ગુરુપૂર્ણિમાની વિશેષતા

ભારતીય સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. અષાઢ માસની પૂર્ણિમા જ ગુરુપૂર્ણિમારૂપે ઉજવવામાં આવે છે. આ દિવસ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવાનું પર્વ છે. આ જ દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો, તેથી આ દિવસને વ્યાસપૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. તદુપરાંત વ્યાસમુનિએ હિંદુ ધર્મના મુખ્ય ગ્રંથ વેદ, બ્રહ્મસૂત્ર આદિનું વર્ગીકરણ કરીને આપણી સમક્ષ રજૂ કર્યા, તેથી તેમને આદિગુરુ કહેવામાં આવે છે; આ મહાન કાર્યના સન્માનરૂપે તેમના જન્મદિવસને ગુરુપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. પૂર્ણિમા એટલે પ્રકાશ. પૂર્ણિમા પૂર્ણત્વનું પણ પ્રતીક છે. પૂર્ણિમા એટલે પૂર્ણતિથિ, પૂર્ણકલા, પૂર્ણસત્તા, પૂર્ણપ્રકાશ. પૂર્ણિમાના ચંદ્રનાં દર્શનથી આનંદ અને આહ્લાદ ઉદ્ભવે છે. આને જ પૂર્ણજ્ઞાન, પૂર્ણસત્તા, પૂર્ણસત્ત્વ ગુરુતત્ત્વ કહેવાય છે.

ગુરુપૂર્ણિમા એટલે અજ્ઞાન તરફથી જ્ઞાન અર્થાત્ પૂર્ણત્વ તરફ જવાનું પર્વ.

ગુરુની મહત્તા

ગુરુ શબ્દ બે અક્ષરોનો બનેલો છે. ‘ગુ’નો અર્થ થાય ‘અંધકાર (અજ્ઞાન)’ એવં ‘રુ’નો અર્થ છે ‘પ્રકાશ (જ્ઞાન)’. ગુરુ આપણને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય છે. શાસ્ત્રોમાં ગુરુનું માહાત્મ્ય વિશેષ કહેવાયું છે. ગુરુના માહાત્મ્યનું વર્ણન શબ્દમાં કરવું ઘણું કઠિન છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા હતા કે સચ્ચિદાનંદ જ ગુરુરૂપે આવે છે. ગુરુની કૃપા વિના ઈશ્વરની પ્રાપ્તિ પણ અશક્ય છે. વૈદિક યુગથી માંડીને આજ સુધી કોઈ પણ સાધક ગુરુની કૃપા વિના પૂર્ણત્વ પ્રાપ્ત કરી શક્યો નથી. ત્રિતાપદગ્ધ જીવને જે પરમ શાંતિ તરફ દોરી જાય છે, તે જ સદ્ગુરુ છે. કબીરદાસ કહે છે :

ગુરુગોવિંદ દોનો ખડે, કાકે લાગું પાઉ ।

બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો મિલાય॥

ગુરુ અને ગોવિંદ સામે ઊભા છે, તો કોને પહેલાં પ્રણામ કરું ? ગુરુની કૃપાથી જ મને ગોવિંદનાં દર્શન થયાં છે તો પ્રથમ પ્રણામ ગુરુને જ હો !

તુલસીદાસ પણ કહે છે :

મહામોહ તમપુંજ જાસુ, બચન રવિકર નિકર ।

જેમ સૂર્યોદયથી સમગ્ર અંધકારનો નાશ થાય છે, તેવી જ રીતે ગુરુનાં વચનોથી શિષ્યના મોહરૂપી અંધકારનો નાશ થાય છે.

મૂળ ચેતનતત્ત્વને આપણે માનતા નથી અને જડશક્તિને જ સર્વકંઈ માની લઈએ છીએ, આ જ છે અજ્ઞાન. આ અજ્ઞાનનો નાશ કરીને સત્યસ્વરૂપ પરમાત્માની અનુભૂતિ કરાવનાર જ ગુરુ કહેવાય છે. ગુરુએ પ્રબોધેલું જ્ઞાન ગુરુ કરતાં પણ સવિશેષ છે. ગુરુના ઉપદેશનું આચરણ ન કરીને માત્ર ગુરુની વ્યક્તિરૂપી પૂજાને મહત્ત્વ આપવાને કારણે જ સાધકને પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. ગુરુ કોઈ વ્યક્તિ નથી, પરંતુ ગુરુ એક તત્ત્વ છે.

શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે ગુરુવાક્યમાં સંદેહ કરવો એ દોષ છે. શ્ર્વેતાશ્ર્વતર ઉપનિષદ (6.23)માં કહેવાયું છે :

यस्य देवे परा भक्तिर्यथा देवे तथा गुरौ ।

तस्यैते कथिता ह्यर्था: प्रकाशन्ते महात्मन: ॥

જેની ઈશ્વર પ્રત્યે પરાભક્તિ છે અને ગુરુ પ્રત્યે પણ તેવી જ ભક્તિ છે તેની સમક્ષ પરમતત્ત્વ યથાર્થરૂપે પ્રગટ થાય છે.

પારસમણિ લોખંડને સોનું બનાવી શકે છે, પરંતુ પારસમણિ બનાવી શકતું નથી. પરંતુ ગુરુએ જે પરમપદની પ્રાપ્તિ કરી છે, પોતાને શરણે આવનારને એ જ પરમપદની પ્રાપ્તિ કરાવી શકે છે.

ગુરુની આવશ્યકતા

આધ્યાત્મિક જીવનમાં ગુરુની અત્યંત આવશ્યકતા છે. ભૌતિક વસ્તુ આપણને માત્ર ભૌતિક માહિતી આપી શકે છે, પરંતુ અંતરની શાંતિ ફકત ગુરુકૃપાથી જ પ્રાપ્ત થઈ શકે છે. સ્વામી વિવેકાનંદ કહે છે : ‘દરેક જીવ પૂર્ણત્વ પ્રાપ્ત કરશે, દરેકને એક દિવસ સિદ્ધ અવસ્થા મળશે જ. પરંતુ તે ફક્ત ગ્રંથોથી કે ભૌતિક જ્ઞાનથી નહીં મળે. એક આત્મા અન્ય આત્મા પાસેથી જ આવી શક્તિ પ્રાપ્ત કરી શકે છે. સમગ્ર જીવન ગ્રંથો વાંચવાથી બૌદ્ધિક પ્રગતિ થઈ શકે, પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ માટે કોઈ આધ્યાત્મિક વ્યક્તિનું શરણ લેવું પડે. જેમને આધ્યાત્મિક સહાય મળે છે, તેમની ભીતર રહેલ શક્તિઓ ઉજાગર થાય છે અને તે પૂર્ણત્વ પ્રાપ્ત કરે છે. મોટે ભાગે સાંસારિક લોકો સુખસમૃદ્ધિ ઇચ્છે છે. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે :

અનિત્યમસુખં લોકં ઇમં પ્રાપ્ય ભજસ્વ મામ્ ।

આ જગત અનિત્ય અને દુ:ખમય છે…. તો પણ આપણને એનું જ્ઞાન નથી રહેતું. આપણે વિચારીએ છીએ કે આપણે સુખાનંદમાં છીએ. ઠાકુર પણ કહેતા હતા, ‘માછીમારે તળાવમાં જાળ ફેંકી છે, પરંતુ જાળમાં ફસાયેલી માછલીઓને તેનું ભાન નથી કે તેઓ જાળમાં ફસાયેલી છે. તેઓ તો જાળને મોંમાં પકડીને વિચારે છે કે તેઓ સલામત છે. ખરેખર તેઓ જાણતી નથી કે થોડી જ વારમાં માછીમાર આવીને તેને પકડી જશે. તેમનામાં મુક્તિની ઇચ્છા નથી. તેવી જ રીતે આપણી અંદર પણ મુક્તિની ઇચ્છા ન હોવાને કારણે ગુરુ કરવાથી કોઈ વિશેષ લાભ થતો નથી.

એટલે જ સાધકે મુક્તિ મેળવવા માટે ગુરુની સેવાશુશ્રૂષા કરીને તેમનું શરણ સ્વીકારવું જોઈએ. ગીતા (4.34)માં પણ કહેવાયું છે કે

‘તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ।

ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનં જ્ઞાનિનસ્તત્ત્વદર્શિન: ।

તત્ત્વદર્શી શ્રીગુરુનાં ચરણોમાં પ્રણામ કરીને, પ્રશ્નો પૂછીને, તેમની સેવા દ્વારા તે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે.

યથાર્થ ગુરુ અને યથાર્થ શિષ્ય

જે વ્યક્તિના આત્મામાંથી આધ્યાત્મિક શક્તિ સંચારિત થાય છે તેને ગુરુ અથવા આચાર્ય કહેવાય છે. જેનામાં આ શક્તિ સંચારિત થાય છે, તેને શિષ્ય અથવા સાધક કહેવાય છે. આવી શક્તિનું સંચારણ કરવા માટે તે વ્યક્તિ પાસે ક્ષમતા હોવી જોઈએ અને જેનામાં શક્તિ સંચારિત કરાય છે, તેનામાં ગ્રહણ કરવાની પાત્રતા હોવી જોઈએ.

પ્રકૃતિનો નિયમ છે કે જમીન તૈયાર હોય તો બીજ ગમે ત્યાંથી આવીને ઊગી નીકળે છે. આત્માની પણ ધર્મપિપાસા જાગૃત થતાં, ક્યાંયથી પણ ધર્મશક્તિસંચારક પુરુષ તેની સહાયતા માટે આવે છે. શ્રીરામકૃષ્ણદેવ વગેરેના જીવનમાં આપણને આ પ્રકારનાં દૃષ્ટાંતો જોવા મળે છે. જો આપણો ઉદ્દેશ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિનો હોય તો આપણે બ્રહ્મજ્ઞાની પુરુષનું જ શરણ લેવું જોઈએ. મુંડકોપનિષદ (1.2.12)માં કહેવાયું છે :

‘તદ્વિજ્ઞાનાર્થં સ ગુરુમેવાભિગચ્છેત્ ।

સમિત્પાણિ: શ્રોત્રિયં બ્રહ્મનિષ્ઠમ્ ॥’

તેવા બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે શરણાપન્ન થઈને જવું જોઈએ.

જેમના દ્વારા સાધનાપથે અગ્રેસર થવા માટે સહાયતા પ્રાપ્ત થાય, તેને જ ગુરુ કહેવામાં આવે છે. ગુરુમાં મુખ્ય ગુણ એ હોવો જોઈએ કે તેઓ શાસ્ત્રજ્ઞ અને બ્રહ્મનિષ્ઠ હોય. તેમનું આચરણ શાસ્ત્રસંમત હોવું જોઈએ. તેમનો ઉદ્દેશ સ્વાર્થબુદ્ધિરહિત થઈને કરુણાદ્ર બની શિષ્યને અજ્ઞાનમાંથી મુક્ત કરવાનો હોવો જોઈએ. જે ગુરુને શાસ્ત્રજ્ઞાન હોતું નથી, તેમને વાસ્તવિક જ્ઞાન હોતું નથી અને જો તેઓ બ્રહ્મનિષ્ઠ નહીં હોય તો અન્યના સંશય ક્યારેય દૂર નહીં કરી શકે. વ્યાવહારિક જીવનના ગુરુ અને આધ્યાત્મિક જીવનના ગુરુમાં આ પાયાનો ભેદ છે. પવિત્રતા જ આધ્યાત્મિક ગુરુનો મુખ્ય ગુણ છે.

શિષ્ય વિશે પણ શાસ્ત્ર કહે છે : ‘જે શિષ્ય પ્રશાંત ચિત્તવાળો, જિતેન્દ્રિય, કામક્રોધાદિથી મુક્ત, એકાંતપ્રિય, મુક્તિની કામનાવાળો હોય તે જ સાચો શિષ્ય છે. આ છે સત્ શિષ્યનાં લક્ષણો છે.’ ગીતા (4.39)માં પણ કહ્યું છે :

શ્રદ્ધાવાન્ લભતે જ્ઞાનં તત્પર: સંયતેન્દ્રિય ।

અર્થાત્ શ્રદ્ધાળુ, તત્પર તથા જિતેન્દ્રિય વ્યક્તિ જ જ્ઞાન પ્રાપ્ત કરે છે.

મંત્રશક્તિ

મંત્ર ઈશ્વરનું પ્રતીક છે, શબ્દરૂપે પ્રકટ બ્રહ્મ જ છે. ગુરુએ આપેલ મંત્રનો કોઈ પણ પ્રકારના પરિવર્તન વગર જપ કરવો જોઈએ. સંસારબંધન કાપવાનું મંત્ર એ મોટું શસ્ત્ર છે. તે જ સાધકને સંસારસાગરમાંથી પાર ઉતારે છે. મંત્રનો પ્રયોગ ભૌતિક લાભ માટે કદાપિ કરવો જોઈએ નહીં.

મંત્રદીક્ષાનું પ્રયોજન છે આત્માનુભૂતિ, નહીં કે સાંસારિક કે ભૌતિક પદાર્થોની પ્રાપ્તિ. મંત્રદીક્ષા એટલે પશુજીવનમાંથી મનુષ્યજીવનનો પ્રારંભ. મંત્ર સાથે જ ગુરુની આધ્યાત્મિક શક્તિ શિષ્યમાં સંચારિત થાય છે. ગુરુના મુખેથી ઉચ્ચારિત ભગવાનનું પવિત્ર નામ જ શિષ્ય માટે તારકમંત્ર કે મહામંત્ર છે. આ મંત્રજાપ દ્વારા શિષ્યના મનનો મેલ દૂર થાય છે અને મન શુદ્ધ અને પવિત્ર બને છે. આવા શુદ્ધ અને પવિત્ર મનમાં ભગવાન પ્રગટ થાય છે. અંતત: સાધક ત્રિવિધતાપથી મુક્ત થાય છે.

Total Views: 492

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.