ભાષા વિજ્ઞાન અને કમ્પ્યુટરના જાણકાર જિજ્ઞાસુઓને જ આકર્ષે તેવો ડો. રાજપ્પાનો લેખ ઓગસ્ટ, ૧૯૮૮ના ‘વેદાંત કેસરી’માં અંગ્રેજીમાં છપાયો હતો. વધારેમાં વધારે જિજ્ઞાસુ વ્યક્તિઓ પણ એમાં ખાસ રસ લે એવા હેતુથી એ અંગ્રેજી લેખનું શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કરેલું ગુજરાતી ભાષાંતર અહીં આપ્યું છે. ડો. રાજપ્પા ‘ઈલેક્ટ્રોનિક્સ ઈન ધી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી’, મદ્રાસમાં પ્રોફેસર હતા. પાંચમી જુલાઈ, ૧૯૮૮ના રોજ તેમનું અવસાન થયું. પવિત્ર, ધાર્મિક પરિવારમાં જન્મેલા તેઓ વિજ્ઞાન, ધર્મ અને તત્ત્વજ્ઞાન તરફ ઢળેલા હતા. તેઓ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. – સં.
પ્રાચીન ભારતના વ્યાકરણના વિદ્વાનોના અમૂલ્ય પ્રદાન ઉપર ટિપ્પણી કરતાં શ્રી રિંક બ્રિગ્ગસ્ લખે છે: ‘એ લોકોને કશીય સાધનસામગ્રી વગરના કંપ્યુટર વિજ્ઞાનીઓ કહેવા માટે મન થઈ આવે છે.’ (મેગેઝિન, યુએસએ. સ્પ્રીંગ, ૧૯૮૫) આવા પ્રશંસાના શબ્દો એવા માણસના મુખમાંથી નીકળ્યા છે કે જે અમેરિકન કંપ્યુટર વિજ્ઞાની છે અને (કૃત્રિમ બુદ્ધિ) – ‘AI’ના સંશોધનક્ષેત્રમાં સંલગ્ન છે. એ ક્ષેત્રે એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરવાનું કામ, અર્વાચીન કંપ્યુટરનો વિનિયોગ કરીને સંચાલિત કર્યું છે.
છેલ્લાં પચીસ વરસોથી આ દિશામાં સરળ ભાષાઓની સુસ્પષ્ટ રજૂઆત કરવા માટે કંપ્યુટરની પ્રક્રિયા કામે લગાડવાના અનેક પ્રયત્નો થઈ ચૂક્યા છે. પણ આ પ્રયત્નો અડચણ ઊભી કરનાર પદ્ધતિરૂપ જ બની રહ્યા છે અને કશા ખાસ વ્યવહારુ ઉપયોગમાં લાવી શકાય તેવા નીવડ્યા નથી. એટલે બ્રિગ્ઝે એવું સૂચન કર્યું છે કે આ હેતુ માટે આંતરભાષા તરીકે સંસ્કૃતનો ઉપયોગ કરવો જોઈએ. એના સૂચન મુજબ એમ કરવામાં આવતાં, ભાષાંતરની કંપ્યુટરના ઉપયોગ દ્વારા યોજાતી પ્રવર્તમાન પદ્ધતિઓમાં સંસ્કૃતના વપરાશથી લાભો જણાવા લાગ્યા છે.
આ તો જાણીતી વાત છે કે સંસ્કૃત વિશ્વની સૌથી જૂની ભાષાઓ પૈકીની એક છે. અને આ ભાષા પોતાના ગણનાપાત્ર વાઙ્મય સાથે ભારતવર્ષમાં લગભગ એક હજાર વરસથી જીવતી-જાગતી-બોલાતી રહી છે. તદુપરાંત ભારતમાં આજ દિન સુધી વૈજ્ઞાનિક, તાત્ત્વિક, વ્યાકરણ સંબંધી એક અવિચ્છિન્ન પારિભાષિક ધારા વહી રહી છે. છેક ઈશુની આઠમી સદી પહેલાંથી ઉપનિષદના ઋષિઓની હસ્તી આપણે ત્યાં હતી. અને ઈશુની આઠમી સદી પછી પણ શંકરાચાર્ય હાજર હતા. આશરે ત્રણ હજાર વરસ પહેલાં આપણે ત્યાં વૈજ્ઞાનિકો હતા અને તેમણે એ પ્રાચીનકાળે પણ ખગોળ વિદ્યાનો વિકાસ કર્યો હતો અને આજે પણ આપણી વચ્ચે કેટલાયે સુવિખ્યાત વિદ્વાન વૈજ્ઞાનિકો છે. આ આપણી ધારાવાહિક પરંપરા છે.
પ્રો. બ્રિગ્ઝે પ્રતીતિ થાય એવી દલીલ કરી કે ચાલુ ‘AI’ (Artificial Intellect) ના કાર્યમાં શબ્દબોધની તારવણીની પદ્ધતિમાં સંસ્કૃત વાક્યનો લાભકારક ઉપયોગ કરી શકાય છે. ઘણા સંશોધકો હવે પ્રચલિત ‘છૈં’ની વિધેયનિર્દેશપૂર્વકની ખાસ ગણનપદ્ધતિ કરતાં ‘સેમેન્ટિક નેટ્સ’ જેવી આંતરભાષાકીય રજૂઆતની ટેકનીકને વધુ પસંદ કરે છે. આ આંતરભાષા એક મધ્યસ્થ ભાષા છે અને એનો સ્વયંસંચાલિત ભાષાંતર પ્રક્રિયામાં ઉપયોગ થાય છે. ફ્રેંચ ભાષામાંથી સીધો અંગ્રેજી ભાષામાં અનુવાદ કરવાને બદલે આપણે પહેલાં ફ્રેંચ ભાષાના ફકરાને આંતર ભાષામાં પલટાવી નાખીએ છીએ અને એમાંથી પછી અંગ્રેજી અનુવાદ થાય છે. આની આવશ્યકતા એટલા માટે ઊભી થઈ છે કે એક ભાષા બીજીથી અનેક રીતે જુદી પડે છે. એટલે એ બધી જ ભાત ભાતની ભાષાઓ માટે એક સર્વસામાન્ય અધિષ્ઠાનની એક સામાન્ય અધિકરણની જરૂર ઊભી થઈ. એ અધિષ્ઠાન વિવિધ ભાષાઓના શબ્દોના અર્થોને બરાબર પકડી શકે એટલું સમૃદ્ધ હોય એ અત્યંત જરૂરી જ છે. અને આ હેતુ માટે પ્રશિષ્ટ સંસ્કૃત, કે જે સંસ્કૃત ભાષાનો ઉપયોગ ભારતના પ્રાચીન વ્યાકરણવિદોએ પોતાની કૃતિઓમાં કર્યો છે, તે ભાષા ખૂબ બંધબેસતી જણાય છે.
પ્રાચીન ઇતિહાસ : એ એક આશ્ચર્યની વાત છે કે પ્રાચીન ભારતીયોએ જે રીતે પોતાની ભાષાનો વિચાર કર્યો છે તે રીતનો ભાષાવિષયક વિચાર વિશ્વનાં ઘણાં ઓછાં રાષ્ટ્રોએ કર્યો છે. સૈદ્ધાંતિક રૂપે ભાષાકીય સ્વરૂપના વિકાસનો વિચાર કરવા ઉપરાંત ભારતીય લોકોએ એની સાથે સંકળાયેલાં ધ્વનિશાસ્ત્ર રૂપો, પદવિન્યાસ આદિનો પણ પૃથક્કરણપૂર્વક વ્યાવહારિક અભ્યાસ કર્યો છે. આ રીતે તેમણે એક મહાન ભાષાવિજ્ઞાનનો વિકાસ કર્યો કે જે હજુ સુધી તો કોઈ કરી શક્યું નથી. એની બરોબરી કરે એવું ભાષા વિજ્ઞાન પણ હજુ સર્જાયું નથી.
પાંચમી સદીની આસપાસ સુપ્રસિદ્ધ વ્યાકરણાચાર્ય પાણિનિએ સંસ્કૃત ભાષાનાં બધાં જ ભાષાકીય પાસાઓનો પદ્ધતિપૂર્વકનો અભ્યાસ કર્યો અને તેમને એક સાથે પોતાના વ્યાકરણમાં સુગ્રથિત કર્યો. આ વિખ્યાત ગ્રંથ ‘અષ્ટાધ્યાયી’ને નામે ઓળખાયો. એ સમગ્ર વિશ્વમાં વિસ્તૃત વ્યાકરણગ્રંથ તરીકે સહુથી પહેલો રહ્યો અને કાળની કસોટીએ અનન્ય રહ્યો. મનુષ્યની બુદ્ધિ કેટલે ઊંચે વિહાર કરી શકે છે તે આનાથી જાણી શકાય છે. એના પછીનાં એકાદ હજાર વરસ દરમિયાન વ્યાકરણ સંબંધી અને ભાષા વિજ્ઞાન સંબંધી અનેક મહત્ત્વનાં સંશોધનો થતાં રહ્યાં અને છેવટે સત્ત્વશીલ ‘વાક્યપ્રદીપ’ ગ્રંથમાં એનું શિખર દેખાયું. ભર્તૃહરિનો એ ગ્રંથ પાંચમી સદીમાં લખાયો. ત્યાર પછીની સોળમી સદી સુધીમાં આ ક્ષેત્રમાં કોઈ ખાસ ગણનાપાત્ર કામ થયું હોય એવું જણાતું નથી. કોંડા ભટ્ટનું ‘વૈયાકરણભૂષણસાર’ જ ત્યાં સુધીમાં દેખાય છે! અહીંથી વ્યાકરણકારોની નવી પેઢીની શરૂઆત થાય છે. આ પેઢીએ પાણિનિના વ્યાકરણનું માત્ર વિવરણ જ ન કર્યું, પરંતુ પાણિનિના વ્યાકરણનો પરિષ્કાર પણ કર્યો. અઢારમી સદીના વ્યાકરણકાર નાગેશ ભટ્ટ આ સંશોધનકારોની લાંબી પરંપરા પૈકીના છેલ્લા મણકા છે. તેમની કૃતિ ‘વૈયાકરણ સિદ્ધની મંજૂષા’ તો સંસ્કૃત વ્યાકરણનો એક અદ્ભુત ગ્રંથ છે. પછી ભારતમાં બ્રિટિશ હકૂમતનું આગમન થતાં અને ભાષાકીય વિશ્લેષણની પશ્ચિમી પદ્ધતિ દાખલ થતાં પરંપરા પદ્ધતિનાં સંશોધનકાર્યોની ગતિ મંદ થઈ ગઈ. તેમ છતાંયે હમણાં હમણાંમાં આ બાબતમાં રસ વધુ પ્રદીપ્ત થયેલો દેખાય છે. પ્રાચીન વ્યાકરણકારોનાં કાર્યોની સમજૂતી આપવાના નવા ગંભીર પ્રયત્નો – નવી ઢબે સમજાવવાના પ્રયત્નો- થઈ રહ્યા છે. અને એ નવી ઢબ એટલે ‘AI’ (Artificial Intellect) સાથે એનો વિનિયોગ – એનું જોડાણ કરવું તે!
બોધપ્રતીકની પ્રચલિત પદ્ધતિઓ : આ બોધપ્રતીકનો સામાન્ય અર્થ, ‘આપેલા વાક્યનો સંપૂર્ણ અર્થ ઉદ્ઘાટિત કરવો’ એવો થાય છે. આ ક્રિયા એક ખાસ વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે છે. એમાં કંપ્યુટરની સ્મૃતિને એવી રીતે સંગ્રહવામાં આવે છે કે જેથી મૂળ સંદેશ એમાં બરાબર જળવાઈ રહે. આવું અંગ્રેજી જેવી ભાષા દ્વારા કરવું કંઈ બહુ સહેલું નથી જ. કારણ કે આવું કરવામાં વાક્યનો પદવિન્યાસ ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. જુઓ અહીં આપણે એક ઉદાહરણ રૂપ વાક્ય દ્વારા આ વાત સમજીએ :
Rama killed Rawana.
આ વાક્યનો અર્થ, વાક્યમાંના શબ્દોની અદલાબદલી કરતાં સાવ જુદો જ થઈ જશે. જેમ કે :
Rawana Killed Rama.
આવા અવળા જ અર્થની સંભાવના સંસ્કૃત ભાષામાં રહેતી નથી. ઉદાહરણ તરીકે :
राम: रावणम् जघान
रावणम् राम: जघान
राम: जघान रावणम्
जघान राम: रावणम्
ઉપરનાં બધાં જ વાક્યોનો એક જ અર્થ થાય છે કે ‘રામે રાવણને માર્યો!’
આ રીતે આપણે જોઈએ છીએ કે સંસ્કૃતમાં અને બીજી સગોત્રી સમૃદ્ધ ભાષાઓ અને એના પ્રભાવ તળે આવેલી અન્ય ભાષાઓમાં શબ્દોનાં વૈયાકરણિક રૂપો પોતે જ પોતાનો ક્રિયાપદ સાથેનો સંબંધ નક્કી કરી દે છે. એવી ભાષાઓમાં શબ્દોના ક્રમને ઝાઝું મહત્ત્વ હોતું નથી. વ્યાકરણનો જે વિભાગ આ વિષય સાથે સંબંધ ધરાવે છે, તેને જ પદવિન્યાસ કહેવામાં આવે છે. ઉપર્યુક્ત ભાષામાં પદવિન્યાસને દૂર કરીને શબ્દોને ચૂંટી-ખેંચીને પણ વાક્યાર્થનો બોધ અનુવાદ માટે તારવી શકાય છે. હાલમાં ‘Semantic Nets’ (શબ્દાર્થબોધક ગૂંથણી)ના ઉપયોગથી નીચે બતાવેલી રીતે તે સિદ્ધ કરી શકાયું છે. તેનો ઉપયોગ કોઈ આપેલા વાક્યની વિગતોનો બોધ મેળવવા માટે સહાયક નીવડે છે. દા.ત. –
Hanuman gave the ring to Sita.
ઉપરના વાક્યમાં જે હકીકત સમાયેલી છે, તે ત્રણ ત્રણ ગણી સાંકળે જળવાઈ રહેલી છે. જેમ કે
give – કર્તા – હનુમાન
give – કર્મ – વીંટી
give – લેનાર – સીતા
give – સમય – ભૂતકાળ
ઉપર બતાવેલી પૃથક્કરણની પદ્ધતિ જ બરાબર સંપૂર્ણ રીતે પાણિનિએ અપનાવેલી છે. ઈશુની પહેલાં પાંચસો વરસ પુરાણ કાળમાં આ શોધ ભારતની હતી.
હવે કારક સિદ્ધાંતમાં ડોકિયું :
પાણિનિનું સંસ્કૃત વ્યાકરણ વિશ્વના ઇતિહાસમાં ભાષાનું વૈજ્ઞાનિક રીતે પૃથક્કરણ કરવામાં અને સમજૂતી કરવામાં સૌથી પ્રથમ એકમાત્ર પ્રયત્ન છે. આજના યુગની ભાષામાં તેમનો કારક સિદ્ધાંત તો બોધકારક પદ્ધતિનું પ્રતિનિધિત્વ કરનાર સિદ્ધાંત તરીકે ગણાવી શકાય.
આ કારકોનું કાર્ય વિભક્તિના પ્રત્યયાર્થો સાથે એકદમ જોડાઈને અંતત: ક્રિયા સાથે ખાસ સંબંધ જોડવાનું છે. કારક સંબંધી આ વિચાર જ ક્રિયા ઉપર આધાર રાખે છે. અને એનો ક્રિયા સાથેનો આ સંબંધ જ કારકનું સ્વરૂપ નક્કી કરવામાં અનિવાર્ય તત્ત્વ છે. સામાન્ય રીતે ક્રિયાનો અર્થ ‘વ્યાપાર’ એવો થાય છે. (કશુંક કરવું એવો થાય છે) એમાં પ્રયત્ન અને પરિણામનો સ્વાભાવિક જ સમાવેશ થઈ જાય છે. આ ત્રણેયનું એમાં વિશિષ્ટ પ્રકારનું સમાયોજન થાય છે. આવી ક્રિયાસંબંધી વ્યાકરણની વિભાવના છે.
આ રીતે ‘ક્રિયા’ એ પ્રયત્નને સાથે રાખીને કરવામાં આવતો એક વ્યાપાર છે અને એ પરિણામ – ફળ તરફ માણસને દોરી જાય છે. વ્યાકરણના દૃષ્ટિબિંદુથી જોતાં, ‘पचति’ એ શબ્દનો અર્થ, એવાં કાર્યોનો સમૂહ કે જેમાં ઈંધણો ભેગાં કરે છે, એને સળગાવે છે, એના ઉપર ઘડો મૂકવામાં આવે છે, એમાં પાણી ભરવામાં આવે છે, એમાં પવન નાખવામાં આવે છે વગેરે વગેરે – એવો થાય છે.
આવાં કારકોની સંખ્યા છની ગણવામાં આવી છે:
૧. કર્તા – સ્વતંત્ર કોઈ પણ ક્રિયાનો કરનાર (agent)
૨. કર્મ – કર્તા દ્વારા પ્રાથમિક રૂપમાં જે ઇચ્છિત કાર્ય હોય તે (object)
૩. કરણ – કાર્યની સિદ્ધિ માટે અત્યંત અસરકારક ઉપકરણ. (Insrrument)
૪. સંપ્રદાન – કર્તા જેને દૃષ્ટિમાં રાખીને કશુંક આપવા ઇચ્છે છે તે (ગ્રાહક)
૫. અપાદાન – કોઈ નિશ્ચિત સ્થાનેથી ગતિ થાય – કોઈ સ્થાનમાંથી અલગ થાય તો તે સ્થાન
૬. અધિકરણ – કાર્યનું સ્થાન
હવે આપણે આ કારક સિદ્ધાંતનો વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ થાય છે તે વિશે જોઈએ :
વાક્યોનું પૃથક્કરણ :
ઉદાહરણ – ૧. ‘ચૈત્ર જઈ રહ્યો છે’ – ‘चैत्र: गचछति’ – આ વાક્યનું પૃથક્કરણ નીચે બતાવેલી રીતે થાય: જવાની ક્રિયા વર્તમાનકાળમાં બની રહી છે. એમાં ચૈત્ર સિવાય બીજો કોઈ કર્તા નથી. તે એક વચનમાં છે. એટલે ‘चैत्राभिन्नकर्तृक एकत्वावच्छिन्न वर्तमानकालिको गमनानुकूह्यो व्यापार:’ – આમ થાય.
ઉદાહરણ – ૨. ‘ચૈત્ર ગામ જાય છે’ – ‘चैत्र: ग्रामम् गचछति’ – આ વાક્યનું પૃથક્કરણ આ નીચે બતાવેલી રીતે થાય : અહીં એક એવી ક્રિયા છે કે જે એક જોડાણ તરફ દોરી જાય છે. આ ક્રિયાનો કર્તા ચૈત્ર સિવાય બીજો કોઈ નથી. અને એ કર્તા એકવચનથી વિશિષ્ટ છે અને એ ક્રિયા વર્તમાન કાળમાં થઈ છે. અને એનું કર્મ ગામ સિવાય બીજું કાંઈ નથી.’ એટલે ‘ग्रामा भिन्न कर्मनिष्ठ संयोगानुकूल-एकवचन चैत्राभिन्नकर्तृको वर्तमानकालिको व्यापार:’ – આમ થાય.
ઉપરનાં બંને ઉદાહરણો સ્પષ્ટ રીતે બતાવી જાય છે કે પૃથક્કરણની પ્રક્રિયા સીધી સાદી અને સરળ છે. અને વળી સ્પષ્ટ પણ છે. સંક્ષિપ્ત પણ છે અને વાક્યમાંથી વધારેમાં વધારે બોધ ખેંચી કાઢવામાં સમર્થ છે.
હવે આપણે આ પ્રક્રિયાને સરળ બનાવીશું અને વાક્યને શબ્દસમૂહને પ્રશિષ્ટ સંસ્કૃતમાં મઢીશું :
ઉદાહરણ – ૩. ‘અર્જુને કર્ણને યુદ્ધમાં બાણથી મારી નાખ્યો.’ – ‘अर्जुन: रणे बाणेन कर्णम् जघान’ આ વાક્યનું પૃથક્કરણ આમ થાય – ‘अर्जुन कृर्तृको रणाधिकरणा प्राणवियोगानुकूल: परोक्षातिकालिक: कर्णकर्मको व्यापार:।’
અહીં એ નોંધવું રહ્યું કે આ વાક્ય પદવિન્યાસ વગર જ શબ્દસમૂહથી બનેલું છે. ઉપરનાં બધાં ઉદાહરણોમાં દરેકનો છેલ્લો શબ્દ એવું બતાવે છે કે દરેકમાં કશીક ક્રિયા છે. અને ક્રિયા સિવાયના બાકીના શબ્દો ક્રિયાના સહાયકારી શબ્દો છે. હવે આપણે એ દરેક સહાયકારી ક્રિયા સાથે સંબંધ જોઈએ તો આપણને ત્રણ ત્રણના જૂથમાં એ મળશે. એ જૂથો તારવેલ અર્થબોધક ગૂંથણીનું સ્વરૂપ જ છે.
ક્રિયા ઉદાહરણ મારવું વ્યાપાર
મારવું પ્રાણથી વિયોગ પ્રાણવિયોગાનુકૂલ
મારવું સમય ભૂતકાળનો પરોક્ષકાલિક
મારવું કર્તા અર્જુન અર્જુન કર્તૃક
મારવું કર્મ કર્ણ કર્ણકર્મક
મારવું કરણ બાણ બાણકરણક
મારવું સ્થાન રણમેદાન રણાધિકરણક
કોઈ સમાન ઉચ્ચારણવાળા છતાં જુદા અર્થવાળા શબ્દમાં અતિવ્યાપ્તિ ન થઈ જાય એટલા માટે ‘મારવું’ નો અર્થ ‘પ્રાણવિયોગ’ એવી વ્યાપારની સ્પષ્ટતા કરીને અસ્પષ્ટતાનું નિવારણ કર્યું છે.
ઉપસંહાર : એટલે આપણે જોઈ શકીએ છીએ કે પ્રશિષ્ટ સંસ્કૃત ભાષા અને અર્થબોધક જાળીની ગૂંથણી, બોધપ્રતીકને લાગેવળગે છે ત્યાં સુધી સમકક્ષ જ છે. હવે અહીં એવો પ્રશ્ન ઊભો થઈ શકે કે સંસ્કૃત ભાષા શીખવી તો ઘણી કઠિન છે તો એ ભાષા માટે અહીં શા માટે આગ્રહ રાખવામાં આવે છે? જો અર્થબોધક – બોધપ્રતીકરૂપ – જાળીની ગૂંથણીને જ બરાબર રીતે સમજી લઈએ અને એનો સુયોગ્ય ઉપયોગ કરવાનું મર્યાદિત પ્રમાણમાં પણ આવડી જાય, તો સંસ્કૃત શીખવાની શી જરૂર છે? આ વિષયમાં નીચેના મુદ્દાઓ સંસ્કૃત શિક્ષણના પક્ષમાં અવશ્ય કામ લાગે તેવા છે :
૧. ભાષાકીય વિજ્ઞાનના અને ધ્વનિશાસ્ત્રનાં ક્ષેત્રમાં સંસ્કૃત ભાષામાં સંશોધનની એક લાંબી પરંપરા છે. અને અત્યારના ‘AI’ (Artificial Intellect)ના પ્રકલ્પો માટે જરૂરી એવા જ્ઞાનનો તૈયાર ખજાનો એમાં પડ્યો છે.
૨. સંસ્કૃતના વ્યાકરણની પરંપરા એક માયાનું અધિષ્ઠાન પૂરું પાડે છે અને એ ઘણી ખામીઓની પૂર્તિ કરી દે છે, ઘણી ક્ષતિઓ સામે એ ઝીક ઝીલી શકે તેમ છે, કારણ કે સંસ્કૃત ભાષા, વિવિધ ભાષાઓમાંથી બોધપ્રતીકોની તારવણી કરવા માટે – અર્થ પકડવા માટે – પૂરતી સમૃદ્ધ છે. સંસ્કૃત ભાષાનો ભવ્યાતિભવ્ય વિચારવારસો, એનાં તાત્ત્વિક અવધારણાઓ, એના કવિત્વનો વ્યાપક વિકાસ – આ બધાં પ્રશિષ્ટ સંસ્કૃત યુગનાં પ્રભાવક લક્ષણો છે. વળી, આ ભાષા એ બધી માગોને પહોંચી વળવા હંમેશાં સજ્જ થઈને ઊભી રહી છે. આ માટેનાં કારણો પૈકીનું મુખ્ય કારણ એ છે કે એમાં શબ્દ ઘડતરના અસંખ્ય સ્રોતો છે. અને એના ધાતુઓની સંખ્યા આશરે ૨૦૦૦ની છે, અનેક પૂર્વગો – ઉપસર્ગો અને ગૌણ પ્રત્યયો પણ છે. કવિતાની અભિવ્યક્તિના વાહન તરીકે સંસ્કૃત ઘણી જ સમૃદ્ધ છે. દાર્શનિક અભિવ્યક્તિમાં આ ભાષા સૂક્ષ્મ અને સ્પષ્ટ રીતે ગૂઢ વિચારોની અભિવ્યક્તિમાં પણ સમર્થ છે. લોકોત્તર ભવ્ય વિચારને પણ એ કહી જાણે છે.
૩. પ્રૌદ્યોગિકી તેમજ પારિભાષિક અનુશાસન – શિસ્તબદ્ધતામાં પણ સંસ્કૃત પાસે આશ્ચર્યકારક અને અનન્ય અભિવ્યક્તિની શક્તિ છે. આ વાત તેના સૂત્રગ્રંથોના લખાણો ઉપરથી દેખાઈ આવે છે. ટૂંકમાં, સંસ્કૃત ભાષા કવિતા, રૂપકો વગેરે રજૂ કરવા માટે એક આગવું કૌશલ ધરાવે છે. ભાષાન્તરમાં સામાન્ય રીતે એ બધી ચમક ઓસરી જાય છે. તદુપરાંત, કહેવાયેલું વાક્ય, કશી પણ અસ્પષ્ટતા વગર એના પ્રાથમિક અર્થ સાથે તારવી શકાય છે અને ગૌણ અર્થ તેનાં સૂચનો અને સામાન્ય સમાવિષ્ટ બાબતો પણ સમજી શકાય છે. આ રીતે આપણને એ વાક્યનો સંદર્ભ સહિત વધારેમાં વધારે અર્થ તારવવામાં સમર્થ બનાવે છે.
આ રીતે પાણિનિએ અને અન્યોએ ઉપયોગમાં લીધેલી સંસ્કૃત ભાષા કેટલાંય વરસોના વિચારોના અર્થબોધના સંચયનનું શિખરરૂપ છે અને એ ઘણી જ સ્પષ્ટ અને સ્વાભાવિક છે. અને પોતાની મેળે જ માહિતીઓ (બોધ) ઉત્પન્ન કરતી રહે છે. આમ સ્વયં બોધોત્પાદક હોવાને કારણે એવું લાગે છે કે તે કંપ્યુટર પ્રક્રિયા માટે એક આદર્શ ભાષા છે.સંસ્કૃત વ્યાકરણકારોએ હંમેશાં ભારતીય સંસ્કૃતિના ભાતીગળ તાણાવાણાની વચ્ચે પોતાનું અનન્ય કેન્દ્રવર્તી સ્થાન રાખ્યું છે. અહીં વ્યાકરણને તો વિજ્ઞાનનું પણ વિજ્ઞાન ગણવામાં આવેલું છે. એટલે જ અન્ય ક્ષેત્રના વિદ્વાનો પણ પોતાની પ્રેરણા માટે અને પોતાની પારિભાષિક ગૂંચો ઉકેલવા માટે વ્યાકરણ તરફ દૃષ્ટિ દોડાવે છે. કેટલાય યુગોથી આ ભાષાએ અર્વાચીન કંપ્યુટરોના પડકારોને ઝીલવા માટેની તકનીકી સજ્જતા અને કૌશલોનો વિકાસ જાણે કે પહેલેથી જ કરી મૂક્યો છે. આજે આપણે સહેલાઈથી કહી શકીએ એમ છીએ કે જે સંસ્કૃત ભાષાએ ઘણાં કારણોસર થોડો વિરામ લીધો છે તે આજે ભવિષ્યની પેઢીને માટે કંપ્યુટરના ઉપયોગ માટે વધારે મોટી સિદ્ધિ હાંસલ કરવા માટે સક્ષમ બની ચૂકી છે.
Your Content Goes Here




