નોંધ : બેલુર મઠમાં શ્રીમા શારદાદેવીની ૧૫૦મી જન્મ જયંતી સમારંભમાં ૪ જાન્યુઆરી, ૨૦૦૫ના રોજ રામકૃષ્ણ સંઘના ૧૩મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલ અંગ્રેજી પ્રવચનના સ્વામી પ્રપત્ત્યાનંદજીએ કરેલ હિન્દી અનુવાદનું શ્રી સુરમ્ય યશસ્વી મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે.
મિત્રો અને ભક્તવૃન્દ ! આજે આપણે મા શારદાદેવીની ૧૫૦મી જન્મજયંતી ઊજવી રહ્યા છીએ. આજ, કાલ અને પરમ દિવસે ઘણા વક્તાઓ ‘શ્રીમાના જીવન અને સંદેશ’નાં વિભિન્ન પાસાઓ પર પોત-પોતાના વિચાર વ્યક્ત કરશે. શ્રીમાનું જીવન અને તેમાંથી આપણને જે સંદેશ મળે છે – એ વિશે કહેતાં મને ઘણી પ્રસન્નતાનો અનુભવ થઈ રહ્યો છે.
એક વાત ધ્યાન આપવા યોગ્ય છે – આજે આપણો દેશ આઝાદ છે. આપણે ત્યાં લોકતંત્રીય શાસન-પદ્ધતિ સ્વીકારાયેલી છે. લોકતંત્રનો અર્થ છે – સામાન્ય જનતા પણ ઉચ્ચ વર્ગના લોકોની સમાન છે, તેમાં કોઈ ભેદ નથી, એટલે આ યુગમાં આપણે એક નવીન એકતાયુક્ત દૃષ્ટિકોણની જરૂર છે. આપણે સહુ એક એવા સ્વાધીન લોકતંત્રના નાગરિક છીએ, જેમાં જાતિ કે ધર્મનો કોઈ ભેદભાવ નથી. શ્રીમાના જીવનમાં આપણને આ વાત સ્પષ્ટરૂપે જોવા મળે છે. તેઓ અમેરિકી તથા અંગ્રેજ ખ્રિસ્તીઓનો સ્વીકાર કરી શકતાં હતાં, તેમની સાથે રહી શકતાં હતાં, ભોજન કરી શકતાં હતાં. જો કે શ્રીમાનો જન્મ એક અત્યંત રૂઢિચુસ્ત પવિત્ર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો, તો પણ તેઓ આ ભેદભાવોથી પર જઈને એક લોકતાંત્રિક દૃષ્ટિકોણથી આચરણ કરી શકતાં હતાં. ઇંગ્લેન્ડની મિસ માર્ગરેટ નોબલ (ભગિની નિવેદિતા), અમેરિકાની ક્રિસ્ટીન ગ્રીનસ્ટાઈડલ, શ્રીમતી સારા બુલ તથા જોસેફિન મેકલાઉડ – આ બધાંનો શ્રીમાએ સ્વીકાર કર્યો હતો. આ બધાંએ માની સાથે બેસીને ભોજન પણ કર્યું હતું. તેમણે એક મુસ્લિમ યુવાન (અમજદ)ની પણ ઘણા પ્રેમ સાથે સંભાળ લીધી હતી. તેને ભોજન કરાવ્યા પછી તેની એંઠી પતરાળી તેમણે જાતે ઉઠાવી હતી. કેવી અદ્ભુત વાત છે ! એક પવિત્ર બ્રાહ્મણ પરિવારમાં જન્મ લઈને, કોઈપણ વિધિવત્ શિક્ષણ મેળવ્યા વિનાના શ્રીમાના જીવનમાં આવી અનેક ઘટનાઓ બની – ભારત માટે આ બધી ઘટનાઓનું ઘણું મોટું મહત્ત્વ છે.
આપણા દેશને એક વિચિત્ર રોગ છે, ઉચ્ચ અને નીચલા વર્ગાે વચ્ચે ભેદભાવરૂપી આ રોગને ‘અસ્પૃશ્યતા’ કહે છે. એ ભારતને બરબાદ કરતી રહી છે. હવે બધા લોકોને એક સમાન બનવાનો સમય આવી ગયો છે. અંતે તો આ સમાનતા ચોક્કસ આવશે. શ્રીમા, સ્વામીજી અને શ્રીરામકૃષ્ણે પોતાના જીવનમાં આ બતાવી દીધું છે. મનુષ્ય-મનુષ્યની વચ્ચે, પુરુષ અને સ્ત્રી વચ્ચે આ પ્રકારની સમાનતા હોય, ઉચ્ચ અને હલકી જાતિઓ વચ્ચે કોઈ ભેદ ન હોય. લોકતંત્ર પણ દરેક વ્યક્તિને માત્ર એક જ ‘મત’નો અધિકાર આપીને આ વાત ઉપર ભાર મૂકે છે કે કોઈ ઊંચા કે નીચા નથી. લોકતંત્ર આમજનતા માટે છે અને લોકતંત્રની દૃષ્ટિમાં બધા લોકો સામાન્ય જનતા જ છે.
આજે આપણે લોકો આ ઉત્સવ ઊજવી રહ્યા છીએ. શ્રીમાની ૧૫૦મી જન્મજયંતીની સાથે શરૂ કરીને આગામી શતાબ્દી સુધી આપણે ભારતમાં પૂર્ણ લોકતંત્રની સ્થાપનામાં સક્ષમ બનવું જોઈએ. શ્રીરામકૃષ્ણ, શ્રીમા અને સ્વામીજીએ આપણને સંદેશ આપ્યો છે કે આપણે બધા મનુષ્યોની સાથે સમાન વ્યવહાર કરવાનો રહેશે અને ભારતમાંથી જાતિવાદ તથા અસ્પૃશ્યતાને પૂરેપૂરી રીતે દૂર કરી દેવાની રહેશે અને આપ જોઈ રહ્યા છો કે આપણા પોતાના જીવનકાળ દરમ્યાન જ ધીરે ધીરે આવું બની રહ્યું છે.
સંભવામિ યુગે યુગે – ગીતા કહે છે કે જ્યારે જ્યારે અધર્મ વધે છે, ત્યારે ત્યારે નવો ધર્મ કે યુગધર્મની સ્થાપના કરવા માટે ઈશ્વર અવતાર લે છે. આ વખતે સ્વામી વિવેકાનંદ તથા શ્રીમા શારદાદેવીને સાથે લઈને શ્રીરામકૃષ્ણ અવતરિત થયા છે અને તેના પરિણામે ભારતમાં સર્વાંગી રીતે સાચો માનવીય વિકાસ થઈ રહ્યો છે. જો આ ઉપદેશોને સમગ્ર ભારતમાં ફેલાવવામાં આવે, તો હું આશા રાખું છું કે આ શતાબ્દી દરમ્યાન જ ભારતમાંથી અસ્પૃશ્યતા અને જાતિવાદના દૂષણ-કલંકને દૂર કરવાની સશક્ત પ્રક્રિયા શરૂ થઈ જશે. વિતેલી શતાબ્દીઓ દરમ્યાન આપણને જણાવવામાં આવ્યું કે બધા વિદેશી લોકો મ્લેચ્છ છે, જ્યારે સ્વામીજીએ પોતાના જીવનનો વધુ સમય અમેરિકા અને ઇંગ્લેન્ડમાં વિતાવ્યો. સ્વામીજી એક જગ્યાએ કહે છે, ‘તે દિવસે ભારતના ભાગ્યનું પતન થઈ ગયું હતું, જે દિવસે તેણે મ્લેચ્છ શબ્દની શોધ કરી અને વિશ્વના બીજા દેશો સાથે હળવા-મળવાનું બંધ કરી દીધું.’ હવે આ મ્લેચ્છભાવને દૂર કરી દેવો પડશે. મ્લેચ્છભાવ હવે ન જોઈએ. હકીકતમાં તો આજે આપણા હજારો વિદ્યાર્થીઓ અમેરિકા અને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરી રહ્યા છે.
શ્રીમાના જીવનનું એક મહાન દૃષ્ટાંત છે. તેમનું વ્યક્તિત્વ દૈવી છે. સંપૂર્ણ નિરક્ષર હોવા છતાં પણ તેમણે બતાવ્યું કે આપણે વિદેશી લોકોની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. એક બીજો વિચારવા જેવો વિષય છે – શ્રીમાની તસ્વીરો. તેમની આ તસ્વીરો લેવાની વ્યવસ્થા કોણે કરી ? બોસ્ટનની એક મહિલા શ્રીમતી સારા બુલે શ્રીમા પાસે તેમની તસ્વીર લેવાની સંમતિ માગી. શરૂ શરૂમાં તો શ્રીમાએ સંમતિ આપી નહીં. પરંતુ જ્યારે ઘણા આગ્રહ સાથે શ્રીમતી બુલે કહ્યું, ‘આપની તસ્વીર હું અમેરિકા લઈ જઈને આપની પૂજા કરવા ઇચ્છું છું.’ ત્યારે આ અંગે મા ધીરે ધીરે સંમત થયાં. શ્રીમતી સારા બુલ દ્વારા લેવામાં આવેલ જેટલી પણ જુદી જુદી તસ્વીર આપણને મળી છે તે બધામાં આપણને શ્રીમા બેઠેલાં જોવા મળે છે. એક તસ્વીરમાં આપણે જોઈએ છીએ કે એક બાજુ શ્રીમા બેઠાં છે અને બીજી બાજુ નિવેદિતા બેઠાં છે. આ એક ઘણી સુંદર તસ્વીર છે. શ્રીમાની આ તસ્વીરને જોઈને આપણને આનંદ થાય છે અને આ તસ્વીર સર્વત્ર પ્રચાર પામી રહી છે. આ તસ્વીર પૂર્વ અને પશ્ચિમની એકતાનું પ્રતીક છે. આ રીતે લોકતંત્રે મજબૂત બનવું જોઈએ. આ દૃષ્ટિથી આપણે ઘણી જ દયાજનક સ્થિતિમાં છીએ, કેમ કે ૨૦૦૦ વર્ષોથી પણ વધુ સમયથી આપણા લોકોમાં કોઈ ને કોઈ રીતે અસ્પૃશ્યતા, જાતિવાદ વગેરે ફેલાયેલાં છે.
એટલા માટે, આપણા લોકો માટે, સંપૂર્ણ ભારતના બધા લોકો માટે શ્રીમાનું જીવન એક મહાન દૃષ્ટાંત છે. ગીતા કહે છે, ‘મહાન લોકો જેવું આચરણ કરે છે, બીજા બધા પણ તેનું અનુકરણ કરે છે.’ ભારતના બ્રાહ્મણ અને બીજા ઉચ્ચ શિક્ષિત વર્ગના લોકો પણ પોતાનામાં પરિવર્તન લાવે અને અસ્પૃશ્યતાને રોકવાનો પ્રયત્ન કરે, તો બીજા લોકો પણ તેનું અનુકરણ કરશે. ગીતમાં આ જ ઉપદેશ છે.
યદ્યદાચરતિ શ્રેષ્ઠ : તત્તદેવેતરો જન : —।
સ યત્પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે —।। ૩.૨૧
ગીતાના ત્રીજા અધ્યાયના ઉપરોક્ત શ્લોકમાં આપ આ જ જોશો – ‘મહાન લોકો જે કંઈ પણ કરતા હોય છે, તેનું સામાન્ય લોકો પણ અનુસરણ કરે છે.’
જો આપણે લોકો એવું કરીએ, તો આપણું આજનું લોકતંત્ર સાર્થક બનશે. રાજનીતિ અને ભાષાના ક્ષેત્રમાં આ પહેલેથી જ આવી ચૂક્યું છે. દરેક વ્યક્તિને એક જ મત આપવાનો અધિકાર છે. ભલેને કોઈ અસ્પૃશ્ય હોય કે આદિવાસી હોય અને ભલેને કોઈ ભારતના ઉચ્ચ વર્ણના બ્રાહ્મણ કે ક્ષત્રિય જ કેમ ન હોય, બધાને એક જ મત આપવાનો અધિકાર છે. આપણા લોકતાંત્રિક બંધારણે પહેલેથી જ ભારતમાં માનવીય સમાનતાની સ્થાપના કરી દીધી છે. આને પરિણામે આપણે ભવિષ્યમાં ઘણું બધું પરિવર્તન થયેલું જોઈ શકીશું. આ નવા લોકતંત્રની આ જ શક્તિ છે. દરેકને એક જ મતનો અધિકાર છે, પછી તે નોકર હોય કે માલિક, બધાને એક જ મત, બે નહીં.
શ્રીમાનું જીવન પ્રસિદ્ધ બનશે. શ્રીરામકૃષ્ણ, શ્રીમા અને સ્વામીજીનું જીવન તથા સંદેશ ભારતની આવનારી અનેક પેઢીઓને પ્રેરણા આપતાં રહેશે. આ રીતે આપણે ભારતમાં સદ્ભાવ તથા શાંતિ સ્થાપિત કરીશું અને પ્રત્યેક મનુષ્યનું સન્માન કરીશું. ઉપનિષદ્, ગીતા અને ભાગવતમાં આપણા આચાર્ય કહે છે કે ઈશ્વર બધાં પ્રાણીઓના હૃદયમાં રહે છે. ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશયસ્થિત : —। ૧૦.૨૦
– ‘હે અર્જુન ! હું બધાં પ્રાણીઓના હૃદયમાં રહું છું.’ જો બધાં પ્રાણીઓના હૃદયમાં ઈશ્વર છે, તો પછી લોકોની વચ્ચે પરસ્પર ભેદભાવ કેમ હશે ? આપણે માત્ર સામાજિક ભેદભાવ, કૃત્રિમ ભેદભાવ રાખીએ છીએ, તેને વિદાય આપવી રહી. વ્યક્તિના સર્વોચ્ચ આંતરિક તત્ત્વ પર આધારિત સત્યને પ્રકટ કરવું પડશે. આપણે લોકો બધાં પ્રાણીઓના હૃદયમાં રહેલા ઈશ્વરની સાથે અભિન્ન છીએ. મને વિશ્વાસ છે કે શ્રીરામકૃષ્ણ, શ્રીમા તથા સ્વામીજીના જીવન દ્વારા પ્રદર્શિત વેદાંતના આ બધા ઉપદેશો બધા ભારતવાસીઓ અને વિદેશીઓને પ્રેરણા આપશે. આ ચોક્કસ બનશે જ.
આજે હું આ અગત્યની સભામાં ઉપસ્થિત થઈને અત્યંત આનંદિત છું, જેમાં ભાગ લેવા માટે સમગ્ર ભારતમાંથી લોકો આવ્યા છે. હું આપ સહુને આ સમારંભમાં ઉપસ્થિત રહેવા બદલ ધન્યવાદ આપું છું. હું આમાં ભાગ લઈને પ્રસન્ન છું અને મને વિશ્વાસ છે કે હવે પછીના દિવસો દરમ્યાન આપણે મહાન પ્રેરણા મેળવીશું. જ્યારે આપ લોકો ઘેર પાછા જાઓ, તો પોતાની સાથે આ પ્રેરણાને પણ લઈ જાઓ. અસ્પૃશ્યતાને નાબૂદ કરો. એનાથી લોકતંત્ર મજબૂત બનશે અને વેદાંતિક ભારતનો ઉદય થશે. સ્વામી વિવેકાનંદ આ જ ઇચ્છતા હતા. વેદાંત કહે છે, ‘આપણે બધા એક છીએ. હું આત્મા છું.’ – ‘અહં બ્રહ્માસ્મિ’. આ સંદેશ બધાં જ માટે છે.
આપ સહુને ધન્યવાદ. નમસ્કાર.
Your Content Goes Here




