ભગવાન અમરનાથ અને ક્ષીરભવાનીની યાત્રાએથી પાછા ફરતી વખતે સ્વામી વિવેકાનંદની અંતર્મુખતા દિન પ્રતિદિન વધતી જતી હતી. લાંબા સમય સુધી તેઓ ધ્યાનમાં જ મગ્ન રહેતા હતા. બાહ્ય પદાર્થાેમાંથી એમનું મન સાવ હટી ગયું હતું. તેઓ એકાંતમાં રહેવાનું વધુ પસંદ કરવા લાગ્યા. ધીમે ધીમે આ બધાની અસર તેમની તબિયત પર થવા લાગી. સ્વામીજીના ગુરુભાઈઓ આ બધું જોઈને ચિંતિત થવા લાગ્યા અને સ્વામીજીને કેવી રીતે પ્રસન્ન રાખી શકાય, એનો ઉપાય શોધવા લાગ્યા. સ્વામીજીનું મન ઉચ્ચભૂમિ પર ન ચાલ્યું જાય એ માટે, કોઈ પણ એમની સાથે ગંભીર વિષયો પર ચર્ચા ન કરે તેની સાવચેતી રાખવા લાગ્યા. ભગવાન શ્રીરામકૃષ્ણદેવ કહેતા હતા, ‘નરેન્દ્ર ધ્યાનસિદ્ધ મહાપુરુષ છે. જે દિવસે તે પોતાને ઓળખી લેશે કે તરત જ આ લોક છોડીને યોગમાર્ગે પોતાનો દેહ છોડી દેશે.’ આ દરમિયાન જોસેફાઈન મેકલાઉડને એક પત્રમાં સ્વામી વિવેકાનંદ લખે છે : ‘હું મારો બધો સામાન બાંધીને તૈયાર છું અને એ મહાન મુક્તિદાતા ઈશ્વરની રાહ જોઈ રહ્યો છું.’ આ બધી ઘટનાઓ પરથી સ્વામી વિવેકાનંદને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું હતું તે જાણી શકાય છે.

સ્વામી બ્રહ્માનંદજીને સ્વામીજીના સ્વભાવ વિશે વિશેષ જાણકારી હતી. એમને ખ્યાલ હતો કે સ્વામીજીને નાનપણથી જ પ્રાણીઓ અને પશુઓનું ખૂબ આકર્ષણ હતું. એમની સાથે રમવું, એમને ખવડાવવું-પીવડાવવું એ બધું સ્વામીજીને ખૂબ ગમતું. એટલે જ સ્વામી બ્રહ્માનંદજીએ મઠમાં પાળતુ પ્રાણીઓ લાવીને રાખ્યાં. બેલુર મઠમાં જાણે કે એક પ્રાણીસંગ્રહાલય જ તૈયાર થઈ ગયું! આ પ્રાણીઓમાં ગાય, બકરી, બતક, સારસ, હરણ, કૂતરું, રાજહંસ, કબૂતર આદિ પ્રાણીપક્ષી હતાં. સ્વામીજીના પ્રિય કૂતરાનું નામ એમણે ‘બાઘા’ રાખ્યું હતું, બકરીનું નામ ‘હંસી’ રાખ્યું હતું. આ બધાંને સ્વામીજી ખૂબ પ્રેમ કરતા હતા. આમાંથી કોઈ એક બિમાર પડવાથી તેઓ ચિંતાતુર બની જતા હતા. નાના બાળકની જેમ એક માત્ર કૌપીન પહેરીને આ પ્રાણીઓની પાછળ પાછળ તેઓ દોડતા હતા. એમને પોતાને હાથે ખવડાવતા હતા. આ બધું જોઈને એમના એક શિષ્યે કહ્યું હતું, ‘ભગવાન શ્રીકૃષ્ણ ગોવાળો સાથે ગાયને ચરાવવા લઈ જતા અને કેવો આનંદ કરતા, તેની કલ્પના આ પ્રાણીઓ સાથે સ્વામીજીને રમતા જોઈને સહેજે આવી જાય.’ વિશ્વવિજયી સ્વામી વિવેકાનંદ જ્યારે આ પ્રાણીઓ સાથે રમતા હતા ત્યારે તેઓ પોતાની જાતને ભૂલી જતા હતા અને એમનો આખો ચહેરો બદલાઈ જતો હતો. એમને જોઈને એવું લાગતું હતું – His love was a universal love – એમનો પ્રેમ જાણે કે વૈશ્વિક હતો.

‘હંસી’ નામની બકરીના દૂધથી જ સ્વામીજીની સવારની ચા બનતી હતી. ક્યારેક તેઓ હંસી પાસે જઈને નાના બાળકની જેમ દૂધ માટે તેની પાસે યાચના કરતા હતા. એ જોઈને લાગતું કે જાણે દૂધ દેવું કે ન દેવું એ બકરીના મન પર નિર્ભર ન હોય! એ બકરીના નાના બચ્ચાનું નામ એમણે ‘મટરું’ રાખ્યું હતું. એના ગળામાં એમણે નાની ઘંટડી બાંધી દીધી હતી. દિવસરાત મટરુ સ્વામીજીની આસપાસ જ ફરતું રહેતું. સ્વામીજી પણ નાના બાળકની જેમ તેની પાછળ પાછળ દોડતા હતા. મટરુને પણ સ્વામીજી પ્રત્યે એટલો પ્રેમ હતો કે સ્વામીજીના ચહેરા સામે તે લાંબા સમય સુધી તાકી રહેતું. ભલે ગમે તેટલું દૂર હોય તો પણ સ્વામીજી ‘મટરુ’ બોલે કે તરત જ તે દોડીને પહોંચી જતું. આ મટરુ પણ એટલું ભાગ્યવાન હતું કે તેણે અંતિમ શ્વાસ સ્વામીજીના ખોળામાં જ લીધા. મટરુની વિદાય વેળાએ સ્વામીજીએ બહુ દુ :ખી થઈને કહ્યું હતું, ‘How strange! Whomsoever I love, it dies early.’ (કેવી આશ્ચર્યની વાત છે, હું જેને જેને પ્રેમ કરું છું તેઓ જ વહેલા મૃત્યુ પામે છે!)એમણે એક વાર હસતાં હસતાં કહ્યું હતું, ‘એવું લાગે છે કે જાણે આ મટરુ કોઈ જન્મમાં મારો સાથીદાર રહ્યો હશે.’

આ બધાં પ્રાણીઓના ભોજન આદિની વ્યવસ્થા તેઓ પોતે જ કરતા હતા. સ્વામી સદાનંદ આ કાર્યમાં એમની મદદ કરતા હતા. આ પ્રાણીઓ સાથે એમનો પ્રેમપૂર્ણ વ્યવહાર જોઈને લાગતું કે જાણે તેઓ એમની સાથે અભિન્ન છે. ગીતાના અધ્યાય ૬માં આવા સમદર્શી પુરુષનું વર્ણન કરીને ભગવાન શ્રીકૃષ્ણ કહે છે :

सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि।

र्इक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः।।29।।

यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति।

तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति।।30।।

સર્વત્ર સમદર્શી યોગયુક્ત અંત :કરણવાળો પુરુષ પોતાના સ્વરૂપને બધાં પ્રાણીઓમાં સ્થિત અને બધાં પ્રાણીઓના આત્માને પોતાના સ્વરૂપમાં સ્થિત થયેલ જુએ છે. જે પુરુષ બધી જગ્યાએ મને જ જુએ છે અને પ્રાણીમાત્રને મારામાં જુએ છે, હું એનાથી કદી દૂર થતો નથી અને તે મારાથી કદી દૂર થતો નથી.

આ બધાં પ્રાણીઓ સાથે સ્વામી વિવેકાનંદ જ્યારે વાર્તાલાપ કરતા ત્યારે એવું લાગતું કે જાણે એ બધાં મનુષ્યોની માફક બુદ્ધિમાન અને સમજદાર છે. આ બધાં સાથે રમતી વખતે સ્વામીજી પોતાની જાતને ભૂલી જતા હતા. ઘણા આગંતુકો સ્વામીજીનું નામ સાંભળીને એમને જોવા-મળવા આવતા. ક્યારેક ક્યારેક કૌપીન ધારણ કરીને, ચાખડી પહેરીને પ્રાણીઓની પાછળ દોડતા સ્વામીજીને જોઈને તેમના મુખેથી આ શબ્દો સરી પડતા, ‘શું આ જ છે વિશ્વવિજયી સ્વામી વિવેકાનંદ!’

૭ સપ્ટેમ્બરે ભગિની નિવેદિતાને લખેલા એક પત્રમાં સ્વામીજીનો આ પ્રાણીઓ પરનો પ્રેમ અને સ્નેહ જોવા મળે છે : ‘મઠમાં વરસાદનું પાણી ભરાઈ ગયું છે. એને કાઢવા માટે એક નાળું બનાવાઈ રહ્યું છે. એમાં મદદ કરીને હું હમણાં જ પાછો આવ્યો છું. મારું વિશાળકાય સારસપક્ષી અને બતક એ બધાં ખૂબ આનંદમાં છે. મારું કૃષ્ણસાર હરણ મઠમાંથી ભાગી ગયું હતું. એને શોધવાની ચિંતામાં અમારા ઘણા દિવસો વીતી ગયા. દુર્ભાગ્યે મારા એક બતકનું કાલે મૃત્યુ થઈ ગયું. લગભગ એક અઠવાડિયાથી એને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી.

આ બધું જોઈને અમારા એક વૃદ્ધ સંન્યાસી મજાકમાં કહેવા લાગ્યા, ‘મહારાજ, આ કલિયુગમાં વરસાદના પાણીથી બતકોને શરદી-ઉધરસ થઈ જાય અને દેડકાને છીંક આવવા લાગે તો આવું જીવન જીવીને શું ફાયદો ?’ મારા એક હંસના પાંખો ખરવા લાગી છે, એનો શો ઉપાય કરી શકાય, એ બાબતે હું ચિંતિત છું. એને જલદી સારું થાય એ માટે મેં એને એક વાસણમાં પાણીની અંદર કાર્બાેલિક એસિડ નાખીને એમાં ડુબાડીને રાખ્યો, ત્યાર પછી એને સારું લાગવા માડ્યું છે.’

૨૧ ફેબ્રુઆરી, ૧૯૦૨ના રોજ કાશીધામથી સ્વામી બ્રહ્માનંદને એક પત્રમાં તેઓ લખે છે : ‘રાખાલ, મારી બકરીનો થોડો ખ્યાલ રાખજો. તેની સારી રીતે સંભાળ લેજો, ઇત્યાદિ.’ સ્વામી બ્રહ્માનંદજીને બગીચાનાં ફૂલછોડ, ફળ ખૂબ ગમતાં. દરેક છોડની તેઓ કાળજીપૂર્વક માવજત રાખતા. સ્વામી વિવેકાનંદનાં પ્રાણીઓ આ બાગમાં ન આવી જાય એ માટે બંનેએ મળીને જગ્યાઓની વહેંચણી કરી હતી. પોતાની જગ્યામાં સ્વામીજીનાં પ્રાણીઓ આવી જતાં ત્યારે સ્વામી બ્રહ્માનંદજી સ્વામીજી સાથે બાળકની જેમ પ્રેમકલહ કરતા. આ જોઈને મઠવાસીઓ તેનો આનંદ ઉઠાવતા હતા. સ્વામીજીની મહાસમાધિ બાદ સ્વામી સુબોધાનંદે સ્વામીજીનાં કેટલાંક પ્રાણી અને પશુઓ સારગાછીમાં સ્વામી અખંડાનંદજી પાસે મોકલી દીધાં. પ્રાણીઓ પ્રત્યેનો સ્વામીજીનો બાળસહજ પ્રેમ તેમના વ્યક્તિત્વનું એક અનોખું પાસું દર્શાવે છે.

Total Views: 470

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.