(ગુરુપૂર્ણિમા પ્રસંગે)

ગુરુની શોધ બહુ સંભાળપૂર્વક થવી જોઈએ. બધા ગુરુ બની શકે નહિ. તે જ રીતે દરેક મનુષ્ય શિષ્ય બની શકે નહિ. ગુરુ અને શિષ્ય બનવા આવશ્યક લાયકાત હોવી જોઈએ. આપણે અહીં એ જિજ્ઞાસુના કિસ્સાની વિચારણા કરી રહ્યા છીએ કે જેને આ સંસારની ક્ષણભંગુરતા વિષે ખાતરી થઈ ગઈ છે. આ સંસારના ભોગ-પદાર્થોમાં જે આસક્ત નથી અને જે વિવેક અને વૈરાગ્યથી ભરપૂર છે, શિષ્ય થવાની તે લાયકાત ધરાવે છે.

ગુરુની બાબતમાં આપણે ખ્યાલ રાખવો જોઈએ કે ભગવ-સાક્ષાત્કાર થયો હોય તેવો માણસ ભાગ્યે જ હોય છે. દસલાખમાં આવો એક માણસ સુધ્ધાં મળતો નથી, કે જેણે સત્યનો સાક્ષાત્કાર કર્યો હોય! વળી, કોઈ માણસે આવો સાક્ષાત્કાર કર્યો હોય તો પણ, તે ભાગ્યે જ હકીકતની જાણ થવા દે છે. તે હકીકતને ગુપ્ત રાખવાનું તેને વધુ પસંદ હોય છે. શક્તિશાળી ગુરુને શોધવાનું કામ વધુ કઠણ બનાવે છે. વળી, આવા મહાપુરુષોએ પણ ઈશ્વરનો સર્વાંગી સાક્ષાત્કાર કર્યો હોતો નથી. ધારો કે, કોઈ માણસે વિષ્ણુ રૂપે ઈશ્વર સાક્ષાત્કાર કર્યો છે, તો તે વૈષ્ણવ જિજ્ઞાસુને સંપૂર્ણપણે મદદરૂપ થઈ શકે છે. શક્તિના ઉપાસકે તો એની પાસે પહોંચવું જોઈએ કે જેણે ઈશ્વરનો શક્તિ સ્વરૂપે સાક્ષાત્કાર કર્યો હોય. આ પસંદગીને વધુ સંકીર્ણ બનાવે છે. હકીકતમાં ઈશ્વરનો માર્ગ સર્વે શક્ય અંતરાયોથી છવાયેલો છે. કેવળ ભીષ્મ-સંકલ્પ જ તેમને પાર કરી શકે.

આપણે અજ્ઞાનમાં છીએ, તેથી ઊંટ ગુરુઓથી આપણે માટે છેતરાઈ જવું સરલ છે. હકીકતમાં આવા અનેક ફોગટ – તરકટિયા ગુરુઓ હંમેશાં આસપાસ હોય છે. આપણને સાચી આધ્યાત્મિકતાનો કોઈ ખ્યાલ નથી. થોડી ચમત્કારિક શક્તિઓ આપણને ભ્રમમાં નાખવા બસ છે. આવી ચમત્કારિક શક્તિઓને આધ્યાત્મિકતા સાથે કંઈ લેવા-દેવા નથી. કોઈપણ પ્રભાવશાળી વ્યક્તિ આવો બેઅદબ હિંમતપૂર્વક દાવો કરે અથવા કોઈ સુસ્થાપિત સંસ્થા આવી કોઈ વ્યક્તિને આગળ ધરે તો તે કોઈપણ નિરર્થક સંપ્રદાયને ખીલે આપણને ટીંગાડી દે! આપણે કેટલા અંધશ્રદ્ધાળુ છીએ! કેટલાય જન આવી માયાજાળમાં ફસાય છે અને ખૂબ દુઃખી થાય છે. પરિણામે તેમનું જીવન નિષ્ફળ જાય છે અને તેઓ ધર્મમાં શ્રદ્વા ખોઈ બેસે છે. પરંતુ એવાં લક્ષણો છે કે જે દ્વારા આપણે સાચી વ્યક્તિને જાણી શકીએ. જો આપણે સહૃદયી હોઈએ, જો આપણે કેવળ ઈશ્વર પ્રાપ્ત કરવા માગતા હોઈએ અને ધર્મની સાધના કોઈ સ્થૂળ-હલકા હેતુની સિદ્ધિ માટે ન કરતા હોઈએ તો ગુરુ હોવાનો દાવો કરતી વ્યક્તિ અસલી ગુરુ છે કે નહિ તેનું અંતરજ્ઞાન આપોઆપ આપણને થશે. આપણી સહૃદયતા જ સ્વયં આપણો માર્ગદર્શક બનશે. પરંતુ કેવળ અંતઃસ્ફુરણા બસ નથી. આપણે આપણી તર્કશક્તિને કામે લગાડવી પડશે. સ્વામી વિવેકાનંદે તેના ભક્તિયોગમાં સાચા ગુરુનાં લક્ષણો અને લાયકાત ખૂબ જ ચોકસાઈપૂર્વક આલેખેલ છે. તેમાંથી ઉદ્ધૃત કરેલ કેટલુંક લખાણ આપ્યા વિના અમે રહી શકતા નથી.

ગુરુના સંબંધમાં આપણે એ જોવું જોઈએ કે તે શાસ્ત્રોના મર્મનો જાણકાર હોય. જે ગુરુ શબ્દોનો વધુ પડતો વ્યવહાર કરે છે અને શબ્દોના વેગમાં મનને તણાઈ જવા દે છે તે ધર્મના હાર્દને ખોઈ બેસે છે. કેવળ શાસ્ત્રોના મર્મનું જ્ઞાન જ સાચા ધર્મગુરુ બનવાની યોગ્યતા છે. શબ્દો જોડવાની, સુંદર ભાષામાં બોલવાની અને શાસ્ત્રોનાં વ્યાખ્યાન કરવાની વિવિધ પદ્ધતિઓ, તેમજ વિદ્વજ્જનોની વિદ્વત્તા કેવળ મનોરંજન અને વાગ્વિલાસ માટે છે. આધ્યાત્મિક અનુભૂતિના વિકાસમાં તે સહાયભૂત નીવડતાં નથી. તમે જોશો કે શાસ્ત્રોની વિવિધ વ્યાખ્યાઓમાં જગતના શ્રેષ્ઠ આચાર્યોમાંથી કોઈપણ કદીયે પડ્યા નથી; તેમણે શાસ્ત્રોનાં લખાણો વિકૃત કરવા કદી પ્રયત્ન કર્યો નથી, તેમજ શબ્દાર્થ અને તેમના ધાત્વર્થનાં ચક્ક૨માં તેઓ કદી પડ્યા નથી. તેમ છતાં તેમણે ઉત્તમમાં ઉત્તમ ઉપદેશ આપ્યો છે.

ગુરુ માટે બીજું જરૂરી લક્ષણ છે પવિત્રતા (Sinlessness). ઘણીવાર એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે “ગુરુના ચારિત્ર્ય અને વ્યક્તિત્વ તરફ આપણે શા માટે જોવું જોઈએ? આપણે તો તે જે કહે તેનો વિચાર કરીને ગ્રહણ કરવાનું છે.” પણ એ યોગ્ય નથી. જો કોઈ માણસ મને ગણિતશાસ્ત્ર અથવા રસાયણશાસ્ત્ર અથવા અન્ય કોઈ ભૌતિકશાસ્ત્ર શીખવવા ઈચ્છતો હોય તો તે ગમે તેવો હોય તો ચાલે. કારણ કે ભૌતિક શાસ્ત્રો માટે માત્ર બૌદ્ધિક લાયકાત જ જરૂરી છે. પરંતુ આધ્યાત્મિક વિદ્યાની બાબતમાં તો જે આત્મા અપવિત્ર હોય, તેનામાં જરાપણ આધ્યાત્મિક પ્રકાશ હોવાનું તદ્દન અસંભવિત છે. એક અપવિત્ર વ્યક્તિ ધર્મ શું શીખવી શકે? આધ્યાત્મિક સત્યની ઉપલબ્ધિ કરવાની અથવા અન્યમાં તેનો સંચાર કરવાની એકમાત્ર લાયકાત હૃદય અને આત્માની પવિત્રતા છે. જ્યાં સુધી આત્મા પવિત્ર ન હોય ત્યાં સુધી ઈન્દ્રિયાતીત તત્ત્વની કે ઈશ્વર -દર્શનની ઝાંખી થતી નથી. એટલા માટે આધ્યાત્મિક ગુરુની બાબતમાં આપણે સૌથી પ્રથમ તે કેવો છે તે અને ત્યાર પછી તે શું કહે છે તે જોવું જોઈએ. તે સંપૂર્ણપણે પવિત્ર હોવો જોઈએ. કેવળ તો જ તેના શબ્દોની કિંમત પણ ગણાય. કારણ કે કેવળ તે આધ્યાત્મિક શક્તિનો ત્યાર પછી જ તે આધ્યાત્મિક શક્તિનો સાચો સંચારક થાય છે. જો તેના પોતાનામાં જ આધ્યાત્મિક શક્તિ ન હોય તો તે શાનો સંચાર કરવાનો છે? ગુરુના મનમાં આધ્યાત્મિકતાનું યોગ્ય સ્પંદન હોવું જોઈએ કે જેથી શિષ્યના મનમાં તેનો સહૃદયતા પૂર્વક સંચાર કરી શકાય. ગુરુનું કાર્ય માત્ર શિષ્યની વર્તમાન બૌદ્ધિક અથવા અન્ય શક્તિઓને ઉત્તેજિત કરવાનું નથી, પરંતુ ખરેખર કોઈ વસ્તુનો, તેનામાં સંચાર કરવાનું છે. કોઈ એક સાચી અને અનુભવી શકાય એવી વસ્તુ એક પ્રભાવરૂપે ગુરુમાંથી નીકળીને શિષ્યમાં પ્રવેશે છે. એટલા માટે ગુરુ પવિત્ર હોવો જોઈએ.

ગુરુનું ત્રીજું લક્ષણ છે તેનો હેતુ, ગુરુએ કોઈ છૂપાં સ્વાર્થી હેતુ ખાતર, ધન, નામના અથવા યશની ખાતર ઉપદેશ આપવો જોઈએ નહિ. તેનું કાર્ય કેવળ પ્રેમ, સમગ્ર માનવજાત પ્રત્યેના શુદ્ધ પ્રેમથી પ્રેરાયેલું હોવું જોઈએ. આધ્યાત્મિક શક્તિ કેવળ શુદ્ધ પ્રેમના માધ્યમ દ્વારા જ સંચારિત કરી શકાય. કોઈ પ્રકારનો સ્વાર્થી ભાવ, જેવો કે લાભ અથવા યશની ઈચ્છા તરત જ આ માધ્યમનો નાશ કરી નાખશે. ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે; અને ઈશ્વરનો પ્રેમ સ્વરૂપ તરીકે જેણે અનુભવ કર્યો છે, કેવળ તે જ વ્યક્તિ મનુષ્યોને આધ્યાત્મિક તત્ત્વ અને ઈશ્વરનો ઉપદેશ આપી શકે.

તમારા ગુરુમાં આ સર્વલક્ષણો જો તમે જુઓ તો તમે સલામત છો. જો તેમ ન હોય તો તેની પાસેથી ઉપદેશ ગ્રહણ કરવાનું સલામત નથી. કેમકે એક મોટું ભયસ્થાન એ છે કે તે તમારા અંતરમાં સદ્ભાવનો સંચાર ન કરી શકે તો પણ અસદ્ભાવનો સંચાર કરી શકે છે. આ ભય સામે સર્વપ્રકારે સાવચેત રહેવું જોઈએ. “જે શાસ્ત્રજ્ઞ, નિષ્પાપ, વાસનારહિત, સર્વોત્તમ બ્રહ્મવિદ છે, તે જ સાચો ગુરુ છે.”

શા માટે શાસ્ત્રોના રહસ્ય-જ્ઞાનની અપેક્ષા ગુરુ પાસે રખાય છે? આપણે જાણીએ છીએ કે પુસ્તકીયા જ્ઞાન અને બૌદ્ધિકવાદને ધર્મસાધનામાં કોઈ સ્થાન નથી. તો પછી શા માટે તેણે શાસ્ત્રો જાણવાં જોઈએ? ખ્યાલ એવો છે કે ગુરુએ શાસ્ત્રોથી વિરોધી હોય તેવો ઉપદેશ આપવો ન જોઈએ. જો તે આપે તો આપણે સાવધાન રહેવું જોઈએ. તે અસલ-શુદ્ધ ગુરુ નથી. કેમકે શાસ્ત્રો કેવળ બૌદ્ધિક વિચારણાનું નહિ પરંતુ વાસ્તવિક જીવંત અનુભૂતિઓનું સંકલન છે. તે બધા કાળ માટે સાચા હોય છે, કારણ કે તેઓ ઈશ્વર, જીવ વગેરે બાબતોની સાથે સંબંધ ધરાવે છે. જો કોઈ એકાએક આ બધી ભૂતકાળની અનુભૂતિઓને નકારાત્મક ઠરાવતી કોઈ બાબત શોધી હોવાનો દાવો કરે તો આપણે તેનો વિશ્વાસ કરવો ન જોઈએ. કાં તો તે આત્મભ્રમિત છે અથવા તો તે દગાબાજ છે. ગમે તે હોય, આપણે તેનાથી ચેતવું જોઈએ. તે આપણા માટે શ્રેયસ્કર માર્ગદર્શક નથી.

બીજી શરતોની બાબતમાં હેતુ સ્પષ્ટ છે. ગુરુ કામ-કાંચનથી ખરડાયેલ, ખાસ કરીને કામિનીની બાબતમાં તો વિશેષ ખરડાયેલ ન હોવો જોઈએ. આજકાલ જાતીય સંભોગને પવિત્રતા અને ધર્મ સંસ્કાર તરીકે પ્રશંસા કરીને સત્યનો આભાસ આપતી ફિલસૂફીઓની હિમાયત કરવામાં આવે છે. આ બધી આત્મ-વંચિત મૂર્ખજનોની ભાષા છે, તેઓ ભ્રમમાં પડી એમ વિચારે છે કે તેમની વર્તમાન અવસ્થા કંઈક ઓર પ્રશસ્તિપાત્ર છે. તેમને ઉચ્ચ આધ્યાત્મિક અનુભૂતિઓ અને તેઓ જેની ઉપર આધાર રાખે છે તેની અવસ્થાઓનો કોઈ જ ખ્યાલ નથી. આપણે તેમને કદી સાંભળવા જ ન જોઈએ. જાતીય સંભોગકૃત્યની તો વાત જ ક્યાં? જાતીય સંભોગનો જરા જેટલો વિચાર સુધ્ધાં આધ્યાત્મિક પ્રગતિમાં મહાન અંતરાય છે, એટલે, જાતીયતાની કોઈ પણ પ્રકારની બાબતમાં કોઈ ડૂબેલો હોય, પછી તે ભલે ગમે તેટલો સંસ્કારી હોય પરંતુ તે ખરો ગુરુ થવા માટે તદ્દન નાલાયક છે. તે સ્વયં સત્યથી ખૂબ જ દૂર છે.

ઘણાખરા લોકોમાં એવો ખ્યાલ પ્રચલિત છે કે એકવાર તેઓને ગુરુ દ્વારા દીક્ષા મળે તે પછી તેઓને વધુ કંઈ કરવું પડતું નથી. સ્વયં ગુરુ જ હવે બધું ક૨શે અને તેમને ઈશ્વર તરફ લઈ જશે. એક બીજો એવો ખ્યાલ પણ છે કે દીક્ષા આપીને ગુરુ શિષ્યના પાપનો બધો બોજો પોતાને માથે લઈ લે છે. જોકે આ ખ્યાલો પાછળ કંઈક તથ્ય છે. તો પણ તેનું વિશાળ પ્રાબલ્ય તે ખ્યાલોમાં રહેલા હાર્દ કરતાં વધુ આપણી અંતર્ગત પ્રમાદવૃત્તિને લઈને છે. ઉપદેશકોનો તો પાર નથી. સાક્ષાત્કાર પામેલા સૌ કોઈ આવી શક્તિઓ ધરાવતા નથી. માત્ર ભગવદ્ અવતારો અને તેમના જૂજ મહત્તમ અંતરંગ-શિષ્યો તે ધરાવે છે. તેઓ કોઈપણ માણસને એક જ ક્ષણમાં ચૈતન્ય-અનુભૂતિ કરાવી અને તેના પાપોમાંથી સદાકાળ માટે મુક્તિ આપી શકે છે. બીજા ગમે એટલા મહાન હોવા છતાં તેમ કરી શકતા નથી. શિષ્યને તેમની પાસેથી શક્તિ મળે છે, અગ્નિનીનો એક તણખો તેનામાં અગ્નિ પ્રજ્વલિત કરીને બધા મળ-વિક્ષેપ અને આવરણોને બાળી નાખે છે. પરંતુ શિષ્યે પોતે જ અગ્નિ પેટાવવાનો હોય છે અને સત્યનો સાક્ષાત્કાર કરવા ખંતપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ અને વચમાં આવતાં અંતરાયો પોતે જ જીતવા જોઈએ. પ્રમાદ તેમાં ચાલે નહિ. આવી અતિસંતુષ્ટ ફિલસૂફીને જેટલી વહેલી છોડીએ તેટલું વધુ સારું.

ગુરુ માટેની શોધ અનિવાર્ય રીતે લાંબી હોય છે. ત્યાં સુધી આપણે શું કરીશું? આપણે ભગવાનને વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરીએ કે તે સાચા ગુરુના સ્વરૂપમાં તેની કૃપા આપણી ઉપર વરસાવે. આધ્યાત્મિક લાયકાતમાં આપણે વધુ ને વધુ વિકાસ સાધતા રહીએ. પોતાના સહૃદયી પ્રયત્નથી ઘણું થઈ શકે. આપણે સંભાળપૂર્વક આપણી હૃદય-ભૂમિને તૈયાર કરીએ જેથી આપણને ગુરુ મળે ત્યારે તેઓ એકદમ મહાન બીજનું આરોપણ કરે, જેમાંથી અમૃત વૃક્ષનાં ફળો આપણને મળે, છે.

આપણે જાગૃત રહીએ અને પ્રાર્થના કરીએ.

ભાષાંતર: શ્રી યશસ્વીભાઈ મહેતા

Total Views: 196

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.