શ્રી જવાહરલાલ નહેરુ જન્મશતાબ્દી પ્રસંગે
[શ્રી જવાહરલાલ નહેરુ, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદને પ્રાચીન ઋષિ પરંપરાની એવી વિભૂતિઓ માનતા હતા જે અર્વાચીન યુગ માટે પણ અત્યંત મહત્ત્વની છે. ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા પ્રત્યે તેમની આસ્થા આવા મહાપુરુષોના અધ્યયનથી વધી હતી. ‘મારું હિંદનું દર્શન’ ગ્રંથમાં તેમણે લખ્યું છે: “વિવેકાનંદની માનસિક ભૂમિકાનાં મૂળ ભૂતકાળમાં રહેલાં હતાં. આમ છતાં જીવનને સ્પર્શતા પ્રશ્નોને અંગે તેમની દૃષ્ટિ હિંદના ભૂતકાળ અને વર્તમાનકાળ વચ્ચેના એક પ્રકારના સેતુ જેવી હતી. હતાશ બની ગયેલા અને પોતાનું સત્ત્વ ગુમાવી બેઠેલા હિંદુ માનસ માટે તેઓ એક પ્રાણદાયી ઔષધિ સમાન થઈ પડ્યા અને તેને તેમણે સ્વાશ્રયની દીક્ષા આપીને ભૂતકાળના વારસા સાથે તેનું અનુસંધાન કરાવી આપ્યું.” 13મી નવેમ્બરે શ્રી જવાહરલાલ નહેરુનો જન્મદિન છે અને આ વર્ષે તેમની જન્મશતાબ્દી ઉજવાઈ રહી છે. આ પ્રસંગે તેમણે શ્રીરામકૃષ્ણ મિશન, દિલ્હીમાં શ્રીરામકૃષ્ણદેવની 114મી જન્મજયંતી પ્રસંગે 1949ના માર્ચની 20મી તારીખે આપેલ વ્યાખ્યાનનું ભાષાંતર રજૂ કરીએ છીએ.]
સ્વામીજી અને મિત્રો, આ ઉત્સવમાં આવવાના નિમંત્રણ માટે હું આપનો ઋણી છું અને શ્રીરામકૃષ્ણ પરમહંસને સ્મરણાંજલિ આપવાની આ તકનો મને આનંદ છે. શ્રીરામકૃષ્ણ તો ભગવાનના માણસ હતા ત્યારે, હું આ દુનિયાનો જીવ છું, અને મારી શક્તિનો ભોગ લેતી દુન્યવી પ્રવૃત્તિમાં રત છું એટલે, શ્રીરામકૃષ્ણનાં જીવન અને બોધ વિશે બોલવાનો મારો વિશેષાધિકાર કેટલો છે તે હું જાણતો નથી. પરંતુ જગતનો જીવ પણ પ્રભુભક્તોને ચાહી શકે અને તેની અસર હેઠળ પણ આવી શકે તેથી પ્રભુભક્તોને હું હંમેશાં ચાહતો રહ્યો છું, જો કે તેઓ શું કહે છે તે હું કોઈક વાર સમજી શકતો નથી, અને એમને હું પૂરેપૂરા ભલે નયે સમજતો હોઉં, તોપણ પ્રભુના આ મહાન ભક્તોને મેં હંમેશાં ચાહ્યા છે. તથા એમના અનુયાયીઓએ એમને વિશે જે લખ્યું છે તે વાંચીને તેમની અસર હેઠળ આવ્યો છું. આ અસાધારણ વિભૂતિઓએ પોતાની પેઢીને અને તે પછીની પેઢીઓને ઘેરી અસર કરી છે, અને એમનો જીવન પ્રવાહ બદલી નાખ્યો છે. શ્રીરામકૃષ્ણ પરમહંસ સામાન્ય માનવપ્રવાહથી તદ્ન જુદા તરી આવતા હતા, યુગે યુગે પ્રગટ થઈ જીવનના ઊર્ધ્વ વિષયો તરફ અને આત્મા તરફ આપણું ધ્યાન દોરવા આવતી ઋષિપરંપરામાંના તેઓ દીસે છે. પોતાના પ્રલંબ ઇતિહાસકાળ દરમિયાન, બીજી સાંસારિક પ્રવૃત્તિઓની ધમાલ છતાંય, જીવનનાં આધ્યાત્મિક મૂલ્યોને ભારત કદીયે વીસર્યું નથી અને સત્યની ખોજ ઉપર ભારતે થોડો વિશેષ ભાર દીધો છે અને પોતાને ગમે તે નામે ઓળખાવતા સત્ય-શોધકોને કાયમ આવકાર્યા છે. તેથી, સત્ય વસ્તુની ખોજની પરંપરા ભારતે આમ ઊભી કરીને તે સાથે, પોતાને ઠીક લાગે તે માર્ગે સત્ય શોધનાર કોઈપણ વ્યક્તિ પ્રત્યે સહિષ્ણુતાની પરંપરા પણ ઊભી કરી. દુર્ભાગ્યે, હમણાં હમણાં, સહિષ્ણુતાની આ પરંપરા જરા ખળભળી ઊઠી છે અને આપણે ખોટે ચીલે ચડી ગયા છીએ તેમજ સાંકડાં મનનાં બની ગયાં છીએ; આપણે એમ માનતા થયાં છીએ કે આપણી અમુક ચોક્કસ ગાડીવાટ સાચી છે ને બીજાં સૌ ખોટાં છે.
ભારતની પરંપરામાં આ કદીયે હતું જ નહીં. પોતાના મનની વિશાળતાએ જ ભારત મહાન હતું. સત્ય અનેકમુખી અને અનંત વૈવિધ્યવાળું છે એ એની શ્રદ્ધા હતી. પોતે સમગ્ર સત્યને પ્રાપ્ત કર્યું છે એવો દાવો કોઈપણ મનુષ્ય શી રીતે કરી શકે? સત્યની શોધ પાછળ એની નિષ્ઠા હોય તો, એ ભલે કહે કે પોતે સત્યના અમુક પાસાનું દર્શન કર્યું છે. પરંતુ એ એમ શી રીતે કહી શકે કે, આ પંથ તમે નહીં પાળો તો તમને સત્ય પ્રાપ્ત થશે નહીં? આમ ભારતે સત્યશોધનને અને નૈતિક મૂલ્યોને ઉત્તેજન આપ્યું હતું. અને કદાચ એ જ ભારતીય સંસ્કૃતિનું વ્યાવર્તક લક્ષણ હતું. વળી ભારતના ઇતિહાસના ચડતી પડતીના કેટલાય કાલખંડો આવ્યા છતાં, આ બધા લાંબા કાળ દરમિયાન પણ પેલા મૂળ સંસ્કાર તો થોડા ઘણા રહ્યા જ કર્યા છે. પોતાના સંસર્ગમાં જે લોકો આવતા તેમની ઉપર અસર કરવાની એક વિશિષ્ટ રીત શ્રીરામકૃષ્ણના જીવનનું એક પરિણામ હતું. આ ભણતર વગરના માનવીની અનેક વાર લોકો દૂરથી ઠઠ્ઠા કરતા પરંતુ એમની નિકટ આવે ત્યારે ઠઠ્ઠા તજી ‘પૂજવા રોકાત.’ એમાંના કેટલાયે પોતાના સંસારી વ્યવસાયો તેમજ વેપારધંધા તજી દીધા અને એમની ભક્તમંડળીમાં જોડાયા. એ મહાપુરુષો હતા અને કેવળ ભારતમાં જ નહીં પણ જગતના બીજા ભાગોમાં પણ વિખ્યાત થયેલા. એમાંના બીજાઓ કરતાં વધારે જાણીતા સ્વામી વિવેકાનંદ હતા. યુવાપેઢીના કેટલા લોકો સ્વામી વિવેકાનંદનાં લેખો અને ભાષણો વાંચે છે તે હું જાણતો નથી. પણ હું કહીશ કે, મારી પેઢીમાંના ઘણા લોકો સ્વામીજીની પ્રબળ અસર હેઠળ આવેલા અને આજની પેઢી સ્વામીજીનાં લેખો અને ભાષણો વાંચશે તો તેને પણ તે ખૂબ લાભદાયી થશે એમ હું માનું છું. તેમને એમાંથી ઘણું જાણવાનું મળશે. અમને કેટલાકને થયું હતું તેમ સ્વામી વિવેકાનંદનાં મન અને હૃદયમાં જે અગ્નિ ભભૂકતો હતો – અને જે નાની વયમાં જ એમને સ્વાહા કરી ગયો હતો – તેની ઝાંખી આપણને તેથી થશે. એમનાં અંતરમાં રણકતી ચોટદાર અને ઉદાત્ત ભાષામાં વહેતો મહાપુરુષનો અગ્નિ હતો તેથી, એ બોલતા તે મિથ્યા પ્રલાપ ન હતો. પોતે જે કાંઈ બોલતા તેમાં તેઓ પોતાનું હૃદય, પોતાનો પ્રાણ રેડતા. એટલે જ તેઓ મહાન વક્તા બન્યા હતા; વક્તાઓની વાકછટ્ટાઓ અને ચાટૂક્તિઓ વડે નહીં. પણ, અંતઃકરણની ઊંડી શ્રદ્ધા અને નિષ્ઠાથી ભારતમાં ઘણાનાં ચિત્ત પર તેમણે પ્રભાવ પાડ્યો અને બે-ત્રણ પેઢીઓ તેમના પ્રભાવ હેઠળ આવી તે વિશે શંકા નથી. આ દેશમાં બીજી મોટી ઘટનાઓ બની અને એક અતિ મહામાનવ – આખા ભારતને હલબલાવનાર, ગાંધીજી – આવ્યા એ પણ જૂની ઋષિપરંપરાના હતા.
આરંભના એ કપરા કાળમાં ભારતને તૈયાર કરનાર અને ઘડનાર જે લોકો આવ્યા તેઓને, ભુલાવે તેવું ઘણું બધું વચલા ગાળામાં બની ગયું છે. સ્વામી વિવેકાનંદનાં ભાષણો અને લેખો વાંચો તો તમને નવાઈ એ વાતની લાગશે કે એ કાલગ્રસ્ત નથી. 56 વર્ષ પૂર્વેના એ શબ્દો છે તે આજે પણ તાજા જ છે કારણ કે, જે વિશે એ બોલતા કે લખતા તે, આપણા જગતના પ્રશ્નોને સ્પર્શતી, પાયાની બાબતો છે. એટલે એ કાલગ્રસ્ત બની શકે નહીં. ભલે આજે વાંચો તોયે એ તમને તાજું જ લાગવાનું. મને કહેવા દો તો, આપણા વારસાનું કેટલુંક અભિમાન થાય તેવું એમણે આપણને આપ્યું છે. સ્વામીજીએ આપણને છોડ્યા નથી. એમણે આપણી નબળાઈઓની અને નિષ્ફળતાઓની પણ વાત કરી છે. એ કશું જ સંતાડવા માગતા ન હતા અને એમ એમણે કરવું જ જોઈએ. કારણ આપણે પેલી ઊણપોને સુધારવાની છે. એ નિષ્ફળતાઓની ચર્ચા પણ તેઓ કરે છે. કોઈ વાર તેઓ આપણને જોરદાર લપડાક મારે છે. તો કોઈકવાર જે મહાન વસ્તુઓનું પ્રતિનિધિત્વ ભારત કરતું હતું અને જે ભારતના પતનકાળે પણ એને અંશતઃ મહત્તા અર્પતું હતું, તે ભણી તેઓ આંગળી ચીંધે છે.
એટલે સ્વામીજીએ જે લખ્યું છે અને કહ્યું છે તે આપણે માટે અગત્યનું છે અને તેવું રહેવું જોઈએ કારણ કે તે દીર્ઘકાળ પર્યંત આપણને અસર કરવાની શક્યતાવાળું છે. તે રાજકારણી શબ્દના રૂઢ અર્થમાં સ્વામીજી રાજકારણી ન હતા. છતાંય, ભારતની અર્વાચીન રાષ્ટ્રીય પ્રવૃત્તિના મહાન આદ્યપ્રણેતાઓ – તમને ગમે તો તમે બીજો શબ્દ વાપરી શકો છો – માનાં એક હતા અને રાષ્ટ્રને આઝાદ કરવાની ચળવળમાં ભાગ લેનાર લોકોએ સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા લીધી હતી; પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આજના ભારત ઉપર તેમણે પ્રબળ અસર કરેલી છે ને હું માનું છું કે સ્વામી વિવેકાનંદમાં ઝરતાં શાણપણના, આધ્યાત્મના, અગ્નિના આ સ્ત્રોત પાસેથી આપણી યુવાપેઢી લાભ ઉઠાવશે.
ભારતમાં અને દુનિયામાં આપણી સામે ઘણા પ્રશ્નો, ખૂબ વિકટ પ્રશ્નો ખડા છે. આપણે એમને કેવી રીતે હાથ ધરીશું? એક માર્ગ રાજકારણીનો – તમને ગમે તો મુત્સદ્દીનો – છે, હું તકસાધુઓની વાત નથી કરતો. કમનસીબે રાજકારણીએ કે મુત્સદ્દીએ પણ થોડે ઘણે અંશે, તકસાધુ થવું પડે છે. તે એ અર્થમાં કે, વસ્તુઓ જેવી છે તેવી સાથે, જે સાધનો તેની પાસે છે તેના વડે તેમણે તે કામ કરવાનું હોય છે. લોકો સમજી શકે નહીં કે અનુસરી શકે નહીં તેવી વાતો લોકો સમક્ષ એ કરી શકે નહીં. એ મુશ્કેલીનો તેણે હંમેશાં સામનો કરવાનો હોય છે અને વિશેષ તો પોતાને લોકશાહી કહેવડાવવાના યુગમાં હું માનું છું કે લોકશાહી મૂળે સારી જ છે. પણ લોકશાહીનો અર્થ એ છે કે તમે જે કંઈ કરો તે સઘળું લોકોની અનુમતિથી સમજવું, પ્રશંસવું અને અમલમાં મૂકવું જોઈએ. એથી રાજકારણીઓ અને મુત્સદ્દીઓએ સત્ય સાથે અનેક વેળા સમાધાન કરવું પડે છે. કેમ કે લોકોમાં સત્યગ્રહણ કરવાની શક્તિ પૂરતી નથી હોતી. આ સારું છે કે ખરાબ તે હું જાણતો નથી, પરંતુ એમ બનતું હોય છે. અને રાજકારણી કે મુત્સદ્દીની નજરે જોતાં બીજો વિકલ્પ જણાતો નથી કારણ કે એ જો કંઈ બીજું કરવા જશે તો તે ફેંકાઈ જશે અને બહુમતિની મર્યાદાઓની સ્પષ્ટ સમજણવાળા બીજાઓ એનું સ્થાન લેશે. ત્યારે એથી ઉલ્ટું, પયગમ્બરો સત્ય સાથે બીજી રીતે કામ લે છે. પરિણામ ગમે તે આવે પણ સત્યને વળગી રહે છે, અને એ સત્યને વળગી રહે છે તે માટે ઘણીવાર તેને પથરાઓથી, ગોળીથી કે બીજી રીતે હણી નાખવામાં આવે છે. એ પયગમ્બરનો માર્ગ છે, પયગમ્બરનો માર્ગ એ જ રહ્યો છે અને એ જ રહેશે. પયગમ્બરને ભલે પથરાથી કે બીજી રીતે હણાતા હોય, હણનાર કદી સત્યનો વધ કરી શકતું નથી. પયગમ્બરોથી એ સત્ય મહાન છે અને દેહધારી હતા એના કરતાં વધારે જીવંત રીતે એ સત્યમાં પયગમ્બર જીવે છે.
આ બે માર્ગો નિત્ય છે. પયગમ્બરનો માર્ગ અને રાજકારણી નેતાનો કે મુત્સદ્દીનો માર્ગ. કમ સે કમ આજના સંજોગોમાં બંનેમાંથી એકેય માર્ગને સંપૂર્ણપણે અસરકારક માર્ગ કહી શકાય નહીં. કદાચ લાંબાગાળાની દૃષ્ટિએ જોતાં એમ કહી શકાય કે પયગમ્બરનો રાહ ઉત્તમ છે. પરંતુ પેઢીઓ પછી સત્યની પ્રશંસા થાય તેવી લાંબાગાળાની શરતોએ રાજકારણનું કે જાહેરહિતનું કામ કોઈ કરી શકે નહીં, કારણ કે એમ કરવા જનારને કામ કરવાની તક જ નહીં મળે. સિદ્ધાંતની દૃષ્ટિએ પયગંબરનો રાહ સાચો હોય તો પણ, તેના પોતાના જીવનકાળ દરમ્યાન તેને અમલમાં મૂકતાં મુશ્કેલી પડતી જણાશે. સામી બાજુએ રાજકારણીઓ અને મુત્સદ્દીનો માર્ગ ગમે તેટલો શુભાશયી હોય તો પમ તે બાંધછોડનો માર્ગ છે. એ માર્ગ લપસણો છે. એ પંથે એકવાર પડ્યા એટલે એક પછી એક આવતી બીજી બાંધછોડોની પરંપરા તમને સત્યથી વધારેને વધારે દૂર લઈ જશે. પ્રવર્તમાન સંજોગોમાં આપણે જે કરવા ઇચ્છતા હોઈએ એ વીસરી પણ જવાય. આપણને દેખાતા સત્યને આપણે વળગી રહેવું કે પછી પ્રવર્તમાન પરિસ્થિતિનો જ એટલો ખ્યાલ કરશું કે સત્યને પોતાને જ વીસરી જઈશું? માનવતાની અને સમાજવ્યવસ્થાની જવાબદારી ઉપાડનાર લોકોએ આ મુશ્કેલીઓનો સદાય સામનો કરવો પડે છે અને એટલું જ કહી શકાય કે શક્ય હોય ત્યાં સુધી મુત્સદ્દીએ સત્યને વળગી રહેવું જોઈએ અથવા ઓછામાં ઓછું એણે નેમ તો સત્યની જ રાખવી. પછી ભલે એ કામચલાઉં બાંધછોડ કર્યા કરે. એની આંખથી સત્ય આઘું ગયું એટલે સમજવું કે એ ભૂલો પડી ઘણે દૂર નીકળી જશે. માનવજાતની સત્યની સમજણને અને ગ્રહણશીલતાને લક્ષમાં લીધા વિના રોજિંદી બાબતો હાથ ધરવી મુશ્કેલીભરી થઈ પડે. એ સત્ય કેટલું સમજાયું છે અને લોકમનમાં તે કેવું સ્વીકારાય છે તે જાણવું અગત્યનું છે. રાજકારણી તેમ ન કરે, એના બોલ લોકોનાં માથા પરથી ઊડી જાય તો એ લોકોને માટે પયગમ્બરના શબ્દોનો પણ કશો અર્થ નથી. માટે સામાન્ય આદમીની ગ્રહણશીલતાને ધ્યાનમાં રાખી થોડેઘણે અંશે પણ સત્યનું અર્થઘટન કરવું ઘટે તથા એની મર્યાદા બાંધવી ઘટે.
આજે વૈજ્ઞાનિક અને યાંત્રિક (ટેક્નૉલોજિકલ) પ્રગતિ ખૂબ આગળ વધી ગઈ છે. તેવા જમાનામાં આપણે જીવીએ છીએ. અમેરિકા જેવા દેશમાં તેમ ખૂબ જ થયું છે. યંત્રવિદ્યામાં અને ઔદ્યોગિક દૃષ્ટિએ ત્યાં એ લોકો ભૌતિક અને રોજિંદા વ્યવહારના જીવન-ધોરણમાં ખૂબ ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ અનેક રીતે એ લોકો આગળ વધ્યા છે. એ વિશે શંકા નથી. આમ છતાં એ તો કહેવું જ જોઈએ કે, જગતમાં માનવીના યાંત્રિક અને વૈજ્ઞાનિક વિકાસની સાથે તેના નૈતિક કે માનસિક વિકાસે તાલ મિલાવ્યો નથી અને એ ભયંકર બાબત છે. તમે જાણો છો એ પ્રમાણે આજે માનવી પાસે અણુશસ્ત્રો છે. હું માનું છું કે અણુશક્તિનું ઉત્પાદન સરળ બને તો માનવજાતના મોટા લાભની હરણફાળ માટે એનો ઉપયોગ કરી શકાય. મનુષ્યજાતના સર્વનાશ માટે પણ અણુશક્તિનો ઉપયોગ થઈ શકે. વિજ્ઞાન અને ટેક્નૉલોજી સારી કે ખરાબ વસ્તુ નથી. એનો ઉપયોગ કરનાર સારું કે ખરાબ હોઈ શકે; વળી મનુષ્યને હાથ આવાં ભયંકર શસ્ત્રો પડવાનાં હોય તો એ યોગ્ય રીતે કેમ વાપરવાં તે એણે જાણવું જોઈએ: અર્થાત્ યોગ્ય જરૂરિયાતો માટે તેમને યોગ્ય રીતે કેમ વાપરવા તે જાણવા જેટલી તેની નૈતિક અને આધ્યાત્મિક પ્રગતિ થયેલી હોવી જોઈએ. પોતાના અંતિમ લક્ષ્યની જાણ તેને હોવી જોઈએ. હવે એમ કહી શકાય કે વ્યક્તિઓ તરીકે નહીં, પરંતુ બધા ધર્મો, બધાં મંદિરો, મસ્જિદોને ગિરજાઘરો હોવા છતાં પણ સમગ્ર માનવજાતે એટલો વિકાસ સાધ્યો નથી. આ યુગનું એ જ દુર્ભાગ્ય છે. આપણા પડોશી સાથે સભ્યતાથી અને યોગ્ય રીતે કેમ વર્તવું તે પણ આપણે જાણતા નથી અને પુનઃ પુનઃ મહાભયંકર આફતને આરે આવીને જગત ઊભું છે. ત્યારે આપણી ક્ષુલ્લક સાંપ્રદાયિક માન્યતાઓ અને આપણા ક્ષુલ્લક રિવાજો માટે આપણે ઝઘડીએ છીએ ને આપણી જાતને ધાર્મિક ને એવી છાપવાળાં મનુષ્યો તરીકે ઓળખાવીએ છીએ. તો, જગતમાં આપણને બે પ્રકારનાં પરિબળો જોવા મળે છે: તમને ઠીક લાગે તો તમે એને વિનાશનાં પરિબળો અથવા વિકાસનાં પરિબળો કહી શકો છો. આ ક્ષણે હું કહું કે મને વિકાસનાં પરિબળોમાં શ્રદ્ધા છે તો એ મારે માટે શ્રદ્ધાનું કાર્ય છે. એની પાછળ કોઈ તર્ક નથી એમ કહેવા સિવાય એ કથનને હું સત્ય પુરવાર કરી શકું નહીં; એટલું જ કે હું એમાં માનું છું. તેમ છતાં, તમે એમાં માનો કે નહીં તો પણ એકસૂત્રે બાંધતાં અને વિકાસ સાધતાં પરિબળોને આપણે સુદૃઢ શી રીતે કરી શકીએ અને છિન્નભિન્ન કરનાર વિનાશક પરિબળોનો વિરોધ કેમ કરી શકીએ તે વિષે આપણે નિર્ણય કરી લેવો જોઈએ. તમારા પાયામાં થોડીક પણ નૈતિકતા હોય તમારા આદર્શોને અને તમારા જીવનને એકસૂત્રિત રાખે તેવા નૈતિક ખ્યાલો હોય તો જ તમે એ કરી શકો એમ મને લાગે છે. તમારી પાસે એ નહીં હોય તો, મને લાગે છે કે, વિનાશક પરિબળો જ જોર કરવાનાં.
જેનાથી મેં આરંભ કર્યો હતો તે તરફ હવે આપણે વળીએ. શ્રીરામકૃષ્ણ પરમહંસ જેવા, સ્વામી વિવેકાનંદ જેવા અને મહાત્મા ગાંધી જેવા લોકો એકતાની અને વિકાસની વિશ્વવંદ્ય વિભૂતિઓ છે. (જોરથી અને પ્રલંબ તાળીઓ) એમણે જે ચોક્કસ બોધ આપ્યો છે એટલા પૂરતું જ માત્ર નહીં, પણ જગતને જોવાની એમની દૃષ્ટિ અને જગત પર એમની જાણ્યે-અજાણ્યે જે અસર પડી છે તે આપણે માટે અતિ અગત્યની છે. મહાત્માજીની કોઈ વાતને તમે આર્થિક કે અન્ય ભૂમિકાઓથી ભલે સ્વીકારો કે નહીં, જીવન પ્રત્યે જોવાની એમની દૃષ્ટિ અને ભારતના વિવિધ કોયડાઓના ઉકેલ માટેનો એમનો રચનાત્મક, એકતાલક્ષી અભિગમ ખૂબ જ અગત્યનો છે. એનો સ્વીકાર કરો તો તમે વિનાશની ઉન્મૂલનની તરફદારી કરો છો. એમણે આપેલી ખાસ સલાહ ઉપરાંત, એમનો અભિગમ તાત્ત્વિક રીતે ભારતનો, ભારતીય મનનો અને ભારતીય બુદ્ધિમત્તાનો હતો … શ્રીરામકૃષ્ણ ભલે ભગવાનના અને ધર્મના જીવ હતા અને રાજકારણ વિશે કશું જ બોલતા ન હતા છતાંય એમનો મૌલિક અભિગમ લક્ષમાં લેવાનો છે. હું રાજકારણનો જીવ છું ને આધ્યાત્મિક ને એવી બીજી બાબતોમાં બહુ માથું મારતો નથી કે એ વિશે બોલતો નથી તે છતાં મને લાગે છે કે આપણું જાહેરજીવન અને સામાન્ય રીતે આપણું સમગ્ર જીવન એ આધ્યાત્મિક તત્ત્વ અને નૈતિક માપદંડ વિના ખૂબ રંક થઈ જશે. બાકીની દુનિયાની માફક ભારત આ કપરા કોયડાઓનો સામનો કરી રહ્યું છે. અને વ્યક્તિઓ, કોમો, સમૂહો કે રાષ્ટ્રો તરીકે આપણી સૌની આકરી કસોટી થઈ રહી છે. ભારતમાં મને શ્રદ્ધા છે તેથી હું માનું છું કે, આ કસોટીઓ ભારત પાર કરશે એટલું જ નહીં પણ, એથી આગળ વધશે; હું માનું છું તે એ કારણે કે આપણી નબળાઈઓ છતાં, રાષ્ટ્રમાં પાયાની એક ચેતના છે, ને એને લઈને હજારો વર્ષથી આ રાષ્ટ્ર ચાલી રહ્યું છે તથા હવે તક મળતાં એ શક્તિ ઘણી અસરકારક રીતે કાર્ય કરશે. મને એ શ્રદ્ધા છે જ; પરંતુ કેવળ શ્રદ્ધા પૂરતી નથી. એ દર્શન આપણે ભારતને ભલે લાગું પાડીએ પણ અખિલ વિશ્વને એ લાગું પાડવાનું છે. એ દર્શન સંકુચિત કરનારું નથી. આપણી રાષ્ટ્રભક્તિ સંકુચિત રાષ્ટ્રભક્તિ હોવી જોઈએ નહીં. મહાન રાષ્ટ્રભક્ત હોવા છતાં સ્વામી વિવેકાનંદે આથી જુદું કશું પ્રબોધ્યું ન હતું. એમની રાષ્ટ્રભક્તિ એવા પ્રકારની હતી કે એ ભારતીય રાષ્ટ્રભક્તિમાં ઉતરી ગઈ જે પોતે આંતરરાષ્ટ્રીયતાનો અંશ છે. એટલે આ મહાનુભાવો પાસેથી આપણે એ ઉદાર અભિગમ શીખવાનો છે અને આપણી પૂરી શક્તિ અનુસાર એ શીખીને કામે લાગીએ તો આપણે એમની સ્મૃતિને અંજલી આપી શકીશું અને આપણા દેશને કંઈક લાભ થાય તે રીતે તેની સેવા કરી શકીશું અને માનવજાતની પણ સેવા કરી શકીશું. જયહિન્દ.
– ભાષાંતરકાર: શ્રીદુષ્યંત પંડ્યા
Your Content Goes Here




