23મી સપ્ટેમ્બર સ્વામી અભેદાનંદજી મહારાજની જન્મતિથિ પ્રસંગે
(શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજ, શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ પાર્ષદો માંહેના એક હતા. તેમનો જન્મ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે, 2 ઓક્ટોબર 1866માં થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ કાલીપ્રસાદ ચંદ્ર હતું. ઈ. સ. 1884માં તેઓ શ્રીરામકૃષ્ણદેવના સંસર્ગમાં આવ્યા. 1886માં શ્રી રામકૃષ્ણદેવની મહાસમાધિ પછી, 1895 સુધી પરિવ્રાજક રૂપે તેમણે ભારતના વિભિન્ન ભાગોમાં (ગુજરાતમાં પણ) ભ્રમણ કર્યું. આ પછી સ્વામી વિવેકાનંદે તેમને વિદેશમાં વેદાંતના પ્રચાર કરવા માટે બોલાવી લીધા. 1895 થી 1921 સુધી, તેમણે ત્યાં વેદાંતનો સફળતાપૂર્વક પ્રચાર કર્યો. આ દરમિયાન તેઓ ઘણાંય દેશોમાં ફર્યા, 17 વાર આટલાટિક મહાસાગરને લાંધ્યો. પ્રો. મૅક્સમૂલર, પ્રો. પૉલ ડાયસન, પ્રો. વિલિયમ જેમ્સ, એડિસન વગેરે અનેક વિદ્વાનો અને વિચારકોના સંપર્કમાં આવ્યા અને 1921માં ભારત પાછા ફરીને તેમણે “વેદાંત મઠ” નામે અલગ સંસ્થાની સ્થાપના કરી. 8 સપ્ટેમ્બર 1939ના તેમની મહાસમાધિ સુધી તેઓ આધ્યાત્મિક જ્ઞાનદાન અને વેદાંત પ્રચારના કાર્યમાં સંલગ્ન રહ્યા. અમેરિકામાં જ્યારે તેઓ પહેલા વહેલા ગયા ત્યારે તેમની વાક્શક્તિ અને આધ્યાત્મિકતાનો કેવો પ્રભાવ અમેરિકાવાસીઓ પર પડ્યો હતો, તેનો આછો ખ્યાલ સ્વામી અતુલાનંદજીનાં આ સંસ્મરણોથી આવશે. સ્વામી અતુલાનંદજી (જેઓ “ગુરુદાસ મહારાજ” તરીકે ઓળખાતા) અમેરિકાના રહેવાસી હતા પણ મૂલ હોલેન્ડના હતા, તેમનું પૂર્વાશ્રમનું નામ કોર્નેલીયસ જે. હેજબ્લોમ હતું. 1892માં 22 વર્ષની ઉંમરે તેમણે હોલેન્ડ છોડ્યું અને ન્યુયોર્ક (અમેરિકા) આવ્યા. 1898માં તેઓ સ્વામી અભેદાનંદજીના સંપર્કમાં આવ્યા. તેમની પાસેથી જ તેમની બ્રહ્મચર્ય દીક્ષા અને સંન્યાસ દીક્ષા થઈ. જો કે તેમની મંત્ર દીક્ષા શ્રીમા શારદાદેવી પાસે થઈ હતી. સ્વામી વિવેકાનંદજી, સ્વામી તુરીયાનંદજી વગેરે શ્રીરામકૃષ્ણદેવના બીજા ઘણા અંતરંગ શિષ્યોના પરિચયમાં આવવાનો લહોવો તેમને મળ્યો હતો. 1921માં તેઓ અમેરિકાથી ભારત આવી ગયા અને 1966માં 97 વર્ષની ઉંમરમાં મહાસમાધિ લીધી ત્યાં સુધી ભારતમાં જ રહીને પોતાના પુનિત સંતજીવન દ્વારા અસંખ્ય લોકોને પ્રેરિત કરતા રહ્યા. પ્રસ્તુત લેખ તેમના પુસ્તક, અદ્વૈત આશ્રમ કલકત્તા દ્વારા પ્રકાશિત “With the Swamis in America & India”માંથી લેવામાં આવ્યો છે. ભાષાંતરકાર : શ્રી કે. વી. શાસ્ત્રી – સં.)
જ્યારે હું હૉલ છોડવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં જ એક સાવ અજાણ્યા માણસે મને નમસ્કાર કરીને પૂછ્યું : “તમે ક્યારેય સ્વામી વિવેકાનંદને સાંભળ્યા છે કે ?” મેં ઉત્તર આપ્યો : “મને એવું સદ્ભાગ્ય તો સાંપડ્યું નથી, પણ મેં તેમનું ‘રાજયોગ’ નામનું પુસ્તક વાચ્યું છે, ખરું,” ત્યારે એ અપરિચિત ભાઈએ કહ્યું : “ઠીક છે, તેઓ મોટ મેમોરિયલ બિલ્ડિંગમાં પ્રવચનો આપે છે. તમે ત્યાં તેમને રવિવારે સાંજે ત્રણ વાગે સાંભળી શકો છો.” આવી મમતાભરી અને આવકાર્ય માહિતી આપવા માટે મેં મારા એ નવપરિચિત સજ્જનનો આભાર તો માન્યો, પરંતુ તેમના કથનની સચ્ચાઈ વિશે હું સાશંક હતો. મારો તો ખ્યાલ હતો (અને આગળ જતાં એ સાચો પણ ઠર્યો) કે સ્વામી વિવેકાનંદ તો ભારત પાછા ફર્યા છે.
તો પણ ગમે તેમ, તે પછીના રવિવારે બપોર પછી સ્વામી વિવેકાનંદને સાંભળવાની અપેક્ષાએ હું મોટ મેમોરિયલ હૉલમાં શ્રોતાઓની વચ્ચે જઈને બેઠો. એ હૉલ કંઈ મોટો ન હતો. ત્રણસોથી ચારસો માણસો એમાં બેસી શકે. અને એ વખતેય હૉલ કંઈ પૂરેપૂરો ભરાયો ન હતો. તેથી સારી જગ્યા મેળવવી સહેલી હતી. સ્વામીજીની અને તેમના રાજયોગની પ્રશંસા મેં ખૂબ ખૂભ સાંભળી હતી. એણે મારા ઉપર ઊંડી છાપ પાડી હતી. એટલા માટે મારી અપેક્ષાનો સૂર તો છેક તારસપ્તક સુધી પહોંચી ગયો હતો. અને એથી લાંબા સમયથી સેવેલી ઝંખના પૂર્ણ થવાના આનંદમાં હું સામે નિહાળી રહ્યો હતો.
બરાબર ત્રણને ટકોરે એક સ્વામીજી હૉલમાં પધાર્યા. તેઓ ભગવા ઝભ્ભા અને ભગવી પાઘડીમાં સજ્જ હતા. તેઓ સીધા જ વ્યાખ્યાનમંચ પર પહોંચ્યા અને એક પણ ક્ષણના વિલંબ વગર તેમણે પોતાનું પ્રવચન શરૂ કરી દીધું. એક સંસ્કૃત શ્લોકથી તેમણે પ્રારંભ કર્યો : “द्वा सुपर्णा सयुजा सखाया समानं…” વગેર. પછી અંગ્રેજીમાં પણ એ શ્લોકનો અર્થ સમજાવ્યો : “સુંદર પીછાંવાળાં બે પક્ષીઓ એક જ વૃક્ષની ડાળી પર વળગેલા છે. તે બંનેમાંથી એક મધુર ફળ ખાય છે. જ્યારે બીજું એનું સાથી પક્ષી જોયા જ કરે છે.” અને ત્યાર પછી તેમણે ઉપનિષદોમાંની આ સુંદર ઉપમાનું ઊંડું રહસ્ય સમજાવવાનું શરૂ કર્યું. વ્યાખ્યાન પ્રવાહી, પ્રભાવક અને પરિતોષક હતું. એમાં કશો વધારે પડતો દેખાડો પણ ન હતો અને વધારે પડતી વાક્છટા પણ ન હતી. તેમજ ભાવ દર્શાવવા માટેની શરીરચેષ્ટા તો ભાગ્યે જ હતી. એ તો એક ઠાવકાઈથી શાંતિમય રીતે અપાયેલું વેદાન્ત-તત્ત્વજ્ઞાનનું સીધું અને તર્કપૂત વિવરણ હતું. તેમને પોતાનો વિષય હાથવગો હતો. એમનો અવાજ સુશ્રાવ્ય અને ઘેરો, ગંભીર હતો.
યુવાન, પડછંદ, ટટ્ટાર, પ્રિયદર્શનીય એવા આ સ્વામીનો દેખાવ જ એમના તરફની અભિમુખતા ઉપજાવતો. એમનું વલણ જો કે અણધડ તો ન હતું પણ જાહેરમાં બોલનાર તરીકે જરાક કડક ખરું. કોઈના ઉપર પ્રભાવ પાડી દેવાનો એમનો જરાપણ પ્રયત્ન ન હતો. વક્તા એકદમ સહજ અને સંનિષ્ઠ હતા. પણ અમેરિકાના વક્તાઓમાં જે હળવાશ અને વર્તનમાધુર્યનાં લક્ષણો હોય છે, તે એમનામાં ન હતાં. એ તો દેખાઈ આવતું હતું કે તેમના માટે બોલવાનું ભલે ઘણું સરળ દેખાતું હતું, તો પણ એમણે વ્યાખ્યાન મંચ ઉપર ઝાઝું કામ કર્યું ન હતું.
વ્યાખ્યાન પૂરું થયા પછી શ્રોતાઓને પ્રશ્નો પૂછવાની તક આપવામાં આવી. મહારાજે બધા જ પ્રશ્નોના કશા જ ખચકાટ વગર ઉત્તરો આપ્યા. પછી તેઓ વ્યાખ્યાનમંચ પરથી નીચે ઊતર્યા. અને તરત જ તેમને વ્યક્તિગત રીતે મળવા માગતા તેમ જ તેમની સાથે થોડા શબ્દોની આપ-લે કરવા ઇચ્છતા અનેક લોકોએ ઘેરી લીધા.
હું તો હૉલના પાછળના ભાગે રાહ જોતો ઊભો. ત્યાં મેં મહારાજને શેરીમાંથી પસાર થતા જોયા. જ્યાં વેદાંત જનમ્યું છે, એ જ ભૂમિમાંથી મને એક ઉપદેશક સાંપડ્યો, એથી હું ખૂબ ખુશ થયો. મારું અરમાન તો ઊંચું હતું, પણ એ અરમાન એળે ન જ ગયું… હા, એક જ વાત એ બાકી રહી ગઈ કે સ્વામી વિવેકાનંદ જે સુંદર વ્યાખ્યાન અને જે વક્તૃત્વને લીધે પ્રસિદ્ધ થયા હતા તે જોવા ન મળ્યું. વક્તા તરીકેની આવી પ્રસિદ્ધિ આ મહારાજે કઈ રીતે પ્રાપ્ત કરી, એની નવાઈ અનુભવતાં મને શંકા થઈ કે આ વક્તા ખરેખર સ્વામી વિવેકાનંદ તો નહિ હોય ને ! એટલે હું તો મારી એ શંકા નિવારવા એ હૉલના વ્યવસ્થાપક સજ્જન પાસે પહોંચ્યો અને ત્યારે મને કહેવામાં આવ્યું કે મેં સાંભળેલા સ્વામીજી એ રામકૃષ્ણના બીજા એક શિષ્ય સ્વામી અભેદાનંદ મહારાજ હતા ! પુસ્તક વેચાણસ્થાનના વ્યવસ્થાપક સજ્જન સાથે પણ મેં થોડી વાતચીત કરી. “કર્મયોગ”ની એક પ્રત ખરીદી અને પછી હું ઘેર ગયો.
મને અભેદાનંદજી મહારાજ તરફ ખૂબ આકર્ષણ થયું. તેથી ત્યાર પછીના રવિવારે પણ ફરીથી તેમને સાંભળવા માટે હું પહોંચી ગયો. ખરી રીતે તો આ પછી હું રવિવારીય વ્યાખ્યાનોનો એક નિયમિત ઉપસ્થિત શ્રોતા બની ચૂક્યો હતો. પરંતુ વ્યક્તિગત રૂપે હજુ હું સ્વામીને મળ્યો ન હતો. ત્યાં ઘણું ઘણું એવું હતું કે જે મારે માટે નવુંસવું હતું. ખ્રિસ્તી વ્યાખ્યાનમંચ પરથી પહેલાં મેં જે કંઈ સાંભળ્યું હતું, એના કરતાં એમાં ઘણુંઘણું પરિતોષિક તત્ત્વ ભર્યું હતું; એમાં કેટકેટલું વિચારપ્રેરક હતું કે મને શાંત એકાંત જીવન જીવવામાં જ સંતોષ લાગવા માંડ્યો. અને જીવનની સમસ્યાઓનું નિરીક્ષણ કરવા અને એનો વિચાર કરવાના આ નૂતન માર્ગ સાથે મારું અનુકૂલન સાધવાનું મન થઈ આવ્યું. મારી પોતાની બાબતો માટે હું પોતે જ કામ કરવાની ઇચ્છા રાખવા લાગ્યો. અને એનું ચિંતન-મનન કરવા લાગ્યો. ઘર પર હું જે વેદાંતનું વાચન-મનન કરતો હતો, એની પુરવણી રૂપે આ રવિવારીય વ્યાખ્યાનો પૂરતાં સંતોષજનક નીવડ્યાં હતાં.
પણ એક રવિવારે વ્યાખ્યાન પૂરું થવા પછી તરત જ એક સન્નારી મારી પાસે આવ્યાં અને મને કહેવા લાગ્યા : “સ્વામી અભેદાનંદજીનાં વ્યાખ્યાનોમાં તમને તો ખૂબ નિયમિત રીતે આવતા મેં જોયા છે. એટલે તમને કદાચ તેમની સાથે ઓળખાણ થાય, એ ગમશે.” સન્નારીએ આગળ ચલાવ્યું : “મારે ઘેર પ્રશ્નોત્તરીનો વર્ગ ચાલે છે. સ્વામી અભેદાનંદજી ત્યાં તમને મળીને રાજી થશે. ત્યાં આપણે થોડાંક જ હોઈશું. અમે દર બુધવારે સાંજે મળીએ છીએ. આવો અને તેમને મળો.” મેં આ હાર્દિક નિમંત્રણ સ્વીકારી લીધું. અને એ સન્નારીએ મને આપેલા સરનામાને એક સપ્તાહ પસાર થઈ ગયું.
ત્યાં એક નાનકડું મિલન ગોઠવાયું હતું. કદાચ વીસેક માણસોથી વધારે માણસો તો ત્યાં નહિ હોય. ઓરડો સુવ્યવસ્થિત હતો, ધૂપ જલી રહ્યો હતો અને એક નાના ટેબલ ઉપર ફૂલો અને છબીઓ ગોઠવેલાં હતાં. સ્વામી અભેદાનંદજી મહારાજ તો અગાઉથી બેસી જ ગયા હતા. અને એ યજમાન મહિલાએ તેમની પાસેની એક ખુરશી પર મને બેસવાનું કહ્યું. થોડી મિનિટો પછી મહારાજે સંસ્કૃત પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરી. હું ધારું છું કે એ, કેટલાંક ઉપનિષદમાં આરંભે અને અંતે આવેલો અતિપ્રસિદ્ધ શાંતિમંત્ર જ હતો : “सहना ववतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै…” વગેરે. “બધાં દૂષણોમાંથી એ ઉગારી લે; ગુરુ અને શિષ્ય એકસાથે રહીને ઈશ્વરના આશીર્વાદો મેળવે; આપણે જે કંઈ ભણીએ, એ બધું સુ-અધીન અને જીવનમાં પ્રકાશ પાથરનારું બને; દ્વેષ આપણાથી દૂર જ રહે. “ૐ शांतिः शांतिः शांतिः हरिः ૐ” મહારાજે પોતાના ધીર-ગંભીર અને મધુર સૂરે ગાયેલા આ પ્રાચીન સંસ્કૃત પ્રાર્થના કેટલી સુંદર અને કેટલી પ્રભાવોત્પાદક ગુંજનભરી લાગી હતી ! અહા, શું એની વિશિષ્ટ લયબદ્ધતા હતી !
એ પછી થોડીવાર શાંતિ પથરાઈ રહી. મહારાજ ટટાર – એકદમ સીધા બેઠાં. એમણે અદબ વાળી હતી અને આંખો બંધ કરી હતી. અમે બધાએ એમનું અનુકરણ કર્યું અને થોડા સમય ધ્યાનમાં ગાળ્યો. પછી કર્મના નિયમ ઉપર થોડી ચર્ચા છણાવટ થઈ અને અમને પ્રશ્નો પૂછવાનું આમંત્રણ આપવામાં આવ્યું. પ્રશ્નો બધા કંઈ પદ્ધતિસરના ન હતા. કારણ કે એમાં તો બધા જ પ્રકારના વિષયોને સ્પર્શ કરવામાં આવ્યો હતો.
“શું જિસસ ‘યોગી’ હતા ?”
“હા જ તો. નહિ તો એમણે સ્વર્ગીય પિતા સાથે પોતાના ઐક્યની અનુભૂતિ કેવી રીતે પ્રાપ્ત કરી હોય, ભલા ?”
”ભારતમાં સંન્યાસીઓ અહીં-તહીં ભ્રમણ શા માટે કર્યા કરે છે ?”
“કારણ કે તેઓ કોઈના પણ ઉપર બોજારૂપ બનવા માગતા નથી, પણ પરમાત્મા ઉપર જ સંપૂર્ણ શ્રદ્ધારૂપી આધારે જ જીવવા માગતા હોય છે.”
“યોગની સાધના કરનાર મનુષ્યે શું શાકાહારી બનવું જ પડે છે ?” “જ્યારે તમે “રાજયોગ”ની સાધના કરતા હો, ત્યારે તમારે માંસ ન લેવું જોઈએ. બીજા યોગોની સાધનામાં સંપૂર્ણપણે નિરામિષાહારી રહેવાનો કડક નિયમ પાળવાની કોઈ ખાસ આવશ્યકતા નથી. પણ ભારતમાં તો બધા જ પ્રકારના યોગીઓ શાકાહારીઓ જ છે. લગભગ બધાં જ હિન્દુઓ શાકાહારી-નિરામિષભોજી જ છે.”
ત્યાર પછી હિન્દુઓ શા માટે માંસ ખાવાનું પસંદ કરતા નથી, એ વિશે સ્પષ્ટતા કરવા સ્વામીજી બોલ્યા. આ રીતે વિષયોની વિવિધતા હતી. આ મિલન આશરે એકાદ કલાક કે તેથી થોડું વધારે ચાલ્યું. મિલન પૂરું થયા પછી સ્વામીજી સાથે મારો પરિચય કરાવવામાં આવ્યો. તેઓ નમ્ર હતા, શિષ્ટ હતા. તેમણે મને કેટલાંક પ્રશ્નો પૂછ્યા અને પછી કહ્યું : “ફરીથી તમે અહીં આવશો, એવી આશા રાખું છું.” મેં તેમને કહ્યું : “હું આપનાં વ્યાખ્યાનોનો ખૂબ પ્રશંસક છું. એ મને ખૂબ ખૂબ મદદગાર નીવડ્યાં છે.” તેઓ ખૂબ પ્રસન્ન થયેલા જણાતા હતા. તેમણે મને કહ્યું : “થોડી સાધના કરો; ધ્યાનમાં જ સફળતાનું રહસ્ય છુપાયેલું છે. અહીં નિયમિત રીતે આવતા રહેજો. અને જ્યારે તમારા મનમાં કોઈ શંકા ઊઠે કે જ્યારે મારી કોઈ મદદની જરૂર પડે ત્યારે મને મળજો.” મેં તેમનો આભાર માન્યો. તેમણે કહ્યા પ્રમાણે કરવાનું વચન આપ્યું. આ હતો અમારા પ્રથમ મેળાપનો છેડો.
Your Content Goes Here




