[સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મઠ, અલ્હાબાદના અધ્યક્ષ છે. બે વર્ષો પહેલા કલકત્તામાં યોજાયેલ અખિલ ભારત યુવા મહામંડળના વાર્ષિક કૅમ્પમાં આપેલ તેમના હિન્દી ભાષણનું ગુજરાતી રૂપાન્તર અહીં રજૂ કરીએ છીએ.]
ભારતનું ભવિષ્ય તેના તરુણોના હાથે જ ઘડાશે – એવું સ્વપ્ન સ્વામી વિવેકાનંદજીએ જોયું હતું. આજે તેમના ચરિત્રમાંથી પ્રેરણા લઈને હજારો યુવકો પોતાના ચારિત્ર્યઘડતરમાં લાગી ગયા છે – તે જોઈને સ્વામીજીનો આત્મા આનંદ પામતો હશે. સ્વામીજીના ઉપદેશ તથા તેમના દર્શનને સમજવા માટે તેમના ઉપદેશોના બહુમુખી સ્વરૂપને સમજવું જરૂરી છે. સ્વામીજીએ આપણને માનવજીવનનું એક સર્વાંગી જીવનદર્શન આપ્યું છે. માનવજીવનનું એવું એક પણ પાસું નથી કે જેને સ્વામીજીએ સ્પર્શ્યું ન હોય.
સ્વામીજીને જીવનનાં શાશ્વત તત્ત્વોની અનુભૂતિ થઈ હતી. એટલે જ એમણે સમસ્યાઓના જે ઉકેલો આપ્યા છે તે પણ શાશ્વત અને વૈશ્વિક સ્તરના છે.
માત્ર ભારતની જ નહીં, પરંતુ આખાય વિશ્વની સમસ્યાઓનું સમાધાન આપણને સ્વામીજીના કેળવણીવિષયક વિચારોમાંથી સાંપડે છે. એટલું જ નહીં પરંતુ, સ્વામીજીએ સૂચવેલ ઉપાયોનો વિકલ્પ બની શકે તેવો કોઈ પણ ઉકેલ જ નથી. આ યુગની એ માંગ છે કે, એમના ઉપદેશોનું વાચન થાય, એના પર વિચારવિમર્શ થાય અને તે વ્યાવહારિક જીવનમાં ઉતારવામાં આવે. સ્વામીજીના આદર્શો પર ચાલવાનો પ્રયત્ન કરનારા આપણા સહુ પર એમ બહુ મોટું ઋણ છે – જવાબદારી છે. આપણે આપણા જીવનમાં સ્વામીજીના ઉપદેશોને કેટલા પ્રમાણમાં ઉતાર્યા છે અથવા કેટલા પ્રમાણમાં તેની ઉપેક્ષા કરી છે, તેના પર જ આવનારો જમાનો આપણી પ્રશંસા અથવા નિંદા કરશે. જો આપણે તેમના ઉપદેશોને જીવનમાં ઉતારવામાં આળસ કરીશું તો આખુંયે જગત આપણને શાપ આપશે અને જો નમ્રતાપૂર્વક શક્તિ અનુસાર એને જીવનમાં ઉતારીશું તો આખુંયે જગત આપણને આશીર્વાદ આપશે અને ખુદ આપણું જીવન પણ ધન્ય બની જશે.
ભારતની આમજનતાનો વિચાર કરીએ તે પહેલાં આપણે એ જોઈએ કે સ્વામીજીની દૃષ્ટિએ ભારત શું હતું? કદાચ કેટલાક લોકોને આ વાત બરાબર નહીં લાગે. તેઓ કહેશે કે, ભલા! સ્વામીજીની દૃષ્ટિએ ભારત શું હતું, એ વાતનો વળી વિચાર શા માટે કરવો? ભારત, ભારત જ છે ને!
સ્વામી વિવેકાનંદજીએ કન્યાકુમારીના છેડા પરની શિલા પર બેસીને ધ્યાનાવસ્થામાં જે ભારતમાતાનો સાક્ષાત્કાર કર્યો હતો તે ભારત તથા તે સમયના આપણા ભારતીયોના મનમાં ભારતનું જે ચિત્ર હતું, જે કેટલેક અંશે આજે પણ છે, તે બંને વચ્ચે ઘણું અંતર છે. સ્વામીજીના ભારતને જો માત્ર એક જ શબ્દમાં વર્ણવવું હોય તો તે “જાગતી દેવી” – માતા છે. એમણે ભારત માતાનું એવું દર્શન કર્યું હતું. સ્વામીજીએ રાજસ્થાનના પોતાના એક મિત્ર પરના પત્રમાં લખ્યું હતું: “મારી ઇચ્છા છે કે, હું મારું સમસ્ત જીવન આપણા ધર્મ તથા આપણી માતૃભૂમિની સેવામાં જ સમર્પી દઉં.”
ઈ. સ. 1897માં પશ્ચિમના દેશોમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મની વિજયપતાકા ફરકાવીને જ્યારે સ્વામીજી ભારત પાછા ફર્યા ત્યારે કોલંબોના હિન્દુ નાગરિકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એ સ્વાગતના જવાબમાં તેમણે આપેલ વ્યાખ્યાન ખૂબ જ પ્રસિદ્ધ છે. એ વ્યાખ્યાનનો પ્રારંભ જ સ્વામીજીએ ભારત તરફની પોતાની શ્રદ્ધા અને ભક્તિ પ્રગટ કરીને કર્યો હતો. એ વ્યાખ્યાન તમે વાંચશો તો જોશો કે, પ્રારંભમાં જ સ્વામીજી કહે છે કે, “પહેલાં હું પણ અન્ય હિન્દુઓની જેમ જ વિશ્વાસ રાખતો હતો કે, ભારત પુણ્યભૂમિ છે – કર્મભૂમિ છે. પણ આજે આ સભા સમક્ષ હું દૃઢતાપૂર્વક વારંવાર કહું છું કે આ સત્ય છે! સત્ય છે. જો આ પૃથ્વી પર એવો કોઈ દેશ હોય કે જેને આપણે પુણ્યભૂમિ કહી શકીએ, જો એવું કોઈ સ્થાન હોય કે જ્યાં પૃથ્વી પરના સર્વ જીવોને પોતાનું કર્મફળ ભોગવવા આવવું પડતું હોય, જો એવું કોઈ સ્થાન હોય કે જ્યાં ભગવાનને મેળવવાની ઝંખના રાખતા જીવમાત્રને આવવું પડે, જો એવો કોઈ દેશ હોય કે જ્યાંના માણસોમાં ક્ષમા, ધીરજ, દયા, શુદ્ધતા જેવી સદ્વૃત્તિઓનો બીજાના કરતાં વધુ વિકાસ થયો હોય, જો એવો કોઈ દેશ હોય કે જ્યાં બીજાના કરતાં વધારે આધ્યાત્મિક અને અંતરદૃષ્ટિનો વિકાસ થયો હોય, તો હું નિશ્ચિતરૂપે કહીશ કે, એ દેશ આપણી માતૃભૂમિ ભારતવર્ષ છે.”
આ ભારત શું છે, તે આપણે સમજવાનું છે. સ્વામીજીનું ભારત અને જે ભારતની કલ્પના આપણા મનમાં છે, તે બે વચ્ચે ક્યાં અંતર પડે છે, તે સમજવું પડશે. આ સમજવા માટે આપણા ઇતિહાસનું વિહંગાવલોકન કરવું આવશ્યક છે. સ્વામીજીએ જે ભારતનું દર્શન કર્યું હતું તે કંઈ કેવળ તેમનું સમકાલીન નાગું – ભૂખ્યું, દરિદ્ર ભારત નહોતું. સ્વામીજીએ જે ભારતનું દર્શન કર્યું હતું તે તો ભૂતકાળનું ગૌરવશાળી અને ભવિષ્યનું મહાન ગૌરવમંડિત સર્વાંગીણ ભારત હતું.
સ્વામીજીએ ભારતીય ઇતિહાસનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ‘આપણી સમક્ષ પડેલું કાર્ય’ નામના એમના એક વ્યાખ્યાનમાં સ્વામીજીએ ભારતના પતનનું કારણ બતાવ્યું છે. એ કારણની સમજૂતી આપતાં એમણે આપણને એક અભિનવ ઐતિહાસિક દૃષ્ટિ આપીને આપણો એક મોટો ભ્રમ દૂર કર્યો છે. આપણને ઇતિહાસમાં કહેવામાં આવ્યું છે કે મુસલમાનોનાં આક્રમણ બાદ આપણા દેશનું પતન થયું અને આપણે ગુલામ થઈ ગયા. સ્વામીજીએ આપણને બતાવ્યું કે, મુસલમાનોના આક્રમણ પહેલાં બેત્રણ સદીઓથી આપણે આપણું સત્ય અને શક્તિ ખોઈ બેઠા હતા. ઇતિહાસમાં રસ ધરાવનારાઓ જાણે છે કે, ઈસ્લામના પ્રારંભિક ધર્મપ્રચારનો સમય લગભગ ઈ. સ. 712 કે 715નો છે. અત્યારે જે પ્રાંત પાકિસ્તાનમાં છે તે સિંધ પ્રાંતમાં એ ગાળામાં આક્રમણકારી મુસ્લિમોનો અધિકાર સ્થપાયો હતો. પરંતુ આ દેશમાં તેમનું પહેલવહેલું રાજ્ય તો ઈ. સ. 1191માં પૃથ્વીરાજને હરાવીને મહમદ ઘોરીએ દિલ્હીમાં સ્થાપ્યું. આશ્ચર્યની વાત એ છે કે આ બે ઘટના વચ્ચે લગભગ ચારસો-પાંચસો વરસનું અંતર છે. ક્યાં આઠમી સદીનો પ્રારંભ અને ક્યાં બારમી સદીનો પ્રારંભ! પરંતુ આ વિદેશીઓના આક્રમણને રોકવાનો કોઈ પ્રયત્ન જ ન થયો. ઇતિહાસનું આ ઉદાહરણ આપણને સ્પષ્ટ બતાવી આપે છે કે, આપણે કેટલા અસંગઠિત અને દુર્બળ બની ગયા હતા! 1191માં મહમદ ઘોરી દિલ્હીની ગાદી પર બેઠો. ત્રણ વર્ષ પછી ઈ. સ. 1194માં તેણે કાશી જીતી લીધું અને આ જ સમયમાં બંગાળ પણ મુસલમાનોના અધિકારમાં આવી ગયું.
એક તરફ હજારો હૂણો અને શકોનાં આક્રમણ આપણા દેશ પર વરસો સુધી થતાં રહ્યાં છતાં તેમને આપણી જાતિઓમાં આપણે આત્મસાત્ કરી લીધા. આપણાં લોહી પરસ્પર ભળીને આપણે એકલોહિયા બની ગયા, એમણે આપણો ધર્મ સ્વીકાર્યો તથા તેઓ આપણી સંસ્કૃતિમાં એકાકાર થઈ ગયા. એ જ દેશને મૂઠીભર મુસલમાનોએ પેશાવરથી કસીદાબાદ સુધી દસ વર્ષમાં જીતી લીધો. શું કારણ હતું? સ્વામી વિવેકાનંદજીએ ‘ભારતનું ભાવિ’ અને મારી ‘સમર યોજના’ નામનાં પોતાનાં વ્યાખ્યાનોમાં આ કારણ તરફ આપણું ધ્યાન દોર્યું છે. ‘આપણી સમક્ષ પડેલું કાર્ય’ નામના એમના વ્યાખ્યાનમાં પણ ચર્ચા આપણને જોવા મળે છે.
ઇતિહાસકારોનું કહેવું એમ છે કે, ભારતના પતનની શરૂઆત તો સમ્રાટ હર્ષવર્ધનની વિદાયથી જ થઈ ચૂકી હતી. હર્ષવર્ધન પછી આપણા દેશમાં કોઈ ચક્રવર્તી સમ્રાટ ન થયો અને આ કારણે જ આપણી એકતા દૂબળી અને ખંડિત થઈ ગઈ. એ સમયમાં પણ આપણા દેશવાસીઓ સુશિક્ષિત હતા, વીરતા પણ એમનામાં ઓછી ન હતી. પરંતુ અતિસમૃદ્ધિને કારણે તેમનામાં વિલાસિતા આવી ગઈ અને તેના પરિણામે જ સિંધ પરના વિધર્મીઓના આક્રમણ પછી ચાર – પાંચ સૈકા વીતવા છતાં પણ આપણે એમનો સામનો ન કરી શક્યા. ઇતિહાસનું વિહંગાવલોકન કરતાં આ સત્ય આપણી સમક્ષ સ્પષ્ટ થાય છે. વ્યક્તિગત માન પ્રતિષ્ઠા તથા રાજ્યલોભને કારણે આપણે અંદરોઅંદર લડતા રહ્યા હતા. સોમનાથના મંદિર પર આક્રમણ કરતા પહેલાં ગજનીના અમીરે ગુપ્તચર મોકલીને અહીંની હાલત જાણવા પ્રયત્ન કરેલો. તેને ખબર પડી કે, સોમનાથના રસ્તે ઝાલોર નામે એક રાજ્ય આવે છે અને તેનો રાજવી વાક્પતિ શૂરવીર અને શક્તિશાળી છે અને તેની પાસે મોટી સેના પણ છે. ઝાલોરના રાજવીની મૈત્રી વગર તો સોમનાથવિજય અશક્ય છે. ત્યારે ગજનવીએ મુલતાનના રાજા જયપાલને પોતાનો દૂત બનાવીને ઝાલોર મોકલી કહેવરાવ્યું કે, “અમે આપના રાજ્ય પર આક્રમણ કરવા માગતા નથી. તેમ જ આપને લેશ પણ ક્ષતિ પહોંચાડવા માગતા નથી. તો આપ અમારા સોમનાથ પરના આક્રમણ વખતે કોઈ અડચણ ન કરો અને તટસ્થ રહો.” રાજપૂતી શાનના તોરમાં વાક્પતિએ ગજનવીને વચન આપી દીધું! જ્યારે સોમનાથ પર આક્રમણ થયું, ત્યારે રાજા ભીમદેવના નેતૃત્વ નીચે રાજપૂતોએ મંદિરની રક્ષા કરવાનો નિર્ણય કર્યો, રાજા ભીમદેવે ઝાલોરના રાજા પાસે પોતાનો મંત્રી મોકલીને આ વિપત્તિના સમયમાં મંદિર બચાવવા સહાય કરવા પ્રાર્થના કરી. ઝાલોરના રાજા વાક્પતિએ જવાબ દીધો: “ગયે વરસે મારવાડ પર હું આક્રમણ કરવા માંગતો હતો ત્યારે મેં આપની સહાય માંગેલી, પણ ત્યારે આપે કહેવરાવેલ કે મારવાડમાં આપના સંબંધીઓ છે એટલે આપ મને સહાય નહીં કરી શકો. આજે હવે જ્યારે આપના પર આફત આવી છે, ત્યારે હું પણ મદદ નહીં કરું. આપની આફત આપ જ ટાળો.” આ ફાટફૂટનું પરિણામ શું આવ્યું, તે આપણે બધા જાણીએ છીએ.
આમ કેમ બન્યું? આપણી દુર્બળતા, આપણા ધર્મમાં આવેલી વિકૃતિનું જ પરિણામ હતી. ધર્મ રૂઢિઓ અને અંધશ્રદ્ધામાં વીંટળાઈને નિર્જીવ થઈ ગયો હતો. ધર્મના નામે સમાજ ઊંચી-નીચી શ્રેણીઓમાં વિભક્ત થઈ ગયો. આખોયે દેશ શાસક અને શાસિત એમ બે ભાગમાં વહેંચાઈ ગયો. સમાજમાં પ્રમાણમાં અલ્પસંખ્યક એવા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય શાસક બની બેઠા અને બહુસંખ્યક એવા દીન-હીન, દુર્બલ, ઉપેક્ષિત, મહેનતકશ લોકોને શાસિત બનવા માટે ફરજ પાડવામાં આવી. આ બહુસંખ્યક ઉપેક્ષિત, દીન-હીન લોકોનો સમાજ જ ભારતનો આમવર્ગ હતો અને આજે પણ છે.
પરિવ્રાજકજીવન દરમિયાન સ્વામીજી જેમ રાજા-મહારાજાઓ સાથે રહ્યા હતા તેમ જ તેઓ દુઃખી મોચી કે મહેતર સાથે પણ રહ્યા હતા. આ સ્વાનુભવે જ સ્વામીજીએ એ જાણી લીધું હતું કે રાજા-મહારાજા તથા ધનિક લોકોથી આ દેશનું કલ્યાણ નહીં થઈ શકે. આ દેશનું કલ્યાણ તો આ બહુસંખ્યક લોકોના ઉદ્ધાર, વિકાસ અને જાગૃતિથી જ થશે. એથી જ એમણે બે વાત કરી: ‘આમજનતા – જનસાધારણ – પાસે જાઓ. આ વગર આ દેશનું કલ્યાણ નહીં થાય.’
આ જનસાધારણને જગાડવાનો ઉપાય કયો? સ્વામીજીએ જ આપણને બતાવ્યું છે કે, શિક્ષણ જ એવો એકમાત્ર ઉપાય છે કે, જેની મારફત જનસાધારણને જાગૃત કરી શકાય. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે અહીં સ્વામીજી અંગ્રેજો દ્વારા અપાતા ‘કારકુની શિક્ષણ’ની વાત નથી કરતા. એમણે પોતે જ કહ્યું છે કે ‘જે શિક્ષણ મનુષ્યને પોતાનું મનુષ્યત્વ આપે, તેની અંદર રહેલી પૂર્ણતાને પ્રગટ કરે, તેને આત્મવિશ્વાસુ અને સ્વાવલંબી બનાવે તે શિક્ષણ જ સાચું શિક્ષણ છે. કેવળ અર્થપ્રધાન શિક્ષણ વ્યક્તિના સંપૂર્ણ વ્યક્તિત્વનો વિકાસ નથી કરી શકતું. આથી એની સાથેસાથે ધાર્મિક તથા નૈતિક શિક્ષણ પણ આપવું જોઈએ. ધર્મ જ આપણા સમાજનો મેરુદંડ છે. આથી આપણા શિક્ષણનો આધાર ધાર્મિક તથા આધ્યાત્મિક હોવો જોઈએ.
સવાલ એ છે કે, આ શિક્ષણ આપે કોણ? આની જવાબદારી સ્વામીજીએ દેશના શિક્ષિત લોકો પર નાખી છે. એમણે સ્પષ્ટ કહ્યું છે કે, દેશનો શિક્ષિત વર્ગ આ દીન-દુઃખી પરિશ્રમથી પ્રાપ્ત થયેલી સગવડોને કારણે જ શિક્ષિત થઈ શખ્યો છે. એથી જ આ શિક્ષિતવર્ગનું એ કર્તવ્ય બની રહે છે કે, તે પોતાના દીન-હીન દુઃખી અશિક્ષિત ભાઈઓને શિક્ષિત કરવાની જવાબદારી ઉઠાવે. એની યોગ્ય વ્યવસ્થા કરે, જો તે આમ ન કરે તો તો દેશદ્રોહી છે.
બીજી એક મહત્ત્વની વાત પણ સ્વામીજીએ કરી છે: આપણા આ દીન દુઃખી દેશવાસી બંધુઓ પોતાનું વ્યક્તિત્વ ખોઈ બેઠા છે, પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેઠા છે. દીનતા તથા દાસપણાની હીન ભાવના એમના મનમાં ઘર કરી ગઈ છે. આને દૂર કરવી પડશે. તેમને એ બતાવવું પડશે કે ભાઈ! તમે પણ માણસ છો, તમારી અંદર પણ અનંત શક્તિ રહેલી છે. મહાન ઉન્નતિની શક્યતાઓ તમારામાં પણ છે. ઊઠો! જાગો; તમારી જાત પર વિશ્વાસ રાખો અને ઊંચે માથે સભ્ય અને શિક્ષિત લોકોની સાથે પગલે પગલું મેળવીને ચાલો! મહાનતા કે સફળતા કોઈ વર્ગ-વિશેષની માલિકીની નથી. વિશ્વાસ રાખો. દિલની લગન અને પરિશ્રમથી તમે પણ મહાનતા અને સફળતા પ્રાપ્ત કરી શકો છો!
સ્વામીજીએ આપણને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો આપણે આપણા કર્તવ્યનું પાલન નહીં કરીએ અને દુઃખી, દરિદ્ર જનસાધારણની ઉપેક્ષા જ કરીશું તો એ દિવસ દૂર નથી કે જ્યારે એ લોકો જાગશે અને એક મહાન દાનવની માફક તમને નષ્ટ કરવા, ગળી જવા તૂટી પડશે! અને કદાચ દુર્ભાગ્યવશ આમ બન્યું, તો પછી સર્વનાશ સિવાય કોઈ વિકલ્પ નહિ રહે. કારણ કે તોડફોડથી ઉપલા વર્ગને ખેંચીને નીચે ઉતારવાથી ક્યારેય પણ સમાજની ઉન્નતિ કે દેશનું કલ્યાણ ન થાય. બારત અને એની સાથે વિશ્વના કલ્યાણનો એકમાત્ર ઉપાય એ જ છે કે, નીચલા વર્ગના લોકોને ઉપર લાવો. એમની ઉન્નતિ કરો. સ્વામીજીએ ‘ભારતનું ભવિષ્ય’ નામના પોતાના વ્યાખ્યાનમાં કહ્યું છે કે, ‘આપણા સમાજનો, આપણા દેશનો આદર્શ છે ‘બ્રાહ્મણત્વ’. ભારતની કલ્યાણ યોજનાની એક કડી છે બ્રાહ્મણ અને બીજી છે ચાંડાલ. બ્રાહ્મણ ટોચની કડી છે, ચાંડાલ સૌથી નીચલી કડી છે. દેશની સર્વાંગી ઉન્નતિનો ઉપાય એ છે કે, આ ચાંડાલને બ્રાહ્મણત્વના પદ સુધી ઊંચે લાવવો. એને ઉપર લાવવો જ પડશે.
બ્રાહ્મણ કોણ છે? શું કોઈ જન્મથી બ્રાહ્મણ હોય છે? મારાં માત-પિતા બ્રાહ્મણ હતાં માટે હું પણ બ્રાહ્મણ થઈ ગયો? નહીં, બ્રાહ્મણ જન્મથી નહીં પણ કર્મથી બને છે. બ્રાહ્મણનો આદર્શ એ છે કે, એ અપરિગ્રહી હશે, એ ધનનો સંચન નહીં કરે. એ તપસ્વી હશે. એના જીવનનો એકમાત્ર ઉદ્દેશ હશે આધ્યાત્મિક જ્ઞાન અને વિદ્યાનો સંચય કરી પછી તેનું નિઃશુલ્ક વિતરણ કરવું. પોતાના આચરણ અને જીવન દ્વારા એ દેખાડી આપવું કે, માનવજીવનનો ઉદ્દેશ છે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું તથા ઈશ્વરનું દર્શન કરવું.
ભોગ એ મનુષ્યજીવનનો ઉદ્દેશ ક્યારેય ન હોઈ શકે. આપણે એવી ધારણા બાંધીએ કે ઇન્દ્રિયસુખોને ખૂબ મોટી માત્રામાં પ્રાપ્ત કરવાથી જીવનની સમસ્યાઓનું સમાધાન થઈ જાય, તો એ મોટો ભ્રમ છે! વર્તમાન વિશ્વના સમૃદ્ધ દેશો જ આનું જવલંત ઉદાહરણ છે. ગત 100 વર્ષો દરમિયાન અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાંસ તથા થોડા સમયથી જાપાને પોતાના નાગરિકોને સર્વ પ્રકારની ભૌતિક સુખ-સગવડો પૂરી પાડવા પ્રયત્ન કર્યો છે. તેમના આ પ્રયત્નોમાં તેઓ ઠીકઠીક અંશે સફળ પણ થયા છે પણ એનું પરિણામ જે આપણી સામે છે, તે તો પ્રજ્વલિત અગ્નિમાં ઘી હોમવા જેવું. જીવનની સમસ્યાઓનું સમાધાન પામ્યાને બદલે આજે આ દેશોએ વિશ્વને વિનાશને આરે લાવીને ઊભું રાખી દીધું છે. જો દુનિયાએ વિનાશમાંથી બચવું જ હોય તો તેની સામે એક જ ઉપાય છે – ભારતીય જીવન આદર્શોની પુનઃપ્રતિષ્ઠા!
ભારતના આ ઉપેક્ષિત, દીન હીન, દરિદ્રો તરફ આપણે કહેવાતા શિક્ષિતો તથા સમૃદ્ધ – સુખી – લોકો, સહાનુભૂતિ નહીં બતાવી શકીએ, જો, તેમના તરફના આપણા કર્તવ્યનું પાલન નહીં કરી શકીએ તો, એ દિવસ દૂર નથી કે જ્યારે ભારતનો આ વિશાળ પણ ઉપેક્ષિત નીચલો વર્ગ, ભોગવાદી આદર્શો તરફ આકર્ષાઈને ઉન્મત્ત થશે અને કહેવાતા શિક્ષિત, સંપન્ન ઉચ્ચ વર્ગને છિન્ન-ભિન્ન કરી તેનો વિનાશ કરશે.
એથી જ ધનિકોનું એ કર્તવ્ય છે કે જે સમાજ પાસેથી એમને ધન મળ્યું છે, તેની જ સેવામાં તે સમર્પિત કરે, આ સાધારણ માણસોની દરિદ્રતા દૂર કરવાના સક્રિય પ્રયાસ કરે, દરિદ્રનારાયણની પૂજા તથા ઉપાસના પોતાના ધનથી કરે. જે લોકો શિક્ષિત છે, વિદ્વાન છે, તે પોતાના શિક્ષણ અને વિદ્યા દ્વારા આ અશિક્ષિત ભાઈઓની સેવા કરે, એમને શિક્ષણ આપે, એમને વિદ્યાદાન દે, ‘મૂર્ખનારાયણ’ની પૂજા અને ઉપાસના પોતાની અર્જિત વિદ્યાથી કરે.
આ ઉપાસના, આ સેવા, તેની શરૂઆત ક્યાંથી કરવી? જ્યાં આપણે રહેતા હોઈએ તે સ્થળ જ આ સેવા માટેનું યોગ્ય ક્ષેત્ર છે. આ નારાયણસેવાના યજ્ઞનો પ્રારંભ અહીંથી જ કરવો ઘટે. આપણે એ સતત યાદ રાખવાનું છે કે, આપણો જન્મ જગતનો ઉદ્ધાર કરવા માટે થયો નથી. આપણે તો સવારની ઝાકળની જેમ અજ્ઞાત, અજાણ, અચિહ્ન રહીને કેવળ આપણું કર્તવ્ય જ કરતા રહેવાનું છે. ઉદ્ધારનું કાર્ય તો કેવળ ઈશ્વર જ કરે છે. આ સેવાથી આપણે ઈશ્વરની કૃપાને પાત્ર બનીશું અને તેમાંથી આપણો ઉદ્ધાર થશે. આ જ લાભ છે.
આઝાદી આવ્યે ચાલીસ વર્ષ વીતી ગયાં છતાં આજે પણ આમજનતામાં – જનસાધારણમાં છૂતાછૂત, ઊંચ-નીચના ભેદ, આપણા અસ્પૃશ્ય ગણાતા ભાઈઓ પરના અત્યાચારો આ બધા રોગ હજી જડ ઘાલીને બેઠા છે. આપણી એવી માન્યતા બંધાણી છે કે રાજનીતિ દ્વારા આ સમસ્યાનું સમાધાન થઈ જશે. આપણે એ વાત ખાસ યાદ રાખવાની છે કે, લોકસભા કે વિધાનસભામાં કાયદા ઘડવાથી જનમાનસમાં ફેરફાર લાવી શકાતો નથી. સ્વામીજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, માત્ર રાજનીતિ-રાજકારણ દ્વારા આપણી સમસ્યાઓનો ઉકેલ નહીં જ આવે. આનો પ્રત્યક્ષ દાખલો તો એ જ છે કે, રાજકીય ગુલામી તો ચાલીસ વર્ષ પહેલાં ખતમ થઈ ગઈ તો પણ આપણી સમસ્યાઓ વધુ ને વધુ જટિલ બનતી જાય છે. છૂતાછૂત તથા અસ્પૃશ્યતાની સમસ્યાનો ઉકેલ સ્વામી વિવેકાનંદજી દ્વારા અપાયેલ જીવનદર્શનમાં જ શક્ય છે. તે જીવનદર્શન એ કહે છે કે, પ્રત્યેક જીવ અવ્યક્ત બ્રહ્મ જ છે. એટલે પ્રત્યેક મનુષ્યમાં, તેના હૃદયમાં ઈશ્વર બિરાજમાન છે. આ દૃષ્ટિએ દરેક મનુષ્ય સમાન છે. કોઈ નીચ નથી, કોઈ અછૂત નથી. આ તથ્યને ધ્યાનમાં રાખીને સર્વની ઉન્નતિમાં સહાયક થવાનો પ્રયત્ન કરવાનો છે. આ માટે સહુથી પહેલાં ખુદ પોતાના મનમાંથી જ છૂતાછૂત, ઊંચ-નીચની ભાવનાને હાંકી કાઢવી પડશે. તથા અસ્પૃશ્ય કહેવાતા ભાઈઓ તરફ સહૃદયતાપૂર્ણ વ્યવહાર કરતાં કરતાં આ તથ્યનો આપણે જનસાધારણમાં પ્રચાર કરવાનો રહેશે.
આમજનતા – જન સાધારણની ઉન્નતિ માટે એક મહાન સૂત્ર સ્વામીજીએ આપ્યું છે. તે છે સ્ત્રીશિક્ષણ અને સ્ત્રીઓની ઉન્નતિની યોજના. સ્ત્રીઓની દુર્દશા એ કોઈ પણ સમાજના પતનનું એક મહત્ત્વનું કારણ હોય છે. આથી આપણે સ્ત્રીઓની ઉન્નતિ તથા તેમના શિક્ષણની વ્યવસ્થા કરવાની રહેશે. આમાં સહાયરૂપ થવું જ રહ્યું. પરંતુ આ પણ યાદ રાખવું કે, સ્ત્રીઓને યોગ્ય શિક્ષણ સ્ત્રીઓ જ આપી શકે છે. તેમની ઉન્નતિ માટેની સાચી યોજનાઓ તેઓ જ બનાવી શકશે. આપણે પુરુષોએ તો માત્ર તેમાં મદદ જ કરવાની છે. તેમના કામનો ભાર તો તેમના પર જ રહેશે. શ્રીમા શારદાદેવી આ યુગમાં નારીજીવનના સર્વાંગપૂર્ણ આદર્શના રૂપમાં અવતર્યાં હતાં. તેમના જીવન અને ઉપદેશોના આધારે મહિલાઓને તેમનું જીવનઘડતર કરવાની પ્રેરણા દેવાની રહેશે.
જેમણે સ્વામી વિવેકાનંદને પોતાના જીવન-આદર્શ તરીકે પસંદ કર્યા છે તેવા આપણે સહુએ એ વાતનો સ્વીકાર કરવો રહ્યો કે, રાજકારણ આપણા સમાજની આ મૌલિક સમસ્યાઓનો ઉકેલ નહીં લાવી શકે. આપણી સમસ્યાઓનો ઉકેલ, આપણી ઉન્નતિનો ઉપાય સમાજના નીચલા વર્ગના લોકોને ઉપર લાવવામાં જ રહેલો છે. તેમને શિક્ષણ આપવું, તેમને વ્યક્તિત્વવાળા બનાવવા. વળી, આ કાર્યની જવાબદારી આપણે આપણા માથા પર જ લેવી પડશે. સંભવ છે કે, આજે આપણી સંખ્યા ઓછી હોય, પરંતુ વિશ્વાસ રાખજો કે જે વ્યક્તિ પવિત્ર તથા નિઃસ્વાર્થ થઈને બીજાની સેવા કરવા માટે આગળ આવે છે તેની મદદે હંમેશાં ઈશ્વર આવે છે. અલ્પસંખ્યક હોવા છતાં ઈશ્વરશક્તિના બળથી એ લોકો મહાન કાર્યો કરવા સમર્થ થાય છે.
ભાષાંતરકાર: શ્રી દીપક પ્ર. મહેતા
Your Content Goes Here




