રામકૃષ્ણ મિશન શતાબ્દી સમારોહ પ્રસંગે ૭મી ફેબ્રુઆરી, ૧૯૯૮ના રોજ બેલુર મઠ ખાતે યોજાયેલ અખિલ ભારતીય ભક્ત સંમેલનમાં ઉદ્‌ઘાટન સમયે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલ પ્રવચનનો અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં

આદરણીય પ્રૅસિડૅન્ટ મહારાજ તથા આદરણીય રંગનાથાનંદજી મહારાજના ચરણોમાં પ્રણામ.

બેલુર મઠના પ્રાંગણમાં એકત્ર થયેલા શ્રીરામકૃષ્ણદેવનાં હજારો સંતાનોને આવકાર આપતાં મને કેટલો બધો હર્ષ થાય છે! આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન આપું છું અને શ્રીરામકૃષ્ણદેવ તથા શ્રી મા શારદાદેવીના ચરણોમાં હૃદયપૂર્વકની પ્રાર્થના કરું છું કે વૈશ્વિક ચેતનાની સેવામાં તેમના જ્ઞાન ધ્વજને આગળ ને આગળ તથા ઊંચે ને ઊંચે લઇ જવા માટેનાં સમર્થ સાધન એવાં એમનાં આ સંતાનો ઉપર એમના આશીર્વાદ વરસો, રામકૃષ્ણ મિશનની દ્વિતીય શતાબ્દી તરફ આપણે એક મંગલ કદમ માંડીએ છીએ.

યુવાનોના પ્રશ્નો, એમનાં ધ્યેયો અને એ ધ્યેયોની પ્રાપ્તિ થાય ત્યાં સુધી હિંમતપૂર્વક આગળ ને આગળ મંડ્યા રહેવા માટેનો માર્ગ વગેરેની ચર્ચા વિચારણા માટે આપણે ભારતના યુવાનો સાથે તાજેતરમાં જ બે દિવસ ગાળ્યા. જેમને જય જયકાર સાથે આવકારવામાં આવ્યા છે તેવા મોટી ઉંમરના, ભગવાન શ્રીરામકૃષ્ણદેવના ભક્તોની સાથે હવે આપણે છીએ. આપણી પાસે બે પૂરા દિવસ છે. આ સંમેલનની વિચારણા દરમિયાન નીચે જણાવ્યા પ્રમાણેના વિષયો ઉપર ચર્ચા થશે :

(૧) “શ્રી રામકૃષ્ણદેવનો આદર્શ અને રામકૃષ્ણ મિશન”
(૨) “દૈનંદિન જીવનની જટિલતાઓ વચ્ચે ઉચ્ચતર આદર્શોને પ્રવર્તાવવામાં ભક્તોનું કર્તવ્ય.”
(૩) “શ્રી શ્રીમા શારદાદેવી – આધુનિક જગતને એમનો સંદેશ” અને
(૪) “જીવન જીવવાની એક પદ્ધતિ તરીકે સેવા”

પ્રકાશના પંથે દોરી જનારા, નિશ્ચયાત્મક અને પ્રેરણાદાયી સલાહ સૂચનો આપણને વક્તાઓ તરફથી પ્રાપ્ત થવાના છે એમ આપણે પૂરી શ્રદ્ધાથી કહી શકીએ. રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણી દરમિયાન આપણને આવો યોગ સાંપડ્યો છે એ સંપૂર્ણપણે પ્રસંગને ખૂબ અનુરૂપ છે. સો વર્ષના અનુભવના નિચોડરૂપે પ્રાપ્ત થયેલી પ્રજ્ઞામાંથી આવતા શબ્દો મિશનના પ્રયાસોને નવજીવન બક્ષશે અને પ્રતિજ્ઞાબદ્ધ ભક્તોને, સાક્ષાત્કારને પંથે સમર્પિત થવા પ્રેરણાદાયી નીવડશે.

પ્રિય ભક્તો, શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને, ભક્ત માટે જે શબ્દો કહ્યા હતા તેને આજની તકે યાદ કરીએ :

મન્મના ભવ મદ્ભક્તો મદ્‌યાજી માં નમસ્કુરુ ।
મામેવૈષ્યસિ યુકત્વૈવમાત્માનં મત્પરાયણઃ॥
(ગીતાઃ ૯-૩૪)

“મારું ચિંતવન કરવામાં મનને લગાડ, મારો ભક્ત થા, મારું પૂજન કર, મને નમસ્કાર કર, મારામાં પૂરેપૂરો તલ્લીન બની મારામાં પરાયણ થઇને તું મને જ પામીશ.”

મચ્ચિત્તા મદ્‌ગતપ્રાણા બોધયન્તઃ પરસ્પરમ્ ।
કથયન્તશ્ચ માં નિત્યં તુષ્યન્તિ ચ રમન્તિ ચ ॥
(ગીતા : ૧૦-૯)

“મારા શુદ્ધ ભક્તો મારામાં મનને પરોવી રાખે છે અને મને પ્રાણ સમર્પણ કરી દે છે. એક બીજાને બોધ આપતા અને પરસ્પર મારી કથા કહેતા તેઓ સદા પરમ સંતોષને પામે છે અને નિજાનંદમાં મસ્ત રહે છે.”

ઉપર જે જણાવ્યું છે તે સ્પષ્ટ સંકેત કરે છે કે પ્રેમી પોતાના પ્રેમપાત્રના ગુણોને આત્મસાત્ કરે છે. રામકૃષ્ણ મિશનના યોગ્ય સાધન બનવા માટે તથા આ મહાન મિશનનાં ધ્યેયોને પાર પાડવા માટે, સ્વામી વિવેકાનંદે સો વર્ષ પહેલાં ગતિબદ્ધ કરેલા આ સંગઠનના કાર્યક્રમ અને અસરકારક સંચાલન માટે, ભક્તોએ, સંઘના અનુયાયીઓએ તથા પ્રશંસકોએ આ સંગઠનના મૂળ પ્રેરણા સ્રોતમાંથી આવતી વિચારધારાને આત્મસાત્ કરવી પડશે. બે દિવસની ચર્ચા વિચારણા માટે જે વિષયો પસંદ કરાયા છે તે આપણને સૌને આ હેતુ માટે ઉત્તમ તક પ્રાપ્ત કરાવશે. તો આવો, ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા અને સ્વામીજીએ પ્રબોધેલા “શિવભાવે જીવસેવા”ના કાર્યમાં આપણે પુનઃ સમર્પિત થઇ જઇએ. એમના આશીર્વાદો આપણા સૌ ઉપર વરસો.

સંકુચિત સ્વાર્થી પ્રયોજનોમાંથી આપણી માતૃભૂમિનું સંપૂર્ણપણે પુનરુત્થાન કરવા માટે, શ્રીરામકૃષ્ણદેવના સંદેશને કાર્યમાં પરિણત કરવાની આજે રાષ્ટ્રને તાતી જરૂરિયાત છે. શું શ્રીરામકૃષ્ણદેવે જ પૈસાને માટી નહોતી ગણી? ઇચ્છાઓ અને વાસનાઓ માનવ જીવનને પૂર્ણ બનાવી શકતાં નથી એ વાતને શું એમણે ચરિતાર્થ નથી કરી બતાવી? શું એઓ પોતે જ સત્યનું મૂર્ત સ્વરૂપ નહોતા? વાસના તથા અસત્ય ભાષણ, એ બધાં શું સારા યે ભારતમાં વ્યાધિરૂપે પ્રસરી ગયેલાં નથી?

મહાન વૈજ્ઞાનિક અને ટૅકનિકલ વિકાસને પરિણામે પશ્ચિમી જગતને એક સ્વર્ગ પ્રાપ્ત થઇ ગયું છે અને તેમ છતાં, લોકો અસંતોષ અને અશાંતિની યાતનાઓ ભોગવી રહ્યા છે. તેઓ માટે જ વેદાંતના અમર સંદેશની મેઘગર્જના કરવામાં આવી છે.

તેથી, પ્રિય ભક્તો, આપણે ગમે તે હોઇએ, મઠમાં હોઇએ કે ગૃહસ્થ હોઇએ, પૂર્વમાં હોઇએ કે પશ્ચિમમાં હોઇએ, એ ૫રમાત્મસ્વરૂપ ત્રિમૂર્તિએ પ્રબોધેલા મહાન આદર્શોને અનુરૂપ આપણું આચરણ બનાવીએ તો સાક્ષાત્ પરમાત્મારૂપ આ પૃથ્વી પરના માનવીની અપરિમિત સેવા કરી શકીશું. માનવ જન્મની સંપૂર્ણ સફળતામાં એ પરિણત થશે. મિશનનો આદર્શ પણ આ જ છે, જેને આપણે સૌએ આપણા જીવનના તમામ તબક્કામાં, અમલમાં મૂકવાની જરૂર છે. હવે બરાબર સમય આવી રહ્યો છે કે જ્યારે વર્તમાન વ્યાધિમાંથી લોકોને જેમ બને તેમ જલદી મુક્ત કરવા રામકૃષ્ણ મિશન વધારે ને વધારે પ્રમાણમાં જવાબદારીઓ વહન કરતું થાય. આ ધ્યેયને પૂર્ણ કરવા માટે, જેઓ પોતાને શ્રીરામકૃષ્ણદેવના અને સ્વામી વિવેકાનંદના ભક્તો ગણાવે છે, તેઓની પણ ખૂબ મોટી જવાબદારી બને છે અને એ ઉત્તરદાયિત્વ યોગ્ય રીતે અદા કરવામાં આવશે તો માનવીને ઉપલબ્ધ થતા મહાનમાં મહાન ગૌરવને પ્રાપ્ત કરાવવાની ખાતરી આપી શકાશે. ભગવાન બુદ્ધે તેમના શિષ્ય આનંદને છેલ્લે કહેલા શબ્દો છે : “બુદ્ધની પૂજા માત્ર ચંદન, કે ફૂલો વગેરે ચઢાવવામાં જ પૂરી થતી નથી, પરંતુ તથાગતે જે આદેશો પ્રબોધ્યા છે તે પ્રમાણેનું જીવન આચરવામાં છે.” મિશનની સેવાઓનો પ્રસાર કરવા માટે આપણે સૌ જે કાંઇ કરી શકીએ, માત્ર તેનો જ ખ્યાલ ન રાખતાં, જેઓ શ્રીરામકૃષ્ણદેવના ભક્તો હોવાનો દાવો કરે છે તેઓ જો શ્રીરામકૃષ્ણદેવે પ્રબોધેલા આદર્શો પ્રમાણેનું જીવન જીવે તો પણ ખરેખર, ઘણું મોટું કાર્ય કર્યું ગણાશે. પવિત્ર ત્રિમૂર્તિએ પ્રસ્થાપિત કરેલા વિચારો અને આદર્શો મુજબ સમાજને પ્રોત્સાહિત કરવા અને પ્રગતિને પંથે આગળ લઇ જવા માટે દીવાદાંડીની માફક સહાયક બનશે. આજના આ મહાન પ્રસંગે ચાલો, આપણે સૌ આ પ્રમાણેનું આચરણ કરવાનો દૃઢ સંકલ્પ કરીએ. વ્હાલા મિત્રો, ઉપદેશ આપવો એના કરતાં આચરણ કરવું એ વધારે મહત્ત્વનું છે. ગેરસમજણથી દોરવાયેલા કરોડો લોકો માટે શ્રીરામકૃષ્ણદેવના ભક્તોએ દીવાદાંડીરૂપ બનવું જોઇએ. નર નારાયણની એ ઉત્તમોત્તમ સેવા સ્વર્ગનાં દ્વાર ખોલી નાખશે.

વ્હાલા ભક્તો, ફરી એક વાર આપણે સૌ સંત ત્રિપુટીને હૃદયપૂર્વકની પ્રાર્થના કરીએ કે આપણને સૌને એવી પ્રેરણા, અંતર્દૃષ્ટિ અને દૃઢ નિશ્ચય પ્રદાન કરે જેથી આપણા પોતાના અને પ્રત્યક્ષ ઇશ્વર સ્વરૂપ, માનવ બંધુઓના ગૌરવ માટે એ મશાલને પ્રોન્નત બનાવી શકીએ. આપણે સૌ શ્રદ્ધા રાખીએ અને પ્રાર્થના કરીએ કે મિશન માટે હવે પછી આવનાર શતાબ્દીઓ જીવનના ઉચ્ચતમ ધ્યેયના પંથે આગળ ને આગળ કદમ માંડતા માંડતાં, માનવ સમાજ ઉપર ઉચ્ચતર કલ્યાણની વર્ષા વર્ષાવે. શ્રીરામકૃષ્ણદેવ, શ્રી મા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ – આ સંત ત્રિપુટીના આશીર્વાદ આપણા સૌ ઉપર ઉતરો અને આપણને વિકાસના પંથે આગળ દોરો. જય શ્રી ગુરુ મહારાજ કી જય!

અનુવાદ : શ્રી વાલ્મીકભાઇ દેસાઇ

Total Views: 212

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.