(અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા હિન્દીમાં પ્રકાશિત ‘આધ્યાત્મિક જીવન ક્યોં ઔર કૈસે’ પુસ્તકમાં પ્રગટ થયેલ સ્વામી પવિત્રાનંદના લેખનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.)

‘શું ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે?’ આ શંકા આપણામાંથી પ્રત્યેકના મનમાં ક્યારેક ને ક્યારેક ઊઠે જ છે. એક વાર કોઈએ શ્રીરામકૃષ્ણને આ જ પ્રશ્ન પૂછ્યો. શ્રીરામકૃષ્ણે ઉત્તર આપ્યો, ‘હા! હા! સો વાર, હા!’ જેઓએ ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે, તેઓ બધા એકી સ્વરે આ જ નિશ્ચયાત્મક ઉત્તર આપે છે. તેઓ કહે છે કે આપણે ઈશ્વરની પાસે જે કંઈ પણ માગીશું, તે સરળતાથી મેળવીશું. તેથી ચાલો, આપણે જોઈએ કે પ્રાર્થનાના વિભિન્ન પ્રકાર અને સ્તર કયા કયા છે અને એ કઈ શરતો છે, જેને પૂર્ણ કરીને આપણે પણ આપણા જીવનમાં સાધુ-સંતોની જેમ એ અનુભવ કરી શકીએ કે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે.

સર્વપ્રથમ આપણે વિચારીએ કે પ્રાર્થના શું છે અને તેનું ફળ કઈ રીતે મળે છે. દાર્શનિક ભાષામાં કહીએ તો ગહન ધ્યાન દ્વારા આપણે આપણા વ્યક્તિત્વના ઊંડાણમાં પહોંચી જઈએ છીએ અને એ આત્માનો સ્પર્શ કરી લઈએ છીએ, જે સર્વવ્યાપી બ્રહ્મ સાથે એકરૂપ છે. આપણું મન વિશ્વ-મન સાથે એકરૂપ થઈ જાય છે. આ વૈશ્વિક મન જ જગતની પ્રત્યેક વસ્તુની પાછળ રહેલી શક્તિનો મૂળ સ્રોત છે, અને એ જ આપણને આપણી પ્રાર્થનાનું ફળ પ્રદાન કરે છે.

ભક્તિની ભાષામાં કહીએ તો આપણે એ પરમ સત્યને આપણાથી ભિન્ન સમજીને તેને ઈશ્વરનું રૂપ આપીએ છીએ; આપણે એ ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ છીએ અને તે આપણી પ્રાર્થના સાંભળે છે. આપણી ધારણા છે કે ઈશ્વર સર્વશક્તિમાન છે અને તેથી કોઈ પણ પ્રાર્થનાનું ફળ આપવા સમર્થ છે. આપણે તેની સાથે એક આત્મીયનો અર્થાત્ માતા કે પિતાનો સંબંધ બાંધી લઈએ છીએ. માનવીય સ્તર પર પણ આપણે જોઈએ છીએ કે બધાં માતા-પિતા પોતાનાં બાળકોને સ્નેહ કરે છે અને તેમની જરૂરિયાતો પૂરી કરે છે. આ જ રીતે આપણે પણ ઈશ્વર પાસે જે કંઈ માગીશું; તે આપણને અવશ્ય મળશે. તેઓ આપણને કંઈ પણ આપવામાં આનાકાની નહીં કરે.

પ્રાર્થનાના વિભિન્ન પ્રકાર કયા કયા છે? મુખ્ય રૂપે આપણે તેના ત્રણ વિભાગ કરી શકીએ છીએ. પહેલી છે—યાચનાત્મક પ્રાર્થના. આમાં આપણે ઈશ્વર પાસે ‘આ આપો’, ‘પેલું આપો’ની માગ કરીએ છીએ. બીજી છે—પ્રશંસાત્મક પ્રાર્થના. આપણે ઈશ્વરની પ્રશંસા કરીએ છીએ કે તેમણે સૂરજ, ચંદ્ર અને તારા બનાવ્યા તથા સુંદર વસંતની રચના કરી (જો કે આપણે આ તથ્યને મનમાં નથી લાવવા ઇચ્છતા કે ઉનાળાની ભયંકર ગરમી અને શિયાળાની કડકડતી ઠંડી પણ તેમની જ દેન છે). પ્રાર્થનાની ત્રીજી અને સર્વોત્તમ કોટિ એ છે, જેમાં આપણે ઈશ્વરના અસ્તિત્વનો અનુભવ કરવાનો અભ્યાસ કરીએ છીએ.

ઘણા લોકો મૌખિક પ્રાર્થના કરે છે. ક્યારેક ક્યારેક તો તેઓ ઉચ્ચ સ્વરે પ્રાર્થના કરે છે, જાણે આવું કરવાથી ભગવાન તેની પ્રાર્થના જલદી સાંભળી લેશે! જ્યારે હું કોલકાતાના એક આશ્રમમાં રહેતો હતો ત્યાં પડોશમાં એક વ્યક્તિ રહેતી હતી, જે રાત્રે ખૂબ મોટા અવાજે મા જગદંબાને પ્રાર્થના કર્યા કરતી. પડોશમાં બધા લોકો તેનાથી પરેશાન હતા. મહત્ત્વ એ વાતનું નથી કે આપણે કેટલા ઉચ્ચ સ્વરે પ્રાર્થના કરીએ છીએ. આપણા હૃદયનો ભાવ જ મહત્ત્વપૂર્ણ છે. સામાન્ય રીતે આપણે મૌખિક પ્રાર્થનાથી શરૂઆત કરીએ છીએ અને થોડા સમય પછી આપણને અનુભવ થાય છે કે શબ્દોની જરૂર રહી નથી.

અઢારમી સદીના એક સંતના કહેવા અનુસાર, ‘મૌન જ સર્વશ્રેષ્ઠ અંતર્મુખી પ્રાર્થના છે. જ્યારે જીવાત્મા બહારની સમગ્ર વસ્તુઓમાંથી દૂર હટીને, પવિત્ર શાંતિમાં પ્રવેશ કરે છે અને વિનમ્રતા તથા શ્રદ્ધા સાથે ધૈર્યપૂર્વક એ ક્ષણની પ્રતીક્ષા કરે છે, ત્યારે તેને ઈશ્વરના અસ્તિત્વનો અનુભવ થઈ શકશે, આત્માનો અમૂલ્ય સ્પર્શ મળી શકશે. તેના માટે એકાંતમાં જઈને એવી કલ્પના કરવી જોઈએ કે તું એ દૈવી અસ્તિત્વથી ઘેરાયેલ છો, એકમાત્ર તેના જ આશ્રયે બેઠો છો, તે જે કંઈપણ આપી દે, બસ તેમાં જ તને સંતોષ છે. સાથે જ તારે તારા મનને શાંતિ અને મૌનમાં પ્રતિષ્ઠિત કરવાનો પ્રયત્ન કરતા રહેવો જોઈએ, પોતાના મનના બધા તર્ક-કુતર્કોનો ત્યાગ કરી દેવો જોઈએ. જાણી જોઈને કોઈ પણ વિષય પર બહુ વિચાર ન કરવો જોઈએ, પછી ભલે એ વિષય ગમે તેટલો સારો અને લાભકારી કેમ ન હોય. જો અવાંછિત વિચાર મનમાં આવી જાય, તો ધીરજપૂર્વક તેનાથી પીછો છોડાવી લો. આમ, શ્રદ્ધા અને ધૈર્ય સાથે તે ઈશ્વરીય અસ્તિત્વની અનુભૂતિ માટે પ્રતીક્ષા કરો.’

આપણે જોઈએ છીએ કે બધા જ ધર્મ પ્રાર્થના પર ભાર મૂકે છે, ભલે પછી તે પ્રાર્થનાની જુદી જુદી પદ્ધતિઓ પર ભાર દેતા હોય. દાખલા તરીકે, વૈદિક સાહિત્યમાં વિભિન્ન દેવતાઓ માટે અલગ અલગ પ્રાર્થનાઓ છે. આ દેવતાગણ તે એક જ દેવાધિદેવ પરમેશ્વરના જુદા જુદા અંશ છે. વેદોના દાર્શનિક વિભાગ ઉપનિષદમાં ધ્યાન પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. ધ્યાનનો પારિભાષિક અર્થ છે—મનનું એ પરમ સત્યની તરફ તૈલધારાવત્ વહેવું. આ આધ્યાત્મિક વિકાસની અવસ્થા છે અને આધ્યાત્મિક જીવનનો સાર છે. ઉપનિષદોએ તેને સુંદર શબ્દોમાં આ રીતે વ્યક્ત કર્યો છેઃ

‘મનના સહારે આપણે એ પ્રભુને જાણી લઈએ છીએ, જે આપણા સ્થૂળ અને સૂક્ષ્મ દેહના નિયંતા છે અને જે આપણા હૃદયમાં બિરાજમાન છે. જ્યારે સાધક પોતાના મનની ચંચળતાને શાંત કરીને તેને નિહાળે છે, ત્યારે તેઓ સાધકની સમક્ષ અદ્વિતીય, સર્વવ્યાપી, આનંદ અને અમૃત-સ્વરૂપ સત્યરૂપે પ્રગટ થાય છે.’

આ ઉદ્ધરણમાં પ્રાર્થનાનો ઉલ્લેખ નથી. ઉપનિષદ આપણને જણાવે છે કે જ્યારે આપણે અંતર્નિહિત ઈશ્વરને જાણી લઈએ છીએ, ત્યારે આપણને અનુભવ થાય છે કે તેઓ સમગ્ર વિશ્વમાં આનંદરૂપે ઓતપ્રોત છે. આ જ્ઞાન ‘જાણી લેવું’ એટલે સાધારણ પ્રચલિત અર્થમાં નહીં, કેમ કે આપણે બુદ્ધિને આધારે જે કંઈ પણ જાણીએ છીએ, તે અજ્ઞાનના ક્ષેત્રમાં જ આવે છે. એ પરમ સત્યનું જ્ઞાન માનવીનાં મન અને બુદ્ધિની સીમાથી પર છે. તો પછી એ વાક્યનો શું અર્થ છે કે, ‘મનના સહારે આપણે એ પ્રભુને જાણી લઈએ છીએ..? અહીંયાં ‘મન’ એટલે ઉપનિષદો કહે છે શુદ્ધ મન, તે મન જે આધ્યાત્મિક સાધનાના અભ્યાસમાં લીન છે. જ્યારે આપણે एकमेवाद्वितीय તત્ત્વને જાણી લઈએ છીએ, જે વિશ્વમાં વ્યાપ્ત છે અને આપણા આત્મામાં સ્થિત છે, ત્યારે આપણે તત્ક્ષણ એ અનુભવ કરીએ છીએ કે આપણે અમૃતસ્વરૂપ છીએ, જીવન અને મૃત્યુથી પર છીએ. જો કે ઉપનિષદોમાં યત્ર-તત્ર પ્રાર્થના સંબંધી અંશ પ્રાપ્ત થાય છે, છતાં પણ તેમાં આત્મજ્ઞાન પર જ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

બુદ્ધે પણ પ્રાર્થનાને બદલે ધ્યાન પર જ વિશેષ ભાર મૂક્યો. પરંતુ શું પ્રાર્થના અને ધ્યાનમાં મૌલિકરૂપે કોઈ અંતર છે? આપણે કહી શકીએ કે ધ્યાન અર્થાત્ એ અંતઃસ્થિત સત્ય પર મનને એકાગ્ર કરવું, જે ઉપનિષદ અનુસાર હૃદયરૂપી દેશમાં અવસ્થિત છે. ઉચ્ચતમ કોટિની પ્રાર્થનામાં આપણે સર્વાન્તર્યામી, સર્વાતીત સત્યને મનનો વિષય બનાવીને તેની પ્રાર્થના કરીએ છીએ કે આપણે તેને જાણી લઈએ અને તેની ઇચ્છા પૂર્ણ કરીએ. આધ્યાત્મિક ઉન્નતિની એ અવસ્થામાં આપણે ભૌતિક કે સાંસારિક લાભ માટે પ્રાર્થના નથી કરતા. ત્યારે તો બસ એ જ જાણી લેવું પર્યાપ્ત છે કે તેઓ છે. આમ, પ્રાર્થના અને ધ્યાન એ જ એક સત્યની પ્રાપ્તિના અલગ અલગ રસ્તા છે. ઉચ્ચતમ ભૂમિકાઓમાં તે બંને એક થઈ જાય છે.

હવે એક પ્રશ્ન થાય છે. ભલા આપણામાંથી એવા કેટલા લોકો હશે, જે બુદ્ધ અને ઉપનિષદો દ્વારા બતાવવામાં આવેલા નિર્દેશો અનુસાર ધ્યાન કરવા માટે સમર્થ છે? મોટા ભાગના લોકોને ધ્યાનની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે એક લાંબા પ્રશિક્ષણની જરૂર હોય છે. પરંતુ જે સત્યદ્રષ્ટા બની ચૂક્યા છે, તેમનું મન સ્વાભાવિક રૂપે એ ઉચ્ચતમ તત્ત્વ સાથે એકરૂપ થઈ જાય છે. દૃષ્ટાંત રૂપે, શ્રીરામકૃષ્ણ જ્યારે ધ્યાન કરતા, ત્યારે તેમનું મન ઇંદ્રિયાતીત રાજ્યમાં ચાલ્યું જતું અને ત્યાંથી તેઓ एकमेवाद्वितीय સત્યની સાથે એકરૂપ થઈ જતા હતા. એ સમયે એવું લાગતું કે તેઓ બાહ્ય-સંજ્ઞા રહિત થઈ ગયા છે. પણ જ્યારે તેઓ સહજ ભાવમાં આવતા, ત્યારે જગદંબાને પ્રાર્થના કર્યા કરતા. શ્રીરામકૃષ્ણનું મન સંપૂર્ણપણે નિયંત્રિત હતું. તેઓ દ્વૈત અને અદ્વૈત—બંને ભૂમિઓમાં સહજ રૂપે વિચરણ કરી શકતા હતા. સામાન્ય રીતે ગહન ધ્યાન પહેલાં વ્યક્તિએ વિભિન્ન અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે.

એ ઉચ્ચતમ જ્ઞાનની અનુભૂતિ માટેનાં ચાર સોપાનો છે. પ્રથમ સોપાનમાં ધાર્મિક કર્મ-અનુષ્ઠાન કરવું પડે છે. આ ધર્મનું બાહ્ય રૂપ છે. બીજું સોપાન છે—ભગવાનની ભક્તિ માટે પ્રાર્થના અને કીર્તન કરવાં. ત્રીજું સોપાન છે—ધ્યાન અર્થાત્ કોઈ એક વિશેષ વિચાર પર એકાગ્રતાનો અભ્યાસ. અને ચોથું સોપાન છે—ઈશ્વરના અસ્તિત્વની સતત અનુભૂતિ જેવી કે ઉપનિષદના ઉપરોક્ત ઉદ્ધરણમાં દર્શાવવામાં આવી છે. એ અવસ્થામાં ધ્યાન કરવાની આવશ્યકતા નથી રહેતી; ખરેખર તો ત્યારે ધ્યાન કરવું જ અશક્ય બની જાય છે, કેમ કે જે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આપણે પ્રયત્નો કરી રહ્યા હતા, તે આપણને પ્રાપ્ત થઈ ચૂક્યું હોય છે.

પરંતુ આ લક્ષ્ય સુધી પહોંચવા માટે કેટલીક શરતો પૂરી કરવી જરૂરી છે. અને આ વાત તો જીવનનાં બધાં ક્ષેત્રોમાં લાગુ પડે છે. ઉદાહરણ તરીકે, વૈજ્ઞાનિક પ્રયોગ જ લઈએ. જો ઉપાય તથા આસપાસની પરિસ્થિતિઓ અનુકૂળ હોય તો ઘણો ફેર પડે છે. એ પ્રમાણે, જો સંત-મહાપુરુષ પોતાના અનુભવોના આધારે આપણને કહે છે કે પ્રાર્થનાનું ફળ શીઘ્ર મળે છે, તો એ માની લઈએ છીએ કે કેટલીક જરૂરી શરતો પૂરી થઈ ગઈ છે.

સર્વપ્રથમ તો આપણને પ્રાર્થનાની સાચી જરૂરિયાત જણાવી જોઈએ. સામાન્ય વ્યક્તિ પ્રાર્થના કેમ નથી કરતી? તેને પ્રાર્થનામાં વિશ્વાસ કેમ નથી? કેમ કે, તે અહં-કેન્દ્રિત હોય છે. જ્યાં સુધી આપણે વિચારીએ કે હું સ્વયં બધું જ કરી શકું છું ત્યાં સુધી આપણને પ્રાર્થનાની જરૂરિયાત નથી હોતી. અને જો આપણે આ જરૂરિયાત ન અનુભવીએ તો આપણને પ્રાર્થનાનો ઉત્તર મળશે, એેવી આશા પણ આપણે ન રાખી શકીએ. પ્રાર્થનાની પ્રેરણા હૃદયના ઊંડાણમાંથી આવવી જોઈએ.

મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો મુખ્ય બે સમસ્યાઓ મનુષ્યને પીડા આપે છે—અસુરક્ષાની ભાવના અને અપરાધ ભાવ. જો આપણે ખરેખર એ અનુભવ કરીએ કે જીવનમાં બધું જ અનિશ્ચિત છે તો આપણે એવું કંઈક શોધવા ઇચ્છીએ છીએ, જે આપણને સુરક્ષા પ્રદાન કરે. આ નિયમ અપરાધની ભાવના પર પણ લાગુ પડે છે. જ્યારે આપણે સ્વયંને ઉચિત માર્ગ પર જવામાં અસમર્થ અનુભવીએ છીએ, એ સમયે આપણે કંઈક એવું શોધીએ છીએ, જે આપણને બળ આપે. આ સ્થિતિમાં પ્રાર્થનાની ખરી જરૂરિયાત જણાય છે.

જ્યારે આ જરૂરિયાત હૃદયમાં ઊઠે છે, ત્યારે આપણામાં નિષ્ઠા આવે છે. જ્યારે આપણે જાણી લઈએ છીએ કે એવી કોઈ શક્તિ છે, જેને આપણે મેળવી શકીએ છીએ તો આપણા પ્રયત્નોમાં દૃઢતા આવે છે. ઘણા લોકો માટે ઈશ્વર એક શબ્દ માત્ર છે. પરંતુ એક સાચો ભક્ત જ્યાં સુધી ઈશ્વરનાં દર્શન નથી કરી લેતો, ત્યાં સુધી તેને વિરહની વાસ્તવિક પીડા થાય છે. જ્યારે આપણામાં આ ભાવ જાગ્રત થાય છે ત્યારે આપણે આધ્યાત્મિક પથ પર ઉન્નતિ કરીએ છીએ. અને જે ક્ષણે આ પ્રેમભાવની પીડાથી જીવન દુષ્કર બની જાય છે, તે જ ક્ષણે આપણને એ પરમ સત્યની અનુભૂતિ થાય છે. જ્યારે આપણે સાચા હૃદયથી કોઈ વસ્તુની ઇચ્છા કરીએ, ત્યારે તે આપણને પ્રાપ્ત થાય જ છે. જ્યારે મન કોઈ એક બાબત માટે આગ્રહી હોય છે, તેના માટે પર્યાપ્ત શક્તિ ખર્ચી નાખી હોય છે ત્યારે તેનું અનુકૂળ ફળ મળવું અવશ્યંભાવી છે, પછી આપણે વિશેષ પ્રયત્નો નથી કરવા પડતા. પ્રયત્નની જરૂર તો શરૂઆતમાં હોય છે, જ્યારે આપણે પ્રાર્થનાની આવશ્યકતાનો તીવ્રપણે અનુભવ કરવા માગીએ છીએ. એક વાર આ અનુભવ થતાં જ પરિણામ સ્વાભાવિકરૂપે પ્રાપ્ત થાય છે.

બીજી શરત છે—પ્રાર્થનામાં નિયમિતતા. આપણે પ્રતિદિન અને નિશ્ચિત સમયે પ્રાર્થના કરવી જોઈએ. એક પ્રશ્ન થઈ શકે છે કે, ‘ઈશ્વર તો સર્વત્ર છે અને કાલાતીત છે, તો ભલા આપણે જ્યારે ઇચ્છા હોય ત્યારે અને જ્યાં છીએ, ત્યાં જ પ્રાર્થના કેમ ન કરી શકીએ?’ તેનો જવાબ એ છે કે જો આપણે આજે સવારે નાસ્તા પછી પ્રાર્થના કરીએ, કાલે સૂતા પહેલાં અને પરમ દિવસે ઓફિસમાં વિશ્રામ સમયે, તો એનાથી પ્રાર્થનામાં ગહનતા નથી આવતી. આવું કરવાથી આપણી ઉન્નતિ નહીં થાય. મનને નિયંત્રણમાં લાવવું પડે છે અને તેના માટે પ્રાર્થનાની આદત પાડવી અત્યંત જરૂરી છે. કેટલાક લોકો કહે છે કે પ્રાર્થના બરોબર થતી નથી. પણ તેમના માટે એકમાત્ર ઉપાય છે કે બરોબર થાય કે નહિ, તેઓએ પ્રાર્થના કરવાનું છોડવું નહિ. બીજો કોઈ ઉપાય નથી.

સાથે જ આપણે યત્નપૂર્વક આખો દિવસ મનમાં પ્રાર્થનાનો ભાવ જીવંત રાખવો જોઈએ. જો આપણે સવારે અડધો કલાક પ્રાર્થના કરીએ, પરંતુ બાકીનો આખો દિવસ એવાં કાર્યો કરીએ કે જેથી પ્રાર્થનાથી વિપરીત ભાવો જન્મે, તો કામ નહીં બને. આપણે આપણા આધ્યાત્મિક જીવનના આદર્શને પ્રતિક્ષણ આપણા વ્યવહારમાં ઉતારવાનો પ્રયાસ કરવો જોઈએ, નહિતર પ્રાર્થના માત્ર એક દેખાડો બની જાય છે.

વળી, પ્રાર્થનામાં વિશ્વાસ હોવો પણ જરૂરી છે. એ સાચું છે કે વિશ્વાસ સહજમાં નથી ઊપજતો. પણ જો આપણે નિયમિતરૂપે પ્રાર્થના કરીએ, તો ભલે પહેલાં એટલો વિશ્વાસ ન આવે પણ ધીરે ધીરે વિશ્વાસ ઊપજવા લાગશે. આ આધ્યાત્મિક ઉન્મેષ છે. એ લોકો સદ્‌ભાગી છે કે જેઓ એવા લોકોના સંપર્કમાં આવે છે, જેનામાં વિશ્વાસ સહજ અને જન્મજાત હોય છે. જો આપણે એવા સાધુપુરુષના સંપર્કમાં આવીએ, જેઓએ શાસ્ત્રો દ્વારા વર્ણિત સત્યની પોતાના જીવનમાં અનુભૂતિ કરી લીધી હોય, તો આપણો સંશય નષ્ટ થઈ જાય છે. જો આવો સત્સંગ ન મળે તોપણ આપણે પોતાની આધ્યાત્મિક ઉન્નતિના પ્રયાસો બંધ ન કરવા જોઈએ. ધીરે ધીરે વિશ્વાસ ઊપજશે જ.

અભ્યાસથી વિશ્વાસ વધે છે અને વિશ્વાસમાં વૃદ્ધિ થવાથી સાધનાની લગની લાગે છે. જેમ જેમ અભ્યાસનું ફળ મળતું જાય છે, તેમ તેમ આપણામાં વધુને વધુ ફળ પ્રાપ્ત કરવાની ઇચ્છા જાગે છે. વહેલી સવારે પૂર્વ દિશામાં લાલિમા જોઈને આપણે અનુમાન કરી શકીએ છીએ કે સૂર્યોદય થવાનો છે. આમ,  જ્યારે આપણે આધ્યાત્મિક ઉન્નતિની એક ઝલકમાત્ર જોઈએ છીએ, ત્યારે આપણો વિશ્વાસ દૃઢ થાય છે કે વાસ્તવમાં પરમ સત્યનું અસ્તિત્વ છે અને આપણે તેની અનુભૂતિ કરવા માટે બમણા ઉત્સાહથી પ્રયત્ન કરવા લાગીએ છીએ. જો આપણે ખંતપૂર્વક સાધના કરતા રહીએ, તો તે અંતિમ લક્ષ્યની પ્રાપ્તિ કરી શકીએ છીએ, ત્યારે આપણી સઘળી ઇચ્છાઓ પૂર્ણ થઈ જાય છે.

આપણે પ્રાર્થનાની પદ્ધતિ પર વિચાર કર્યો; તે પ્રક્રિયાઓની ચર્ચા કરી, જેના સહારે આપણે ઈશ્વર-સાક્ષાત્કાર તરફ આગળ વધી શકીએ છીએ. પરંતુ આપણે હંમેશાં પદ્ધતિઓ અને પ્રક્રિયાઓના માધ્યમથી જ ઉન્નતિ નથી કરતા. જ્યારે સમુદ્રમાં ભરતી આવે છે, ત્યારે ચારેબાજુની ભૂમિ જળમગ્ન થઈ જાય છે. એ સમયે પછી કૂવો ખોદવાની જરૂર નથી રહેતી. આમ, જ્યારે હૃદયમાં આધ્યાત્મિક વ્યાકુળતા અને ભક્તિની ભરતી આવે છે, ત્યારે પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ બિનજરૂરી બની જાય છે. ત્યારે આપણાં સંપૂર્ણ મન અને પ્રાણ ઈશ્વરાનુભૂતિ તરફ પ્રબળ વેગથી ગતિ કરે છે અને અંતમાં આપણને તે અનુભૂતિ પ્રાપ્ત થઈ જ જાય છે.

Total Views: 148

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.