(લેખક રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસી છે અને શ્રીરામકૃષ્ણ જ્યોત સહકાર સમિતિના સભ્ય છે. – સં.)

પ્રાર્થના કરવાથી શું થાય? પ્રાર્થના ન કરીએ તોપણ આપણા જીવનનું ગાડું બરોબર ચાલી જ રહ્યું છે ને, શું પ્રાર્થના કરવી એ નબળાઈનો સંકેત નથી? આપણે કોઈ એક અજાણી વ્યક્તિ પાસે કંઈ માગી રહ્યા છીએ અને ખરેખર પ્રાર્થના સાંભળવાવાળી કોઈ વ્યક્તિ છે ખરી? એ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે? — એવા ઘણા બધા પ્રશ્નો આજનો વિજ્ઞાન-પક્ષધર આધુનિક સમાજ પૂછે છે.

શક્તિનું તારતમ્ય તો આપણે બધાય માનીએ જ છીએ. એક વ્યક્તિમાં શક્તિનો પ્રકાશ ન્યૂન છે અને બીજી વ્યક્તિમાં શક્તિનો પ્રકાશ વધારે છે. આપણે સૌ ઇચ્છીએ છીએ કે આપણામાં અનંત શક્તિ હોવી જોઈએ. શાસ્ત્રો કહે છે કે એ અનંત શક્તિ, અનંત આનંદનો પુંજ એટલે પરબ્રહ્મ પરમેશ્વર પરમાત્મા; અને એ જ આપણું વાસ્તવિક સ્વરૂપ, જેને આપણે ભૂલી ગયા છીએ. પ્રાર્થના આપણને આપણા સ્વરૂપ તરફ લઈ જાય છે. અનંત આત્મા તરીકે જગતની સમસ્ત શક્તિઓ આપણામાં નિહિત છે અને પ્રાર્થનાથી એનું પ્રગટીકરણ થાય છે.

સ્વામીજી અને યુવાનોની પ્રાર્થના

સ્વામી વિવેકાનંદ કહે છે કે અહોરાત્ર પ્રાર્થના કર કે, ‘હે ગૌરીપતે! હે જગજ્જનની અંબે! તું મને મનુષ્યત્વ આપ. હે સામર્થ્યદાયિની માતા! મારી નિર્બળતાનો નાશ કર, મારી કાયરતાને દૂર હટાવ અને મને માનવ બનાવ!’

સ્વામીજી અહીંયાં મનુષ્ય બનવા માટે પ્રાર્થના કરવાનું કહે છે. શું આપણે મનુષ્ય નથી? વિજ્ઞાનની દૃષ્ટિથી તો આપણે મનુષ્ય છીએ જ, પણ સારા સંસ્કારોના અભાવથી મનુષ્ય પશુસમ બની જાય છે. એ સંસ્કારોનું સિંચન ધર્મ દ્વારા થાય છે, જેમાં પ્રાર્થના બહુ સહાયક હોય છે, અને આપણે ખરા અર્થમાં મનુષ્ય બનીએ છીએ.

आहारनिद्राभयमैथुनं च
सामान्यमेतत् पशुभिर्नराणाम्।
धर्मो हि तेषाम् अधिको विशेषो
धर्मेण हीना: पशुभि: समाना:॥

આહાર, નિદ્રા, ભય અને મૈથુનની બાબતમાં પશુ અને માણસમાં કોઈ અંતર નથી. માણસમાં ધર્મ એક એવી વસ્તુ છે જે પશુમાં હોતી નથી. આથી ધર્મ વિનાનો માણસ પશુ જેવો જ ગણાય.

जन्मना जायते शूद्रः संस्कारात् भवेत द्विजः।

સ્વામી વિવેકાનંદને એક વખત રાજસ્થાન સ્થિત ખેતડીના મહારાજાએ પૂછ્યું, ‘સ્વામીજી, જીવન એટલે શું?’ સ્વામીજીએ ઉત્તર દીધો, ‘આજુબાજુની પ્રતિકૂળ પરિસ્થિતિ પ્રયત્નો કરે છે જીવને દબાવી રાખવા, અને એને માન્યા વિના અંતઃશક્તિ પોતાનાં આવરણો હટાવતી જાય છે, અથવા તો ઉત્તરોત્તર વિકાસ સાધતી ચાલે છે—એને જ કહે છે જીવન.’

આપણે આપણા જીવનમાં જોઈએ છીએ કે લક્ષ્યપ્રાપ્તિ માટે જીવનમાં થોડા-ઘણા પડકારોનો સામનો બધાએ કરવો જ પડે છે. લક્ષ્ય જેટલું ઊંચું હશે, પડકારો એટલા જ ભયંકર હશે. એના માટે સૌ પ્રથમ જે વસ્તુની જરૂર છે, એ છે ચારિત્ર્યની. સ્વામીજી કહે છે, ‘એ ચારિત્ર્ય જ છે, જે મુશ્કેલીઓની અડગ દીવાલો ચીરી શકે છે.’ આ ચારિત્ર્યનું ઘડતર આપણા દેશના યુવાનો કઈ રીતે કરી શકે, એના વિશે આપણા વેદોમાં પ્રાર્થનાઓ આપેલ છે.

ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलम् इन्द्रियाणि च सर्वाणि।

 ‘મારા બધા અવયવો મજબૂત થાઓ. તેવી જ રીતે મારાં શ્વાસ, વાણી, આંખ, કાન અને બીજાં બધાં અંગો બળવાન બનો.’

સ્વામીજી તેમના ઘણા પ્રવચનોમાં નીચે આપેલ પ્રાર્થના કહેતા—

ॐ असतो मा सद्गमय। तमसो मा ज्योतिर्गमय। मृत्योर्मा अमृतं गमय।
ॐ शांतिः शांतिः शांतिः ॥

આપણે જે કંઈ આહાર ગ્રહણ કરીએ છીએ, એ શુદ્ધ હોવો જોઈએ. સ્વામીજી પોતાનાં પ્રવચનોમાં ઇંદ્રિયોના આહાર વિશે કહે છે કે આપણે આંખ, કાન વગેરે ઇંદ્રિયો દ્વારા જે કંઈ ગ્રહણ કરીએ એ શુદ્ધ હોવું જોઈએ. વેદોમાં આ પ્રાર્થનાનો મંત્ર જોવા મળે છે.

ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवः।
भद्रं पश्येमाक्षभिर्यजत्राः।

‘હે ઈશ્વર, અમે કાનથી સારું સાંભળીએ અને આંખથી સારું જોઈએ.’

સ્વામીજીની રાષ્ટ્ર માટે પ્રાર્થના

રાષ્ટ્રનું ઉત્થાન કેવી રીતે થાય એના વિશે સ્વામીજી સતત પ્રયત્નશીલ હતા. રાષ્ટ્ર એટલે કે એ રાષ્ટ્રમાં રહેવાવાળા નાગરિકજનો. જ્યાં સુધી આમજનતાનું ઉત્થાન નહિ થાય, ત્યાં સુધી રાષ્ટ્રનું પણ ઉત્થાન નહિ થાય. મનુષ્યનું ચારિત્ર્ય-નિર્માણ અને ચારિત્ર્ય-નિર્માણથી રાષ્ટ્ર-નિર્માણ. સ્વામીજીનું સમગ્ર જીવન વિશેષ કરીને માતૃભૂમિ ભારત પ્રત્યે પ્રાર્થનાશીલ હતું.

મદ્રાસમાં આપેલા અંતિમ વ્યાખ્યાન ‘ભારતનું ભાવિ’માં સ્વામીજી કહે છે: ‘આગામી પચાસ વર્ષ સુધી આપણી મહાન ભારતમાતા જ આપણી આરાધ્ય દેવ બની રહે. થોડા સમય માટે બીજાં બધાં દેવ-દેવીઓ ભલે આપણા મનમાંથી ભૂંસાઈ જાય. એનાથી કોઈ નુકસાન થવાનું નથી…. માની લો કે બધાં દેવી-દેવતાઓ અત્યારે ઊંઘમાં પડ્યાં છે. અત્યારે આપણા દેશબાંધવો જ એકમાત્ર જાગૃત દેવતા છે. ચારે તરફ એના હાથપગ છે. ચારે તરફ તેના કાન છે, તે બધે ફેલાયેલા હોઈને વિદ્યમાન છે. આપણી સમક્ષ અને આપણી ચારે તરફ જેનાં દર્શન થાય છે, એ વિરાટ દેવતાની પૂજા છોડીને તમે કેવા કેવા મિથ્યા દેવતાઓની શોધમાં ભટકી રહ્યા છો? … એ માટે સહુથી પહેલાં તો વિરાટની પૂજા કરો. તમારી સન્મુખ અને તમારી ચોતરફ જે લોકો છે, તેમની પૂજા. એમની પૂજા કરવી પડશે..’

શિકાગોથી 1894માં આલાસિંગા પેરુમલને પત્રમાં સ્વામીજીએ લખ્યું હતું, ‘ચાલો આપણે પ્રાર્થના કરીએ, અંધારામાંથી એક કિરણ આવશે, અને આપણને દોરવા માટે હાથ લંબાવવામાં આવશે. હું હંમેશાં તમારા માટે પ્રાર્થના કરું છું, તમારે મારા માટે પ્રાર્થના કરવી જોઈએ. આપણામાંના દરેક ગરીબ, પુરોહિત અને જુલમ દ્વારા બંધાયેલા ભારતના લાખો દલિત લોકો માટે દિવસ-રાત પ્રાર્થના કરીએ.’

 સાધક વિવેકાનંદની મા જગદંબાને પ્રાર્થના

સ્વામીજીને પણ પોતાના વિદ્યાર્થી-જીવનમાં ગરીબીના કપરા દિવસો સહન કરવા પડ્યા હતા. કેટલીક વખતે તો તેઓ ભૂખ્યા પેટે જ સૂઈ જતા. ઘરમાં તેમનાં મા-ભાઈઓ અત્યંત નિર્ધનતામાં દિવસો વિતાવી રહ્યાં હતાં. સ્વામીજીને ત્યારે યાદ આવે છે કે જો ગુરુ ઠાકુર શ્રીરામકૃષ્ણદેવ તેમના વિશે પ્રાર્થના કરશે, તો તેમના ઘરના લોકોને સામાન્ય અન્નનો અભાવ નહિ રહે. સ્વામીજી ઠાકુરને પોતાના પરિવારની નિર્ધનતા દૂર કરવા માટે પ્રાર્થના કરે છે. ઠાકુર કહે છે, “તું ‘મા’ને માનતો નથી એટલે તો ‘મા’ સાંભળતાં નથી. વારુ, આજે મંગળવાર; હું કહું છું કે, આજે રાત્રે કાલીમંદિરે જઈને માને પ્રણામ કરીને તું જે માગીશ, મા તને તે જ આપશે. મારી મા ચિન્મયી બ્રહ્મશક્તિ—ઇચ્છા વડે જગતને જન્માવ્યું છે; તેઓ ઇચ્છે તો શું ન કરી શકે?” સ્વામીજી મંદિરમાં જગદંબાને પ્રાર્થના કરવા જાય છે, પણ ભૂલી જાય છે કે તેમને કઈ પ્રાર્થના કરવી છે. તેઓ વારંવાર પ્રણામપૂર્વક માની પાસે જ્ઞાન-ભક્તિ-લાભની પ્રાર્થના કરે છે.

સ્વામીજી પ્રાર્થના કરીને પાછા આવ્યા. ઠાકુરે હસતાં હસતાં કહ્યું, ‘કેમ રે, આ વખતે તો કહ્યું ને?’ ફરી વાર ચમકી ઊઠીને નરેન્દ્ર બોલ્યા, ‘ના મહારાજ, માને જોતાંની સાથે જ કોઈક દૈવીશક્તિને પ્રભાવે બધું ભૂલી જઈને કેવળ જ્ઞાન-ભક્તિ પામવાની વાત જ મેં તો કહી છે ! શું થશે?’ ઠાકુર બોલ્યા, ‘હટ્‌ છોકરા, પોતાની જાતને જરાક સંભાળીને એ પ્રાર્થના કરી શક્યો નહિ? બને તો ફરી એક વાર જા. અને આ બધી વાતો ફરી જણાવી આવ, જલદી જા.’ તેઓ ફરી એક વાર મંદિરમાં ગયા, પણ મંદિરમાં જતાંની સાથે જ લજ્જા દિલ પર કબજો કરી બેઠી. આ તો કેવી તુચ્છ વાત માને કહેવા માટે પોતે આવ્યા છે! ઠાકુર કહે છે તેમ, રાજાને ખુશ કરીને એની પાસે દૂધી, કોળાંની ભીખ માગવી! આ પણ એવી જ બેવકૂફી! આવી હીન બુદ્ધિ નરેન્દ્રનાથની થાય? લજ્જા અને ઘૃણાથી ઘવાયેલા અંતઃકરણે ફરી ફરીને પ્રણામ કરતાં પ્રાર્થના કરવા લાગ્યા, ‘બીજું કાંઈ ન માગું મા, કેવળ જ્ઞાન-ભક્તિ દો.’

એક સાધક, દેશભક્ત અને ગુરુના રૂપમાં જોઈએ તો સ્વામીજીનું સમસ્ત જીવન પ્રાર્થનામય જ હતું. પણ એ પ્રાર્થના નિષ્પ્રાણ પ્રાર્થના ન હતી. તેમની પ્રાર્થના કેવળ મુખથી ઉચ્ચારેલ અમુક શબ્દો ન હતા, પણ તેમણે એ પ્રાર્થનાને કર્મમાં રૂપાયિત કરી હતી.

Total Views: 116

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.