(લેખક શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક સહકાર સમિતિના સભ્ય છે અને તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ-ભાવધારા સાથે દીર્ઘકાળથી જોડાયેલા છે. -સં.)

સામાન્ય રીતે પ્રાર્થના એટલે આજીજી કે વિનંતી. ધાર્મિક દૃષ્ટિએ પ્રાર્થના એટલે ઈશ્વરની સ્તુતિ, ભાવપૂર્વક નિર્મળ હૃદયથી ભગવાન સાથેનું અનુસંધાન. ઈશ્વરની મૂર્તિ અસ્તિત્વમાં આવી તે પહેલાં આપણા પૂર્વજો કુદરતની અપૂર્વ લીલાનું અહોભાવની લાગણીથી મનન કરતા. આ વિશાળ બ્રહ્માંડનો કોઈ રચયિતા હશે એમ માની એ પરમ તત્ત્વનાં ગુણગાન ગાવા પ્રેરિત થતા. કદાચ એ ગુણગાન આપણા પૂર્વજોની પ્રથમ ભાવનાત્મક પ્રાર્થના હતી. આવી પ્રાર્થના માટે તે સમયે કોઈ મંદિર, મસ્જિદ કે ચર્ચની જરૂર ન હતી કે ન હતું ભાષાનું, સમયનું, ધર્મનું કે સ્થાનનું કોઈ બંધન.

ધીમે ધીમે ઈશ્વરની મૂર્તિઓ અસ્તિત્વમાં આવતાં આ ભાવનાત્મક પ્રાર્થનાનું સ્થાન ઇચ્છાપૂર્તિ કરતા ભગવાનની ખુશામતે લીધું. કાળક્રમે જુદા જુદા સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા અને પ્રાર્થનાની રીતો બદલાવા લાગી. દરેક સંપ્રદાયે પ્રાર્થનાની અલગ અલગ રીતો વિકસાવી. શબ્દો અસ્તિત્વમાં આવતાં પ્રાર્થનામાં ભાવનું સ્થાન શબ્દોએ લઈ લીધું. વિવિધ મંત્રો અને શ્લોકો રચાયા. ખરું જોતાં તો દરેક ધર્મ અને પ્રાર્થનાનો હેતુ સ્તુતિ કરીને સર્વશક્તિમાન ઈશ્વરનાં ગુણગાન ગાવાનો હતો. પરમ તત્ત્વની કૃપા પ્રાપ્ત કરી; આંતરિક શક્તિ વિકસાવી, આધ્યાત્મિક ઉન્નતિ કરવાનો હતો.

મનનો ભાવ

શુદ્ધ ભાવથી કરેલ પ્રાર્થના હૃદય, મન અને આત્માને શુદ્ધ કરે છે. ઈશ્વરના સ્મરણથી અને તેમની કૃપા મળવાથી માનવીનું મનોબળ દૃઢ થાય છે, વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. તેના દ્વારા મનના વિકારો, હતાશા અને ચિંતા દૂર થાય છે, રોગપ્રતિકારક શક્તિ વિકસે છે. ઈશ્વર-સ્મરણથી આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્તિ મળે છે, અશાંતિ તથા ક્રોધ દૂર થાય છે. પ્રાર્થના કરવાથી અહં દૂર થાય છે જેથી આપણે પોતાની ભૂલો શોધી શકીએ છીએ. પ્રાર્થના કોઈ પણ સ્થળે કરી શકાય છે. શ્રદ્ધા જ પ્રાર્થનાનું પ્રેરક બળ છે. અહંકારરહિત, સમર્પિતભાવે કરેલ પ્રાર્થના શ્રેષ્ઠ ફળ આપે છે.

આંતરિક શુદ્ધિ અનિવાર્ય

આપણે બાહ્ય રીતે શુદ્ધ ન હોઈએ તો ચાલશે પણ હૃદય અને મન શુદ્ધ હોવાં આવશ્યક છે. પ્રાર્થના કરતી વખતે મન શાંત તથા નિર્વિચાર હોવું જોઈએ. મન નફરત, ઈર્ષ્યા, અદેખાઈ કે અપેક્ષાના ભારથી મુક્ત હોવું જોઈએ. જો મન અશાંત હશે અને માત્ર હાથ જોડીને પ્રાર્થના થશે તો ગોખી રાખેલી પ્રાર્થના ક્યારે પૂરી થઈ જશે તેનું ભાન પણ નહિ રહે. મન ક્યાંક ભટકતું હોય, હાથમાં રાખેલી માળા ફરતી હોય અને માત્ર હોઠથી શબ્દો બોલાતા હોય એવી પ્રાર્થનાનો કોઈ અર્થ નથી. એ પ્રાર્થના બંધ બારણે અથડાય છે. આવી યંત્રવત્ પ્રાર્થના ખરેખર તો પ્રાર્થના છે જ નહિ. આવી પ્રાર્થનાથી ઈશ્વર અને આપણા હૃદય-મન વચ્ચે જે સેતુ બંધાવો જોઈએ તે શક્ય બનતું નથી.

મોટાભાગના લોકોની પ્રાર્થનામાં કોઈ ભાવ હોતો નથી. આપણા સ્વાર્થ માટે આપણે માગણીની એક મસમોટી યાદી ભગવાનના ચરણોમાં ધરી દઈએ છીએ—ધન, ઐશ્વર્ય, શરીર-સુખ અને દુન્યવી સુખોની માગણી કરતું એક લાંબુંલચક લીસ્ટ. આપણે ઈશ્વરને ભોળા સમજી, મૂર્ખ સમજી તેમની સાથે લેતી-દેતી અને સોદાબાજી કરીએ છીએ. આવી પ્રાર્થના ભગવાન સાથે નહિ પણ પોતાની જાત સાથેની છેતરપીંડી સિવાય બીજું કંઈ નથી.

ઈશ્વર તો અંતર્યામી છે. તે ખરા ભક્તના ભાવને વગર જણાવ્યે જાણી લે છે. આપણો ભાવ જ મોબાઇલના નેટવર્ક જેવું કામ કરી આપણી પ્રાર્થનાને ભગવાન સુધી પહોંચાડે છે.

‘મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે; મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે…..’ આવા ભાવથી જો ઈશ્વરને પ્રાર્થીએ તો આવી પ્રાર્થના આપણને અંધકારમાંથી ઉજાસ તરફ, અસત્યમાંથી સત્ય તરફ, નિરાશામાંથી આશા તરફ, સંકુચિતતામાંથી વિશાળતા તરફ અને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ દોરી જશે. આમ, આપણું સમગ્ર અસ્તિત્વ ઓગળી એ પરમ તત્ત્વ સાથે એકાકાર થઈ જશે અને મૃત્યુના ભયમાંથી મોક્ષ તરફ લઈ જશે.

‘પ્રાર્થના એ આત્માનો ખોરાક છે’ આ વાક્ય જ આપણને પ્રાર્થનાનું સમગ્ર હાર્દ સમજાવી જાય છે. જેવી રીતે અનાજ, શાકભાજી, ફળ, પાણી એ આપણા શરીરનો ખોરાક છે, તેવી જ રીતે પ્રાર્થના આત્માના સંચાલન માટે ખોરાક સ્વરૂપે કામ કરે છે. હૃદય અને મનને સ્વસ્થ અને નિર્મળ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે.

પ્રાર્થનામાં મંત્ર, ગીતો, ભજનો વગેરેનો પણ ઉપયોગ થઈ શકે છે અથવા તો મૌન રહીને પણ પ્રાર્થના કરી શકાય છે.

માનવી સમગ્ર જગતમાં સૌથી બુદ્ધિશાળી ગણાય છે. જ્યારે આપણને આ અણમોલ મનુષ્ય-અવતાર મળ્યો છે, તેના માટે પણ ઈશ્વરનો આભાર માનવો જરૂરી છે. વળી ઈશ્વરે આપણને હવા, પાણી, સૂર્યપ્રકાશ આપ્યાં છે, જેના વડે આપણે આ પૃથ્વી પર સરળતાથી જીવન જીવી રહ્યા છીએ તો એ માટે પણ પ્રાર્થના કરવી જરૂરી છે.

પ્રાર્થના એ એક રીતે હૃદયનો ખોરાક પણ છે. પ્રાર્થનામાં ભલે આપણે કશું માગીએ કે ન માગીએ, ભગવાનની સન્નિધિમાં આપણે ઊભા રહીએ એટલે આખું વાતાવરણ એની મેળે પવિત્ર થતું જાય છે. સમૂહમાં કરેલી પ્રાર્થના દ્વારા એમાં ભળનારા લોકો વચ્ચે એકજાતની આત્મીયતા અને આત્મપરાયણતા પેદા થઈ શકે છે. સમાજ અનેક રીતે હારેલો હોય અને છિન્નભિન્ન થયેલો હોય તોપણ એમાં નવું ચૈતન્ય પેદા કરવા માટે પ્રાર્થના સમર્થ છે.

પ્રાર્થના એ માણસ-જાતની છેલ્લી મૂડી છે. બાકી કશું ન રહ્યું હોય તોય પ્રાર્થના આપણને ધીરજ અને નવી આશા આપી શકે છે. પ્રાર્થનાની ટેવ હોય તો વિપદ વેળાએ અચૂક એનું જ શરણ લેવાનું સૂઝે છે.

ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે કોઈપણ શુભ કાર્યની શરૂઆત પ્રાર્થનાથી જ કરીએ છીએ.

પ્રાર્થનાની શક્તિ

પ્રસિદ્ધ તત્ત્વજ્ઞાની રાજાશ્રી અશ્વવતિની સાવિત્રી નામક એકમાત્ર પુત્રી હતી. પોતાના પતિની શોધમાં નીકળેલ સાવિત્રીએ દેશનિકાલ કરેલ અને વનવાસી રાજા દ્યુમત્સેનના પુત્ર સત્યવાનને પોતાના પતિના રૂપે સ્વીકારી લીધો. નારદમુનિએ કહ્યું કે સત્યવાનની આયુ માત્ર એક વર્ષ જ શેષ છે, સાવિત્રીએ કહ્યું કે જે થવાનું હતું તે થઈ ગયું. સત્યવાનની માતા અને પિતાએ સાવિત્રીને સમજાવી, પરંતુ સાવિત્રી પોતાના ધર્મથી ડગી નહિ.

સાવિત્રીનાં સત્યવાન સાથે લગ્ન થઈ ગયાં. સત્યવાન મહાન દાની, માતા-પિતાનો ભક્ત અને સ્વભાવે સુશીલ હતો. સાવિત્રી પોતાનો રાજમહેલ છોડી જંગલમાં ઝૂંપડીમાં રહેવા લાગી. સાવિત્રીએ પોતાનાં રાજવી વસ્ત્રો અને આભૂષણોનો ત્યાગ કરી પતિ તેમજ માતા-પિતા જેવાં વલ્કલ શરીરે ધારણ કર્યાં. પોતાનો બધો સમય માતા અને પિતાની સેવામાં વિતાવવા લાગી. પતિની મૃત્યુનો સમય નજીક આવી ગયો.

સત્યવાન અગ્નિહોત્ર માટે જંગલમાં લાકડાં કાપવા જાય છે. આજે સત્યવાનના મૃત્યુનો દિવસ છે. સાવિત્રી ચિંતિત છે. તે પતિની સાથે જવા વિનંતી કરે છે. પછી પતિની આજ્ઞા લઈ તે તેમની પાછળ જંગલમાં જાય છે. સત્યવાન વૃક્ષ પર લાકડાં કાપવા ચડે છે. પરંતુ અસ્વસ્થતા જણાતાં તેઓ કુલ્હાડી નીચે ફેંકી વૃક્ષ પરથી ઊતરે છે. સાવિત્રી પતિનું મસ્તક ખોળામાં લઈ સાડીના પાલવ વડે હવા નાખવા માંડે છે.

સાવિત્રી

થોડા સમય પછી સાવિત્રીએ મહિષારૂઢ, હાથમાં યમપાશવાળા, શ્યામ વર્ણી, સૂર્ય સમાન તેજ ધરાવતા અત્યંત ભયંકર દેવ-પુરુષને જોયા. તેઓએ સત્યવાનના અંગૂઠા સમાન પ્રાણને બળપૂર્વક ખેંચી લીધા. આ જોઈ સાવિત્રીએ કહ્યું, ‘હે દેવશ્રી, આપ હૃદયધન સમાન મારા પતિ સત્યવાનને ક્યાં લઈ જાઓ છો?’ યમ કહે છે, ‘હે તપસ્વીનિ, તું પતિવ્રતા છે એટલે કહું છું. તારા પતિ સત્યવાનની આયુ ક્ષીણ થઈ ગઈ છે તેથી હું તેને લઈ જાઉં છું. તારા સતિત્વને કારણે મારા દૂત ન આવી શક્યા તેથી મારે સ્વયં આવવું પડ્યું.’ આટલું કહી, તેઓ દક્ષિણ તરફ ચાલવા માંડ્યા.

સાવિત્રી પણ યમ પાછળ ચાલવા માંડી. યમે સાવિત્રીને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો. સાવિત્રીએ કહ્યું, ‘જ્યાં પતિ ત્યાં પત્ની. એ જ તો સનાતન ધર્મ છે.’ યમરાજના વારંવાર રોકવા છતાં સાવિત્રી પાછળ પાછળ આવતી રહી. સાવિત્રીના પતિપ્રેમથી પ્રસન્ન થઈ વરદાન રૂપે સત્યવાનના અંધ માતા-પિતાને આંખો આપી, ગુમાવેલું રાજ્ય આપીને સાવિત્રીને પાછું વળવાનું કહ્યું. પરંતુ, સાવિત્રીના પ્રાણ તો યમરાજ પોતાની પાસે લઈ જઈ રહ્યા હતા. તો સાવિત્રી કેવી રીતે પાછી જઈ શકે? પછી યમે કહ્યું, ‘તારા પતિ સત્યવાનને છોડી જે પણ માગવું હોય તે માગ.’ સાવિત્રી એ કહ્યું, ‘જો તમે સાચે જ મારી ભક્તિથી પ્રસન્ન હો તો સત્યવાનથી મને સો પુત્રો આપો.’ યમે વિચાર્યા વગર તથાસ્તુ કહી દીધું અને ચાલવા માંડ્યા. સાવિત્રીએ રોકીને કહ્યું, ‘હે દેવપુરુષ, મારા પતિને તો તમે તમારી પાસે લઈ જાઓ છો તો આપે આપેલ વરદાન કેવી રીતે પૂર્ણ થશે. હું પતિ વિના સ્વર્ગ, લક્ષ્મી, સુખની કામના ન કરી શકું. પતિ વિના હું જીવન જીવવા નથી માગતી. તમે મને પણ તમારી સાથે લઈ જાઓ.’

સાવિત્રીની પતિવ્રતાથી પ્રસન્ન થઈ યમે તેના પતિના પ્રાણ પાશમુક્ત કર્યા અને તેને ચારસો વર્ષનું આયુષ્ય પ્રદાન કર્યું.

રાજસ્થાનના મીરાંબાઈના જીવન વિશે આપણે જાણીએ છીએ. તેમણે અનેક દુઃખો સહન કર્યાં અને અંતે ભગવાન શ્રીકૃષ્ણમાં સમાઈ જવાનું સદ્‌ભાગ્ય સાંપડ્યું.

મહાકવિ સૂરદાસ વૈષ્ણવ ભક્ત હતા. તેઓ શ્રદ્ધેય કવિ અને ગાયક પણ હતા. તેઓ લખે છે:

चरन कमल बंदौ हरि राई।
जाकी कृपा पंगु गिरि लंघै
आंधर कों सब कछु दरसाई॥

बहिरो सुनै मूक पुनि बोलै रंक चले सिर छत्र धराई।
सूरदास स्वामी करुनामय बार-बार बंदौं तेहि पाई॥

અર્થાત્‌ જેના પર શ્રીહરિની કૃપા થઈ જાય તેના માટે અસંભવ પણ સંભવ બની જાય છે. અપંગ મનુષ્ય પર્વત ઓળંગી જાય છે, અંધને ગુપ્ત અને પ્રગટ બધું જ જોઈ શકવાની શક્તિ પ્રાપ્ત થાય છે, બહેરો સાંભળવા લાગે છે, મૂંગો બોલવા લાગે છે, કંગાળ રાજા બની જાય છે. આવા કરુણામય પ્રભુની વંદના કોણ અભાગિયો ન કરે.

માટે ગાઓ…

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો;

દયા કરી દર્શન શિવ આપો….

ભગવાન શ્રીરામકૃષ્ણદેવ પણ કહે છે, “ખૂબ વ્યાકુળ થઈને રુદન કરતાં કરતાં પ્રાર્થના કરીએ તો ઈશ્વરનાં દર્શન થાય … જેમ તેમ નહિ પણ બોલાવવાની રીતે ઈશ્વરને બોલાવવો જોઈએ.”

કવિવર રવીન્દ્રનાથ ટાગોરના એક કાવ્યનો શ્રી ભાનુશંકર વ્યાસે ખૂબ સુંદર અનુવાદ કર્યો છે. તેમાં સાચી પ્રાર્થના વિશેની વાત કરી છે.

આપને તારા અંતરનો એક તાર,
બીજું હું કાંઈ ન માગું,
સુણજે આટલો આર્ત તણો પોકાર,
બીજું હું કાંઈ ન માગું… ટેક

તુંબડું મારું પડ્યું નકામું,
કોઈ જુએ નહિ એના સામું,
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર,
પછી મારી ધૂન જગાવું… આપ ૧

એકતારો મારો ગુંજશે મીઠું,
દેખશે વિશ્વ રહ્યું જે અદીઠું,
ગીતની રેલશે એક અખંડિત ધાર,
એમાં થઈ મસ્ત હું રાચું… આપ ૨

Total Views: 144

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.