મઠમાં જેટલાં પ્રાણીઓ છે તે બધાંનો હું નેતા છું, એવા ભાવથી આખા મઠમાં ફરતો સ્વામીજીનો પ્રિય કૂતરો એટલે ‘બાઘા’. ક્યારેક ક્યારેક એ જોર જોરથી ભસીને પોતાના અસ્તિત્વની જાણ બધાને કરાવતો હતો. એવું કહેવાય છે કે ઘરનો માલિક કોણ છે, એ કૂતરાને જન્મથી જ ખબર હોય છે. આ જ કારણે બાઘા સ્વામીજીની આસપાસ જ ફરતો રહેતો. આ બાઘા વિશે ઘણી માહિતી જાણવા મળે છે.

મઠમાં પૂજા માટે અને સ્વામીજી માટે પીવાનું પાણી ગંગાના સામે કાંઠે વરાહનગરથી લાવવામાં આવતું. એકવાર પૂજા માટે લાવેલું પાણી બાઘાએ બોટી નાખ્યું. ગુસ્સે થઈને સ્વામીજીએ હરિપદ મહારાજને આદેશ આપ્યો, ‘આજે ને આજે જ બાઘાને મઠમાંથી હાંકી કાઢો.’ તથાસ્તુ કહીને હરિપદ મહારાજે બાઘાને ગંગાના સામે કાંઠે છોડી મૂક્યો. સાંજે બેલુર મઠ આવતી નૌકામાં બાઘો સવાર થઈ ગયો. આ બાઘા મઠનો કૂતરો છે એટલે બધા નાવિક ઓળખતા હતા. તેઓ મફતમાં બાઘાને અહીં લાવ્યા. બાઘા તો નાચતો કૂદતો સ્વામીજી સામે હાજર. એને જોઈને જ સ્વામીજી ગુસ્સે થઈ ગયા. એમણે હરિપદ મહારાજને બોલાવીને પૂછ્યું કે તમે બાઘાને બહાર છોડી મૂક્યો હતો કે નહીં? તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે નાવિક આ મઠનો કૂતરો છે એમ જાણીને તેને પાછો મઠમાં લાવ્યા છે. સ્વામીજીએ એને મઠની બહાર કાઢી મૂકવાનો ફરીથી આદેશ આપ્યો અને નાવિકોને તેને પાછો પોતાની સાથે ન લાવવા કહ્યું.

પરંતુ બાઘા એટલે સ્વામીજીનો જ ‘બાઘા’! બીજીવાર તે બળ અજમાવીને નૌકામાં કૂદી પડ્યો. કોઈ પણ રીતે એ ઊતરવા તૈયાર ન હતો. નાવિકોએ તેને લાકડીથી ડરાવવાનો પ્રયત્ન કર્યો તો તેની સામે દાંતિયાં કરીને, ઘૂરકિયાં કરવા લાગ્યો. નાવિકો બીચારા શું કરે, એ તો ચૂપચાપ બેસી ગયા. ફરીથી નાચતો કૂદતો બાઘા સ્વામીજીની સામે હાજર!! આ બધું વૃત્તાંત સાંભળીને, બાઘાને પોતાની પાસે લાવીને, તેના પર પ્રેમથી હાથ ફેરવતાં ફેરવતાં સ્વામીજી કહેવા લાગ્યા, ‘હવે બાઘા અહીં જ રહેશે, ક્યાંય જશે નહીં.’

એક બીજા દિવસની ઘટના જોઈએ. સ્વામીજી ઉપરના માળે રહેતા હતા. એક રાતે સ્વામીજી પોતાના ઓરડામાંથી બહાર આવ્યા. અચાનક એમનો પગ કોઈક વસ્તુ પર પડ્યો. એમને લાગ્યું કે કોઈક ઓશીકું હશે, પણ બરાબર જોયું તો બાઘા અહીં સૂતો હતો. આશ્ચર્ય તો એ વાતનું હતું કે તેણે સ્વામીજીને કંઈ ન કર્યું. બીજું કોઈ હોત તો તેને જરૂર કરડી ખાધું હોત. સ્વામીજીનાં ચરણો પાસે પોતાનું માથું ફેરવવા લાગ્યો. આ બધું જોઈને સ્વામીજીનું હૃદય દ્રવી ઊઠ્યું. તેઓ બાઘાની પીઠ પર પ્રેમથી હાથ ફેરવવા લાગ્યા. તેમણે જાણી લીધું કે બાઘાને કોઈએ ઈજા કરી છે માટે તે ફરિયાદ કરવા મારી પાસે આવ્યો છે. તપાસ કર્યા પછી જાણવા મળ્યું કે ખોકા મહારાજે કંઈક કારણસર તેને થોડો ફટકાર્યો હતો.

બાઘાની એક બીજી વિશેષતા હતી. ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ શરૂ થતાં પહેલાં અને પૂર્ણ થયા બાદ સૌથી પહેલાં ગંગામાં ઊતરીને સ્નાન કરતો હતો. જ્યારે મઠમાં કોઈ અતિથિવિશેષ આવતા તો એનું સ્વાગત કરીને સ્વામીજી સુધી પહોંચાડવાનું કામ બાઘાનું જ હતું. શરૂઆતમાં મઠમાં અતિથિગૃહની વ્યવસ્થા ન હતી ત્યારે સ્વામીજીને મળવા માટે દેશવિદેશથી આવનાર મહેમાન મઠમાં તંબુ બનાવીને રહેતા. બાઘા આ બધાનો દિવસરાત ચોકીપહેરો કરતો. આ બાઘા વિશે સ્વામી ઓંકારાનંદ એક ઘટના કહેતા :

મઠના પ્રારંભના દિવસોમાં બેલુર મઠની પાસેના બાલિ ગામના લોકોનો મઠ વિશે અભિપ્રાય સારો ન હતો. એમનું એવું માનવું હતું કે આ મઠ તો સ્વામીજીનો બંગલો છે. એટલા માટે મઠને કરમુક્તિ ન આપીને તેની પાસેથી કરની વસૂલી કરવી જોઈએ. આ કારણે કોર્ટમાં કેસ દાખલ થયો હતો. જે દિવસે કેસની સુનાવણી હતી એ સમયે મઠ તરફથી સાક્ષી રૂપે સ્વામી બ્રહ્માનંદ, સ્વામી વિજ્ઞાનાનંદ અને શ્રી વૈકુંઠનાથ સાન્યાલ હાજર રહ્યા હતા. વૈકુંઠનાથ સાન્યાલ સાક્ષી આપવા ઊભા થયા ત્યારે પ્રતિપક્ષની બધી બાબતોમાં હામી ભણવા લાગ્યા. આ જોઈને સ્વામી બ્રહ્માનંદ ઇત્યાદિ ચકિત થઈ ગયા. પરંતુ ચમત્કાર એવો થઈ ગયો કે સાક્ષી આપતાં આપતાં સાન્યાલ મહાશય બેશુદ્ધ થઈને નીચે પડી ગયા.

પરિણામે શારીરિક અસ્વસ્થતાને કારણે તેમની સાક્ષી તરીકેની જુબાની રદ કરીને સ્વામી બ્રહ્માનંદની જુબાની લેવામાં આવી અને જિલ્લા ન્યાયધીશને (ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ) મઠમાં જઈને તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો. એક દિવસ અચાનક મેજિસ્ટ્રેટ સાહેબ હુક્કો પીતાં પીતાં, હાથમાં છડી લઈને રૂઆબ સાથે વાડ પાસે ઊભા રહી ગયા. એ સમયે મઠની ચારે તરફ વાડ બાંધી હતી. સ્વામીજી મઠમાં એક બાંકડા પર બેસીને આરામ કરતા હતા. મેજિસ્ટ્રેટ સાહેબ અંદર જવા માટે રસ્તો શોધતા હતા. તેઓ અચાનક આવી ગયા એટલે એમની આગતાસ્વાગતા માટે કોઈ ન હતું. સ્વામીજીને મળવા માટે કોઈ મોટા માણસ આવ્યા છે, એમ જાણીને સ્વામીજીના બાઘાએ એમનું સ્વાગત કર્યું. મેજિસ્ટ્રેટ સાહેબ સામે જોતાં જોતાં પોતાની પાછળ પાછળ દોરી જઈને સ્વામીજી સુધી તેમને પહોંચાડી દીધા. સ્વામીજીએ પણ મેજિસ્ટ્રેટ સાહેબનું સ્વાગત કર્યું અને તેમની સાથે વિસ્તૃત ચર્ચા પણ કરી.

આ બધાના પરિણામે મેજિસ્ટ્રેટ સાહેબે પોતાના અહેવાલમાં લખ્યું હતું, ‘The dog has showed me the way, so it must be a monastery.’ (જેવી રીતે મને આ કૂતરાએ અહીં રસ્તો બતાવ્યો છે તે જોતાં તો આ એક મઠ જ છે.) અને એમણે મઠને કરમાંથી મુક્તિ અપાવી દીધી.

સ્વામીજીની મહાસમાધિ પછી બાઘા નિરાધાર અને ખૂબ હતાશ થઈને રહેવા લાગ્યો હતો. પછી જ્યારે એણે દુનિયામાંથી વિદાય લીધી ત્યારે તેનું શરીર ગંગામાં પધરાવી દેવામાં આવ્યું. પરંતુ આશ્ચર્યની વાત છે કે બીજે દિવસે બાઘાનો દેહ ગંગાની ભરતી સાથે મઠના ઘાટમાં આવી પહોંચ્યો. (કોલકાતામાં ગંગા સાગરની પાસે હોવાથી ચોક્કસ સમયે સમુદ્રની ભરતી-ઓટ સાથે ગંગાનો પ્રવાહ ઊલટી દિશામાં વહેતો દેખાય છે.)

મૃત્યુ પછી પણ પોતાનું શરીર સ્વામીજીના મઠમાં જ રહેવું જોઈએ એવું તો બાઘાને નહીં લાગ્યું હોય ને! અન્યથા એનું શરીર ફરી પાછું મઠના ઘાટ પર જ કેમ આવ્યું હશે! જે હોય તે, મઠના સાધુઓએ આદેશ આપ્યો, ‘અરે, આ તો સ્વામીજીનો બાઘા છે. સ્વામીજીએ પોતે એને આશીર્વાદ આપ્યા હતા કે બાઘા મઠમાં જ રહેશે, એ ક્યાંય નહીં જાય.’

એને મઠમાં જ ગંગા કિનારે સમાધિ આપવામાં આવી. ધન્ય છે સ્વામીસેવક બાઘાને!

Total Views: 448

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.