(શ્રી આર.કે. પ્રભુ અને યુ.આર.રાવ દ્વારા સંપાદિત પુસ્તક ‘મહાત્મા ગાંધીના વિચારો’માંથી મહાત્મા ગાંધીના પ્રાર્થના વિષયક વિચારોનું શ્રી પ્રકાશભાઈ જોશીએ કરેલું સંકલન અહીં પ્રસ્તુત છે. – સં.)

પ્રાર્થના—આત્માનો ખોરાક

પ્રાર્થના વગર હું કશું કામ કરતો નથી. પ્રાર્થનાએ તો મારી જિંદગી બચાવી છે. પ્રાર્થના વિના હું ક્યારેયનોય ગાંડો જ થઈ ગયો હોત. મારી આત્મકથામાંથી તમે જોશો કે મને કડવામાં કડવા જાહેર તેમજ અંગત અનુભવો ઠીક ઠીક પ્રમાણમાં થયા છે. એ અનુભવો કેટલીક વાર તો મને નિરાશામાં નાખી દેતા. તેમાંથી હું તર્યો તો તે એકમાત્ર પ્રાર્થનાને લીધે જ.

હવે હું તમને જણાવું કે સત્ય જે અર્થમાં મારા હાડ-માંસનું તત્ત્વ છે, તે જ અર્થમાં પ્રાર્થના નથી. તે તો આત્યંતિક આવશ્યકતામાંથી મને લાધી છે. હું એવી હાલતમાં આવી પડતો કે પ્રાર્થના વિના મને સુખ જ ન પડે અને ઈશ્વરમાં મારી શ્રદ્ધા વધતી ગઈ તેમ તેમ મારી પ્રાર્થનાની ભૂખ પણ વધતી ગઈ. તેના વિનાનું જીવન શુષ્ક અને શૂન્ય લાગવા માંડ્યું.

મેં દક્ષિણ આફ્રિકામાં ખ્રિસ્તીઓની પ્રાર્થનામાં ભાગ લીધો છે પણ તે મને પકડમાં લઈ નથી શકી. તેઓની સાથે હું પ્રાર્થનામાં ભળી ન શક્યો. તેઓ ઈશ્વર પાસે યાચના કરતા હતા, મારાથી યાચના થઈ શકતી ન હતી. હું તદ્દન નિષ્ફળ ગયો. મારા જીવનનો પ્રારંભ ઈશ્વર અને પ્રાર્થના વિશે નાસ્તિકતાથી થયો. મારા આયુષ્યનાં ઘણાં વર્ષ પસાર થઈ ગયાં ત્યાં સુધી મને પ્રાર્થના વિના જિંદગીમાં સૂનાપણું લાગ્યું નહીં. મને પછી મોટી ઉંમરે ભાન આવ્યું કે શરીર માટે અન્ન અનિવાર્ય છે, તેટલી જ આત્માને માટે પ્રાર્થના અનિવાર્ય છે. શરીરના આરોગ્ય ખાતર કોઈ પણ વખતે અન્નની લાંઘણ જરૂરની થઈ પડે છે, પણ પ્રાર્થનાની લાંઘણ જેવી વસ્તુ જ નથી.

રાજદ્વારી ક્ષિતિજમાં આજે મારી સામે નિરાશાનો ઘનઘોર અંધકાર હોવા છતાં હું કદી શાંતિ ખોઈ બેઠો નથી. ઘણા લોકોને તો મારી શાંતિની ઈર્ષ્યા થાય છે. એ શાંતિ પ્રાર્થનામાંથી જન્મી છે, એ તમે જાણી લેજો. હું વિદ્વાન નથી, પણ ભક્ત હોવાનો નમ્રપણે દાવો કરું છું. પ્રાર્થનાનું રૂપ કેવું હોય એ વિશે હું ઉદાસીન છું. એ સંબંધમાં જેને જે રુચે, તે તેનો કાયદો. પરંતુ કેટલાક સ્પષ્ટ ચીલા છે. અને પ્રાચીન ઋષિઓએ પાડેલા ચીલા પર જવું એ સલામત છે.

મેં મારા સ્વાનુભાવનો પુરાવો આપ્યો છે. દરેક જણ કોઈ પ્રયોગ કરીને જુએ કે પ્રાર્થનાના નિત્ય નિયમથી તેના જીવનમાં કંઈક નવીન અને જેને બીજી કોઈ વસ્તુ સાથે સરખાવવું શક્ય નથી, એવું તત્ત્વ ઉમેરાય છે કે કેમ?

ઈશ્વરે મારી પ્રાર્થનાનો જવાબ ન આપ્યો હોય એવું કદી બન્યું નથી. ક્ષિતિજમાં જ્યારે ઘોર અંધકાર જણાતો હતો—જેલોની મારી અગ્નિપરીક્ષાઓમાં જ્યાં મારે માટે સુતર ન હતું—ત્યારે મેં તેને મારી નજીકમાં નજીક ભાળ્યો છે. મારા જીવનમાં એક ક્ષણ પણ હું એવી યાદ નથી કરી શકતો કે જ્યારે ઈશ્વરે મને તજી દીધો છે, એવી લાગણી મને થઈ હોય.

પ્રાર્થનાનું લક્ષણ

સ્તુતિ, પ્રાર્થના, ઉપાસના એ વહેમ નથી; પણ આપણે ખાઈએ છીએ, પીએ છીએ, ચાલીએ છીએ, બેસીએ છીએ; એ બધું જેટલું સાચું છે તેના કરતાંય એ વધારે સાચી વસ્તુ છે. એ જ સાચું છે, બીજું બધું ખોટું છે. આવી પ્રાર્થના એ કોઈ વાણીનો વૈભવ નથી. તેનું મૂળ કંઠ નથી, પણ હૃદય છે. તેથી જો આપણે હૃદયની નિર્મળતાને પહોંચીએ કે જેમાં પ્રેમ સિવાય બીજું કંઈ જ ન રહે, ત્યાં રહેલા તારને સુસંગઠિત રાખીએ, તો તેમાંથી જે સૂર નીકળે છે તે સૂર ગગનગામી બને છે.

તેને સારુ જીભની આવશ્યકતા નથી. એ સ્વભાવે જ અદ્‌ભુત વસ્તુ છે. વિકારોરૂપી મળની શુદ્ધિ કરવાને સારુ હાર્દિક ઉપાસના જડીબુટ્ટી છે, એ વિશે મને શંકા જ નથી. પરંતુ તે પ્રસાદીને સારુ આપણામાં સંપૂર્ણ નમ્રતા જોઈએ. શબ્દ વિનાની પણ હૃદયથી થતી પ્રાર્થના ચાલે. હૃદય વિનાની પણ શબ્દાડંબરવાળી પ્રાર્થના નિરર્થક છે. જ્યાં સુધી આપણામાં ઈશ્વર વિશે જીવતી ઉજ્જ્વળ શ્રદ્ધા ન હોય ત્યાં સુધી પ્રાર્થના એ કેવળ પ્રલાપ છે.

પ્રાર્થનાની આવશ્યકતા

જેમ શરીરને માટે ખોરાક આવશ્યક છે તેમ આત્માને માટે પ્રાર્થના આવશ્યક છે. માણસ ખોરાક વિના ઘણા દહાડા ચલાવે પણ પ્રાર્થના વિના માણસ ક્ષણ વાર પણ ન જીવી શકે, ન જીવી શકવું જોઈએ. કેટલાક આળસને લીધે કે ખોટી ટેવને લીધે માની બેસે છે કે ઈશ્વર તો છે જ ને! તે વણમાગી મદદ કરે છે પછી તેનું નામ રટવાથી શો લાભ? ઈશ્વર છે, એ કબૂલ કરીએ કે ન કરીએ, તેથી ઈશ્વરની હસ્તીમાં વધઘટ થતી નથી. આ ખરું છે છતાં તે હસ્તીનો ઉપયોગ તો અભ્યાસીને જ સાંપડે છે. દરેક ભૌતિક શાસ્ત્રને વિશે તો આ સો-ટકા સાચું જ છે, તો અધ્યાત્મને વિશે એથી વધારે હોવું જોઈએ.

પ્રાર્થના સવારની ચાવી અને સાંજનો આગળો છે. હું મારા પોતાના અને મારા કેટલાક સાથીઓના અનુભવથી કહું છું કે જેને પ્રાર્થના હસ્તગત છે, તે દહાડાના દહાડા ખાધા વિના રહી શકે, પણ પ્રાર્થના વિના ન ચલાવી શકે. જો ભૂલેચૂકે પણ પ્રાર્થના વિના તેનો દિવસ જાય છે તો ચિત્તશુદ્ધિ કરીને તે પોતાના આત્માનો મળ કાઢે ત્યારે જ તેને શાંતિ થાય છે.

માણસ જો ઈશ્વરની હાજરી આઠે પહોર અનુભવી શકે તો પ્રાર્થનાને માટે અલગ સમય કાઢવાની બેશક જરૂર ન રહે. પરંતુ ઘણા લોકો એટલું નથી કરતા. તેમને તે અશક્ય લાગે છે. દુનિયાના રોજિંદા વહેવારના રગડામાંથી તે ઊંચા આવી શકતા નથી.

હંમેશાં આપણો આ જ ધારો હોવો જોઈએ. ગમે તેટલો મોટો માણસ આવનાર હોય તો પણ તેને માટે આપણી પ્રાર્થના થોભે નહીં. ઈશ્વરનું ઘડિયાળ કદી થોભતું નથી, કોઈને પૂછતું નડથી. એ ઘડિયાળ ક્યારે શરૂ થયું, તે કોઈ જાણતું નથી. ખરું જોતાં ઈશ્વર અને તેનું ઘડિયાળ કદી શરૂ થયાં નથી. તે હંમેશાં હતાં, હંમેશાં રહેશે… તેનું ઘડિયાળ કદી થોભતું નથી. તેની પ્રાર્થનાનો સમય કોઈથી કેમ ચુકાય?

પ્રાર્થનાની શરૂઆતમાં ઈશોપનિષદના પહેલા શ્લોકનો રોજ પાઠ કરવામાં આવે છે. તેમાં બધું ઈશ્વરને સમર્પણ કરી પછી જરૂર જેટલું વાપરવું એમ કહ્યું છે. વળી મુખ્ય શરત એ મૂકવામાં આવી છે કે માણસે જે બીજાનું હોય તેનો કદી લોભ ન કરવો. આ બે સિદ્ધાંતોમાં હિન્દુ ધર્મનો સાર આવી જાય છે.

પ્રાર્થનાનું સત્ત્વ

સવારની પ્રાર્થનામાં ગવાતા બીજા એક શ્લોકમાં કહ્યું છે કે ‘મારે નથી દુનિયાનું રાજ જોઈતું, મને નથી સ્વર્ગે જવાની કામના. નથી નિર્વાણ મેળવવાનો લોભ. હું તો એટલું જ માગું છું કે જે દુ:ખી છે, તેમનાં દુ:ખ નિવારવાની મને શક્તિ આપ.’ આ દુ:ખ મનનું, શરીરનું, કે આત્માનું ગમે તે પ્રકારનું હોય. કામ, ક્રોધાદિ ષડ્‌રિપુની ગુલામીમાંથી નીપજતું આત્માનું દુ:ખ ઘણીવાર શરીરના વ્યાધિનાં દુ:ખો કરતાંય અદકું હોય છે.

પરંતુ માણસનાં દુ:ખોનું નિવારણ કરવાને ઈશ્વર જાતે કંઈ થોડો જ ઊતરી આવે છે? તે પોતાના સર્જેલા માણસો મારફતે જ પોતાનું કામ કરે છે. તેથી બીજાનાં દુ:ખોના નિવારણને અર્થે ઈશ્વરની પ્રાર્થના કરવાનો અર્થ એ થયો કે આપણને સદા દુ:ખના નિવારણને અર્થે મહેનત કરવાની તાલાવેલી હોય.

તમે જોશો કે આ પ્રાર્થનામાંથી કોઈને બાદ રાખવાપણું નથી. તે એક કોમ કે ન્યાતના લોકોને માટે છે, એવુંય નથી, તેમાં સર્વનો સમાવેશ છે. આખી માનવજાતને તેમાં સમાવેલી છે. તેથી એ પ્રાર્થનાની સિદ્ધિ થાય તો સર્વની મુક્તિ થાય.

મનુષ્ય પ્રાર્થના પણ પોતારૂપી મહાન શક્તિને પોતે જ કરે છે, એમ ન કરતાં આવડે તેને પ્રાર્થના કરવાની જ ન હોય. તેથી ઈશ્વરને માઠું નથી લાગવાનું, પણ જે એ મહાન શક્તિને પ્રાર્થના નહીં કરે તે ખોશે, એમ મારે અનુભવથી કહેવું જોઈએ.

પ્રાર્થનાની શક્તિ

હું મારો પુરાવો આપી શકું છું કે પોતાના દોષનું નિવારણ કરવાને સારુ મનુષ્યની પાસે મોટામાં મોટું શસ્ત્ર એ અંતરમાં ઊઠેલો આર્તનાદ અથવા તો પ્રાર્થના છે. મનુષ્ય પ્રાર્થનામય રહેતો હશે તો તેની બધી પ્રવૃત્તિ દૈવી હશે, રાક્ષસી નહીં હોય. પણ પ્રાર્થના રહિત મનુષ્યની પ્રવૃત્તિ આસુરી હશે, તેનો વ્યવહાર અશુદ્ધ હશે, અપ્રમાણિક હશે. એકનો વ્યવહાર પોતાને અને સંસારને સુખી કરનાર હશે, બીજાનો પોતાને અને જગતને દુ:ખી કરનારો હશે. આ લોકમાં પણ શાંતિ અને સુખ આપનારું સાધન પ્રાર્થના છે. એક વસ્તુને ઠીક કરું તો  બીજી વસ્તુઓ સિદ્ધ થશે.

ઈશ્વર આપણી પ્રાર્થનાનો આપણે માગીએ તેમ આપણી ઢબે નહીં પણ પોતાની રીતે જવાબ વાળે છે. મર્ત્ય માનવીઓના રાહથી ઈશ્વરના રાહ નિરાળા છે. એટલે એ અકળ છે. પ્રાર્થના માટે પહેલાં શ્રદ્ધા આવશ્યક છે. કોઈ પણ પ્રાર્થના વ્યર્થ જતી નથી. પ્રાર્થના પણ બીજાં કર્મોના જેવું જ એક કર્મ છે. આપણાથી દેખાય કે ન દેખાય પણ આપણા બીજાં કર્મોની જેમ જ તેનું ફળ અચૂક આપે છે. વળી અંતરમાંથી ઊઠેલી પ્રાર્થનાનું ફળ આપણાં બીજાં નામધારી કર્મોનાં ફળ કરતાં વધારે અસરકારક ને વધારે શક્તિશાળી હોય છે.

ઈશ્વરની આખી સૃષ્ટિનું કલ્યાણ થાય, એવી હરેક માણસે અંતરથી કામના રાખવી જોઈએ, અને એવી કામના રાખવાનું બળ મેળવવા ખાતર ઈશ્વરની પ્રાર્થના કરવી જોઈએ. સૌના કલ્યાણની કામના કરવામાં જ માણસનું પોતાનું જ કલ્યાણ રહેલું છે…

Total Views: 148

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.