૧૮૯૭માં મને વિશ્વવિખ્યાત સંન્યાસી અને યુગનિર્માતા સ્વામી વિવેકાનંદના દર્શનનું સૌભાગ્ય બલરામ બોઝના ઘેર પ્રાપ્ત થયું હતું. બૌદ્ધિક પરિવેશમાં બાળપણ-યુવાની વીત્યાં. ધર્મ મારા માટે અંતરાત્માની ખોજ નહીં, પરંતુ એક બૌદ્ધિક અભિરુચિનો વિષય હતો. કાૅલેજકાળમાં આ મન :સ્થિતિમાં હતો ત્યારે પહેલી વાર શ્રીરામકૃષ્ણનું નામ સાંભળ્યું; એ પણ વિદેશી પ્રાધ્યાપક મેક્સમૂલર જેવી વ્યક્તિના માધ્યમથી. ‘The Nineteenth Century’ પત્રિકાનો ‘A Real Mahatman’ નામનો એમનો લેખ વાંચ્યો.
એ સાચા મહાત્મા બીજા કોઈ નહીં પણ સ્વયં ભગવાન શ્રીરામકૃષ્ણ હતા. મારી સમક્ષ નવાં ક્ષિતિજ અને જ્યોતિ આલોકિત થયાં. આ બધું મારા નાનકડા નગરના નિવાસ દરમિયાન થયું. અને એક વર્ષ પછી મેં શિકાગોમાં આયોજિત સુપ્રસિદ્ધ ધર્મસભા અને તેમાં સ્વામી વિવેકાનંદના અભૂતપૂર્વ વિજય વિશે બધું વાંચ્યું. મને મનમાં પ્રશ્ન થયો કે આ સ્વામી વિવેકાનંદ કોણ છે ? તરત જ જાણવા મળ્યું કે તેઓ મેક્સમૂલરે વર્ણવેલ ‘સાચા મહાત્મા’ શ્રીરામકૃષ્ણના મુખ્ય શિષ્ય છે. પછી એમના જીવનસંદેશ વિશે જિજ્ઞાસા થઈ. સ્વામી વિવેકાનંદ ભારત પાછા ફર્યા ત્યારે એ વિશ્વવિજયી વીરના અભિવાદન માટે સંપૂર્ણ કોલકાતા ઊમટી પડ્યું. કમભાગ્યે હું ત્યારે ત્યાં ન હતો. પણ મેં એ વિશે વિવરણ વાંચ્યાં અને મને લાગ્યું કે ભારતભૂમિ પર આવું સન્માન અત્યાર સુધી કોઈપણ વ્યક્તિને પ્રાપ્ત થયું ન હતું.
મેં સમગ્ર ભારતમાં એમણે આપેલાં બધાં ભાષણોનું વિવરણ વાંચ્યું. મને લાગ્યું, જાણે કે ભારતનો અંતરાત્મા જ એમની ઉક્તિઓના માધ્યમથી અભિવ્યક્ત થઈ રહ્યો છે. એવું તેજ અને એવી શક્તિ મારી સર્વોચ્ચ કલ્પનાથી પર હતાં. એમના વિચારોમાં મને એક નવો ભાવ, નવો દૃષ્ટિકોણ જોવા મળ્યો.
એ રાષ્ટ્રિય હોવા છતાં પણ સાર્વભૌમિક પણ હતો. સ્વામીજીએ વર્ણવેલ હિંદુધર્મમાં બધાં પાસાં વિદ્યમાન હતાં પરંતુ ભારતના સંકીર્ણ સનાતનવાદીઓ, પુરાતનપંથીઓ અને છદ્મ-પુનરુત્થાનવાદીઓના હિંદુધર્મથી તે ઘણો ભિન્ન હતો. જેથી હું સ્વામીજીથી પ્રભાવિત હતો. કોલકાતામાં બી.એ.ના વિદ્યાર્થીરૂપે મને એમનાં બે વ્યાખ્યાનોએ સર્વાધિક પ્રભાવિત કર્યો. એમાંનું એક હતું, ‘કોલકતાના ટાઉનહાૅલનું’ અને બીજું ‘લાહોરનું વેદાંત વિષયક’ પ્રવચન.
મેં અગાઉ કહ્યું તેમ સ્વામીજીને મળવાની મારી ઉત્સુકતા ૧૮૯૭માં સંતોષાઈ. અમે બલરામ બોઝના મકાનના એક હાૅલમાં પ્રવેશ્યા. એટલા બધા લોકો હતા કે ત્યાં તલભારની પણ જગ્યા ન હતી. એમાંના મોટા ભાગના કોલકાતાની કાૅલેજના વિદ્યાર્થીઓ જ હતા. સૌ નીચે પલાંઠીવાળીને બેસી ગયા. સ્વામીજી માટે એક અલગ આસન હતું. ગમે તેમ કરીને અમે હાૅલમાં બેઠા અને આતુરતાપૂર્વક સ્વામીજીના આગમનની રાહ જોવા લાગ્યા. હાૅલમાં પૂર્ણ શાંતિ હતી. થોડી મિનિટ પછી સ્વામીજીએ હાૅલમાં પ્રવેશ કર્યો. એમની ચાલ સિંહ જેવી અને એમના વ્યક્તિત્વની ગરિમા રાજાઓ જેવી હતી. એમનું શરીર હૃષ્ટપુષ્ટ અને બલિષ્ઠ હતું. તેમણે ભગવાં ધારણ કર્યાં હતાં, પગ ખૂલા, મુંડિત મસ્તક અને દાઢી વગેરે પણ સાફ. તેઓ એક પ્રભાવી વ્યક્તિત્વના ધની હતા. એમને જોઈને લાગતું હતું, જાણે કે તેમણે નેતૃત્વ લેવા જ જન્મ લીધો હોય !
તેઓ તત્કાલ આસન પર બેસી ગયા અને એક નજર ફેરવીને બધાની તરફ જોઈ લીધું. એમની વિશાળ આંખો પ્રતિભા તથા આધ્યાત્મિક જ્યોતિથી ચમકતી હતી. તેઓ અંગ્રેજી મિશ્રિત બંગાળી ભાષામાં બોલ્યા. એમના મુખમાંથી શબ્દપ્રવાહ સરી રહ્યો હતો. અમે પૂર્ણ મનોયોગથી એમને સાંભળતા હતા. એમનો પ્રત્યેક શબ્દ અગ્નિના સ્ફુલિંગ જેવો હતો. તેઓ ઘણા આવેશથી બોલતા હતા. બધાને સમજાઈ ગયું કે એમણે જગતને એક સંદેશ આપવા જ જન્મ લીધો છે.
બધામાં ચેતના જગાડવાની એમનામાં અદ્ભુત ક્ષમતા હતી. એમની વાતો સાંભળીને અમને પોતાની ભીતર પ્રેરણાનું ભાન થયું. અમારી ભીતર એક નવી ચેતનાનો સંચાર થયો. સંશયના આ યુગમાં તેઓ જ એવા એક માનવ હતા કે જેમાં શ્રદ્ધાવિશ્વાસ ઠાંસીઠાંસીને ભર્યાં હતાં અને આધ્યાત્મિક શક્તિ તો જાણે કે એક ડાયનેમો હતો. એમનું દર્શન કરવું એ જ એક બોધજ્ઞાન હતું. એમની વાતોમાં પ્રેરણાનો સ્રોત હતો. આ દિવસ મારા જીવનનો સર્વાધિક સ્મરણીય દિવસ હતો. એને ભૂલી જવો અસંભવ છે.
એમણે અમને શું શું કહ્યું ? બળવાન અને આત્મવિશ્વાસી બનવા તેમજ ત્યાગ અને સેવા કરવાનું કહ્યું. શક્તિ એ જ એમનો મુખ્ય સંદેશ હતો. મનુષ્ય નિર્માણ કરનારી કેળવણી પર એમણે ભાર દીધો. એમણે ભારતનાં અધ :પતન અને આમજનતાની દુર્દશાનું સજીવ ચિત્રણ કર્યું. નિર્ધનો, પતિતો અને દલિતો પ્રત્યે એમને કેવી અદ્ભુત સંવેદના હતી ! એ સંવેદનાનો લાખમો ભાગ પણ જો આપણામાં આવી જાય, તો તત્કાલ સમગ્ર દેશની કાયાપલટ થઈ જાય. તેમણે હિન્દુ ધર્મની મહાનતા વિશે બોલતાં કહ્યું, ‘હિન્દુ વિચારો દ્વારા વિશ્વવિજય જોવાની, ઉત્તરધ્રુવથી દક્ષિણધ્રુવ સુધી સર્વત્ર હિન્દુઓને જોવાની જ મારી મહત્ત્વકાંક્ષા છે.’
જ્યારે તેઓ આ શબ્દો ઉચ્ચારતા હતા, ત્યારે જાણે કે હું ધર્મજગતના સાચા નેપોલિયનને જોઈ રહ્યો છું, એવું લાગતું હતું ! મેં સંન્યાસીના ભગવાંની ભીતર એક યોદ્ધાનું હૃદય સ્પંદન કરતું જોયું. આ સ્વામી વિવેકાનંદને મેં એક દીનહીન હિન્દુના રૂપે નહીં, પરંતુ પોતાના જીવનના સર્વાધિક આક્રમક હિન્દુના રૂપે જોયા. તેઓ એ તત્ત્વના બન્યા હતા કે જેનાથી સિકંદર તથા સિઝરનું નિર્માણ થયું હતું, કેવળ સ્વામીજીની ભૂમિકા એ લોકોથી અલગ હતી.
એમના આ શબ્દો મારા કાનમાં અત્યારે પણ ગૂંજી રહ્યા છે : તમારી નસો પોલાદની અને માંસપેશીઓ લોખંડ જેવી સબળ હો. જડતાયુક્ત વર્ષો સુધી જીવવા કરતાં ક્ષણભરનું તેજસ્વી જીવન વધુ શ્રેયસ્કર છે. કાયર વ્યક્તિ પોતાના મૃત્યુ પહેલાં કેટલીયે વાર મરે છે. એક મિથ્યાચારી ધાર્મિક કરતાં એક ઇમાનદાર નાસ્તિક થવું હજારગણું બહેતર છે. ઈર્ષ્યાળુ ન બનો, કારણ કે ગુલામ જ ઈર્ષ્યાળુ હોય છે. Virtue નો અર્થ છે વીરતા. અંગ્રેજીનો આ શબ્દ લેટિનનાં Vir શબ્દમાંથી નિષ્પન્ન થયો છે. એનો અર્થ છે મનુષ્ય અને એ જ ‘વીર’ શબ્દ સંસ્કૃતમાં પણ છે.
લગભગ બે કલાક પછી સ્વામીજી ઊઠીને હાૅલમાંથી ચાલ્યા ગયા અને અમે પણ પોતપોતાને રસ્તે પડ્યા. હું મારા નિવાસસ્થાને પાછો ફર્યો, પણ મને સર્વત્ર સ્વામીજીની વાણી જ પ્રતિધ્વનિત થતી સંભળાતી હતી. હું સ્વામી વિવેકાનંદ સિવાય બીજું કંઈપણ વિચારી શકતો ન હતો. હું જે બાજુએ નજર નાખતો, ત્યાં એમની ઓજસ્વી મૂર્તિ દેખાતી.
Your Content Goes Here





