(રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે)
રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ અખિલ ભારતીય ભક્ત-સમ્મેલનમાં ઉપસ્થિત લગભગ બાર હજાર પ્રતિનિધિઓને રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે ૮મી ફેબ્રુઆરી, ૧૯૯૮ના રોજ કરેલું સમાપન પ્રવચન વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.
શ્રીરામકૃષ્ણદેવના વહાલા ભક્તો,
આપણે રામકૃષ્ણ મિશનની સ્થાપનાની શતાબ્દીની ઉજવણીના સંદર્ભે યોજાયેલા કાર્યક્રમોની હારમાળાને આરે આવી પહોંચ્યા છીએ. રામકૃષ્ણ મિશને અપનાવેલો સેવા માર્ગ સૌ કોઈને માટે અનુસરવા યોગ્ય સર્વોચ્ચ માર્ગ છે. શ્રીરામકૃષ્ણદેવની પોતાની પાસેથી આવેલો આ સીધો સંદેશ છે.
તેમના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે તે પ્રમાણે એક વાર શ્રીરામકૃષ્ણદેવે સ્વામી વિવેકાનંદજીને પૂછ્યું : “તારા જીવનનું લક્ષ્ય શું છે?” સ્વામીજીએ ઉત્તર આપ્યો : “હું સમાધિમાં નિમગ્ન થઈ રહેવા ઈચ્છું છું અને પ્રસંગોપાત જ્યારે એમાંથી વ્યુત્થાન થાય ત્યારે શરીરને ટકાવી રાખવા માટે થોડો ખોરાક તૈયાર હોય. અને વળી પાછો સમાધિમાં મગ્ન થઈ જાઉં એમ ચાહું છું.” શ્રીરામકૃષ્ણદેવે તેમના વહાલા શિષ્યને ઠપકો આપતાં કહ્યું : “મેં તો ધાર્યું હતું કે તું એનાથી ઊંચે સ્તરે છો. મેં તો ઈચ્છ્યું હતું કે તું એક વિશાળ વટવૃક્ષ સમો બને અને જ્યારે પણ કોઈ થાક્યો પાક્યો મુસાફર આવી ચડે ત્યારે માનવસેવાના તારા સમર્પણભાવ દ્વારા એને શીળી છાયાનું દાન કરતો રહે.” શ્રીરામકૃષ્ણદેવે આપેલ આ ઉપદેશ છે અને એને સ્વામીજી ક્યારેય વીસર્યા નથી. પોતાના જીવનના અંતિમ દિવસ સુધી ગુરુદેવે આપેલી આ શીખને તેઓ ક્યારેય ભૂલ્યા નથી. તેઓ પોતે જ કહે છે : “હું જન્મમરણના ફેરામાંથી મુક્ત થવા માગતો નથી. હું તો માનવોની સેવા કરવા માગું છું અને જ્યાં સુધી એક પણ માનવ આત્મજ્ઞાન વગરનો હશે, ત્યાં સુધી એની સેવા કરવા ઈચ્છું છું.” તેમને પોતાના ગુરુદેવ તરફથી આ જોમની – સબલોત્સાહની શીખ સાંપડી હતી. અને એ જ જીવનમાર્ગ આ સાંજનો આપણો વિષય છે.
શાસ્ત્રોનું આ જૂનું કથન છે કે “सर्वभूतेषु य: पश्येद् भगवद् भगवद्-भावमात्मन: ….. भूतानि भगवत्यात्मन्येष भागवतोत्तम: – “જે બંધાં પ્રાણીઓમાં ભગવાનને જુએ છે અને બધાં પ્રાણીઓને પોતાના આત્મામાં જુએ છે, તે સર્વોત્તમ ભક્ત છે. શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશનું આ સાર તત્ત્વ છે આપણાં જીવનમાં આ ઉપદેશ કાર્યાન્વિત થાય, એમ શ્રીરામકૃષ્ણદેવ ચાહતા હતા.
લોકોને દિવ્યતાના પ્રતિનિધિઓ ગણીને એમની સેવા કરવા આપણે ઈચ્છીએ છીએ. અને આવી સેવા દ્વારા આપણે જે કંઈ કરીએ, તે ઈશ્વરની સેવાપૂજા બની રહે છે. આને જ જીવનનો આધ્યાત્મિક માર્ગ ગણવાનો છે. જો આપણે નિઃસ્વાર્થ રહીને તેમજ ‘બીજામાં દિવ્યતા પ્રતિબિંબિત થયેલી છે’ એવા વિચાર સાથે કામ કરીએ, તો એવી સેવા ધાર્મિક – અધાર્મિક, આધ્યાત્મિક – ભૌતિક, એવા ભેદભાવોને ભૂંસી નાખે છે. આ શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશનો અર્ક છે… એટલા માટે સર્વત્ર ઈશ્વરને જોવા અને સર્વત્ર એની સેવા ક૨વી એ જ શ્રીરામકૃષ્ણદેવની શીખ છે. જો કે આ ઉપદેશ કોઈ નવી વાત તો નથી, પણ શ્રીરામકૃષ્ણદેવે તો એને વ્યાવહારિક રૂપ આપ્યું છે. અને એના ઉપર ભાર મૂક્યો છે કે જેથી આપણે આપણા જીવનને જુદા જ પરિપ્રેક્ષ્યમાં નિહાળી શકીએ. જ્યારે આપણે ઇશ્વરને બધી જગ્યાએ તેમ જ આપણા પોતાનામાં પણ પ્રતિબિંબિત થયેલો નિહાળીએ, ત્યારે આપણે ઇશ્વરના સર્વોત્તમ ભક્ત કહેવાઈએ.
દેશના વિવિધ ભાગોમાંથી આપણે અહીં આવી મળ્યા છીએ. અને કેટલાક વિદેશમાંથી પણ અહીં આવ્યા છે. શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદના આ સંદેશને આપણે જ્યાં જઈએ ત્યાં આપણી સાથે લઈ જવો એ આપણી આવશ્યક ફરજ છે. સર્વત્ર ઇશ્વરને નિહાળવો અને માનવજાતની સેવા દ્વારા એની સેવા-આરાધના કરવાના, આપણી સાથે રહેલા આ મહાન સંદેશને સાથે રાખીને જ આપણે આપણા નિયત સ્થાને જઇશું. બસ, આ જ ખૂબ અગત્યની બાબત છે. આ વ્યવહારુ ધર્મ છે. અને એ કેવળ સૈદ્ધાન્તિક ધર્મથી કે ઔપચારિક સેવાપૂજાથી વધારે સારો છે.
ભાગવતમાં કહ્યું છે :
अर्चायामैव हरये पूजां यः श्रद्धयेहते ।
न तद् भक्तेषु नान्येषु स भक्तः प्राकृतः स्मृतः ॥
અર્થાત્, જે ભક્ત, ભગવાનને ફક્ત મૂર્તિઓમાં જ ભાળે છે, એની જ સેવાપૂજા કર્યા કરે છે, અને બધાં પ્રાણીઓમાં પ્રકટ થયેલી એ જ દિવ્યતાને જોતો નથી, તે ભક્ત અજ્ઞાનના પ્રભાવ તળે જ આવેલો છે.
આપણી સેવા એ કંઈ કેવળ સામાજિક સેવા નથી. એ તો પૂજાઅર્ચના સત્ત્વ રૂપે ગણવામાં આવી છે. આપણામાં જો આવી સમજણ આવી જાય, તો જીવનનો એક નવો જ માર્ગ આપણને સાંપડી જાય. સ્વામીજીને પણ તેમના ગુરુદેવે આપેલા ઠપકાથી આ માર્ગ લાધ્યો હતો. એક દિવસ પ્રસંગોપાત્ત શ્રીઠાકુરે પ્રાણીઓ પ્રત્યેની કરુણા અને તેમની સેવા – અર્થાત્ જીવદયા વિશે ટકોર કરી : “તમે દયા દર્શાવનારા વળી કોણ છો? બધા પ્રાણીઓને દિવ્યતાના આવિષ્કારરૂપે દેખો અને એ રીતે બીજાઓની સેવામાં તમે જોડાયેલા રહો.” જો કે આપણે જે રીતે રાહત કાર્યમાં લાગેલા છીએ તે રીતે શ્રીરામકૃષ્ણ દેવ કોઈ રાહત સેવા કરવામાં લાગેલા ન હતા પરંતુ આધ્યાત્મિક જીવનનો પ્રકાશ આપીને એ રીતે લોકોની સેવા કરવામાં તેમણે પોતાને કાર્યરત રાખ્યા હતા. અલબત્ત, એમણે ભૌતિક રાહત કાર્યની સેવાની ક્યારેય ઉપેક્ષા નથી કરી. ઊલટું તેમના જીવનમાં તેમણે પોતાને જનસેવામાં જોતર્યા હોય એવા અનેક દાખલાઓ મળી આવે છે.
એટલે આપણે યાદ રાખવું ઘટે કે બધા જ જીવમાં ઇશ્વરને આવિર્ભૂત થયેલો નિહાળીને તે દ્વારા તેની સેવા કરવી એ જ સેવાનો સાચો મર્મ છે. એ આવશ્યક બાબત છે. દરેકે દરેક ઠેકાણે એ આવશ્યક છે અને સેવા દ્વારા એ આવશ્યકતાની પૂર્તિ કરવી જોઈએ. એ જ આપણા જીવનનો માર્ગ હોવો જોઈએ. જો આપણી એવી લાગણી હશે, જો આપણામાં એવું જ્ઞાન – એવી સમજણ હશે, તો સ્વાભાવિક રીતે જ વિશ્વ આપણે માટે વધારે સારું નિવાસ સ્થાન બની રહેશે. અને એ સેવા બીજાઓને જ સહાય કરવા ઉપરાંત આપણને પણ સહાય કરશે. આપણે જોવું જોઈએ કે જે રીતે આત્મા આપણા પોતાનામાં આવિર્ભૂત છે તે જ રીતે બધાં પ્રાણીઓમાં પણ આવિર્ભૂત થયેલો છે.
ભાગવતમાં બતાવ્યા પ્રમાણે આપણે એ જ આદર્શ યાદ રાખવા જેવો છે અને આપણા જીવન પર્યન્ત એ જ આદર્શ જાળવવા અને જોગવવા જેવો છે.
આપણે દેશના વિવિધ ભાગોમાંથી તેમ જ વિદેશોથી અહીં આવ્યા છીએ. આ મહાન સંદેશને આપણે આપણી સાથે લઈ જવાનો છે. સ્વામીજીએ પોતાના ગુરુદેવ પાસેથી જે શીખ મેળવી હતી, તે શ્રીરામકૃષ્ણનો આ મહાન ઉપદેશ ધર્મનું સાર તત્ત્વ છે. આપણે જે કંઈ કરીએ તે જો ‘ઇશ્વર સર્વત્ર વ્યાપ્ત છે’ – એમ યાદ રાખીને કરીએ તો આપણું એ દરેક કામ પ્રભુની સેવારૂપ જ બની રહેશે. હું આશા રાખું છું કે આ મહાન સંદેશ આપણા માનસનું પરિવર્તન કરશે, આપણા જીવનમાર્ગને બદલાવી નાખશે અને આપણને ગમે તે કક્ષા કે સ્તરના પ્રભુસેવક બનાવી દેશે. બસ, આપણે આ જ વાત સ્મરણમાં રાખવી જરૂરી કારણ કે જ્યારે આ સ્મૃતિને આપણે આપણા જીવનમાં કાર્યાન્વિત કરીશું તો જ આપણે શ્રીરામકૃષ્ણદેવના સાચા ભક્ત ગણાઈ શકીશું .
હું ઈચ્છું છું કે આપણે બધા શ્રીરામકૃષ્ણદેવની કૃપા દ્વારા તેમના મહાન ભક્તો બની રહીશું. અને તેમના આશીર્વાદથી બધાં પ્રાણીઓમાં તેમનો આવિર્ભાવ નિહાળી શકીશું. જીવનનો આ વ્યવહારુ માર્ગ આપણને આવી મળશે. આપણે એમને પ્રાર્થના કરીએ કે આ માર્ગ આપણા વ્યક્તિગત જીવનમાં આપણે સર્વત્ર પામીએ.
અંગ્રેજીમાંથી ભાષાંતર
શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
Your Content Goes Here




