(અનુ. શ્રીમનસુખભાઈ મહેતા)

આ યુગમાં નારીજાતિનાં આદર્શ તેઓ (શ્રીમા શારદાદેવી) જ છે. એમનું જીવન અદ્‌ભુત હતું. માનવદેહ ધારણ કરીને એક સાધારણ ગૃહસ્થ નારીની જેમ રહેતાં હોવા છતાં શ્રીશ્રીમા સાક્ષાત્ આદ્યાશક્તિ જગદંબા હતાં. શાસ્ત્રોમાં કાલી, તારા, ષોડશી વગેરે જે દશ મહાવિદ્યાઓનો ઉલ્લેખ છે, શ્રીશ્રીમા એમાંનાં એક હતાં. યુગધર્મની સ્થાપના માટે તેઓ શ્રીરામકૃષ્ણની નરલીલામાં પરિપૂરકરૂપે અવતર્યાં હતાં. સાધારણ માનવ ભલા એમને કેવી રીતે સમજી શકશે? શરૂઆતમાં અમે લોકો પણ એમને સમજી શક્યા ન હતા. તેઓ પોતાના દૈવી રૂપને એવી રીતે આવૃત રાખતાં કે કોઈને માટે એમને સમજવાં કઠિન હતું.

તેઓ કોણ હતાં, તે વાત શ્રી ઠાકુર જ બરાબર જાણતા હતા અને સ્વામીજી પણ એમને અમુક હદ સુધી સમજ્યા હતા. પશ્ચિમના દેશોની યાત્રા કરતાં પહેલાં સ્વામીજીએ એક માત્ર માતાજીને જ પોતાનો ઉદ્દેશ્ય બતાવ્યો હતો અને એમના આશિષ લઈને જ સમુદ્રપાર ગયા હતા. શ્રીશ્રીમાએ પણ એમને ખૂલા મને આશીર્વાદ દેતાં કહ્યું હતું, ‘બેટા, દિગ્વિજય કરીને પાછા ફરજો. તમારા મુખમાં સરસ્વતી વિરાજિત હો.’ અને થયું પણ એવું જ. માતાજીના આશીર્વાદથી સ્વામીજી વિશ્વવિજયી બન્યા. ક્યારેક ક્યારેક તો સ્વામીજી આવું પણ કહેતા કે શ્રીશ્રીમા શ્રીરામકૃષ્ણથી પણ વધારે મહાન છે! શ્રીશ્રીમા પ્રત્યે એમની શ્રદ્ધા આટલી ગહન હતી!  શ્રીરામકૃષ્ણે એક વાર કહ્યું હતું, ‘નોબતખાનામાં જે (મા) છે, તે જો કોઈના પર નારાજ થઈ જાય, તો એને બચાવવાની ક્ષમતા મારામાં પણ નથી.’

મહાશક્તિ – સ્વરૂપિણી શ્રીશ્રીમાએ વિશ્વની નારીજાતિને જાગ્રત કરવા માટે માનવદેહ ધારણ કર્યો હતો. જુઓને, શ્રીશ્રીમાના આવિર્ભાવ પછીથી બધા દેશોની નારીઓમાં કેવું જાગરણ જોવા મળે છે! હવે તેઓ પોતાનાં જીવનને સર્વાંગસુંદર બનાવવા અને બધા વિષયોમાં ઉન્નતિ કરવા કટિબદ્ધ થઈ છે. હજી તો એવું બધું થયું છે શું ? આ તો માત્ર શરૂઆત છે. જેમ વૈદિક અને પૌરાણિક યુગમાં ગાર્ગી, મૈત્રેયી, સીતા, સાવિત્રી જેવાં અદ્‌ભુત નારી-ચરિત્રોનો વિકાસ થયો હતો, એવી જ રીતે આ યુગની નારીઓમાં આધ્યાત્મિકતા, રાજનીતિ, વિજ્ઞાન, શિલ્પકલા, સાહિત્ય જેવા બધા વિષયોમાં અત્યંત આશ્ચર્યજનક જાગરણ થયું છે; હવે પછી વધારે થશે. આ બધું દૈવીશક્તિનો ખેલ છે. સાધારણ મનુષ્ય એનો મર્મ સમજી ન શકે.

શ્રીશ્રીમા બધાંની મા હતાં. એમનામાં કેટલી દયા, કેટલી ક્ષમા અને કેવી અદ્‌ભુત સહનશીલતા હતી! અમે લોકો પણ એમને ક્યાં સમજી શક્યા છીએ! બસ, તેમણે કૃપા કરીને એટલું સમજાવી દીધું છે કે તેઓ સાક્ષાત્ જગદંબા હતાં. જ્યાં સુધી તેઓ પોતે જ કૃપા કરીને પોતાનું સ્વરૂપ પ્રગટ ન કરતાં, ત્યાં સુધી તેમને કોઈ સમજી ન શકતું. પહેલાં યોગીન મહારાજે (સ્વામી યોગાનંદ) અને પછીથી શરત્ મહારાજે (સ્વામી શારદાનંદ) માતાજીની ખૂબ સેવા કરી હતી. મેં પણ એકવાર જયરામવાટી જઈને રસોઈ બનાવીને શ્રીશ્રીમાને જમાડ્યાં હતાં. હું, શશી(સ્વામી રામકૃષ્ણાનંદજી) અને કોઈ બીજી એક વ્યક્તિ પણ હતી- બરાબર યાદ નથી, કદાચ ખોકા મહારાજ હતા-અમે ત્રણેય શ્રીશ્રીમાનાં દર્શન કરવા જયરામવાટી ગયા હતા. એ દિવસોમાં જયરામવાટીની મુસાફરી ઘણી અસુવિધાજનક હતી અને ભક્તજનો પણ ત્યાં બહુ ઓછા આવતા. અમે શ્રીશ્રીમાને પહેલેથી જ સૂચના આપી દીધી હતી. અમને જોઈને શ્રીશ્રીમાને જે આનંદ થયો, તે અવર્ણનીય છે. આખો દિવસ તેઓ અમને ખવડાવવા અને અમારી સુખસુવિધાની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત રહ્યાં. જયરામવાટી એક નાનું એવું ગામ છે અને ત્યાં બહુ ઓછી ચીજવસ્તુઓ મળી રહેતી. આમ છતાં પણ શ્રીશ્રીમાએ ભાતભાતની શાકભાજીની અને ગોવાળને બોલાવીને દૂધની વ્યવસ્થા પણ કરી લીધી હતી. શ્રીશ્રીમા જાણતાં હતાં કે કોલકાતાના લોકોને ચા પીવાની ટેવ હોય છે, એટલે એમણે અમારા માટે ચાની વ્યવસ્થા પણ કરી રાખી હતી. આખો દિવસ આનંદમાં વીતી ગયો. અમે લોકો તાલપુકુર તળાવમાં નાહ્યા. શ્રીશ્રીમા પ્રાય: અમારી સામે ન આવતાં અને વાતચીત પણ ન કરતાં.

રાતે ભોજન પછી સૂતી વખતે શશી મહારાજની સાથે વિચારવિમર્શ કરીને એવું નક્કી થયું કે પછીના દિવસે અમે લોકો રસોઈ બનાવીને શ્રીશ્રીમાને જમાડીશું. આગલે દિવસે સવારે ચા પીધા પછી જ્યારે શ્રીશ્રીમા સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો, તો પહેલાં એમણે હસીને અમારી વાતને ઉડાવી દીધી. પછી એમણે કહ્યું, ‘ભલા, આ કેમ થઈ શકે, બેટા ? હું મા છું. હું તમને ભોજન બનાવીને ખવડાવું, એ વાત ક્યાં અને ઊલટાનું તમે જ ભોજન બનાવીને મને જમાડવા ઇચ્છો છો ! વળી તમે લોકો રાંધશો કઈ રીતે? ધુમાડાથી તમારી આંખોમાં પીડા થશે.’ તેઓ આવી રીતે રાંધવાની અનેક મુશ્કેલીઓની વાત કરવા લાગ્યાં. પરંતુ અમે શ્રીશ્રીમાએ બતાવેલી મુશ્કેલીઓને સ્વીકારીને રાંધવા માટે હઠ કરવા લાગ્યા. અંતે મેં કહ્યું, ‘અમે લોકો બ્રાહ્મણ કુળના છીએ, અમારા હાથની રસોઈ ખાવામાં તમને કોઈ આપત્તિ ન હોવી જોઈએ ! શ્રીઠાકુરે પણ અમારા હાથે રાંધેલી રસોઈ ખાધી હતી.’ વગેરે વગેરે. અંતે માતાજી રાજી થયાં. શશી મહારાજે અને મેં રસોઈ બનાવી. માતાજીએ પ્રસન્નતાપૂર્વક ભોજન લીધું અને ઘણું પસંદ પણ પડ્યું.

એ વખતે કેટલાય દિવસો સુધી અમે લોકો શ્રીશ્રીમા પાસે ખૂબ આનંદપૂર્વક રહ્યા. અહા, એમનો તે કેવો સ્નેહ હતો ! બાળપણમાં જ મારાં માતાનું દેહાવસાન થવાને કારણે માની મમતા શું હોય છે, તે વાત પ્રાય: હું ભૂલી જ ગયો હતો! એ મમતાનો ફરીથી અનુભવ કરીને હું અભિભૂત થઈ ગયો. થોડા દિવસો બાદ મને કંપારી સાથે તાવ આવ્યો. એ દિવસ સાંજથી જ ર્જીણજ્વરને કારણે મને થોડી થોડી ગરમી લાગવા માંડી છતાં પણ મેં રાતનું ભોજન લઈ લીધું, કારણ કે શ્રીશ્રીમાને ત્યાં ખાવામાંથી છુટકારો મળે તેમ ન હતો. રાતે સૂતા પછી ખૂબ ટાઢ આવી અને તાવ વધવા લાગ્યો. રાત વધવા સાથે મારો તાવ પણ વધતો ગયો. રાતભર હું લગભગ બેહોશ પડી રહ્યો. સવારના સમયે મેં શશી મહારાજને બોલાવી ધીમે અવાજે કહ્યું, ‘ભાઈ, હવે અહીં વધારે વખત રોકાવું ઠીક નથી. અહીં બીમાર પડીને પડ્યા રહેવાથી શ્રીશ્રીમાનું કષ્ટ વધી જશે. સવાર થતાં જ અહીંથી જલદી નીકળી જવું પડશે. ત્યાર પછી જે થવાનું હોય તે ભલે થાય.’ શશી મહારાજ પણ સહમત થયા. સવાર થતાં જ અમે ત્રણેયે શ્રીશ્રીમાને પ્રણામ કર્યા અને વિદાય માગી. અમને આટલા જલદી પાછા ફરતાં જોઈને પહેલાં તો શ્રીશ્રીમાએ બહુ રોક્યા, પરંતુ અમારો પ્રબળ આગ્રહ જોઈને અંતે તેઓ રાજી થયાં.

તેઓ અમારા સૌનાં મા છે, સાક્ષાત્ જગદંબા છે, શ્રીઠાકુરની દિવ્યલીલાની પરિપૂર્તિ માટે એમણે માનવ દેહ ધારણ કર્યો છે. શ્રીશ્રીમાના યથાર્થ રૂપને અમારામાંથી કોઈપણ સમજી શક્યા નથી. એમનો ભાવ એટલો ગંભીર હતો કે ભલા, એમના એ દિવ્ય સ્વરૂપને કોણ સમજી શકે? તેઓ સાક્ષાત્ ભગવતી છે, એ વાત કોણ સમજી શકે તેમ હતું! એક દિવસ શ્રીઠાકુરે મને કહ્યું હતું, ‘ત્યાં મંદિરમાં જે મા છે અને નોબતખાનામાં જે મા છે- એ બન્ને અભિન્ન છે !’ શ્રીશ્રીમાને પ્રણામ કરીને એમની પાસેથી ભક્તિ અને શ્રદ્ધા મેળવવા ખૂબ પ્રાર્થના કરવી જોઈએ. પ્રસન્ન થતાં જ તેઓ જીવને ભુક્તિ-મુક્તિ વગેરે બધું આપી દે છે.

શ્રીશ્રીમા જ્યારે દક્ષિણેશ્ર્વરમાં શ્રીઠાકુરનાં ચરણોમાં રહેવા આવ્યાં ત્યારે શ્રીઠાકુરે એમને ઘણા સ્નેહપૂર્વક પોતાની પાસે રાખ્યાં અને પ્રયત્નપૂર્વક એમણે સાધનભજન વિષયક ઉપદેશ આપ્યો; દરેક રીતે ઉત્સાહિત કર્યાં અને એમને સહાયતા કરી. પરંતુ શ્રીઠાકુરે નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કર્યા પછી આ બધું કર્યું હતું. આ વિશે શ્રીઠાકુરે અમને કેટલીય વાર કહ્યું હતું, ‘કાલીમંદિરમાં જે મા છે, આની ભીતર(પોતાના દેહને બતાવીને) એ જ મા બિરાજમાન છે. અને એ જ મા (શ્રીમા શારદાદેવીના રૂપે) મારી પાસે રહે છે.’ શ્રીઠાકુરે એવું શા માટે કહ્યું, એ જાણવાની અમારી કોઈ રુચિ ન હતી અને અમે ક્યારેય એ જાણવાનો પ્રયાસ પણ ન કર્યો. અમે તો એટલું જ જાણતા હતા કે શ્રીઠાકુરે આમ કહ્યું હતું. ભગવાને સ્વયં માનવદેહ ધારણ કર્યો અને શ્રીરામકૃષ્ણના રૂપે અવતર્યા. એમના ઉદ્દેશોને સમજવા એ અમારા જેવા સીમિત બુદ્ધિવાળા લોકોની બુદ્ધિથી પર છે અને અમને ક્યારેય એ સમજવાની ઇચ્છા પણ નથી.

મહામાયાએ જીવોના કલ્યાણ માટે પોતે જ જન્મ લીધો હતો. એમની માનવીય લીલા સમજવી ઘણી કઠિન છે. તેઓ પોતે જ આપણા પર કૃપા કરીને એ સમજાવી ન દે, તો ભલા કોણ સમજી શકે! તેઓ કેટલી સાધારણ રીતે રહેતાં હતાં ! કેટલાં ગુપ્ત હતાં ! જાણે કે છદ્મવેશમાં રહેતાં ન હોય!

અમારાં માનું નામ છે શારદા. મા પોતે જ સરસ્વતી છે. તેઓ જ કૃપા કરીને જ્ઞાન આપે છે. જ્ઞાન અર્થાત્ ભગવાનને જાણવા, જ્ઞાન થવાથી જ સારી એવી ભક્તિ થવી સંભવ છે. જ્ઞાન વિના ભક્તિ થતી નથી. શુદ્ધજ્ઞાન અને શુદ્ધભક્તિ બન્ને એક છે. શ્રી શ્રીમાની કૃપાથી આ બધું થવું સંભવ છે. શ્રી શ્રીમા જ જ્ઞાનનાં સ્વામિની છે. તેઓ જો કૃપા કરીને બ્રહ્મવિદ્યાનું દ્વાર ખોલી દે, તો જ જીવ બ્રહ્મવિદ્યાનો અધિકારી બની શકે છે, અન્યથા નહીં. દુર્ગાસપ્તશતીમાં કહ્યું છે: ‘સૈષા પ્રસન્ના વરદા નૃણાં ભવતિ મુક્તયે – આ મહામાયા જ પ્રસન્ન થઈને મનુષ્યને મુક્તિનું વરદાન આપે છે.’

મઠમાં શ્રી શ્રીમાની જેવી પૂજા થાય છે એવી બીજે ક્યાંય થતી નથી. અહીંની પૂજા બરાબર ભક્તિની પૂજા છે. અમારી કોઈ કામના નથી, અમે તો કેવળ શ્રી શ્રીમાની પ્રસન્નતા માટે આ પૂજા કરીએ છીએ. અમારા વરાહનગર મઠથી જ સ્વામીજીએ દુર્ગાપૂજાની શરૂઆત કરી હતી. એ સમયે ઘટ તથા છબિમાં પૂજા થતી. …પછીથી આ મઠમાં સ્વામીજીએ સર્વપ્રથમ પ્રતિમામાં પૂજનનો આરંભ કર્યો. પૂજાના સમયે શ્રી શ્રીમાએ પણ કેટલાક દિવસો માટે બેલુર આવીને નીલાંબર બાબુના મકાનમાં નિવાસ કર્યો હતો. શ્રી શ્રીમાએ કહ્યું હતું, ‘મા દુર્ગા અહીં દર વર્ષે આવશે.’

શ્રી શ્રીમા જ સાક્ષાત્ સરસ્વતી છે. એમની જ કૃપાથી અમારા મઠમાં એમની નિત્ય પૂજા થાય છે. તેઓ જ કૃપા કરીને બધાનાં અજ્ઞાન દૂર કરે છે અને જ્ઞાન-ભક્તિ આપે છે.

અમારાં શ્રી શ્રીમા કોઈ સાધારણ માનવ નથી. તેઓ અવતારવરિષ્ઠનાં લીલાસંગિની છે. શ્રીરામકૃષ્ણની લીલાની પુષ્ટિ માટે એમણે માનવદેહ ધારણ કર્યો છે. આ જ મા શ્રીરામ, શ્રીકૃષ્ણ, બુદ્ધ, ચૈતન્ય જેવા બધાની સાથે આવ્યાં હતાં. પણ એમને કોણ ઓળખી શકે ? તેઓ એક વધૂની જેમ લાજ કાઢીને રહે છે- તેઓ પોતે જો કૃપા કરીને ન સમજાવે તો એમને કોણ સમજશે ! મનુષ્યના સદ્ભાગ્યે તેઓ આવે છે અને મનુષ્યના દુર્ભાગ્યને લીધે બહુ ઓછા લોકો એમને સમજી શકે છે: ‘આજે પણ મહાપ્રભુ ગોરા રાય એ જ લીલા કરે છે, પરંતુ કોઈક કોઈક ભાગ્યશાળી એમને જોઈ શકે છે.’

(મહાસમાધિ પછી) જેવો શ્રી શ્રીમાના દેહનો અગ્નિસંસ્કાર પૂરો થયો કે તે જ પળે વરસાદ વરસવા લાગ્યો. જાણે કે દેવતાગણ મહામાયાની ચિતા પર શાંતિજળની વર્ષા કરીને ચિતાના અગ્નિને શાંત કરી રહ્યા હતા. ત્યારથી જ આ સ્થાન મહાતીર્થ બની ગયું. સતીના શરીરનાં એક એક અંગ ભિન્ન ભિન્ન સ્થળે પડ્યાં, આમ એકાવન શક્તિપીઠનું નિર્માણ થયું. અને અહીં આ સતીના સંપૂર્ણ દેહના જ અગ્નિસંસ્કાર થયા હતા એટલે બેલુર મઠ કેવળ પીઠ જ નહીં, મહાપીઠ છે! મહાપીઠ ! જય શ્રીમા ! જય શ્રીમા !

શ્રી શ્રીમા સાધારણ માનવી, સાધિકા કે સિદ્ધ ન હતાં. તેઓ નિત્યસિદ્ધ હતાં. કાલી, તારા, ષોડશી, ભુવનેશ્ર્વરી વગેરેની જેમ આદ્યશક્તિના એક અંશની અભિવ્યક્તિ હતાં.  આ યુગમાં તેમનું ભગવાનના ભક્તરૂપે અવતરણ થયું હતું. યુગધર્મ સંસ્થાપક શ્રીરામકૃષ્ણની લીલાઓમાં સહાયક બનીને (પ્રભુની જેમ જ) ગુપ્તરૂપે, બંગાળના એક સામાન્ય ગામડામાં, અત્યંત દીનભાવથી એક નિર્ધન માતપિતાના ઘરમાં અવતરીને તેઓ સર્વદા જીવોના ઐહિક અને પારલૌકિક કલ્યાણમાં તત્પર રહેતાં. અત: જે લોકોને એમની કૃપા મળી છે, જેમણે એમનો એ અહૈતુક માતૃસ્નેહ અનુભવ્યો છે, તે લોકો ધન્ય બની ગયા છે. તેઓ જ કુંડલિની, બધા જીવોનો અંતરાત્મા છે, એ જગદંબાએ અહૈતુક સ્નેહથી વિવશ થઈને જે ભક્તને એક વાર પણ પોતાનાં કરકમળથી સ્પર્શ કર્યો છે તેનું આધ્યાત્મિક ચૈતન્ય નિશ્ર્ચિતરૂપે થઈ ચૂક્યું છે કે એક દિવસ એ ચોક્કસ થશે જ, એવો મારો પૂર્ણ વિશ્વાસ છે.

 

Total Views: 451

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.