ભક્ત – મહારાજ, ધ્યાન કેવી રીતે કરવું ? ધ્યાન કરવાનો પ્રયત્ન કરું છું પણ ‘ધ્યાન’ એ શું છે તે બરાબર સમજણ પડતી નથી. ધ્યાન જામતું નથી.

શ્રીમહાપુરુષ મહારાજ – શરૂઆતમાં ધ્યાન થવું બહુ મુશ્કેલ છે. એમની કૃપાથી એમનું નામ જપતાં જપતાં, પ્રાર્થના કરતાં કરતાં જ્યારે એમના ઉપર આત્યંતિક પ્રેમભાવ થાય ત્યારે જ સહજધ્યાન થશે. શરૂઆતમાં ધ્યાન કરવાનો પ્રયત્ન ન કરતાં ચિરપવિત્ર, કામ-કાંચન ત્યાગી, પરમદયાળુ યુગાચાર્ય જગદ્ગુરુ શ્રીરામકૃષ્ણદેવની શ્રીમૂર્તિ સામે બેસીને અત્યંત આર્તભાવે બાળકની માફક રડી રડીને પ્રાર્થના કરીને કહેવું, ‘પ્રભુ ! તમે જગતના ઉદ્ધાર માટે માનવદેહ ધારણ કરીને જીવોના કલ્યાણ માટે કેટલું કષ્ટ સહન કર્યું છે ? હું અતિ દીનહીન, ભજનહીન, પૂજનહીન, જ્ઞાનહીન, શ્રદ્ધાહીન, પ્રેમહીન છું. દયા કરીને મને શ્રદ્ધા, ભક્તિ, જ્ઞાન, પ્રેમ અને પવિત્રતા આપો. મારો માનવ જન્મ સફળ થાઓ. તમે કૃપા કરીને મારા હૃદયમાં પ્રકાશમાન થાઓ. મને દર્શન આપો. તમારા જ એક બાળકે મને તમારી પાસે આ પ્રમાણે પ્રાર્થના કરતાં શીખવ્યું છે; તમે મારા પર કૃપા કરો.’ આ પ્રમાણે પ્રાર્થના કરતાં કરતાં એમની કૃપા થશે ત્યારે મન સ્થિર થશે – જપ અને ધ્યાનમાં મન સ્થિર થશે – હૃદયમાં પ્રેમ અને આનંદનો અનુભવ થશે; પ્રાણમાં આશાનો સંચાર થશે. પહેલાં ખૂબ પ્રાર્થના કરવી અને પછી જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જપ કરવા, એમનું પવિત્ર નામ જપતાં જપતાં ધ્યાન પોતાની મેળે જ થશે. જપ કરતાં કરતાં ખૂબ એકાગ્રભાવથી કલ્પના કરવી કે તેઓ તમારા તરફ સસ્નેહ જોઈ રહ્યા છે. આ કલ્પના ઘણા લાંબા સમય સુધી એકચિત્તે કરવી એ જ એક પ્રકારનું ધ્યાન છે. તમે એમનું નામ જપતાં જપતાં પ્રાર્થના કરો, ‘પ્રભુ ! જેનાથી મને ધ્યાન થાય એવું કરો.’ તેઓ તે કરશે જ – ચોક્કસ જાણો. તેઓ સર્વના હૃદયના ગુરુ છે; માર્ગદર્શક, પ્રભુ, પિતા, માતા અને મિત્ર છે. પ્રેમપૂર્વક ગમે તે પ્રકારની શ્રીમૂર્તિનું ચિંતન અથવા તેમના ગુણોનું સ્મરણ કરવું એ જ ધ્યાન છે. હવે આ પ્રમાણે કર્યા કરો. પછીથી જરૂર પ્રમાણે તેઓ અંદરથી બતાવશે કે કેવી રીતે ધ્યાન કરવું. ખૂબ વ્યાકુળતાપૂર્વક પોકારોે. ખૂબ આક્રંદ કરો. અશ્રુ દ્વારા મનની સઘળી મલિનતા ધોવાઈ જશે અને તેઓ કૃપા કરીને પોતાનું સ્વરૂપ બતાવશે. આ બધું એક દિવસમાં કે એકાએક જ થઈ જતું નથી. આ પ્રમાણે કરતા રહો, પોકારતા રહો, અવશ્ય તેમનો પ્રતિસાદ મળશે. આનંદ મળશે.

(‘આનંદધામના પથ પર’, પૃ.૩)

Total Views: 611

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.