એક દિવસ બાબુરામ મહારાજે મને કહ્યું, ‘જો, આજે આ છોકરો આવ્યો છે. તે કોલકાતાથી પરિચિત નથી. કાલે તેને શ્રીમા દીક્ષા આપશે. સવારે તું એને લઈ જજે. પહેલાં ઉદ્‌બોધનની સામેના ગંગાઘાટ પર તેને સ્નાન કરાવજે. અને પછી ઉદ્‌બોધન જઈને શરત્ મહારાજને તેની દીક્ષા વિશે વાત કરજે. એ કામ કરીશ ને?’ મેં કહ્યું, ‘હા મહારાજ, શા માટે ન કરી શકું ?’

રાતે સૂઈ ગયો. સવારે ઊઠીને બાબુરામ મહારાજે (સ્વામી પ્રેમાનંદ) સાદ કર્યો, ‘વીરેન ઊઠો, જલદી નીકળવું પડશે.’ એ છોકરાનું નામ વીરેન હતું. પછી મને બોલાવીને કહ્યું, ‘હાથ-પગ, મોં ધોઈ લે.’ હું એ પતાવીને તૈયાર થઈ ગયો. સીડી પર અંધારું હતું. ઊતરતી વખતે બાબુરામ મહારાજે મને કહ્યું, ‘સાંભળ, જરા ઊભો રહે તો ! વારુ, તારી દીક્ષા થઈ છે ? તું પણ દીક્ષા લઈ લે. મહારાજ સાથે મારે એ વિશે વાત થઈ છે. તેમણે તારી દીક્ષાની વાત કરી હતી.’ થોડું થોભીને ફરીથી કહ્યું, ‘મારી વાત સાંભળીશ ? માનીશ ?’ મેં સવિનય કહ્યું, ‘શા માટે ન માનું ? કહોને મહારાજ !’ તેમણે કહ્યું, ‘જો, તું મા પાસેથી દીક્ષા લઈ લે.’ મેં પૂછ્યું, ‘હું મા પાસેથી દીક્ષા કેવી રીતે લઉં ? તેઓ તો મને બરાબર ઓળખતાં પણ નથી. હું જાઉં છું. બસ પ્રણામ કરીને ચાલ્યો આવું છું.’ બાબુરામ મહારાજે કહ્યું, ‘ના, તેઓ તને ઓળખે છે.’ મેં પૂછ્યું, ‘તો પછી મારે શું કહેવું ?’ એમણે નિર્દેશ આપ્યો, ‘શરત્ મહારાજ (સ્વામી સારદાનંદ) પાસે જજે અને તેમને કહેજે. સ્વામી સારદાનંદ તો તને ઓળખે છે ને?’ મેં કહ્યું, ‘હા મહારાજ, તેઓ મને ઓળખે છે. પૂજ્ય શશી મહારાજ માંદગી વખતે ઉદ્‌બોધનમાં હતા એ સમયે ત્યાં રહીને થોડા દિવસ એમની સેવા કરી હતી. ત્યારે સ્વામી સારદાનંદજીએ મને જોયો છે.’ બાબુરામ મહારાજે કહ્યું, ‘સારુ’ શરત્ મહારાજ તને સારી રીતે ઓળખે છે અને તારા પર ખૂબ રાજી પણ છે. તેં આટલા દિવસ સુધી શશી મહારાજની સેવા કરી હતી. એટલે તારા વિશે એમની ઘણી સારી ધારણા છે.’ મેં કહ્યું, ‘તે હું નથી જાણતો.’ તેમણે કહ્યું, ‘જે હોય તે. આને સાથે લઈ જા અને તારા માટે નવાં કપડાં લેતો જાજે. બન્ને જણા ગંંગામાં સ્નાન કરીને શરત્ મહારાજને મળજો અને કહેજો કે બાબુરામ મહારાજે અમને મોકલ્યા છે. અમારી દીક્ષાની વાત માતાજીને કહેજો અને તે પ્રમાણે વ્યવસ્થા કરવાનું કહ્યું છે.’

સ્વામી બ્રહ્માનંદજીને મેં પ્રથમ દર્શન માટે પ્રાર્થના કરી હતી. મારો સર્વપ્રથમ પરિચય એમની સાથે થયો. એમની પાસેથી દીક્ષા મેળવવાની એક આકાંક્ષા મારા મનમાં રહી ગઈ. પરંતુ બાબુરામ મહારાજે એટલા ભારપૂર્વક કહ્યું કે મારા માટે બીજો કોઈ ઉપાય ન રહ્યો. એમણે કહ્યું હતું, ‘તને મારા પર વિશ્વાસ નથી ? તું મને ચાહતો નથી. જો, હું તારા ભલા માટે કહું છું કે તું મા પાસેથી દીક્ષા લઈ લે.’ મેં વિચાર્યું કે મારા માટે જે નિશ્ચિત થયું છે, તેને જ મારે માનવું પડશે. એટલે યથાસમયે ઉદ્‌બોધનમાં જઈને મેં પૂજ્ય શરત્ મહારાજ સમક્ષ મારી વાત કરી. તેઓ બોલી ઊઠ્યા, ‘હા, હા, અવશ્ય થઈ જશે.’ તેઓ મા પાસે લઈ ગયા અને અમારો પરિચય કરાવ્યો. પરિચય કરાવતી વખતે એમણે એ પણ બતાવ્યું કે મેં પૂજ્ય શશી મહારાજની સેવા કરી હતી. બધું સાંભળીને માએ કહ્યું, ‘હા બેટા, તારી દીક્ષા થશે. જાઓ બેટા, નીચે જઈને બેસો, પછી બોલાવી લઈશ.’

યથાસમયે દીક્ષાનો આરંભ થયો. એક પછી એક અમને બધાને બોલાવવામાં આવ્યા. પહેલા મારા સંગીને અને પછી મને પણ બોલાવ્યો. ઉદ્‌બોધનના જે ઓરડામાં અત્યારે શ્રીઠાકુરની પૂજા થાય છે, તેમાં મા રહેતાં. મા સર્વદા પોતાનું મુખ ઘૂંઘટથી ઢાંકી રાખતાં. પણ આજે ઘૂંઘટ હતો નહીં. આસન બિછાવેલું હતું. ઓરડામાં પ્રવેશીને હું એ આસન પર બેઠો. આસન પર બેઠા પછી થોડીવાર બાદ માએ મને કેટલાક પ્રશ્નો પૂછ્યા. મને યાદ છે એ પ્રમાણે શ્રીમાએ મારા ઇષ્ટ વિશે કે એવું જ કંઈક પૂછ્યું હતું. મેં કહ્યું, ‘મને શું સારું લાગે છે કે નહીં, એ હું નથી જાણતો, મા. આપને જે ઉચિત લાગે તે જ મને દેજો.’ માએ કહ્યું, ‘એમ જ થશે.’ ત્યાર બાદ થોડીવાર ધ્યાન કર્યા પછી એમણે મને એક મંત્ર આપ્યો. હું તો અવાક રહી ગયો. મેં તો એમને મારી પસંદ નાપસંદ વિશે કંઈ કહ્યું ન હતું. એમની પાસે પોતાની ઇચ્છા પ્રમાણે મંત્ર આપવાનો અનુરોધ કર્યો હતો. મારી પસંદ તો કેટલાય પ્રકારની હોઈ શકે, પરંતુ આશ્ચર્યની વાત તો એ હતી કે હું જે ભાવને લઈને આટલા દિવસો સુધી ચાલતો હતો, માએ મને બરાબર એ જ ભાવ અનુસાર મંત્ર આપ્યો ! માએ પોતાની દિવ્યદૃષ્ટિની સહાયથી મારા મનની વાતને બરાબર જાણી લીધી. એને પરિણામે મારા મનને ખૂબ તૃપ્તિ મળી અને ઘણો આનંદ પણ થયો. આ રીતે મારી દીક્ષા થઈ.

Total Views: 504

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.