પુરાણોમાં કથા છે કે ભગીરથની ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈ મા ગંગા પૃથ્વી પર અવતરવા સહમત તો થયાં પરંતુ એમના પ્રચંડ પ્રવાહને કોણ નિયંત્રિત કરશે એ સમસ્યા હતી. આથી રાજા ભગીરથે તપશ્ચર્યા દ્વારા દેવાધિદેવ મહાદેવને કર્યા અને તેમણે  ગંગાને પોતાની જટામાં ઝીલી. એવી જ રીતે શ્રીરામકૃષ્ણદેવની પ્રચંડ આધ્યાત્મિક શકિતને, તેમના ઉપદેશોને, કોણ ધારણ કરી શકે કે સમજી શકે ? માટે જ શ્રીરામકૃષ્ણદેવ રડી રડી ને મા જગદંબાને  પ્રાર્થના કરતા કે  મા એક એવી વ્યકિત મોકલ કે જેની સાથે હું દિલ ખોલીને વાત કરી શકું, જે મારા ભાવ અને વિચારોને સમજી અને ગ્રહણ કરી શકે, જે સત્યને માટે તથા આત્મજ્ઞાન માટે પોતાની જાતનું પણ બલિદાન દેતાં ખચકાય નહીં. આમ શ્રીરામકૃષ્ણદેવની પ્રાર્થનાને પરિણામે સ્વામી વિવેકાનંદનું આગમન થયું. નરેન્દ્રના પ્રથમ આગમનથી જ શ્રીરામકૃષ્ણદેવે તેમને પોતાનાઅંગત સ્વજન માની લીધા હતા. શ્રીરામકૃષ્ણદેવ પોતાની બધી જ અનુભૂતિઓ અને શક્તિઓ નરેન્દ્રના હૃદયમાં ઠાલવવા અધીર બન્યા હતા. સ્વાર્થપૂર્ણ આ જગતમાં શ્રીરામકૃષ્ણદેવનો નિ:સ્વાર્થ પ્રેમ અને કરુણા જોઈ નરેન્દ્રનાથ પણ એમના તરફ અજાણતાં જ આકર્ષાયા હતા.

શ્રીરામકૃષ્ણદેવ અને નરેન્દ્રનાથ વચ્ચેના અલૌકિક પ્રેમના સાક્ષી હતા સ્વામી પ્રેમાનંદ. તેમણે પોતાનાં સંસ્મરણોમાં નોંધ્યું છે : ‘ઈ.સ.1881માં નરેન્દ્રનાથે શ્રીરામકૃષ્ણદેવ પાસે આવવા જવાનું શરૂ કરેલું અને એના થોડા મહિનાઓ બાદ એક દિવસ રાખાલ અને શ્રીરામકૃષ્ણદેવના એક ગૃહસ્થ ભકત રામદયાળબાબુની સાથે હું પહેલીવાર દક્ષિણેશ્વર ગયો. ધર્મ અને ઈશ્વરચર્ચામાં કેટલાય કલાકો આનંદમાં વીતી ગયા. એમ રાતના દસ વાગી ગયા પછી અમે જમ્યા અને ઠાકુરના ઓરડાની બહાર ઓસરીમાં અમારા સૂવાની વ્યવસ્થા કરવામાં આવી. સૂતા પછી એક કલાક પણ વીત્યો ના વીત્યો ત્યાં ઠાકુર પહેરવાનું ધોતિયું બાળકની માફક બગલમાં ઘાલી અમારી પાસે આવ્યા અને રામદયાળબાબુને સંબોધીને બોલ્યા, ‘કેમ રે સૂઈ ગયા કે ?’ અમે બંન્ને હાંફ્ળાફાંફ્ળા પથારીમાં બેઠા થઈ બોલ્યા,  ‘ના જી.’  એ સાંભળીને ઠાકુર બોલ્યા, ‘જુઓ, નરેન્દ્ર કેટલાય દિવસથી અહીં આવ્યો નથી. એને જોયા વગર મારાથી હવે રહેવાતું નથી. એને એકવાર અહીં મળી જવાનું જરૂર કહેજો. એ શુદ્ધ સત્ત્વગુણનો આધાર, સાક્ષાત્ નારાયણ એટલા માટે એને જોવા માટે હું આટલો અધીર બનું છું.’

રામદયાળબાબુ શ્રીરામકૃષ્ણદેવના આ ભાવથી પરિચિત હતાં. આથી તેઓએ ઠાકુરને અનેક પ્રકારે આશ્વાસન આપીને કહ્યું કે સવાર થતાં જ તેઓ નરેન્દ્રને મળી એમને અહીં આવવાનું કહેશે. પણ એ રાતે ઠાકુરનો એ ભાવ જરાપણ શમવા પામ્યો નહીં. અમને આરામ મળતો નથી એમ સમજી તેઓ વચમાં વચમાં પોતાના ઓરડામાં જઈ સૂઈ જતા, પણ થોડી જ વારમાં બધું ભૂલીને તેઓ ફરી અમારી પાસે આવીને નરેન્દ્રના અદ્‌ભુત ગુણોની અને તેના વિરહને કારણે અંતરમાં જે દારુણ પીડા થાય છે તેની વાત કરવા લાગ્યા. શ્રીરામકૃષ્ણદેવની આવી વિહવળતા જોઈ હું વિચારવા લાગ્યો કે કેવો અદ્‌ભુત આમનો નરેન્દ્ર પ્રત્યેનો પ્રેમ; અમારી એ રાત આમ જ વીતેલી અને સવારે અમે ઠાકુરને પ્રણામ કરી વિદાય લીધી.’

આવો જ એક બીજો પ્રસંગ છે ઈ.સ. 1883નો. શ્રીરામકૃષ્ણદેવના એક ગૃહસ્થ ભકત વૈકુંઠનાથ સંન્યાલ પોતાની સ્મૃતિકથામાં નોંધે છે- મેં દક્ષિણેશ્વર જઈને જોયું કે નરેન્દ્ર ઘણા સમયથી આવ્યા નથી તેથી તેને જોવા માટે ઠાકુર ખૂબ અધીર બન્યા છે. તે દિવસે ઠાકુરનું મન જાણે નરેન્દ્રમય બની ગયું છે. નરેન્દ્રના ગુણગાન સિવાય બીજી કોઈ વાત જ ન હતી . મને જોઈને કહેવા લાગ્યા કે  જુઓ નરેન્દ્ર સત્ત્વગુણી, અખંડના ઘરના ચાર જણામાંનો એક, એના કેટલાય ગુણ, તેનો છેડો મપાય નહીં  આમ વાત કરતાં કરતાં તો ઠાકુર જેમ એક મા  પુત્રના વિયોગથી દુ:ખી થઈ જાય તેમ રડવા લાગે છે અને કેમેય કરીને પોતાની જાતને કાબૂમાં રાખી શકતા નથી અને અમે તેમના આવા વર્તનથી શું ધારીશું એ જાણી તેઓ પોતાના ઓરડાની બહાર જતા રહ્યા અને રડતાં રડતાં કહેવા લાગ્યા કે હે મા, એને જોયા વગર હવે મારાથી રહેવાતું નથી. થોડીવાર પછી પોતાની જાત પર કાબૂ મેળવી તેઓ ઓરડામાં આવ્યા અને ગળગળા સ્વરે કહેવા લાગ્યા કે  એને એક વાર જોવાને માટે પ્રાણમાં ભારે પીડા થાય છે.છાતીની અંદરનો ભાગ જાણે અમળાઈ રહ્યો છે.  આમ કહેતા કહેતાં વળી પાછું દિલ ભરાઈ આવતાં ઓરડાની બહાર જતા રહ્યા અને રડવા લાગ્યા.

થોડીવારે ફરી અંદર આવી કહેવા લાગ્યા કે  હું એના માટે આટલો બેચેન બની જાઉં છું એ જોઈ લોકો શું કહેશે એ કહો તો? તમે તો પોતાના માણસ છો એટલે આ બધી વાત તમને કરું છું. આમ ઠાકુરનો નરેન્દ્ર તરફનો પ્રેમ જોઈ હું તો વિચારવા લાગ્યો કે નક્કી નરેન્દ્ર દેવતુલ્ય વ્યકિત હશે, નહીં તો એના તરફ ઠાકુરનું દિલ આટલું ખેંચાય શાને? ઉપર્યુકત ઘટનાના થોડા દિવસ બાદ નરેન્દ્ર આવતાં જ ઠાકુર કેવા તો ઉલ્લાસિત થયેલા એ પણ મેં નજરે જોયું. એ દિવસે શ્રીરામકૃષ્ણદેવનો જન્મદિવસ હતો. ભક્તોએ એમને નવાં વસ્રો અને ચંદન તથા ફૂલોથી શણગાર્યા હતા. ઓરડામાં મધુર હરિનામકીર્તન થઈ રહ્યું હતું પણ નરેન્દ્ર નહોતો આવ્યો એથી ઠાકુરના આનંદમાં ઓછપ દેખાઈ રહી હતી. લગભગ બપોરે નરેન્દ્રએ આવીને ભક્તમંડળી વચ્ચે ઠાકુરને પ્રણામ કર્યા. એને જોતાં જ ઠાકુર આનંદથી ઊછળી એની કાંધે બેસી જઈ સમાધિસ્થ થઈ ગયા. ત્યાર બાદ નરેન્દ્રની સાથે વાતો કરવામાં અને એને ખવડાવવા-પિવડાવવામાં લાગી ગયા. એ દિવસે પછી એમનાથી કીર્તન સાંભળવાનું થયું નહીં.

શ્રીરામકૃષ્ણદેવ અને નરેન્દ્રની વચ્ચે અલૌકિક પ્રેમ હોવા છતાં એક દિવસ એવો આવ્યો કે જ્યારે નરેન્દ્ર પાસે આવતાં ઠાકુરે એમની સાથે એકદમ ઉપેક્ષિત વ્યવહાર કર્યો. નરેન્દ્રનાથે પ્રણામ કર્યા છતાં પણ ઠાકુરે હેતપ્રેમ કરવાનાં તો આઘાં રહ્યાં, એકવાર કુશળ સમાચાર સુધ્ધાં પણ પૂછ્યાનહીં. નરેન્દ્રનાથે વિચાર્યું કે લાગે છે કે આજે ઠાકુર કોઈ બીજા જ ભાવમાં છે. એટલે થોડીવાર ઠાકુરના ઓરડામાં બેસી તે બહાર બીજા લોકો જોડે વાતો કરવા લાગ્યા. આમ આખો દિવસ ઠાકુરે નરેન્દ્ર 5્રત્યે જરા પણ ધ્યાન આપ્યું નહીં અને આમને આમ સાંજ પડતાં નરેન્દ્ર તેમને પ્રણામ કરી જતા રહ્યા.

બે ત્રણ દિવસ બાદ ફરી નરેન્દ્ર ઠાકુર પાસે આવ્યા અને એ દિવસે પણ ઠાકુરે એમના પ્રત્યે જરા પણ ધ્યાન આપ્યું નહીં. આથી બીજા ભક્તો જોડે વાતચીતમાં આખો દિવસ પસાર કરી સાંજ પડતાં પોતને ઘેર પાછા ગયા. જેટલી વાર નરેન્દ્ર દક્ષિણેશ્વર આવ્યા તેટલી વાર ઠાકુરનો આવો જ ઉપેક્ષિત વ્યવહાર રહ્યો હતો. છતાં પણ નરેન્દ્ર જરા પણ દુ:ખી કે ઉદાસ ન થયા અને દર વખતની જેમ ઠાકુર પાસે આવવા-જવાનું ચાલુ રાખ્યું. આમ ને આમ એક મહિના કરતાં પણ વધુ સમય વીતી ગયો.

એક દિવસ ઠાકુરે નરેન્દ્રને પાસે બોલાવીને કહ્યું, ‘કહે તો હું તો તારી સાથે એક વાત સુધ્ધાં પણ કરતો નથી, છતાં પણ તું અહીં શા માટે આવે છે?’ નરેન્દ્રે કહ્યું, ‘ હું શું આપની પાસે થી અહીં કંઈ મેળવવા આવું છું? આપના ઉપર પ્રેમ છે અને આપને જોયા વગર રહી શક્તો નથી એટલે આવું છું.’  ઠાકુર નરેન્દ્રના જવાબથી ખૂબ ખુશ થયા અને કહ્યું, ‘હું તને ચકાસી રહ્યો હતો. તારા જેવો આધાર જ આટલી ઉપેક્ષા અને અવજ્ઞા સહી શકે. બીજો કોઈ હોત તો આટલા દિવસોમાં કયારનોય ભાગી ગયો હોત.’ આમ શ્રીરામકૃષ્ણદેવ અને નરેન્દ્રની પ્રેમની આ અદ્‌ભુત ગાથા સાધારણ લોકોની સમજથી પર છે.

પિતાના અચાનક અવસાન બાદ નરેન્દ્રનાથના જીવનમાં જે દુ:ખ અને કષ્ટ આવી પડ્યાં તેનું વર્ણન કરતા નરેન્દ્રનાથ કહે છે, ‘દુ:ખ અને વિપત્તિના સમયમાં પણ મારામાં ઈશ્વર માટે પ્રેમ અને આસ્તિકય બુદ્ધિનો વિલોપ થયો ન હતો. રોજ સવારે ઈશ્વરની પ્રાર્થના કરી હું નોકરી માટે દરેક જગ્યાએ ભટક્તો. એક દિવસ માએ ભારે નારાજગીથી કહ્યું  ચૂપ કર બચપણથી તો ‘ભગવાન, ભગવાન’ કરતો આવ્યો છે. તારા ભગવાને તો આ બધું કર્યું છે.  માની આ વાત સાંભળી મને દિલમાં ખૂબ લાગી આવ્યું અને મારા મનમાં પ્રશ્ન ઉદ્ભવવા લાગ્યા કે સાચી વાત છે. મનુષ્યની કરુણ પ્રાર્થના ઈશ્વર શા માટે સાંભળતા નથી? શિવના આ સંસારમાં આટલું અ-શિવ કયાંથી આવ્યું ? અંતે હૃદયમાં નાસ્તિકતાએ કબ્જો જમાવી લીધો અને બધાને કહેવા લાગ્યો કે ઈશ્વર જેવું આ દુનિયામાં કંઈ છે જ નહીં. મારી આ બધી વાતો સાંભળીને લોકો કહેવા લાગ્યા કે હું નાસ્તિક બની ગયો છું અને દુરાચારી લોકોની સાથે રહી હું પણ દુરાચારી બની ગયો છું.

આ વાત કાનોકાન ફેલાતાં ફેલાતાં ઠાકુરના ભક્તો અને ઠાકુર પાસે પણ વધારે વિકૃતરૂપે પહોંચી. એ વાત જાણીને દિલમાં ખૂબ દુ:ખ થયું પરંતુ સંસારની પ્રશંસા અને નિંદા પ્રત્યે હું એકદમ ઉદાસીન બની ગયો હતો. પરંતુ આખરે ભવનાથે જ્યારે રડતાં રડતાં આ બધી વાત કરી ત્યારે ઠાકુર પહેલાંતો કંઈ બોલ્યા નહીં પણ પછી અત્યંત નારાજ થઈને ભવનાથને કહ્યું  કે ચૂપ રહે, મૂર્ખ. નરેન્દ્ર કદાપિ એટલો પતિત ન થઈ શકે. ફરી ક્યારેય જો આવી રીતે નરેન્દ્રની નિંદા કરીશ તો તારું મોઢું કદી નહીં જોઉં. ઠાકુરની આ વાત સાંભળી ને હુ સ્તંભિત થઈ ગયો.’

સ્વામી વિવેકાનંદની મહાસમાધિ બાદ એક દિવસ સ્વામી શિવાનંદે નવા સાધુઓ અને બ્રહ્મચારીઓને કહ્યું હતું કે નરેન્દ્રને કોણ સમજી શક્યું છે? અમારામાંથી પણ કોણ નરેન્દ્રને બરાબર સમજી શક્યું છે? કેવળ ઠાકુર અને મા જ નરેન્દ્રને બરાબર સમજી શકયાં છે. અને વાતેય સાચી છે. ભોગવિલાસને જ સાચું માનનાર, કામિનીકાંચનમાં ગળાડૂબ રહેનાર, અહંકાર અને દ્વેષથી જેનું મન દૂષિત થયેલું છે તેવા સંસારી લોકો યુગનાયક વિવેકાનંદને કેવી રીતે સમજી શકે? અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર: કરુણ એવ ચ, નિર્મમો નિરહંકાર: સમદુ:ખસુખ: ક્ષમી અર્થાત્ જે મનુષ્ય કોઈનો પણ દ્વેષ કરતો નથી, બધાં પ્રાણીઓ પ્રત્યે મિત્રભાવ રાખે છે અને બધાં પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખે છે, અહંકારથી મુકત તથા સુખદુ:ખને સમાન ગણનાર છે તે ભકત મને અતિ પ્રીય છે. ગીતાના આ શ્ર્લોકનો વારંવાર પોપટની જેમ રટણ કરતા રહેતાં, સાધુસમાજમાંથી પણ કોણ યોગીરાજ વિવેકાનંદને બરાબર સમજી શક્યું છે? માટે આવો, આપણે બધા ઠાકુર અને શ્રીમાને જ પ્રાર્થના કરીએ કે તેઓ આપણાં મન અને હૃદયને એટલાં શુદ્ધ બનાવે કે જેથી આપણે સ્વામી વિવેકાનંદને  સમજી શકીએ.

Total Views: 413

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.