(ગુરુપૂર્ણિમા પ્રસંગે)

ગુરુને લાગું પાય.
પહેલા ગુરુજી મારા સૂરજરાજા જેનાં કિરણે જગ દેખાય,
વહેમ ભરેલી મારી આળપંપાળો એની જ્ઞાનજ્યોતે ભેદાય.
ગુરુને લાગું પાય.

બીજા ગુરુજી મારા વાતા આ વાયરે જગની જાત જણાય,
ક્યારેક શીત ક્યારેક ઊના એ આવતા, સ્હેતાં બધું ય સદી જાય.
ગુરુને લાગું પાય.

ત્રીજા ગુરુજી મારા દરિયાદેવ જેના હૈયે તરંગો ન માય,
આભે પછાડા ખાઈ હૈયું આક્રંદે તો ય મજામાં રહી ગીત ગાય.
ગુરુને લાગું પાય.

ચોથા ગુરુજી મારા ઊંચા આકાશ જેના હૈયે સમષ્ટિ સમાય,
ગાજવીજ કેરાં જાગે મનમાં તોફાન તો ય સ્હેજે ચલિત એ ન થાય.
ગુરુને લાગું પાય.

પાંચમા ગુરુ મારા તનમાં બિરાજે એની ક્યારેક ઝાંખી પમાય,
ઝળાંઝળાં લાગે મને જગનાં આ ઝાંઝવા, નયણાંમાં નેહ ઊભરાય.
ગુરુને લાગું પાય.

પંચભૂત કાય મારી પાંચ ઇંદ્રિયોએ ધારી, પાંચ આ ગુરુના ગુણ ગાય,
દર્શનો દઈને ભારી, ગુરુએ લીધી ઉગારી, કાયા કૃતારથ થાય.
ગુરુને લાગું પાય.

મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

Total Views: 252

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.