‘જો આપણે માત્ર પાશ્ચાત્ય વિચારો, પાશ્ચાત્ય ભાષા, પાશ્ચાત્ય ખાનપાન, પાશ્ચાત્ય પોશાક અને પાશ્ચાત્ય રીતભાતને અપનાવીએ તો પાશ્ચાત્ય પ્રજા જેટલા જ આપણે મજબૂત અને બળવાન બનીશું.’ બીજી બાજુ પ્રાચીન ભારત કહે છે કે ‘મૂર્ખાઓ! કેવળ અનુકરણથી પારકા વિચારો કદી પોતાના થતા નથી. પોતે મેળવેલું ન હોય તેવું કંઈ પોતાનું બનતું નથી. સિંહનું ચામડું ઓઢેલ ગધેડો શું સિંહ બની જાય ખરો?’

એક બાજુ નવીન ભારત કહે છે : ‘જે પશ્ચિમની પ્રજાઓ આચરે છે તે જરૂર સાચું છે, નહીં તો તેઓ આટલા મહાન શી રીતે થયા?’ બીજી બાજુ પ્રાચીન ભારત કહે છે : ‘વીજળીનો ચમકારો અત્યંત તેજસ્વી હોય છે, પણ તે ક્ષણિક જ હોય છે. માટે બાળકો! જોજો, પશ્ચિમ માત્ર તમારી આંખને આંજી નાખે છે. માટે ચેતતા રહેજો!’

તો પછી પશ્ચિમ પાસેથી આપણે શું કંઈ જ શીખવાનું નથી? શું આપણે વધારે સારી વસ્તુઓ માટે પ્રયત્ન અને પરિશ્રમ કરવાની જરૂર જ નથી? શું આપણે પૂર્ણ છીએ? શું આપણો સમાજ બિલકુલ કલંક રહિત, દોષ રહિત છે? શીખવા જેવી ઘણી વસ્તુઓ છે; મોતની ઘડી સુધી આપણે નવી અને વધુ સારી વસ્તુઓ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પુરુષાર્થ તો માનવજીવનનું ધ્યેય છે. શ્રીરામકૃષ્ણ કહેતા : ‘હું તો જીવું ત્યાં સુધી શીખ્યા જ કરું.’ જે માણસને કે સમાજને કંઈ શીખવાપણું હોતું નથી, તે મૃત્યુના મુખમાં જ છે એમ સમજવું. બેશક; પશ્ચિમ પાસેથી આપણે ઘણી વસ્તુઓ શીખવી જોઈએ; પણ તેમાં ભય પણ છે. શ્રી રામકૃષ્ણની સમક્ષ એક ઓછી બુદ્ધિવાળો જુવાન હંમેશાં હિંદુશાસ્ત્રો ઉપર દોષારોપણ કર્યા કરતો. એક દહાડે તેણે ભગવદ્‌ ગીતાની પ્રશંસા કરી. તુરત શ્રીરામકૃષ્ણે કહ્યું: ‘મને લાગે છે કે કોઈક યુરોપિયન પંડિતે ગીતાની પ્રશંસા કરી હશે; માટે જ આ ભાઈ પણ તેનું અનુકરણ કરે છે.’

હે ભારત! અહીં જ તારે માટે મહાન ભય છે. પશ્ચિમનું અનુકરણ કરવાની મોહિનીએ તારા ઉપર એવી ભૂરકી નાખી છે કે સારું શું અને ખરાબ શું તે હવે તર્કબુદ્ધિથી, ન્યાયબુદ્ધિથી, વિવેકથી કે શાસ્ત્રના આધારથી નક્કી કરાતું નથી. જે જે વિચારો કે રીતરિવાજો ગોરાઓ વખાણે કે તેમને ગમે તે બધા સારા; જે કાંઈ તેમને ન ગમે કે જેને તેઓ વખોડે તે બધું ખરાબ! ખરેખર, અફસોસની વાત છે. આના સિવાય મૂર્ખાઈનું વધુ સ્પષ્ટ પ્રમાણ બીજું ક્યું હોઈ શકે? ભારતવાસી! માત્ર આમ બીજાઓના પડઘા પાડીને, બીજાઓનું આવું અધમ અનુકરણ કરીને, બીજાઓ ઉપર આધાર રાખીને, આ ગુલામને છાજતી નિર્બળતાનું, આ અધમ અને તિરસ્કારપાત્ર ક્રુરતાનું પાથેય લઈને શું તું સંસ્કૃતિ અને મહત્તાના સર્વોચ્ચ શિખરે પહોંચવાનો છે? તારી આવી શરમભરી કાયરતાથી બહાદુરોને અને શૂરવીરોને જ લાયક એવું સ્વાતંત્ર્ય શું તું મેળવી શકીશ? ઓ ભારતવાસી! તું ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી, અને દમયંતી છે; તું ભૂલતો નહીં કે તારો ઉપાસ્ય-દેવ મહાન, તપસ્વીઓનો તપસ્વી, સર્વસ્વ-ત્યાગી ઉમાપતિ શંકર છે; તું ભૂલતો નહીં કે તારું લગ્ન, તારી સંપત્તિ, તારું જીવન, ઇન્દ્રિયોના ભોગવિલાસને માટે નથી, તારા વ્યક્તિગત અંગત સુખને માટે નથી; તું ભૂલતો નહીં કે તારો જન્મ, જગદંબાની વેદી પર બલિદાન થવા માટે થયો છે; તું ભૂલતો નહીં કે તારી સમાજવ્યવસ્થા, અનંત વિશ્વવ્યાપી માતૃત્વનું પ્રતિબિંબ માત્ર છે; તું ભૂલતો નહીં કે ભારતનો હલકો વર્ગ, અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, અભણ ભારતવાસી, ભારતનો ચમાર, ભારતનો ઝાડુ મારનારો ભંગી સુધ્ધાં તારા રક્તમાંસનાં સગાંઓ છે, તારા ભાઈઓ છે. હે વીર! તું બહાદુર બન, હિંમતવાન થા, અને અભિમાન લે કે તું ભારતવાસી છે, અને ગર્વપૂર્વક ગર્જના કર, કે હું ભારતવાસી છું, પ્રત્યેક ભારતવાસી મારો ભાઈ છે.’ તું પોકારી ઊઠ કે ‘અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, કંગાલ ભારતવાસી, બ્રાહ્મણ ભારતવાસી, અંત્યજ ભારતવાસી મારો ભાઈ છે!’ તારી કમર પર પહેરવા ભલે માત્ર એક લંગોટી હોય, તો પણ ગર્વપૂર્વક ઉચ્ચ સ્વરે તું ઘોષણા કર, કે … ‘ભારતની ધરતી એ મારું સર્વોચ્ચ સ્વર્ગ છે. ભારતનું કલ્યાણ એ મારું કલ્યાણ છે.’ અને અહોરાત્ર પ્રાર્થના કર કે હે ‘ગૌરીપતે, હે જગજ્જનની અંબે! તું મને મનુષ્યત્વ આપ! હે સામર્થ્યદાયિની માતા! મારી નિર્બળતાનો નાશ કર, મારી કાયરતાને દૂર હઠાવ! મને મર્દ બનાવ!’

(‘સ્વામી વિવેકાનંદ-ગ્રંથમાળા સંચયન’ પૃ.૩૧૭)

Total Views: 174

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.