(બ્રહ્મલીન સ્વામી અશોકાનંદજી રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા.)

અહીં અમે ટૂંકમાં પ્રાણાયામ વિષે કહેવા ધારીએ છીએ. પ્રાણાયામ મનની સૂક્ષ્મ અવસ્થાઓને પ્રાપ્ત કરવાનું એક અસરકારક માધ્યમ છે, એટલું જ નહિ પણ તે ધર્મની ગંભીર સાધના કરવા મનને તૈયાર કરે છે, તેમ જ સાધકને સમાધિ અવસ્થામાં લઈ જાય છે, એમ ઘણાખરાની માન્યતા છે. પરંતુ પ્રાણાયામ માટે કેટલીક આવશ્યક શરતો વિષે ઘણુંખરું બેદરકારી રાખીને એને અવગણવામાં આવે છે. પ્રાણાયામની આજુબાજુ એક એવો ભ્રમમૂલક ચળકાટ છે. તે જાણે કે એ સહેલાઈથી સિદ્ધ કરી શકાય છે! અને તેમાંથી જીવ પરિણામોને પ્રાપ્ત થાય છે. તે ખરેખર અતિ આકર્ષક હોય છે. સામાન્ય મન પ્રાણાયામની ભાવિ શક્યતાઓથી સરળતાપૂર્વક ભ્રમિત બની જાય છે. આપણે ભૂલવું ન જોઈએ કે આપણે અહીં સામાન્ય માનવીના કિસ્સાનો વિચાર કરી રહ્યા છીએ, નહિ કે તીવ્ર વૈરાગ્ય અને પવિત્ર મનના માનવીનો. પ્રાણાયામ અને આવી બીજી યોગ સાધનાઓ તરફ પશ્ચિમ-નિવાસીઓને પ્રચંડ મોહ અને આકર્ષણ હોય છે અને અનેક ભારતીયો સુધ્ધાં તેમના સહેલાઈથી શિકાર બને છે.

આપણે વધુ અને વધુ શક્તિ માટે આતુર છીએ. અને કોણ જાણતું નથી કે યોગ પ્રચંડ અલૌકિક સિદ્ધિઓ પ્રદાન કરી શકે છે? એટલે આપણે પ્રાણઘાતક પરિણામો આવે તેવી સાધના ઘણાખરા કિસ્સાઓમાં શરૂ કરીએછીએ.

આપણે અહીં પ્રાણાયામના વિવિધ પ્રકારોને વર્ણવવા માગતા નથી. આપણને તો અહીં એટલું જ લાગે વળગે છે કે પ્રામાણિક ધર્મજીવનની તૈયારીમાં તે કેટલી શક્ય સહાય આપી શકે.

શરીર અને મનની વચ્ચે શો સંબંધ છે? કોણ માલિક છે? મન શરીરનું નિયંત્રણ કરે છે કે શરીર મનનું નિયંત્રણ કરે છે? અનેક ભિન્ન-ભિન્ન ખુલાસાઓ કરવામાં આવે છે. પરંતુ આપણે હિંદુઓ માનીએ છીએ કે મનની રચના શરીર પહેલાં થાય છે અને તે જ શરીરને ઘડે છે અને નિયંત્રિત કરે છે, નહિ કે શરીર મનનું ઘડતર કરે છે અને તેનું નિયંત્રણ કરે છે. જેવું મન તેવું શરીર હોય છે. વાસનાઓ અને સંસ્કારો શરીરઘડતરમાં રચનાત્મક બળો છે. દુષ્ટ વિચાર સુધ્ધાં માનવીના રૂપને કદરૂપું બનાવે છે. પવિત્ર વિચાર શરીરને દિવ્યરૂપ પ્રદાન કરે છે. આ સામાન્ય અનુભવ છે. પરંતુ તેનો ઈન્કાર થઈ શકે તેમ નથી કે શરીર સુધ્ધાં મનને પ્રભાવિત અને પરિવર્તિત કરે છે. આપણો આહાર, વાતાવરણ, આબોહવા, માંદગી આ બધાં પોતાનો પ્રભાવ મન ઉપર પાડે છે.

આમ છતાં માત્ર બાહ્ય પ્રેરણાઓ, મનને વધુ સ્પર્શી શકે નહિ. શરીર અને બાહ્ય વિષયો માત્ર અમુક અંશે જ મનને અસર કરી શકે. તે ઉપરાંત આંતરિક સંસ્કારો હોય છે કે જે વિજય પામે છે. હકીકત એ છે કે, મનનો અમુક અંશ લગભગ શરીરની સમાન ભૂમિકાએ હોય છે. મન અને શરીર એકબીજા ઉપર કેવી રીતે અસર કરે છે તે સમજાવવું અશક્ય ન હોય તો પણ અત્યંત મુશ્કેલ છે. પરંતુ આપણે અનુભવીએ છીએ કે મનનો અમુક અંશ શરીર સાથે નિકટ સંબંધોમાં છે અને તેની સમાન સપાટીએ છે, અને જો આપણે શરીરમાં જરૂરી પરિવર્તનો કરીએ તો મન સુધ્ધાં ઇચ્છિત દિશામાં પરિર્વતન પામે છે. એટલા માટે પ્રાણાયામ અથવા શ્વાસોચ્છ્વાસના નિયંત્રણની સાધના કરવામાં આવે છે.

હવે, એમ જોવામાં આવ્યું છે કે પવિત્ર અને આધ્યાત્મિક વિચારના શારીરિક સહવર્તી તાલબદ્ધ અને લયબદ્ધ, શ્વાસ-ઉચ્છવાસની ટેવ પાડી શકીએ અને તેની ઉપર સંપૂર્ણ કાબૂ મેળવીએ તો આપણે મનમાં સૂક્ષ્મ અને આધ્યાત્મિક વિચારોને ઉત્પન્ન કરી શકીએ. અને આખરે ઉચ્ચ માનસિક અવસ્થાઓને સાક્ષાત કરી શકીએ. આ એક સીધો માર્ગ જણાય છે. આમ છતાં આ બધું આટલું સહેલાઈથી અને યંત્રવત્ બનતું નથી. મન બળવો કરે છે. તે પ્રાણાયામની યુક્તિ-પ્રયુક્તિથી દોરવાઈ જવાનો ઈન્કાર કરે છે.

મગજ અને જ્ઞાનતંતુઓ-મજજાતંતુનું તંત્ર જીવન અને મનની રચનામાં અત્યંત મહત્ત્વનું સ્થાન ભોગવે છે. આપણે અગાઉ જોયું તે પ્રમાણે હિન્દુની માન્યતા મુજબ મન શરીરની રચના કરે છે. મસ્તક અને જ્ઞાનતંતુઓનું તંત્ર મનના મુખ્ય અને સર્વોત્તમ પ્રતિનિધિઓ ગણી શકાય. આપણા વર્ચસ્વ ધરાવતાં માનસિક વલણો, વૃત્તિઓ, સંસ્કારો કેવળ શરીરના વધુ સ્થૂળ ભાગોને એક વિશેષ ઢાળ આપે છે. એટલું જ નહિ પરંતુ મસ્તક અને જ્ઞાનતંતુઓને પણ ઢાળ આપે છે. જ્ઞાનતંતુઓ અને મસ્તક કેવળ તે જ વિચારો અને લાગણીઓને સહેલાઈથી અને સંપૂર્ણપણે વહન કરવાની શક્તિ ધરાવે છે, જે મનને માટે સામાન્ય છે. તેઓ અસામાન્ય કે અલૌકિક લાગણીઓ અને ભાવોને વહન કરી શકતા નથી. જો આપણે તેમને તેમ કરવા માટે ફરજ પાડીએ તો કેટલોક સમય તેઓ અનિચ્છાપૂર્વક તેને અધીન થશે, પરંતુ આખરે તેઓ સંપૂર્ણપણે તૂટી જશે અને તેનાં પરિણામે શરીર અને મનને માટે વિધાતક નીવડે છે.

આપણું માનસિક જીવન જ્ઞાનતંતુઓ અને મગજના યોગ્ય કાર્ય ઉપર મોટે ભાગે અવલંબે છે. આપણે સૌ જાણીએ છીએ કે માણસના મગજમાં એક નાનકડો સ્ક્રુ સુધ્ધાં ઢીલો થઈ જાય તો શું બને છે ! પરંતુ આપણે જ્ઞાનતંતુઓને જરૂરી મહત્ત્વ આપતાં નથી. બધાં સત્યદર્શનો અને જ્ઞાન, આનંદ, સુખ, દુ:ખ જેવી વિવિધ પ્રકારની લાગણીઓ, શક્તિ અને સિદ્ધિનું સમગ્ર ભાન, આશા, ઉત્સાહ, હેતુપૂર્ણતા એક સ્વસ્થ જીવનના બંધારણ માટે જરૂરી તેવું બધું જ તંદુરસ્ત અને મજબૂત જ્ઞાનતંતુઓને આભારી છે.

જ્યારે જ્ઞાનતંતુઓ અસ્થિર બને છે કે રોગગ્રસ્ત બને છે અથવા તેઓ વધુ પડતા શ્રમથી થાકી જાય છે, ત્યારે જીવન દુ:ખી, શુષ્ક, આનંદ વિનાનું અને ઉદ્દેશહીન જણાય છે. તે જાણે કે સ્થગિત બની ગયેલું જણાય છે અને કેવળ મૃત્યુ જ તેમાંથી છોડાવી શકે તેમ લાગે છે. આ માત્ર કહેવાતા સામાન્ય સંસારીજીવન માટે જેટલું સાચું છે તે કરતાં વધુ પ્રમાણમાં આધ્યાત્મિક જીવન માટે સાચું છે. આધ્યાત્મિક જીવનમાં આપણે અત્યંત સૂક્ષ્મ દર્શનો, ભાવો, હેતુઓ, આવેગો અને ઊર્મિઓ સાથે વ્યવહાર કરવો પડે છે. તેઓ ખૂબ જ સૂક્ષ્મ હોય છે અને તેમનાં અસંખ્ય વિવિધ રૂપો હોય છે. આપણે સંભાળપૂર્વક કેટલાંકનું નિયંત્રણ કરવાનું હોય છે, અને બીજાનાં પુનર્રચના અને પોષણ કરવાનાં હોય છે. આ બધું અત્યંત સબળ તથા સ્વસ્થ જ્ઞાનતંતુઓ અને મગજ માગી લે છે. જો આપણે કોઈ પણ રીતે તેમને બગાડીએ, ક્ષતિ પહોંચાડીએ તો આપણે આપણી જાતને અપાર નુકસાન કરીએ છીએ.

જો પ્રાણાયામ કરવામાં સાવધ ન રહીએ તો જ્ઞાનતંતુઓ અને મગજનો સર્વનાશ થવાની ઘણી સંભાવના છે. આપણે હમણાં જ જોયું તેમ જ્ઞાનતંતુઓ અને મગજને, જેને માટે તેઓ પાત્ર ન હોય એવાવિચારો અને ઊર્મિઓને વહન કરવા ફરજ પાડીએ તો આખરે તેઓ થાકી જાય છે, અને ધરાશાયી થાય છે. જયારે આપણે આપણા શ્વાસોચ્છ્વાસને નિયમિત બનાવીએ અને તેને તાલબદ્ધ રૂપે રહેવા દઈએ અથવા જયારે આપણે તેને પૂરેપૂરો ધારણ કરીએ ત્યારે આપણે મનમાં અણધાર્યા અને સૂક્ષ્મ વિચારોનો ઉદ્ભવ કરીએ છીએ. (આ અગાઉ આપણે શ્વાસોચ્છ્વાસ અને વિચાર વચ્ચે ગાઢ સંબંધ હોવાનું જોઈ ગયા છીએ.) આ વિચારો હંમેશાં પવિત્ર અને ઉમદા હોતા નથી. આપણામાં અનેક અનિષ્ટ વૃત્તિઓ હોય છે. સામાન્ય રીતે તે આપણી નજરમાં આવતી નથી, તેમ છતાં મનમાં તેઓ વિદ્યમાન હોય છે. જયારે ચેતનાની સપાટી સુધી બળજબરીપૂર્વક તેમને હડસેલવામાં આવે છે ત્યારે તેઓ મનમાં હુલ્લડ મચાવે છે અને આપણે આપણા નિર્બળ આત્મસંયમને કારણે તેમને ભાગ્યે જ કાબૂમાં લઈ શકીએ છીએ. તેઓ જ્ઞાનતંતુઓ અને મગજમાં ધમાચકડી મચાવે છે. અને તેને તોડી ફોડી નાખે છે અને તેનું પરિણામ મોટે ભાગે જાતીય અધ:પતનમાં પરિણમે છે. સૂક્ષ્મ ઈષ્ટ વિચારો સુધ્ધાં મગજ અને જ્ઞાનતંતુઓને એ જ રીતે બગાડે છે. કેમકે જ્ઞાનતંતુઓ અને મગજ પહેલેથી જ સ્થૂળ વિષયદર્શન માટે ટેવાયેલાં હોય છે. તેમને માટે સૂક્ષ્મ વિચારોની તીવ્રતા અને શક્તિ સહન કરવાનું વધુ પડતું થઈ પડે છે. આમ પ્રાણાયામના પરિણામો બન્ને દૃષ્ટિએ વિનાશક હોય છે. સૂક્ષ્મ વિચારોને સંચારિત કરવા તે જ પૂરતું નથી. આપણે ભૂલવું ન જોઈએ કે પ્રાણાયામ આપણામાં દેવોને જગાડે છે તેમ શેતાનોને પણ જગાડે છે અને દેવો અને દાનવોને જ્યારે અચાનક ઢંઢોળવામાં આવે છે ત્યારે આપણા માટે નુકસાનકારક બને છે.

શું આનો અર્થ એવો છે કે કોઈએ કદી પ્રાણાયામ કરવો નહિ? ના. પ્રાણાયામ લાભકારક રીતે કેવળ ત્યારે જ કરી શકાય કે જ્યારે આપણે નૈતિક ચારિત્ર્યમાં (બ્રહ્મચર્યમાં) દૃઢતાપૂર્વક આરૂઢ થયા હોઈએ, જયારે આપણે આપણાં મનમાંથી વિષય-વાસનાઓ અને ભોગવૃત્તિઓને નિર્મૂળ કરી નાખી હોય, જયારે ઉચ્ચ નૈતિક ચેતના આપણી સામાન્ય સપાટી બની ગઈ હોય, જ્યારે સૂક્ષ્મભાવો અને ઊર્મિઓ આપણે માટે બીજા સ્વભાવ જેવી બની ગઈ હોય અને જ્યારે જ્ઞાનતંતુઓ અને મગજ સૂક્ષ્મ વિચારો અને લાગણીઓને સંચારિત કરવા માટે ટેવાયેલા હોય. એટલે કે, આપણા માટે પ્રાણાયામ કલ્યાણકારી સાધના બની શકે તે પહેલાં ભીષણ અને ભગીરથ પુરુષાર્થ કરવો જોઈએ.

આપણા શાસ્ત્રોમાં ઠરાવી-ઠરાવીને વારંવાર કહેવામાં આવ્યું છે કે સમર્થ ગુરુના માર્ગદર્શન સિવાય પ્રાણાયામ કદી કરવો ન જોઈએ. જે કોઈ બ્રહ્મચર્યનું પાલન કરતું ન હોય તેણે કદી પ્રાણાયામ સાધના ગંભીરતાપૂર્વક કરવી ન જોઈએ. બ્રહ્મચર્યનું પાલન ન કરનાર મનુષ્યનું મગજ અને જ્ઞાનતંતુઓ નબળાં હોવાથી તેને માટે પ્રાણાયામ સાધના વધુ પડતી છે. નાની વયમાં, જયારે મનુષ્ય બ્રહ્મચર્યનું પાલન કરતો હોય અને જાતીય રીતે પવિત્ર હોય અને નૈતિક જુસ્સો હોય ત્યારે પ્રાણાયામની મંદ પ્રકારની સાધનાથી તેને લાભ થાય. કેમકે તે સમયે મન હજુ અણઘડ હોય છે. ઈચ્છાઓ અને વાસનાઓ યૌવન આવતાંની સાથે બહુ બળવાન બની જતી નથી તેમજ જ્ઞાનતંતુઓ અને મગજ તાજાં – સ્વસ્થ હોય છે. આ સમયમાં પ્રાણાયામની નમ્ર સાધનાની અસર ક્લ્યાણકારી બનશે.

આ ઉપરથી એ સ્પષ્ટ થશે કે, સાચું ધર્મજીવન ગાળવા માટે પૂર્વ આવશ્યકતા રૂપે મનની જે સૂક્ષ્મતા સંસારી મનુષ્યે પ્રાપ્ત કરવાની હોય છે તેમાં પ્રાણાયામ બહુબહુ તો ગૌણ કે નહિવત્ જ મદદ કરી શકે.

ભાષાંતર : શ્રી યશસ્વીભાઈ મહેતા

(‘Spiritual Practice’માંથી સાભાર)

Total Views: 221

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.