25મી ડિસેમ્બર, નાતાલ પ્રસંગે

આજ શુક્રવાર, ઑગસ્ટ 28, ઈ. સ. 1885.

પ્રભાત થયું. ઠાકુર ઊઠીને માતાજીનું ચિંતન કરે છે. અસ્વસ્થ હોવાને અંગે ભક્તો ઠાકુરના શ્રીમુખેથી પેલું મધુર નામ-સ્મરણ સાંભળી શક્યા નહિ. ઠાકુર પ્રાતઃવિધિ પતાવીને ઓરડામાં પોતાના આસને આવીને બેઠા છે. મણિને કહે છે કે, ‘વારુ, આ (ગળાનું) દરદ શા માટે થયું?’

મણિ: જી, માણસની પેઠે બધું ન થાય તો જીવોને હિંમત આવે નહિ. તેઓ જુએ છે કે આપના શરીરમાં આટલું દર્દ છે, છતાંય આપ ઈશ્વર સિવાય બીજું કશું જાણતા નથી!

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): બલરામે પણ કહ્યું કે, આપને જ જો આમ, તો પછી અમને તો કેમ ન થાય?

સીતાના શોકથી રામ ધનુષ ઉઠાવી ન શક્યા એ જોઈને લક્ષ્મણ નવાઈ પામી ગયા. પરંતુ “પંચભૂતમાં પડે ત્યારે બ્રહ્મ સુદ્ધાં રડે.”

મણિ: ભક્તનું દુઃખ જોઈને ઈશુ ખ્રિસ્ત પણ સાધારણ માણસની પેઠે રડ્યા હતા.

શ્રીરામકૃષ્ણ: શું થયેલું?

મણિ: માર્થા ને મેરી બે બહેનો અને લેઝરસ નામે તેમનો ભાઈ. એ ત્રણે ભાંડુ ઈશુ ખ્રિસ્તના ભક્ત. એમાં લેઝેરસનું મૃત્યુ થયું. ઈશુ તેમને ઘેર આવતા હતા. રસ્તામાં એક બહેન મેરી, દોડતી જઈને ઈશુને પગે પડી અને રડતાં રડતાં બોલી, ‘પ્રભુ, તમે જો આવી પહોંચ્યા હોત તો એ મરત નહિ!’ ઈશુ તેનુ રુદન જોઈને રડ્યા હતા.

ત્યાર પછી ઈશુ લેઝેરસની કબરે જઈને તેનું નામ લઈને બોલાવવા લાગ્યા. તરત લેઝેરસ જીવતો થઈને ઊઠી આવ્યો!

શ્રીરામકૃષ્ણ: પરંતુ મારાથી એ બધું થાય તેમ નથી.

મણિ: એ તો તમે કરતા નથી, જાણી જોઈને, એટલે. એ બધી તો સિદ્ધિઓ, ચમત્કારો છે. એટલે આપ કરતા નથી. એ બધી કરવાથી લોકોનું દેહમાં જ મન રહે, શુદ્ધ ભક્તિ તરફ મન જાય નહિ. એટલે આપ એવા ચમત્કારો કરતા નથી. બાકી, આપની સાથે ઈશુ ખ્રિસ્તનું ઘણુંય મળતું આવે.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): બીજું શું શું મળતું આવે?

મણિ: આપ ભક્તોને ઉપવાસ કરવાનું કે બીજી કોઈ કઠોરતાવાળું તપ કરવાનું કહેતા નથી. ખાવાપીવા સંબંધેય કોઈ કઠિન નિયમ નહિ. ઈશુ ખ્રિસ્તના શિષ્યોએ રવિવારે ઉપવાસ ન કરતાં ભોજન કરેલું એટલે જેઓ જૂનું યહૂદી શાસ્ત્ર માનીને ચાલતા તેઓએ તેમનો તિરસ્કાર કર્યો હતો. ઈશુએ કહ્યું કે તેઓ ખાશે, પીશે અને આનંદ કરશે. જેટલો વખત વરરાજાની સાથે હોય તેટલો વખત જાનૈયા આનંદ જ કરે.

શ્રીરામકૃષ્ણ: એનો અર્થ શો?

મણિ: એટલે કે જેટલા દિવસ સુધી અવતારની સાથે હોય ત્યાં સુધી અવતારના સાંગોપાંગ ભક્તો કેવળ આનંદ જ કરવાના. શા માટે નિરાનંદ રહે? અવતાર જ્યારે સ્વધામે ચાલ્યા જશે ત્યારે તેમના નિરાનંદના દિવસો આવશે.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): બીજું કંઈ મળતું આવે છે?

મણિ: જી, આપ જેમ કહો છો કે જે યુવકોની અંદર કામિની-કાંચન પેઠાં નથી, તેઓ ઉપદેશની ધારણા કરી શકે; જેમ નવી હાંડલીમાં દૂધ રાખી શકાય તેમ. દહીં જમાવવાની હાંડલીમાં દૂધ રાખવાથી દૂધ બગડી જવાનો ભય. ઈશુ પણ એમ કહેતા.

શ્રીરામકૃષ્ણ: શું કહેતા?

મણિ: ‘જૂની બાટલીમાં નવો દારૂ રાખવા જાઓ તો બાટલી ફાટી જવાનો ભય ખરો.’ અને ‘જૂના કપડાંને ઘડી કરવાથી જલદી ફાટી જાય.’

આપ જેમ કહો છો કે ‘મા અને હું એક’, ઈશુ પણ એમ જ કહેતા કે ‘પિતા અને હું એક!’ (I and my Father are one)

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): બીજું કંઈ?

મણિ: આપ જેમ કહો છો કે “આતુર થઈને ઈશ્વરને સ્મર્યે, એ સાંભળવાનો જ!” તેમ ઈશુય કહેતા કે, “આતુર થઈને દરવાજે ધક્કો મારો, તો દરવાજો ઉઘાડવામાં આવશે.” (Knock and it shall be opened unto you)

શ્રીરામકૃષ્ણ: વારુ, જો મારી અંદર અવતાર હોય, તો તે પૂર્ણ કે અંશ કે કળા? કોઈ કોઈ તો કહે છે કે પૂર્ણ.

મણિ: જી, પૂર્ણ, અંશ કે કળા: એ બધું તો સારી રીતે સમજી શકતો નથી. પરંતુ આપે જે કહેલું કે દીવાલની અંદર ગોળ બાકોરું, એ બરાબર સમજ્યો છું.

શ્રીરામકૃષ્ણ: શું, બોલો જોઈએ?

મણિ: દીવાલની અંદર એક ગોળ બાકોરું છે. એ બાકોરાની અંદર થઈને દીવાલની પેલી પારનું મેદાન થોડુંક જોવામાં આવે છે. એ જ પ્રમાણે આપની અંદર થઈને એ અનંત ઈશ્વર થોડો દેખાય છે.

શ્રીરામકૃષ્ણ: હા, એકસામટો બે-ત્રણ ગાઉ સુધી દેખાય છે!

(શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ 3, પૃ. સં. 169-170)

*

31મી ઑક્ટોબર 1885: ઠાકુર ભક્તો સાથે બેઠા છે. સમય અગિયાર વાગ્યાનો. મિશ્ર નામના એક ખ્રિસ્તી ભક્ત સાથે વાતો કરી રહ્યા છે. મિશ્રની ઉંમર પાંત્રીસેકની હશે. મિશ્ર ખ્રિસ્તી વંશમાં જન્મેલ છે. જો કે ઉપરથી સાહેબલોક જેવો પોષાક છે છતાં અંદર ભગવાં પહેરેલ છે. અત્યારે તેણે સંસારત્યાગ કર્યો છે. એનું જન્મસ્થળ પશ્ચિમ બાજુએ. તેના ભાઈના વિવાહને દિવસે જ તે ભાઈનું તથા બીજા એક ભાઈનું એક જ દિવસે મૃત્યુ થયું. તે દિવસથી મિશ્રે સંસારત્યાગ કર્યો છે. એ ક્વેકર સંપ્રદાયના.

મિશ્ર: “વો હી રામ ઘટ ઘટ મેં લેટા.”

શ્રીરામકૃષ્ણ છોટા નરેનને આસ્તે આસ્તે કહે છે કે જેથી મિશ્ર પણ સાંભળી શકે: ‘એક રામ તેનાં હજાર નામ.’

ખ્રિસ્તીઓ જેને ‘ગૉડ’ કહે છે, હિંદુઓ તેને જ રામ, કૃષ્ણ, ઈશ્વર વગેરે કહે છે. એક તળાવને કેટલાય ઘાટ. એક ઘાટે હિંદુઓ પાણી પીએ છે, કહે છે જળ, ઈશ્વર; ખ્રિસ્તીઓ બીજે એક ઘાટે પાણી પીએ છે, ‘વૉટર’, ગૉડ, જિસસ; મુસલમાનો બીજા એક ઘાટે પાણી પીએ છે અને કહે છે, પાની, અલ્લા.

મિશ્ર: જિસસ મેરીનો દીકરો નહિ, જિસસ સ્વયં ઈશ્વર. (ભક્તોને) આ (શ્રીરામકૃષ્ણ) અત્યારે આ દેહધારી છે, તેમ વળી એક સમયે સાક્ષાત્ ઈશ્વર.

આપ (ભક્તો) આમને ઓળખી શકતા નથી. મેં અગાઉથી આમને જોયા છે, અત્યારે પ્રત્યક્ષ જોઉં છું. અગાઉ મેં જોયું હતું કે એક બગીચો, ત્યાં આ (શ્રીરામકૃષ્ણ) ઊંચે એક આસન પર બિરાજેલા છે. જમીન ઉપર બીજો એક જણ બેઠેલ છે; એ એટલો આગળ વધેલો ન હતો.

આ દેશના ચાર દ્વારપાળ છે. મુંબઈ બાજુએ તુકારામ અને કાશ્મીરમાં રોબર્ટ માઈકેલ; અહીંયા આ (રામકૃષ્ણ); અને પૂર્વ બાજુએ બીજા એક સંત છે.

શ્રીરામકૃષ્ણ: તમે કંઈ જુઓબુઓ ખરા?

મિશ્ર: જી, જ્યારે ઘરે હતો ત્યારથી જ્યોતિ-દર્શન થતું. ત્યારે પછી જિસસના દર્શન થયાં છે. એ રૂપનું હું શું કહું! એ સૌન્દર્યની પાસે સ્ત્રીનું સૌન્દર્ય શી વિસાતમાં છે!

થોડી વાર પછી ભક્તોની સાથે વાત કરતાં મિશ્રે કોટપાટલૂન ઉતારીને અંદરનું ભગવું કૌપીન બતાવ્યું.

ઠાકુર ઓસરીમાંથી આવીને કહે છે, ‘શૌચ તો થયું નહિ; (ભાવમાં) આને (મિશ્રને) જોયો, વીરની પેઠે ઊભેલો છે.

એમ કહેતાં ઠાકુર સમાધિ-મગ્ન થતા જાય છે. પશ્ચિમાભિમુખ થઈને ઊભા ઊભા જ સમાધિ-મગ્ન.

સહેજ સ્વસ્થ થઈને મિશ્રને જોતાં જોતાં હસી રહ્યા છે. હજીયે ઊભા છે. ભાવના આવેશમાં મિશ્રની સાથે હસ્તધૂનન કરે છે અને હસે છે. તેનો હાથ પકડીને કહે છે, ‘તમે જે ઇચ્છો છો એ થઈ જશે.’

ઠાકુરને જાણે કે જિસસનો ભાવ-આવેશ આવ્યો! એ અને જિસસ શું એક?

મિશ્ર (હાથ જોડીને): મેં એ દિવસથી મન, પ્રાણ, શરીર બધું આપને અર્પણ કર્યું છે! (ઠાકુર ભાવ-અવસ્થામાં હસી રહ્યા છે.)

ભાવ શાંત થયા પછી ઠાકુર બેઠા. મિશ્ર ભક્તોની પાસે તેની અગાઉની વાતો બધી કહી રહ્યા છે. તેના બે ભાઈઓ લગ્નપ્રસંગે સ્વાગત-સમારંભનો શમિયાણો તૂટી પડવાથી દબાઈ જઈને માનવ-લીલા સમાપ્ત કરી ગયા હતા તેય વર્ણન કર્યું.

ઠાકુરે મિશ્રને નાસ્તોપાણી કરાવવાનું ભક્તોને કહી દીધું.

(શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ (3), પૃ. સં. 272-273)

Total Views: 881

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.