સમન્વય-સાગર

સ્વામી પ્રેમાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા. -સં.

આ વખતે અનૈશ્વર્યનો ભાવ હતો. બધા અવતારોમાં આપણે જોઈ શકીએ છીએ કે કંઈ ને કંઈ સિદ્ધિ હોય જ છે. માનો કે પાંચ રોટલીમાં પાંચ હજાર લોકોને જમાડવું, નદીને અંકુશમાં રાખવી, અવકાશમાં ચાલવું, આંબાનું ઝાડ ઉગાડી કેરી ખવડાવવી વગેરે. પરંતુ આ વખતે હું આ બધાનો એકદમ જ અભાવ જોઉં છું. અનૈશ્ચર્ય જ આ વખતની મઝા છે. ફરી જુઓ, બધા અવતારોમાંય ‘રૂપની છટામાં ભુવન પ્રકાશે છે’ પરંતુ આ વખતે દૈહિક રૂપનો અભાવ જણાય છે. તેથી ગિરીશબાબુએ પૂછ્યું હતું. “હા જી, આ વખતે રૂપ ધારણ કેમ નથી કર્યું?” સાધના અવસ્થામાં જ્યારે દેહમાંથી જ્યોતિ નીકળવા લાગી હતી ત્યારે શ્રીરામકૃષ્ણે માને કહ્યું હતું ‘મા, દૈહિક રૂપનું કામ નથી, આધ્યાત્મિક રૂપ આપો.’ ત્યાર બાદ બધા અવતારો સર્વ-શાસ્ત્રજ્ઞ પંડિત પણ હતા, પરંતુ અમારા બધાનું કામકાજ જુદા પ્રકારના જ લોકોને લઈને છે. આ જુઓને ચૈતન્ય દેવ દિગ્વિજય-પંડિતને હરાવીને તે સમયના સર્વશ્રેષ્ઠ પંડિત તરીકેની ખ્યાતિ પામ્યા. શંકરાચાર્યની તો વળી વાત જ શું? ભગવાન બુદ્ધ વિવિધ શાસ્ત્રોનું પઠન કરીનેય મુક્તિ બાબતે નિરાશ થયા હતા અને સર્વ ઉપનિષદોના સાર-દોહવાવાળા પંડિત હતા એ બાબતે કોઈ શંકા હોઈ શકે? પરંતુ આપણા ઠાકુર, એઓની તો એક અદ્ભુત જ વાત હતી. તેઓ માંડ માંડ વાંચી – લખી શકતા. પરંતુ પંડિતો જ્યારે તેમની સાથે વાદવિવાદ કરતા ત્યારે અળસિયા જેવા થઈ જતા. શા માટે, જાણો છો? અનુભૂતિ અને તર્કથી સમજવામાં મોટો ફેર છે, નકશો જોઈને તે વળી કાશીની વાત કેટલીક સમજાવી શકાય? જે કાશી જોઈને આવ્યો છે, તેની વાત બધા સાંભળે. તેઓ બધી ભૂમિનું (સપ્તભૂમિ) જ્ઞાન ધરાવતા; સ્વામીજીની પ્રશંસનીય કોઈ વ્યક્તિની વાત સ્વામીજીની પાસેથી સાંભળી બોલ્યા હતા : ‘તેઓ ક્યા વર્ગના માણસ હતા?’ તેમજ બધા અવતારો પોતાનો મત પ્રકટ કરીને પ્રચાર કરી ગયા છે. એઓએ પોતાની વાણીનો ક્યારેય પ્રચાર કર્યો નથી. જેઓ પ્રેમથી સાંભળતા, તેઓ પાસે બોલતા. કેશવબાબુએ અખબારમાં તેમની વાતો લખી હતી, ત્યારે તેઓને તેમની પાસે આવવાની મનાઈ કરી દીધી હતી. એક દિવસ રાત્રે બે વાગ્યે ઊઠીને જોયું તો ટહેલતા હતા અને થૂ થૂ કરતાં બોલ્યા : ‘મા નામયશ દઈશ નહિ, નામયશ દઈશ નહિ.’ ત્યારે અર્ધબાહ્ય અવસ્થા હતી. મને લાગ્યું કે જાણે મા આનંદમયી માન-યશનો ટોપલો લઈને તેમની પાછળ પાછળ ફરે છે. અને બોલે છે, ‘દીકરા, આ લે તારા માટે માન-યશ લાવી છું.’ અને તેઓ વધુ મોટા અવાજથી થૂ થૂ કરે છે અને ઘરમાં આમ તેમ ફરે છે. મોં પર અતિ ઈતરાજીનો ભાવ…

બધા જ પોતાના મતને શ્રેષ્ઠ ગણાવી ગયા છે. અને કોઈ કોઈ કહે છે, તેઓના મતનું અવલંબન કરીને સત્ય-પ્રાપ્તિ થઈ શકે. શ્રી ઠાકુર કહેતા, ‘વાદ-વિવાદની જરૂર નથી, બધા જ મત સાચા છે.’ વળી કહેતા, ‘જીવનનો ઉદ્દેશ ઈશ્વર-પ્રાપ્તિ છે. તેમની પ્રાપ્તિ ન કરીએ તો કેવળ દુઃખ કષ્ટ ભોગવવાં પડે.’

હૃદય જોઈએ, વ્યાકુળતા-આંતરિકતા હોવી જોઈએ. તેમના દર્શન વિના જ્યારે પ્રાણ જાણે નીકળી જતો હોય એવું થાય ત્યારે તેઓ દર્શન આપે છે, એજ તેમનો મુખ્ય ઉપદેશ હતો. સૂર્યને આથમતો જોઈને તેઓ કહેતા, ‘મારો દિવસ કેવી રીતે ગયો! હું તો જેમનો તેમ જ રહ્યો.’ જીભ બહાર કાઢતાં, મોઢું જમીન પર ઘસતાં, આત્મસાક્ષાત્કાર ન થતાં આ જીવન તેમને વૃથા લાગતું. દર્શન વિના તેઓ જાણે કાલીય નાગના દંશની વેદના અનુભવતા…

જ્યારે જે જે અવતાર આવ્યા છે, તેઓ બધા એક-એક ભાવનો આદર્શ લઈને આવ્યા છે. ખરેખર તેઓમાં અન્ય ભાવ ન હતો તેવું ન હતું; બધા જ ભાવ હતા. પરંતુ તેઓ એક ભાવ પ્રગટ કરી દેખાડી ગયા છે. જેમ કે, મહા પ્રભુની સઘન પ્રેમાવસ્થા. જાણે તે અવસ્થામાં જડ જેવું કંઈ હતું જ નહિ…. જેમ પાણી થીજીને બરફ થઈ જાય, તેવી જ રીતે. પ્રેમ થીજીને શ્રીચૈતન્ય…તેવી જ રીતે જ્ઞાનમૂર્તિ શ્રી શંકરાચાર્ય; જાણે ત્યાગની મૂર્તિ શ્રી બુદ્ધ ભગવાન; જ્યારે નિષ્કામ કર્મની મૂર્તિ શ્રીકૃષ્ણ, શ્રીકૃષ્ણે સર્વધર્મ, સર્વદર્શન, માર્ગ અને મતનો સમન્વય કર્યો હતો. તેઓએ દેખાડ્યું કે કર્મ, યોગ, જ્ઞાન, ભક્તિ એક જ મહાન સાધનના એક એક અંગ માત્ર છે. પ્રતીતિ કરવા માટે પોતાનું જીવન-ઘડતર નિષ્કામ કર્મ દ્વારા કર્યું. નિષ્કામ કર્મ કરવાથી ચિત્ત-શુદ્ધિ થાય,ચિત્ત શુદ્ધિ થવાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય, વૈરાગ્ય પછી ત્યાગ. આ ત્યાગ લઈને બુદ્ધદેવ આવ્યા. પોતાના માટે કંઈ નહીં, મુક્તિ પણ નહીં, બધું જ જીવો માટે. ‘જીવની મુક્તિનો માર્ગ શોધી શક્યો નહિ,’ એમ કહીને રડવા લાગ્યા હતા.

ત્યાગ પછી જ્ઞાન લઈને શંકરાચાર્ય આવ્યા. બાળક, છતાં પૂર્ણ જ્ઞાની…આવા જ્ઞાન પછી પ્રેમ. પ્રેમમય મહા પ્રભુ શ્રી શ્રી ચૈતન્ય આ પ્રેમનું વિતરણ કરવા આવ્યા હતા. પરંતુ ભારત સમજ્યું કે પ્રત્યેક મત એક બીજાના વિરોધી હતા…સર્વ ધર્મ સમન્વયકારી શ્રી શ્રીરામકૃષ્ણદેવના આગમનથી આ વિરોધ મટ્યો. આ એક યુગયુગાંતરની કઠોર સાધના હતી. આ અવિરામ સાધના પ્રવાહની પરિસમાપ્તિ શ્રીરામકૃષ્ણ રુપધારી સમન્વય સાગરમાં થઈ…

તેઓ કરણાધન મૂર્તિ હતા. તેમની દયા માપી શકાય નહીં. કાશીના માર્ગે જતી વખતે લોકોનાં દુઃખ-દારિદ્રય જોઈને મથુરબાબુને કહ્યું હતું – “આ તારું કાશી રહ્યું – હું આ લોકોને છોડીને જઈશ નહિ.” લાંછન લાગવા છતાં દયા દાખવી હતી. અસહ્ય રોગની પીડામાં પણ દયા વરસાવવા વ્યાકુળ થઈ કહેતા હતા : ‘આજ તો કોઈ આવ્યું નહિ.’ અને રસ્તા તરફ જોતાં. હાજરા કહેતા ‘નરેન’ ‘નરેન’ કહીને કેમ પાગલ થાવ છો? એ બધા માટે વ્યાકુળ થવાની તમારે શી જરૂર છે? તમારું સ્થાન તો ગોલોક-કૈલાસમાં છે. એ લોકો માટે તમારે ચિંતા કરવાની શી જરૂર છે?’ તેઓએ પણ તે બાબતમાં વિચાર્યું, પંચવટીમાં ગયા. અહીં બધા પ્રકારનાં દર્શનનો અડ્ડો છે. માએ તેમને કહ્યું : ‘તું તો બહુ બેવકૂફ છો, તું શું પોતાના સુખ-ભોગવવા માટે આવ્યો છે? છી…!’ ત્યારે ઠાકુર બોલ્યા હતા, ‘જીવકલ્યાણ માટે આનાથી લાખો ગણું કષ્ટ સહેવું પડે તો પણ સહીશ. છ માસ વીત્યા નહિ ત્યાં તો ગળામાં અસહ્ય પીડા થવા લાગી. મોટેથી વાત કરવાની તાકાત ન હતી. પેટમાં ભુખ છતાંય ખાવાની તાકાત ન હતી. ઊઠવા બેસવામાં બેચેની અનુભવતા. આઠે પહોર દેહ-દાહ થતો, પરંતુ અહેતુક કૃપાસિંધુ ક્યારેય કૃપા વિતરણ કરતા થાકતા નહિ. આ રીતે દોઢ વરસ વીતી ગયું. જીવો માટે આત્મ સમર્પણ વળી બીજા શાને કહેવાય?

ધ્યાન-જપના બહાને ચૂપ બેઠા રહેવું એ તો તમસની નિશાની છે. તેઓ પોતે કેટલું કામ કરતા! તેઓને માળીનું કામ કરતા અમે જોયા છે. તેમજ કોઈને અવ્યવસ્થિત કામ કરતા તેઓ જોઈ શકતા નહિ. દરેક નાનાં-મોટાં કામકાજ જાતેજ સારી રીતે કરતા. અમને પણ તે રીતે કરવા કહેતા, સ્વસ્થ અને સુંદર રીતે પાન સુધ્ધાં કઈ રીતે બનાવવું તે અંગે મને શીખવતા. પોતાના ઘ૨માં કચરો કાઢતા, વળી બીજી બાજુ હંમેશાં તેમનું મન અંતર્મુખી રહેતું. ચીજ-વસ્તુ ખરીદવા જતાં કોઈ છેતરાઈ જતું ત્યારે મશ્કરી કરતા કહેતા – ‘તમને ભક્ત જ થવા કહ્યું છે, મૂર્ખ બનવાનું તો ક્યારેય કહ્યું નથી.’ કહેતા, ‘योग: कर्मसु कौशलम्’

તેઓએ સર્વ પ્રકારની સાધના કરી હતી. સર્વ ધર્મના મત પ્રમાણે ઈશ્વર પ્રાપ્તિ કરીને ધન્ય બન્યા હતા. સર્વભૂતમાં ભગવાનનાં દર્શન કરવાથી તેમનામાં ઘૃણાસ્પદ-અઘૃણાસ્પદ જેવું રહ્યું ન હતું. પ્રત્યેક પળે પ્રેમમાં વિભોર અને મસ્ત રહેતા. સંપ્રદાય બનાવવાનો ભાવ તેમનામાં બિલકુલ ન હતો. જેઓ આત્મજ્ઞાની, જેઓ પ્રેમિક શિરોમણિ, જેમણે સર્વ ધર્મના મતભેદ મિટાવ્યા હતા તેમને વળી વાડ–દીવાલ શું હોય? આ બધાની સૃષ્ટિ ક્યારે બને જાણો છો? જ્યારે દુર્બળતા, ભય અને હિંસાથી હૃદય ભરપૂર રહે. આપણી વચ્ચે જ્યારે સંપ્રદાય રચવાની ભાવના જાગશે ત્યારે જાણજો કે આપણા સંઘના પતનને હવે બહુ વાર નથી. સંપ્રદાય બનાવવા જતાં તો ભારત મૃતપ્રાય બને છે. ખાબોચિયા જેવા તળાવનું પાણી ખરાબ હોય છે. વહેતું ઝરણું ક્યારેય કલુષિત થાય નહિ. સાવધાન રહેજો. જેથી આપણી વચ્ચે ધર્મચુસ્તતા ન આવે! ‘આપણે રામકૃષ્ણ સંપ્રદાયના લોકો’, ‘રામકૃષ્ણ સિવાય જીવની ગતિ નથી તેથી’, ‘તમે બધા રામકૃષ્ણ-ભક્ત’, ‘રામકૃષ્ણ બધા અવતારોમાં શ્રેષ્ઠ અવતાર’ – આવું બધું બોલીને ક્યારેય કોઈના ભાવમાં હસ્તક્ષેપ કરશો નહિ.

તેમનામાં અહંકારનો ભાવ બિલકુલ ન હતો. પરંતુ શરીર ટકાવવા માટે માએ વિદ્યાનો અહં રાખ્યો હતો. પૂર્ણ નિરભિમાન મૂર્તિરૂપ અવતાર તરીકે અમે અમારી આંખે જોયા છે. સાંભળો, હું બોલું છું – જગદ્‌ગુરુ રામકૃષ્ણે કંગાળનાં એઠાં પતરાળા માથા પર લઈને ફેંક્યાં હતા; પોતાનાં લાંબા લાંબા વાળથી પાયખાનું લૂછ્યું હતું.

શાસ્ત્રમાં છે- ‘ऊर्ध्वे सौरतम्’. ઠાકુરને ન જોઈએ તો આ વાતનો કોઈ દિવસ વિશ્વાસ ન થાય. સમસ્ત શરીરને દરેક નાડી, ઉપરાંત પ્રત્યેક માંસપેશી પર અદ્ભુત આધિપત્ય હતું. ગળાના ઘાને લીધે પીડાનો કોઈ પાર ન હતો, તે ઘા સાફ કરવા ટાણે થોડી વાર રાહ જોવા કહેતા. ‘હવે સાફ કરો’ ત્યાર બાદ કોઈ પીડા વેદના રહેતી નહીં. આનું કારણ શું ખબર છે? યોગીઓ સારાયે શરીર ઉપર કાબુ રાખી શકતા, એટલે સુધી કે તેઓ હૃદય નાડીની ગતિ સુધ્ધાં સ્પર્શિત કરી શકતા અને જ્યારે ઈચ્છા થાય ત્યારે દેહના કોઈ પણ અંગમાંથી જીવને પર કરી શકતા. ત્યારે શરીરનુ તે અંગ જડવત થઈ જતું. પછી કોઈ પણ પ્રકારની સંવેદના રહેતી નહીં. ચપ્પુ ભોંકાવાથી પણ કંઈ ભાન થતું નહીં. સમજ્યા? આ બધી વાર્તા નથી. આ બધું અમે અમારી પોતાની આંખે જોયું છે. શ્રીકૃષ્ણ શરીરના કામભાવથી મનને પર કરી ગોપીઓ સાથે વિહાર કરતા. ‘ऊर्ध्वे सौरतम्’ની વાત હવે સમજવા પ્રયત્ન કરો.

નાત-જાતના ભેદ અંગે કહેતા, ‘ભક્તોની અલગ અવસ્થા. તેઓને પરસ્પર નાત-જાતનો કોઈ તફાવત રાખવાની જરૂર નથી.’ અતિ નીચ કુળના હોવા છતાં શુદ્ધ અંતઃકરણના લોકોના હાથે તેઓ ખાઈ શકતા; પરંતુ ઉચ્ચકુળમાં જન્મેલા ચારિત્ર્યહીન લોકોના હાથથી તેઓ ખાઈ શકતા નહિ. એટલી હદે કે એવા લોકો આસન પાથરી દે તો બેસી શકતા નહિ. વળી બીજીબાજુ એક વ્યક્તિની થાળીમાંથી ખાઈ લેતા અને તે વ્યક્તિ બૂમ પાડી ઊઠતી – મહાશય, શું કરો છો? શું કરો છો? મેં તો અખાદ્ય ખાધું છે. આપ મારી થાળીનો સ્પર્શ કરશો નહિ.’ તેથી ઠાકુરે જવાબ આપ્યો હતો – ‘તેમાં કાંઈ વાંધો નહીં. તમારું મન સારું છે,; તેઓ વચ્ચે વચ્ચે કહેતા – ‘જે હવિષ્યાન્ન ખાય છતાં તેનામાં ભગવાનની ભક્તિ ન હોય તો તેનું હવિષ્યાન્ન ગૌ-ડુક્કર-માંસ તુલ્ય છે. ઊલટું જે ભક્તિમાન, શ્રદ્ધાવાન છે તે જો અખાદ્ય ખાય તો પણ તેનું તે અખાદ્ય નથી – હવિષ્યાન્ન છે’ કોઈ કંઈ કામના રાખી લઈ આવતા તો તેઓ ખાતા નહિ. અમને પણ ખાવા દેતા નહિ. પરંતુ સ્વામીજીને ખવડાવતા. કુચરિત્રના લોકોનું અથવા અગાઉથી જ લઈ લીધેલું ખાદ્ય કોઈ લાવતું તો તેઓને ખબર પડી જતી. તેમજ રાજસિક અને તામસિક ખોરાક ભક્તોને ન ખાવા કહેતા. – વળી કહેતા – ‘જ્ઞાનીઓને એનાથી નુકસાન થાય નહિ. પરંતુ પ્રથમ અવસ્થામાં સાધકે આ બધું માનીને રહેવું જોઈએ.’

ઠાકુર અતિ શુદ્ધતાના નિયમો પાળતા. લોકોની બહુ મશ્કરી કરતા, કહેતા – શુચિવ્રત પાળતાં લોકો કેવળ શુદ્ધ-અશુદ્ધનો વિચાર કરે. તેથી એક પ્રકારનો અશુચિનો ભાવ હંમેશાં મનમાં રહે. પરિણામે ઇશ્વર-ચિંતન કરવું તેમના માટે મુશ્કેલ બને છે.

ઠાકુરે માને વકિલાતનામું આપીને શરીર ટકાવી રાખ્યું હતું. વળી ગિરીશબાબુએ ઠાકુરને વકિલાતનામું આપ્યું હતું. વકિલાતનામું એટલે કોઈ પણ પાસે કોઈ કાર્યનો ભાર સોંપવો. ગિરીશબાબુએ પોતાની દુર્બળતા જોઈને ઠાકુરને પોતાની આધ્યાત્મિક ઉન્નતિનો ભાર સોંપ્યો હતો. આ રીત બહુ કઠણ છે. અહંકાર લેશમાત્ર હોય તો વકિલાતનામું આપી શકાય નહિ. ઠાકુર કહેતા – આ બાબતમાં વાવાઝોડામાં જે રીતે એંઠા પતરાળા રહે તે રીતે રહેવું જોઈએ. બિલાડીનાં બચ્ચાંની જેમ રહેવું જોઈએ. જે રીતે બિલાડી તેનાં બચ્ચાંને ક્યારેક મોટા લોકોની પથારી પર, ફરી ક્યારેક રાખના ઢગલામાં સુવડાવી રાખે.’ સુખ -દુઃખમાં જેઓ વિચલિત થયા વગર મનને એકાગ્ર કરી શકે જેઓ નિષ્ઠુર કર્તવ્યમાં પણ બોલી શકે – ‘त्वया हृषीकेश हृदि स्थितेन यथा नियुक्तोऽस्मि तथा करोमि.’ તેઓએ જ ખરેખર વકિલાતનામું આપ્યું કહેવાય. તેઓ જ ખરેખર સર્વકર્મોનો ત્યાગ કરીને તેનું શરણ લે છે અને પ્રભુ તેઓનો જ ભાર ઉપાડે છે અને તેમને સર્વપાપમાંથી મુક્ત કરે છે.

તમે બધા ખૂબ સદ્‌ગ્રંથ અધ્યયન કરજો. અધ્યયન કરવું ખૂબ સારું. ઠાકુરની પાસે જતાં, તેઓ અમને અધ્યયન કરવા કહેતા. તેઓ પાસે ‘મુક્તિ અને તેનું સાધન’ નામનું પુસ્તક હતું, તેઓ અમને વાંચી સંભળાવતા…

ઠાકુરની કૃપાથી તમે બધા તેમાં મગ્ન થઈ જાવ એ સ્થિતિને એકદમ તળિયે ડૂબવું કહેવાય. ભગવાન વિચારની વસ્તુ નથી, ઉપલબ્ધિની વસ્તુ છે..!

Total Views: 232

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.