૧૯૯૮ના ફેબ્રુઆરીની ૭મીએ, બેલુર મઠમાં અખિલ ભારતીય ભક્ત સંમેલનમાં શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના બારમાં પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલા પ્રવચનનો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

પ્રિય શ્રીરામકૃષ્ણ-ભક્તો,

કાનૂની દૃષ્ટિએ રામકૃષ્ણ મિશનને નામે ઓળખાતી સંસ્થા સો વર્ષ પૂરાં કરે છે તેના વિશિષ્ટ પ્રસંગે આપણે સૌ અહીં ભેગાં થયાં છીએ. અલબત્ત, શ્રીરામકૃષ્ણના ભક્તોને માટે તથા તેમને માટે આદર છે તે સૌને માટે, આ પ્રસંગ એ યુગપુરુષની શતાબ્દીનો છે. નવા યુગની છડી પોકારનાર તરીકે શ્રીરામકૃષ્ણને માનનાર સૌને આ રામકૃષ્ણ મિશનની છાપ લાગેલી છે. ‘ભક્ત’ શબ્દ હું વાપરું છું તેમાં શ્રીરામકૃષ્ણના સર્વભક્તોનો સમાવેશ હું કરું છું. રામકૃષ્ણ મિશનની શતાબ્દી ઉજવવા ભલે આપણે આજે મળતાં હોઈએ પરંતુ, શ્રીરામકૃષ્ણના ભક્તો એમને ચરણે બેસવા લાગ્યા ત્યારથી, અર્થાત્, ઘણા સમય પૂર્વેથી રામકૃષ્ણ સંઘનું કેન્દ્ર બંધાઈ ગયું હતું. ધીમે ધીમે એ બીજ મોટા વૃક્ષમાં વિકસ્યું છે. એની શાખાઓ માત્ર ભારતમાં જ ફેલાઈ છે એનું નથી પણ, આ દેશની સરહદોની બહાર અનેક સ્થળોએ પણ ફેલાઈ છે.

માનવજાતિનાં અનેકવિધ પાસાંઓને ધારણ કરતા હોઈ, શ્રીરામકૃષ્ણને સમજવા ખૂબ કઠિન છે. ઉદાહરણ તરીકે, એ ભક્ત હતા, સામાજિક વ્યક્તિ હતા, આપણે જેમને યુગપુરુષ કહીએ તેવા યુગપ્રવર્તક હતા. કોઈકવાર આપણે તેમનો વિચાર મહાન ભક્ત તરીકે કરીએ છીએ, કોઈકવાર અતિ વિનમ્ર વ્યક્તિ તરીકે કરીએ છીએ, કોઈકવાર લોકો પ્રત્યે ખૂબ સહાનુભૂતિ ધરાવનાર પુરુષ તરીકે તો કોઈકવાર, જે આધ્યાત્મિક જ્ઞાનનો લાભ આપવા તે આવ્યા હતા તે જ્ઞાનના ભંડાર તરીકે તેમનો વિચાર કરીએ છીએ.

ભૂતકાળમાં જે કંઈ સારું હતું તેના એ પ્રતિનિધિ છે તેમજ, ભાવિની બધી શક્યતાઓના પણ એ પ્રતિનિધિ છે. ભૂતકાલીન સંસ્કૃતિઓમાં જે કંઈ શુભ હતું તે બધું આપણે જાળવી રાખી શકીએ અને, ભાવિને દિશા આપી શકીએ તે દર્શાવવા તે આવ્યા હતા.

શ્રીરામકૃષ્ણને અને એમના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદને અંજલિ આપવા આપણે સૌ અહીં એકત્રિત થયાં છીએ. પૂજ્ય મા શારદાદેવીનો હું જુદો ઉલ્લેખ એ માટે નથી કરતો કે, એમનું વ્યક્તિત્વ શ્રીરામકૃષ્ણના વ્યક્તિત્વ સાથે એકરૂપ છે. એ સૌને આપણે આદરપૂર્વક પ્રણમીએ. સ્વામીજીએ કહ્યું છે કે, શ્રીરામકૃષ્ણના જન્મથી સત્ય યુગનો આરંભ થયો છે. શ્રીરામકૃષ્ણ સમી વિભૂતિઓ ક્ષિતિજ પર પ્રગટે ત્યારથી જ નવા યુગનો આરંભ થાય અને, ઉત્ક્રાંતિને ૫થે લોકો આગળ વધે. આ ઉત્ક્રાંતિ શબ્દ વ્યાપ્તિવાળો છે અને તેનો અર્થ આધ્યાત્મિક, સામાજિક અને બધાં પાસાંઓની ઉત્ક્રાંતિ થાય છે.

ભારતની ક્ષિતિજે શ્રીરામકૃષ્ણ દેખાયા ત્યારે કોણ જાણતું હતું કે, એમની અસર ચોમેર ફેલાઈ રામકૃષ્ણ આંદોલન નામનું આંદોલન પેદા કરશે? એમનાથી આરંભાયેલું આંદોલન હજી ચાલી જ રહ્યું છે અને, આખા જગતમાં બલવત્તર થતું જાય છે. જ્યાં જ્યાં લોકો આધ્યાત્મિક સત્ત્વો તરીકે વિકસવા ઝંખે છે ત્યાં ત્યાં, એ આ સંઘ ઊભો કરે છે.

આજે અહીં એકત્રિત થના૨ આપ સૌ પર અને, હવે પછી આવનાર સૌ પર, અહીં આવી શ્રીરામકૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરનાર સૌ પર શ્રીરામકૃષ્ણના, પૂજ્ય શારદામાના તથા સ્વામીજીના આશીર્વાદ વર્ષો તેવી હું પ્રાર્થના કરું છું; શ્રીરામકૃષ્ણે જે વિકાસ સાધ્યો છે તેમાં સૌ ભાગીદાર બનો. આપ સૌને મારી શુભેચ્છા અને શ્રીરામકૃષ્ણ, પૂજ્ય શારદામાં તથા સ્વામીજીને પ્રણામ.

ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 214

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.