અને દબાણને ઓછું કરવામાં તેઓ સફળ થયા છે પરંતુ યોગના મૂળતત્ત્વ સુધી તેઓ પહોંચી શક્યા નથી.
અમારા પ્રયત્ન એવા છે કે તંદુરસ્ત જીવનશૈલી દ્વારા મનને ઉચ્ચ ભૂમિકા માટે તૈયાર કરવું કે જેના દ્વારા શારીરિક શક્તિઓને ‘બહુજન હિતાય બહુજન સુખાય’ તેમજ ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ એવા યોગના મૂળ અર્થ સુધી પહોંચી શકાય અને ઉચ્ચજીવનના માધ્યમથી પૂર્ણતાને પ્રાપ્ત કરી શકાય.
યોગનો અર્થ જોડવું એમ થાય. એક છેડા પર આપણે જગતની અપૂર્ણતાથી, દુર્ગુણોથી અને સ્વકેન્દ્રી વિચારથી પ્રભાવિત છીએ અને બીજા છેડા પર આપણે સંપૂર્ણ શુભ અને પૂર્ણ છીએ. આ બે છેડાને જોડવાનું કામ યોગ કરે છે. હવે આપણે કેવા ગેરમાર્ગે દોરવાઈએ છીએ તે સમજવાનો પ્રયાસ કરીએ. દરેક વ્યક્તિ એક સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. બીજાઓથી તે જુદો છે તેમ પોતે માને છે. દરેક વ્યક્તિની સ્વતંત્ર ઇચ્છાઓ, ધ્યેય તેમજ આશા હોય છે.
દરેક વ્યક્તિની ફરજો છે અને પોતાનું આગવું જગત છે. આમ દરેક વ્યક્તિ આ જગતમાં સ્વતંત્ર રીતે પોતાનો રસ્તો શોધવાનો પ્રયત્ન કરે છે. બીજી રીતે આ જગત એક MAD HOUSE છે. ખરી રીતે આ જગતે જાણવું જોઈએ કે તે સ્વતંત્ર નથી. એકમેક સાથે જોડાયેલ છે, સંકળાયેલ છે. કોઈપણ વ્યક્તિ સ્વતંત્ર રીતે એકલો રહી શકતો નથી અને આર્થિક કે આધ્યાત્મિક પ્રગતિ કરી શકતો નથી. જગતના દરેક ધર્મ અને આધ્યાત્મિક સંપ્રદાય માને છે કે તેમને ઈશ્વર સાથે સીધું જોડાણ છે. તમે સ્વતંત્ર છો તે ગેરસમજ અને ગેરમાન્યતા છે. આને સંપૂર્ણ રીતે દૂર કરવાની છે.
આ વિચાર બિનવ્યવહારુ છે. આપણે આગળ જોયું કે દરેક વ્યક્તિ એકબીજાથી ભિન્ન છે, છતાં જોડાયેલ છે. માટે જગતને દોરવનારા અગ્રણીઓ કે જેઓ સમુદાયને દોરે છે, જીવન જીવવાનો માર્ગ સૂચવે છે તે તમામે એક અવાજે સમજાવવાનું છે કે આ જગત એકબીજા સાથે સંકળાયેલું છે. જગત એક જ છે. કોઈ એકબીજાથી ભિન્ન નથી. આપણું ધ્યેય આનંદ અને સંવાદિતા છે. દરેક વ્યક્તિના જીવનમાં સુખ-શાંતિ અને ઉચ્ચતત્ત્વ સાથે જોડાણ એ માનવજાતનો મુખ્ય હેતુ છે.
આ બધા જ પ્રયત્નોથી માનવી વધારે સારો માનવ બને તેવા પ્રયત્નો કરવાના છે. જગતના બધા જ દેશોએ ભારતના આ વિચારને અનુમોદન આપેલ છે અને તેના પરિણામે ૨૧ જૂનને યુનાઈટેડ નેશન્સે આંતરરાષ્ટ્રિય યોગદિવસ તરીકે જાહેર કરેલ છે. જગતના બધા જ દેશોના આગેવાનોને આ વિચારધારાની જરૂરિયાત સમજાઈ છે કે જગત એક જ છે – એકબીજા સાથે સંકળાયેલું છે અને પરસ્પરની સંપૂર્ણ પ્રગતિમાં જ જગતનું ભલું છે. માટે જ જગતના દેશો પૂર્વ તરફ મીટ માંડીને ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિને સ્વીકારીને તેણે દર્શાવેલ યોગના વિભિન્ન માર્ગ – રાજયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગના માધ્યમથી વધારે ઉચ્ચ આદર્શ તરફ જવાનો રસ્તો આત્મસાત્ કરવાનો નિર્ધાર કરી રહ્યા છે. ભારતે એક આગવો ભાગ ભજવવાનો છે; જગતના લોકોમાં યોગપ્રેરિત જીવનશૈલી દ્વારા વધારે સારું જીવન જીવવા માટે, વધારે પવિત્ર જીવન જીવવા માટે, વધારે ઊંચાઈ આંબવા માટે જગતના લોકોને પ્રેરણા આપવાની છે.
Your Content Goes Here





