આઝાદ અને તેજ મિજાજનો એ જુવાન સંન્યાસી. મહારાજાએ ગોઠવેલી મહેફિલમાંથી એ આગના ભડકાની જેમ ઊઠ્યો, અને કોઈની સાડી બાર રાખ્યા વિના સડસડાટ રવાના થઈ ગયો. એના ગેરુઆ રંગની જ્વાળા આખીયે મહેફિલને દઝાડતી ફરી વળી.
અને હજુ તો મહેફિલનો રંગ જામતો હતો. જયપુરની નિપુણ ગાયિકાએ સ્વરલહરી વહેતી કરી રહી હતી. પાંખાળા કંઠને સાજિંદાઓ અનુકૂળ હવાની જેમ સાથ આપી રહ્યા હતા. અને વાતાવરણમાં એક જાતની ઠંડકભરી ખુશ્બૂ, એક જાતની મોહક લાલી છવાઈ ગઈ હતી. ત્યાં સંન્યાસીએ આંધીની જેમ ઊઠીને આ ગુલાબી દુનિયા વેરવિખેર કરી નાખી. સહુ જાણતા હતા કે સંન્યાસી કોઈ રુખોસૂકો વેરાગી નથી. સંગીતનો એ પૂરો જાણકાર છે. બહુ નાની વયથી કાબિલ ઉસ્તાદો પાસે તેણે તાલીમ મેળવી છે. અને એના કંઠમાં એવો જાદુ ભર્યો છે કે માટીનાં માનવી તો શું, ખુદ ભવતારિણી શ્યામા નાગની જેમ ફેણ માંડીને મંત્રમુગ્ધ બની એનું ગાન સાંભળી રહે છે!
પણ કોણ જાણે શું થયું તે સ્વામીનું દિલ એકાએક મહેફિલમાંથી ઊઠી ગયું. પોતાની મોટી-મોટી ને કાળી આંખોની એક જ નફરતભરી નજરથી ગાયિકાને આરપાર વીંધીને તે ચાલ્યા ગયા. મહારાજાએ પાછળ દોડીને સ્વામીને રોકવા પ્રયત્ન કર્યો પણ તે ન ફાવ્યા. મહારાજા, દરબારીહજૂરિયા કાંઈ સમજી ન શક્યા. ગુરુમહારાજ આમ ગુસ્સામાં આવી કેમ ઊઠી ગયા? કોઈએ બેઅદબી કરી? કાંઈ ગફલત થઈ? ગુનો થયો? સંગીતમાં કંઈ કસૂર આવી ગઈ? આખી મહેફિલમાં ઉદાસી છવાઈ ગઈ. અને ગાયિકા અધજલી શમાની જેમ મહેફિલ વચ્ચે બેનૂર થઈને બેસી રહી.
સ્વામીએ પોતાના તંબૂમાં આવી આમતેમ ટહેલવા માંડ્યું. તેના દિલમાં દરિયો ડોવાતો હતો. સંગીતના જીવનમૂળ જડેલા રસથી તેણે મહેફિલમાં હાજરી આપી હતી. ઘડીભર સુરીલા કંઠ પર મુગ્ધ બની એનો પ્રાણ દૂધિયા વાદળની જેમ આસમાનના કિનારા માપવા નીકળી પડ્યો હતો. આનંદ-સમાધિની ભાવ-ભરતી એના અંતરમાં ઘૂઘવતી હતી. ત્યાં અચાનક એની નજર ગાયિકા પર પડી. પોતાની આસપાસ ચમક-દમક થતા રજવાડી ઠઠેરાનાં તીખાં કિરણોએ તેની આંખમાં ભાલાં પરોવ્યાં. સદાયે ભીતરનાં પડ ભેદવા મથતા એના અંતરાત્માએ બતાવ્યું: એક સર્વત્યાગી સંન્યાસી બેઠો છે: ક્યાં? દરબારી હૉલમાં. ખાસાઓનાં મંડળ વચ્ચે. અને તેની સામે શું ચાલી રહ્યું છે? એક તાયફાનું નાચગાન. ઝાકળ-ભીની યાળ ખંખેરીને છલંગ મારતા કેસરીની જેમ એ જ પળે સંન્યાસી દરબાર હૉલ છોડી ગયો.
સ્વામીનું અંતર વલોવાતું હતું: આ માટે સંન્યાસ લીધો હતો? માની મમતા ને ઘરની માયા આ માટે મૂકી હતી? તેને પોતાનું બાળપણ યાદ આવ્યું. કલકત્તાની થિયેટર બાજુની ફૂટપાથ ઉપર પણ તે નહોતો ચાલતો. કોઈ મોહજાળમાં ફસાયા વિના પરમને બારણે સીધા પહોંચી જવાની તેને અદમ્ય ઝંખના હતી. અને એ બારણાં એમ ન ઊઘડે તો હથોડા મારીને પણ ભાંગી નાખવાની તેની ભુજામાં તાકાત હતા. એ જ આદમી આજે કેવી રેશમી જાળ પોતાની આસપાસ વણી રહ્યો હતો! એને પોતાના ગુરુ યાદ આવ્યા. માથાં પછાડી મરી જાઓ છતાં ન મળે એવા ગુરુ. એને તો વાછરુ માટે ધલવલતી ગાયની જેમ સામેથી મળ્યા હતા. કેટલો અગાધ પ્રેમ હતો એમનો! કેવો અડગ વિશ્વાસ! ‘મારો નરેન’ કહેતાં એમની છાતી ફાટફાટ થતી. ‘મારો નરેન તો મસ્ત હાથી. ક્યાંય બંધાય નહિ. મારો નરેન તો શુકદેવ સરીખો. દુનિયાને અમૃત પાવા આવ્યો છે. કોઈ દી એઠાં પતરાળાં ચાટે નહિ.’
સ્વામીની છાતીમાં કાતીલ ચોટ લાગી: અને અત્યારે હું શું કરી રહ્યો છું? એક રાજાના હજૂરિયા ભેળો બેઠો છું. એક તાયફાનું ગાણું સાંભળું છું. મારું આસન ભારતના અત્યંત દીનહીન કંગાલોના કૂબામાં હોય. સ્વામીએ હોઠ ભીડ્યા. મહારાજાની ભારોભાર ભાવભક્તિ હોવા છતાં અહીંથી ભાગી છૂટવા એની આઝાદ તબિયત પોકારી ઊઠી. આ નાચમુજરા સાથે એને શી નિસબત? ત્યાં ગાયિકાનો સ્વર, કરુણ-કાતર સ્વર સંભળાયો.
‘પ્રભુ, મોરે ઔગુન ચિત્ત ન ધરો.
સમરદરસી હૈં નામ તિહારો, ચાહે તો પાર કરો.
ઈક લોહા પૂજામેં રાખત, ઈક ઘર બધિક પરો,
યહ દુબિધા પારસ નહિ જાનત કંચન કરત ખરો.
એક નદિયા, એક નાર કહાવત મૈલો નીર ભરો,
જબ મિલકે દોઉ એક બરન ભયે, સૂરસરિ નામ પરો.
યહ માયા ભ્રમ-જાલ કહાવત સુરદાસ સગરો,
અબકી બેર મોહિં પાર ઉતારો, નહિ પન જાત ટરો.’
સ્વામીના પગ થંભી ગયા. એનું હૈયું હલમલી ઊઠ્યું. ગીતનો ધ્વનિ સ્પષ્ટ હતો. એક મર્મભેદક વેદનાથી એ તિરસ્કૃત નારીકંઠ સ્વામીને સાદ કરતો હતો: – પોતાનો ધરમ સંભાળવા. આખી દુનિયા આ પતિત ગણાતી સ્ત્રીની ભલે અવહેલના કરે, એક માટીના ઢેફાની જેમ એને પગ તળે રગદોળે, પણ એનામાં રહેલા અપૂજ દેવત્વને સ્વામી પણ નહિ પિછાણે તો એનીપ્રાણ પ્રતિષ્ઠા કોણ કરશે? પારસ પોતાનો ધર્મ ચૂકે તો બીજા પથરા ને પારસમાં ફેર શો? ગાયિકાને કંઠે જ જાણે ગુરુ કહી રહ્યા હતા:
‘રે ચોખલિયા! સુગાળ! કાયર! આવી રીતે નાસી જઈને તું દુનિયાના મેલ ધોવાનો? પતિતની અંદર અંધારે ખૂણે પડેલા દેવત્વને ક્યારે દેખીશ? જરા જો! ને તારા નિર્મલ પ્રેમથી જગાડી બતાવ! તિરસ્કારથી તો ક્યાંયે તેજ આવતું નથી.’
સ્વામીની આંખેથી જાણે પડળ ઊતરી ગયાં. પોતે જેને અધમ માની અવગણી હતી એ ગાયિકાએ તેને જીવનનું નવું દર્શન કરાવ્યું. સુરદાસનું આ પદ જાણે નવું આંજણ આંજી ગયું. સ્વામીએ જોયું તો શૂર્પણખાનો બેડોળ અને બિહામણો બુરખો હટાવી સીતાનું સુંદર ને પવિત્ર મુખ તેની સામે મલકી રહ્યું છે! અને વર્ષો પહેલાં ગુરુએ વર્ણવેલો અનુભવ તેને યાદ આવી ગયો. ગુરુએ કહ્યું હતું ‘હું રસ્તે જતો’તો. રસ્તાના એક નાકા પર આસમાની સાડી પહેરીને એક વેશ્યા ઊભી હતી. મને એનામાં રામની વાટ જોતાં સીતાજીનાં દર્શન થયાં.’
લોખંડી સ્વામીને માખણથીયે મૃદુ ગુરુનાં વેણ ગાળી નાખતાં હતાં. ભેદમાત્ર ભૂંસી નાખીને એક જ ચૈતન્યને ચારે તરફ જોવા ને જાગૃત કરવાની હાંક મારતા હતા અને પેલી ગાયિકાની સ્વર-લહરી તો ભૂલા પડેલા બાળકની જેમ હજુયે અસહાય બની અથડાતી હતી. સ્વામીએ ચુપચાપ ફરી હૉલમાં પ્રવેશ કર્યો. ગાયિકાના ચહેરા પર અપાર આનંદની ઝલક છવાઈ ગઈ. એનો પ્રફુલ્લ કંઠ જાણે કોઈ પરમ કરુણા ઝીલતો છલકી ઊઠ્યો અને સ્વામીની આંખમાંથી દડ દડ દડ આંસુ સરી પડ્યાં.
Your Content Goes Here




