(ગતાંકથી આગળ)

સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ઓછામાં ઓછું ખરાબ લોકો માટે પણ આવું noosphere (ભીતરી સૂક્ષ્મ માનસિક વાતાવરણ) જોઈને ઘણા પ્રભાવિત થયા હતા. પોતાના લાહોરના વ્યાખ્યાનમાં ૧૮૯૭માં એમણે આ ભાવનાની ખૂબ પ્રશંસા કરી હતી તેમજ ભારતમાં પણ આવું noosphere બનાવવાની આવશ્યકતા પર ભાર દીધો હતો. ‘તમને એ સાંભળીને આશ્ચર્ય થશે કે ભારતવાસીઓ કરતાં અમેરિકાવાસીઓ વેદાંતના પાકા અનુયાયી છે. હું ન્યૂયોર્કના તટ પર ઊભો રહીને જોતો રહેતો. અલગ અલગ દિશાઓમાંથી, ભિન્ન ભિન્ન દેશોમાંથી ત્યાં પ્રવાસીઓ આવ્યે જ રાખતા. પ્રવાસી જર્જર, દલિત અને અસહાય હતા. કેટલાકનો ચહેરોય જોવા જેવો ન હતો. બે-ચાર કપડાં જ એમની મૂડી હતી. બધા ચીંથરેહાલ હતા. કોઈ પોલિસને જોતા તો થરથર કંપી ઊઠતા અને બીજી બાજુએ ખસકતા રહેતા. એટલું નિશ્ચિંતત સમજો કે કેવળ છ મહિનામાં જ તેઓ કમર ટટ્ટાર કરીને ચાલતા જોવા મળશે. એમનો પોશાક સારો રહેતો. એમના ચહેરા પર ચમક રહેતી હોય. એકબીજાને ખુલ્લી નજરે જોતા હોય એવું આશ્ચર્યજનક પરિવર્તન કેવી રીતે આવ્યું? કોઈ વ્યક્તિ આર્મિનિયા, કોઈ વળી કોઈ બીજા ભૂભાગમાંથી આવે છે. અહીં એ બધું દબાવી દેવામાં આવ્યું છે. એને ઓળખવો પણ મુશ્કેલ. ત્યાં એમને ‘તમે ગુલામ પેદા થયા છો’ એમ બરાબર કહેવાતું હતું. જિંદગીભર ગુલામ જ રહેશો. એ જરાય માથું ઊંચકવાનો પ્રયત્ન કરે તો તેને કચડી નાખવામાં આવતા. ત્યાં જાણે કે તેને સાચે જ ‘ગુલામ, તમે ગુલામ છો, ગુલામ જ બની રહો. બદનસીબી સાથે જન્મ્યા છો અને બદનસીબીમાં પડ્યા રહો.’ આવું જ સાંભળવા મળે. હવાના ઝપાટામાં પણ એમને આવું સાંભળવા મળે: ‘તમારો ઉદ્ધાર નહિ થાય, ઉદાસ અને ગુલામ જ રહેવું પડશે.’ શક્તિશાળી માનવ એનું જીવવાનું હરામ કરી ચૂક્યો હતો. જ્યારે તે ન્યૂયોર્કની સડક પર આવ્યો ત્યારે સારા પોશાકમાં સજ્જ એક શરીફ માનવ મળ્યો. તેણે તેમની સાથે હાથ મિલાવ્યા. એકનો પોશાક સારો હતો અને બીજો હતો ચીંથરેહાલ. એને લીધે કોઈ ભેદ ન દેખાયો. તે એક કદમ આગળ વધ્યો. એક રેસ્ટોરાં આવ્યું. ત્યાં કેટલાક લોકો ટેબલ પર ભોજન લેવા બેઠા હતા. એ જ ટેબલના એક ખૂણે બેસવા માટે પેલા શરીફે તેને કહ્યું. એ બધી જગ્યાએ ફર્યો હતો. તેને અહીં નવજીવન સાંપડ્યું. આ એક એવી જગ્યા હતી કે જ્યાં તે માનવી વચ્ચે માનવી બન્યો. કદાચ એ વોશિંગ્ટન પણ ગયો. સંયુક્ત રાજ્યના પ્રમુખ સાથે હાલ મિલાવ્યા. ત્યાં એને દૂર દૂરનાં ગામડાંમાંથી આવેલા ખેડૂતો દેખાયા. એમનો પોશાક અસ્વચ્છ હતો. બધા અધ્યક્ષ સાથે હસ્તધૂનન કરતાં દેખાયા ત્યારે એના પરથી માયાનો પડદો હટ્યો. તે બ્રહ્મ જ છે તો. જે ગુલામી અને કમજોરીના ભ્રમમાં હતો તે બ્રહ્મ ફરીથી જાગી ઊઠ્યો, ઊભો થયો અને દુનિયાના માનવીઓની વચ્ચે માનવી બની ગયો.

વેદાંતની જન્મભૂમિ ભારતમાં સદીઓથી આપણી પ્રજાને આવા જ ભ્રમમાં પડી રહેવા માટે લાચાર બનાવી દેવામાં આવી હતી. એમને સ્પર્શવું એ પણ પ્રદૂષણ છે. એમના સંપર્કમાં રહેવું, ઊઠવું-બેસવું એ પણ એક અનિષ્ટ છે, પ્રદૂષણ છે. કમનસીબી સાથે જન્મેલા તેઓ બદનસીબીમાં જ રહ્યા. પરિણામે તેઓ ધીરે ધીરે એક ઊંડી ગર્તામાં ધકેલાઈ રહ્યા છે. માનવ જે અતલ સુધી પહોંચી શકે છે ત્યાં સુધી તેઓ પહોંચી ગયા. જ્યાં માનવી અને પશુ એક સાથે સૂતા હોય એવો પણ કોઈ દેશ છે?

એટલે જ પ્રેમનો ધ્વજ ફરકાવો, આ કલંકને દૂર કરો. ઊઠો, જાગો, મજબૂત બનો, ઈમાનદાર રહો. ભારતમાં બેઈમાની ઘણી ભયંકર છે. આજે ચરિત્રબળની આવશ્યકતા છે. મોતની જેમ આદમી સાથે વળગી રહેવાની સ્થિરતા અને ચરિત્રબળ જોઈએ.’

પ્રબુદ્ધ નાગરિકતાની આ વેદાંત દ્વારા અનુમોદિત વાત છે. દેશ આ દિશામાં પોતાનો પથ બનાવી ચૂક્યો છે. આપણે કેવળ સામાજિક પરિવર્તનની ગતિને ગહન અને તેજ બનાવવાની છે. એને માટે એ પરિવર્તનનો ક્રાંતિકારી અભિગમ અને વિસ્તાર સારી રીતે સમજવો પડશે.

આપણે આપણી જાતને સદીઓથી બીજાની ગુલામ બનાવી રાખી હતી. એનાથી આપણે બધા ગુલામ બની ગયા. જો તમે કોઈ ગટરના માણસને પકડો તો તમારે પણ ગટરમાં જ રહેવું પડે, આ એક અંગ્રેજી લોકોક્તિ છે. આજે આપણે સ્વતંત્ર છીએ આપણે સ્વતંત્ર માનવોની વચ્ચે સ્વતંત્ર માનવની જેમ જીવવાનું શીખવું પડશે. એક જ સ્વતંત્રતાથી બધાની સ્વતંત્રતાનું ગૌરવ વધારવું પડશે. આ દેશમાં પ્રબુદ્ધ નાગરિકતાથી જ આ કામ થવાનું છે.

પ્રબુદ્ધ નાગરિકતા અને શિક્ષણનું પુન: અનુમાપન

શાળા, કોલજ અને વિશ્વવિદ્યાલયોની કેળવણીના પાઠ્યક્રમમાં આ વિચારોનું વ્યાપક અને ગહન વિવેચન તેમજ તેનો પ્રચાર-પ્રસાર થવાં જોઈએ. ઉપનિષદોના પ્રસિદ્ધ શાંતિપાઠ પ્રમાણે કેળવણીનો આ જ ઉદ્દેશ છે. પ્રબુદ્ધતા તેજનું સ્રોત છે. તે કેવળ તથ્યો કે સૂત્રોનું અધ્યાપન માત્ર નથી. ‘સહ વીર્યમ્‌ કરવાવહૈ, તેજસ્વિનાવધીતમસ્તુ.’ આપણા દેશની શિક્ષણસંસ્થાઓના બૌદ્ધિક ઉત્થાનમાંથી, નવીન તથા પ્રબુદ્ધ રાજનૈતિક, સામાજિક, શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને માનવીય વિચારના આદર્શોમાંથી કેટલીયે પ્રેરણા બ્રિટન અને પાશ્ચાત્ય દેશોના નિવાસીઓને મળી હતી. એનાથી એ દેશોના લોકોની એક પેઢી પછી બીજી પેઢીના લોકોને માનવીની જટિલ સમસ્યાઓને સમજવામાં અને તેનો ઉકેલ શોધવામાં સહાયતા મળી. પુસ્તકો, પત્રિકાઓ અને પુસ્તિકાઓ દ્વારા એ વિચાર એ દેશોમાં, ત્યાંની સંસદોમાં પ્રજ્વલિત બનીને પ્રસરી ગયો. દેશના કાયદાકાનૂન અને સંવિધાનોમાં દાખલ થયો. જાગરૂક જનમતને લીધે આ બધું સંભવ બન્યું. પ્રગતિશીલ માનવ સમાજનું નિર્માણ શક્ય બન્યું.

આપણા દેશની શિક્ષણ પ્રણાલી વિશે આપણે આવો દાવો કરી શકીએ ખરા? ખેદની વાત છે. આ દેશનું દુર્ભાગ્ય છે કે આપણી શિક્ષણ સંસ્થાઓમાંથી આ જ પ્રેરણા અને માર્ગદર્શન આ દેશને મળી ન શક્યાં. એવા સૃજનશીલ ઉત્સાહથી તેઓ પરિચિત જ ક્યાં હતાં? શક્તિ અને જુસ્સાના એ બધાં કેન્દ્ર છે ખરાં? પરંતુ એમનામાં સૃજનશીલતાનું એ જીવંત તત્ત્વ આપણને જોવા મળતું નથી. એમનામાં અંધજુસ્સો અને અંધશક્તિ છે. એનાથી રાષ્ટ્રની પ્રચૂર સંપત્તિ વિનાશ પામી રહી છે. રાષ્ટ્રની મહત્ત્વપૂર્ણ સમસ્યાઓ સાથે આ ઉત્સાહપૂર્ણ શક્તિનો કોઈ મેળ મળતો નથી. હા, બરફનું ઠંડુ પાણી છાત્રવાસીઓને નથી મળતું, પરીક્ષાર્થીઓને સિનેમા ઘરમાં પ્રવેશનો નિ:શૂલ્ક પાસ પણ નથી મળતો, આવી બેહુદી વાતો પર શક્તિનો અપવ્યય થઈ રહ્યો છે. મોટા ભાગના અધ્યાપકો અલગ અલગ રાજનૈતિક દાવપેચ રમવામાં અને પૈસા કમાવાના નૂસખાના વિચારમાં સમયનો વ્યય કરે છે.

અધ્યાપક હોય કે વિદ્યાર્થી કોઈ પણ (વ્યક્તિ) પોતાના વિકાસશીલ દેશના ધબકારાને અનુભવતા નથી. રાજનૈતિક કે સાર્વજનિક ભ્રષ્ટાચારનું નિવારણ, હરિજન અને દુર્બળ વર્ગો પરના અત્યાચાર બંધ કરવા કે પ્રૌઢ શિક્ષણનો પ્રચાર કરવો તેમજ જનતામાં પ્રબુદ્ધ નાગરિકતા વિશેની જાગરૂકતા ઊભી કરવી વગેરે દિશાઓમાં પેલી ઉત્સાહપૂર્ણ શક્તિ કામે લગાડાતી નથી. નવજાત પ્રજાતંત્ર પોતાની અગણિત સમસ્યાઓ સાથે ઝઝૂમી રહ્યું છે. આ સમસ્યાઓને ઉકેલવામાં એને સહાયરૂપ થવાને બદલે એ લોકો દેશ માટે એક ઘણો મોટો ભયાનક માથાનો દુ:ખાવો બની ગયા છે. આ છે રાષ્ટ્રની ઘણી મોટી દુ:ખદ પરિસ્થિતિ, દયનીય દશા. શિક્ષણ સંસ્થાઓમાંથી પ્રબુદ્ધતાનો કોઈ સંકેત મળતો નથી. આ શિક્ષણસંસ્થાઓના સમાચાર મુખપૃષ્ઠ પર સદૈવ છપાતા રહે છે. આ બધું કેળવણીની દૃષ્ટિએ ખરેખર હાનીકારક છે. અધ્યયન અને અધ્યાપન તો એકાંત અને શાંત વાતાવરણમાં જ થઈ શકે છે. કોઈ ને કોઈ વિચાર પર ફલપ્રદ ચર્ચા કરવા માટે એવું વાતાવરણ જોઈએ જ. જાતિ, વર્ગ, સંપ્રદાય વગેરેને કારણે વિભાજિત અને અવિકસિત રાષ્ટ્રની અપાર જનતાની સમસ્યાઓને આપણે કેવી રીતે ઉકેલી શકીએ? સામાન્ય જનતા સુધી પ્રજાતંત્રમાં વિશ્વાસનો સંદેશ કેવી રીતે પહોંચાડી શકીએ? ઉકેલ શોધતાં પહેલાં આ સમસ્યાઓની જાણકારી હોવી જોઈએ. આ વિચારધારા પર ચિંતન કરવું જોઈએ. વિચારોનું આદાનપ્રદાન થવું જોઈએ. બરાબર ચર્ચા થવી જોઈએ. જ્યારે અધ્યાપક નાગરિકતાની હેસિયતનો અનુભવ કરશે અને વિદ્યાર્થીઓમાં નાગરિકતાની જવાબદારીનું ભાન આવશે ત્યારે એ બંનેમાં સાર્થક કાર્ય કરવાની પ્રેરણા જાગ્રત થશે. અને એની જાગ્રતિથી જ આપણી શિક્ષણ સંસ્થાઓ સૃજનશક્તિનું કેન્દ્ર બનશે તેમજ સ્વસ્થ સામાજિક પરિવર્તન અને પ્રગતિનું સાધન પણ બની શકશે.

૩૦ વર્ષ (અત્યારે ૫૮ વર્ષ) એમને એમ વીતી ગયાં. બીતી તાહી બિસારી દે, આગે કી સુધિ લેઈ! વિતેલાંને વિસારે પાડીને ભાવિને રાખો નજરે. પોતાની ઇચ્છાશક્તિથી આપણે ભવિષ્યનું નિર્માણ કરી શકીએ છીએ. પ્રાથમિકથી માંડીને વિશ્વવિદ્યાલય સુધીના શિક્ષણમાં પ્રબુદ્ધ નાગરિકતા વિશેની જાગરૂકતાનો સમાવેશ કરવામાં આપણે ધ્યાન દઈશું અને તેમાં જ પોતાની બધી શક્તિ કામે લગાડીશું તો આ સદીના અંતે રાષ્ટ્રનું સ્વાસ્થ્ય થોડુંઘણું સુધારવામાં આપણે સફળ બનીશું. શિક્ષણ રાષ્ટ્રરૂપી વૃક્ષનાં મૂળિયાં છે. મૂળિયાના સિંચનથી જ વૃક્ષને જીવન મળે છે, એનું પોષણ થાય છે. પાંદડાં અને ડાળી-ડાળખાંને સિંચવાથી કંઈ થવાનું નથી. રાષ્ટ્રના મોટા ભાગના પ્રબુદ્ધ નાગરિકોને આ વાતની સત્યતા જચી ગઈ છે. એ ખરેખર સંતોષની વાત છે. આ સાચી દિશામાં કેટલાક સમૂહો-પક્ષો દ્વારા રચનાત્મક પ્રયાસનો આરંભ થયો છે. પ્રાથમિક શિક્ષણની ઘણી ઉપેક્ષા થઈ છે. શિક્ષણના આ ક્ષેત્રને સ્વસ્થ અને ગતિશીલ બનાવવું ઘણું જરૂરી છે. આ કામ પહેલાં કરવાનું છે. પ્રાથમિક શિક્ષણના સ્તરથી જ પ્રજાતંત્ર-લોકશાહીમાં રાષ્ટ્રિય જીવનનાં ગુણ અને શાલીનતાને આત્મસાત્‌ કરાવતાં જવા એ અત્યંત આવશ્યક છે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ ૧૯૭૮માં ‘અભ્યુદય વિદ્યાસંસ્થા’ નામની જે યોજના શરૂ કરી છે તે આ દિશામાં કરેલ સ્તુત્ય પ્રયાસ ગણાવી શકાય. આ સંસ્થા પ્રગતિશીલ પ્રાથમિક શિક્ષણનું એક સંસ્થાન છે. એની વ્યાપ્તિમાં આરંભમાં ૭૦૦ પ્રાથમિક શાળાઓને સામેલ કરવાનો વિચાર હતો. ધીરે ધીરે આંધ્રપ્રદેશની બધી પ્રાથમિક શાળાઓને આ યોજના હેઠળ લાવવાનો નિર્ણય થયો. એમાં પ્રાચીન ગુરુકુળ પ્રથાની સારી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ પ્રત્યે ગ્રામીણ બાલક-બાલિકાઓને આકર્ષવા અને એમનો શિક્ષણપ્રેમ અંત સુધી જાળવી રાખવા માટે પગલાં લેવામાં આવ્યા છે. શિક્ષકોને સારો પગાર અપાય છે અને એમને માટે અનુસ્થિતિ-અનુમાપનની શિબિરો પણ ચલાવાય છે. આ યોજના સ્વતંત્ર નિર્દેશાલયને અધીન છે. સ્વામી વિવેકાનંદનું આ સૂત્ર હતું કે યોજનાની સફળતા નીતિની નિરંતરતા પર નિર્ભર છે. જો લગાતાર બદલતી જતી સરકાર વિવેકસંમતસૂત્ર પ્રમાણે યોજનાને કાર્યાન્વિત કરતી રહે તો થોડાંક જ વર્ષોમાં રાજ્યની સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની બુનિયાદ સ્વસ્થ-તંદુરસ્ત બનશે, પાકી અને મજબૂત બની જશે. સુયોગ્ય સંશોધનો દ્વારા આ યોજનાને માધ્યમિક શિક્ષણની કક્ષાએ ક્રમશ: વધારતા જવાનો ઈરાદો પણ છે.

ગીતાની દૃષ્ટિએ પ્રબુદ્ધ નાગરિકતા

પહેલાં જેમ મેં કહ્યું કે પ્રબુદ્ધ નાગરિકતામાં આધ્યાત્મિક વિકાસ રહેલો છે જ. ગીતા પ્રમાણે આનાથી સારી રાજનીતિ અને સાચા ધર્મનો નિકટ સંબંધ વધુ ગહન બનતો જાય છે. આ જ યોગદર્શન છે. પરિપૂર્ણ આધ્યાત્મિકતાનું આ જ વિજ્ઞાન છે, તંત્ર છે. દીર્ઘકાળ સુધી આપણે માનવના બાહ્ય અને ભીતરના જીવન વચ્ચે ભેદ ઊભો કરી દીધો છે. આને લીધે બંનેનું ઘણું અહિત થયું છે. આજે આપણે એ ખાઈને પૂરવાની છે. માનવ જીવનને સમગ્ર અને પરિપૂર્ણ બનાવવાનું છે. નાગરિકતાની મારી કેળવણી પૂરી થાય અને તે સાથે મારા આધ્યાત્મિક વિકાસનો આરંભ થઈ જશે. હા, એમાં શરત આ છે કે ઉંમરના આધારે વરિષ્ઠતા પર આધારિત ઔપચારિક નાગરિકતા નહિ; પણ પ્રબુદ્ધ નાગરિકતા હોવી જોઈએ. આ આધ્યાત્મિક વિકાસથી આનુવંષિક સીમિત માનવ આધ્યાત્મિક વિસ્તારને સ્પર્શનાર વ્યક્તિમાં બદલી જશે અને એ જ એનો માનસિક, સામાજિક વિકાસ હશે.

બર્ટ્રાણ્ડ રસેલે કહ્યું છે: માનવ આદમીના નાતે બિલિયર્ડના દડા જેવો છે. બિલિયર્ડના દડા એક બીજા સાથે ટકરાવાનું જ જાણે છે. એવી રીતે આદમી પણ સમાજમાં એક બીજા સાથે ટકરાવાનું જ જાણે છે. પરંતુ માનવીનો દરજ્જો એનાથી ઊંચો છે. બીજા માનવો સાથે કેવી રીતે મળવાનું છે, એક બીજા સાથે કેવી રીતે વાતચીત કરવાની છે; બીજાને પોતીકાં સાથે કેવી રીતે મળવા દેવા પડશે, વાર્તાલાપની તક કેવી રીતે આપવી પડશે એ માનવીએ શીખવાનું છે. ‘આદમી’ જ્યારે ‘વ્યક્તિ’માં વિકસિત થાય છે ત્યારે આ વાત સંભવ બને છે. જીવ વિજ્ઞાની સ્વ. જુલિયન હક્સલીએ વૈજ્ઞાનિક રીતે આ બંને પદોની વ્યાખ્યા આ રીતે કરી છે : ‘વ્યક્તિ એટલે એવા આદમી કે જે ચેતન (સામાજિક) પરસ્પરાવલંબનમાં જૈવિક સ્તરથી ઉન્નત થયેલા હોય.’ (Introduction to the Phenomenon of Man by Teilhard de Chardin)

આદમી સ્વતંત્ર છે, એનામાં જવાબદારીનું જ્ઞાન નથી હોતું; આ અપ્રબુદ્ધતા છે. વ્યક્તિત્વનો આશય છે કે સ્વતંત્રતા અને જવાબદારીના ભાન સાથે જોડાયેલ પ્રબુદ્ધતા. ગીતા (૩.૨૫)ના આ પ્રસિદ્ધ શ્લોકમાં માનવ-વિકાસના આ મહાન સત્યને શ્રીકૃષ્ણે વ્યક્ત કર્યું છે :

સક્તા: કર્મણ્યવિદ્વાંસો યથા કુર્વન્તિ ભારત ।
કુર્યાત્‌ વિદ્વાન્‌ તથા સક્ત: ચિકીર્ષુ: લોકસંગ્રહમ્‌ ॥

‘અપ્રબુદ્ધ આદમી સ્વાર્થપ્રેરિત થઈને જે રીતે કર્મમાં આસક્ત રહે છે તે જ રીતે પ્રબુદ્ધ વ્યક્તિએ નિ:સંગ બનીને લોકકલ્યાણની અભિલાષા સાથે કર્મમાં આસક્ત બનવું જોઈએ.’ પહેલો અવિદ્વાન છે અને બીજો વિદ્વાન છે. જીવનમાં, કર્મમાં બંનેની આસક્તિ અને શક્તિ એક સમાન છે. પરંતુ બંનેની પ્રેરણાઓમાં આકાશપાતાળનું અંતર છે. પહેલો કેવળ સ્વાર્થ જ જુએ છે, પરંતુ બીજો લોક-કલ્યાણમાં, વ્યાપક કલ્યાણમાં સ્વાર્થ ને સ્વહિતને ભેળવી દે છે. એના દ્વારા ઉન્નત બની શકાય છે.

આપણી એ ધારણા ખોટી છે કે પ્રબુદ્ધતા, આધ્યાત્મિક વિકાસ, આધ્યાત્મિક અનુભૂતિ વગેરે ગૃહસ્થાશ્રમનો પરિત્યાગ કરીને વનમાં, ગુફાઓમાં વસેલા સંતો અને વિરક્તોની સાધનાનું એક અંગ છે; ઉચ્ચ સંભાવનાઓથી અજાણ બનીને ગૃહસ્થે દુનિયાદારીમાં જ રહેવાનું છે, એના જીવનમાં ધર્મના નામે કર્મકાંડ, યજ્ઞયાગ દ્વારા ગતિહીન ધર્મપરાયણતા અને મૃત્યુબાદ મળનાર કોઈ વર્ગથી સંતુષ્ટ રહેવાનું છે. ગીતા પ્રમાણે આ અનર્ગળ વાત છે. આધ્યાત્મિક વિકાસ બધાને માટે છે. પરમાત્માનો સાક્ષાત્કાર એ બધાનો જન્મસિદ્ધ અધિકાર છે. પરમાત્માનાં દર્શન કે સાક્ષાત્કાર આ જ જીવનમાં પ્રાપ્ત કરવાનાં છે એટલે ગૃહસ્થાશ્રમને દુનિયાદારી માનવી અને એનાથી વિપરિત વિરક્તના જીવનને સાચું આધ્યાત્મિક જીવન કહેવું એ ભયંકર મોટો ભ્રમ છે. ગીતામાં કહ્યું છે – સંસારનું જીવન દુનિયાદારીનું જીવન નથી. શ્રીરામકૃષ્ણદેવ પણ કહે છે : ‘સંસારમાં રહો એમાં આધ્યાત્મિક દૃષ્ટિએ કંઈ ખરાબ નથી. પરંતુ સંસાર કે દુનિયાદારીને પોતાનામાં ન રહેવા દેવાં.’ જૈવિક સ્તર પર એને લીધે જડતા આવી જાય. એ જ તમને સાંસારિક બનાવી દેશે. આ જડતા જ ખરાબ અર્થમાં દુનિયાદારી કે સાંસારિકતા છે. પાણી પર નાવ છે, શ્રીરામકષ્ણ દેવ આગળ કહે છે: નાવ પોતાની સાચી જગ્યાએ છે પરંતુ એ નાવમાં પાણી ન હોવું જોઈએ. નહિ તો જે હેતુ માટે નાવ બની છે તે હેતુ માટે યોગ્ય નહિ રહે અને નાવ ડૂબી જશે.

ગીતાના શ્લોકમાં કહ્યું છે: ગૃહસ્થ અર્થાત્‌ માનવે અપ્રબુદ્ધ ન રહેવું. આનુવંશિક સીમામાં જ કોઈ જાતિ કે સમૂહના હિતને જોતાં તેનાથી બંધાઈ ન જવું જોઈએ. પોતાનાં જીવન તથા કર્મના સંબંધમાં પોતાની સહજ દિવ્ય પ્રવૃત્તિના વિકાસ દ્વારા તે પોતાનો આધ્યાત્મિક વિકાસ કરી શકે છે. પ્રબુદ્ધ નાગરિકતા એનું પહેલું સોપાન છે. આપણે એ જોતા આવ્યા છીએ કે આ પ્રબુદ્ધતાના અભાવથી, દુનિયાદારીના આનુવંશિક આતંકથી કેટલીય માનવીય તથા સામાજિક વિકૃતિઓ કે વિદ્રૂપતાઓ જન્મી છે. વીસમી સદીનું જીવવિજ્ઞાન માને છે કે માનવના આધ્યાત્મિક વિકાસને કુંઠિત કરનાર અને બાહ્ય દુનિયામાં પ્રક્ષેપિત જીવન તેમજ માનવમન પર છવાયેલ આનુવંશિક આતંક છે – કલહ, હિંસા, યુદ્ધ, કુળ તથા જાતિ સંબંધી દુરભિમાન અને ઘમંડ.

એટલા માટે વિશ્વવિદ્યાલયના સ્તરે પણ અવિદ્યાનો અર્થ નિરક્ષરતા નથી, વિદ્યાનો અર્થ સાક્ષરતા નથી. કોઈ એમ.એસ.સી. કે પી.એચ.ડી. ભલે થઈ જાય, પણ જો સહજાત આધ્યાત્મિક સ્વભાવને વિકસિત કરવામાં અસમર્થ નીવડે તો તે અવિદ્વાન છે. કેવળ પોતાની જાતિ, કુળ કે આનુવંશિક જમાતનું ભલું કરનારો અવિદ્વાન છે. આપણા શિક્ષિત લોકો રેલના ડબ્બાને ગંદા કરી મૂકે છે. આવનારા યાત્રીઓ માટે એ સ્વચ્છ સુરક્ષિત રહે એની કોઈ ચિંતા એમને થતી નથી. આ ખરેખર દુ:ખદ દૃશ્ય છે. એવા લોકો બીજા મકાનમાં જવા માટે પહેલાંના મકાનને ખાલી કરીને જાય છે તો પહેલાં મકાનની સફાઈ કરીને જવાનું હોય છે, એવો ખ્યાલ જ એમને નથી આવતો. જ્યાં કોઈ કષ્ટ નથી, ન તો સમય લાગે છે કે ન પૈસા દેવા પડે છે એવાં નાનાં મોટાં કામ કરવાથી સામાજિક જીવન ચમકી ઊઠે છે. સાચો દૃષ્ટિકોણ હોવો એ જ એને માટે પર્યાપ્ત છે. ૧૯૪૦-૧૯૫૦માં ગાડીમાં યાત્રા કરતી વખતે હું મારી સાથે એક સાવરણી રાખતો. ગાડીના ડબ્બા એનાથી સાફ કરતો, જેથી સહયાત્રીઓની યાત્રા વધારે સુખદાયી બને અને આપણી પોતાની યાત્રા પણ સુંદર સુખદાયી થાય. ૧૮૯૪માં શિકાગોથી મૈસૂરના મહારાજાના નામે લખેલ પત્રમાં સ્વામી વિવેકાનંદે જે વાત લખી હતી એ એના સમર્થનમાં મેં સાવરણીવાળી ઘટના સંભળાવી હતી. એ પત્રમાં સ્વામીજીએ કહ્યું છે: ‘આદરણીય રાજા સાહેબ, આ જીવન ક્ષણભંગુર છે, સંસારના વૈભવ ક્ષણજીવી છે. જે બીજાને માટે જીવે છે ખરેખર એ જ જીવે છે. બાકીનાં તો હાલતાં ચાલતાં મડદાં છે.’

અહીં સાચો નાગરિક કેવળ વધારે પ્રબુદ્ધ જ નથી પરંતુ અધિક જીવંત પણ છે એ સત્ય પ્રગટ થાય છે. આપણે પોતાના મોટા ભાગના જીવનમાં રસરુચિ, જીવનનો આનંદ જીવનનો આસ્વાદ વગેરે વિશે વાતો કર્યા કરીએ છીએ. અપ્રબુદ્ધતાની સ્થિતિમાં આદમી આ વાક્યાંશોનો અર્થ ખાઈ-પીઈ લેવું, આનંદપ્રમોદ કરવા એવો માને છે. આ જ્યારે નિયંત્રણની બહાર ચાલ્યું જાય છે ત્યારે અંગ્રેજીના ત્રણ ‘E’ વર્ણોના આતંકથી પીડિત બની જાય છે – જેવા કે Entertainment – મનોરંજન, Excitement હર્ષોન્માદ અને Exhaustion અતિ થાક અનુભવવો. આ જીવન કેવળ શરીરનું નથી, મનનું પણ છે. મનનું જીવન જ અમીત આનંદથી ભર્યુંપૂર્યું છે, જ્ઞાનની અભિરુચિ જગાડનારું છે. તદુપરાંત આત્માનું જીવન છે. એમાં જ્ઞાનાનંદ છે, અલૌકિક શાંતિ છે. જ્યાં સુધી માનવને લાગે વળગે છે ત્યાં સુધી બીજો અને ત્રીજો જ અનુભવ અજોડ છે અને પહેલાં કરતાં વધારે પ્રભાવી પણ છે. પહેલો અનુભવ તો પ્રાણી અને મનુષ્ય બંનેમાં સમાન છે. એ માનવ કરતાં પ્રાણીઓને વધારે રસદાયી બને છે. એક પાશ્ચાત્ય વિદ્વાનના શબ્દોમાં કહીએ તો: ‘અસંતુષ્ટ સોક્રેટિસ એક સંતુષ્ટ ભૂંડ કરતાં વધારે સારો છે. ભૂંડ આ ઉક્તિનો પ્રતિવાદ કરે તો તેને કહી શકાય કે આ પ્રશ્નની એક જ બાજુનો તેને ખ્યાલ છે.’

સ્વામી વિવેકાનંદના ઉપર્યુક્ત ઉદ્ધરણને નજર સમક્ષ રાખીને કહીએ તો આ દેશમાં ‘અપ્રબુદ્ધ’ જ નહિ પણ ‘હાલતાં ચાલતાં મડદાં’ પણ ઘણાં છે. ‘ગૃહસ્થ’માંથી ‘નાગરિક’ થવામાં જે આધ્યાત્મિક વિકાસ થાય છે એનાથી દેશમાં પ્રબુદ્ધ જ નહિ પણ જીવંત વ્યક્તિઓની સંખ્યા લાખો કરોડો સુધી પહોંચી જાય. જીવનદાયી દર્શનને પરિણામે આધ્યાત્મિક હત્યાના શિકાર બનેલાં સ્ત્રીપુરુષ ફરીથી નવું જીવન જીવવા લાગશે.

૧૯૫૦માં રામકૃષ્ણ મિશન, દિલ્હીમાં હું સચિવ હતો. મને એ સમયે મળેલ એક પ્રમાણપત્ર આજે પણ યાદ છે. ૧૯૫૩માં સ્થાનિક YMCA ના પ્રાંગણમાં રામકૃષ્ણ મિશને શ્રીમતી સુબ્બલક્ષ્મીના ગાયનનું આયોજન કર્યું હતું. જ્યાં આજે આપણે બેઠા છીએ એ સભાખંડના નિર્માણ માટે એ સમયે રૂપિયા ૯૩,૦૦૦નો ભંડોળ એકઠું થયું હતું. બીજે દિવસે સવારે એ જ પ્રાંગણમાંથી સભામંડપ અને સમિયાણો દૂર કરવામાં આવ્યો. મેં મારા સાથી મિત્રોને કહ્યું: ‘જ્યાં જ્યાં ખાડા ખોદ્યા છે એને પૂરી દેજો અને એના પર માટી અને ઘાસ નાખી દેજો, લોન ખરાબ ન થઈ જાય. બીજે દિવસે YMCA ના મંત્રીનો આ પત્ર મને મળ્યો, જેમાં લખ્યું હતું: ‘સ્વામીજી, આપે જે કર્યું કે કરાવ્યું એવું કામ કોઈ કરતા નથી કે કરાવતા નથી. અમે એ માટે આપના ઘણા આભારી છીએ.’ આવું પ્રમાણપત્ર મારી દૃષ્ટિએ ઘણું મૂલ્યવાન છે.

પ્રબુદ્ધનાગરિકતા પ્રજાતંત્રનો આત્મા છે

નાગરિકતાની જવાબદારી આપણી નસેનસમાં સમાઈ જવી જોઈએ. એને માટે કોઈએ વ્યર્થ કષ્ટ વેઠવું પડતું નથી. પુરષ્કાર કે પ્રલોભનથી કે તિરસ્કારની આશંકાથી કોઈને એ માટે લલચાવવા ન જોઈએ. આ પ્રલોભન કે આશંકાથી કંઈ થવાનું જ નથી. પાશ્ચાત્ય પ્રજાતંત્રની રાજનીતિની સજાવટનો સામાન આપણે લીધો કે સ્વીકાર્યો. પરંતુ એ દેશોમાં લોકશાહીને જાળવી રાખનારાં જે ગુણશીલ છે તેને આપણે ન અપનાવ્યાં. બાહ્ય માળખું તો છે પરંતુ પ્રાણ ફૂંકનાર આત્માની ખોજ ચાલુ છે. પ્રબુદ્ધ નાગરિકતા જ પ્રાણસંસાર કરનાર આત્મા છે. જે કંઈ પણ છે એ બાહ્ય દેખાડો છે – શાનદાર ઈમારતો, કીમતી ઉપકરણ, ઉમદા ફર્નિચર વગેરે. પરંતુ એ બધાંનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરનાર પાશ્ચાત્ય મનોભાવ ઘણી મોટી માત્રામાં વિકસિત થવાનો હજુ બાકી છે – જેવો કે ક્ષમતા, પરિશ્રમની ગરિમા, સાથે મળીને કામ કરવાની પ્રવૃત્તિ, માનવ સંવેદના વગેરે. આ બધું મળશે ત્યારે પ્રબુદ્ધ નાગરિકતાના વિસ્તૃત પ્રચાર-પ્રસારનો પ્રજાતંત્ર માટે સંજીવની બનેલ આત્મા આપણને પ્રાપ્ત થશે. આવા આત્માની પ્રાપ્તિથી માનવપ્રજાના સાતમા ભાગ માટે આ દેશમાં આપણે રાજનૈતિક, આર્થિક અને સામાજિક લોકશાહીના દીર્ઘકાલીન અને શક્તિશાળી આધારશીલા રચી શકીશું; સાથે ને સાથે એ જ આધારશીલા પર વેદાંત અને બીજા મહાન ધર્મોમાં પ્રતિપાદિત થયેલા ભાવના સર્વોચ્ચ આધ્યાત્મિક જીવનઘર પર કાંગરાં પણ રચી શકીશું. આવા સુદૃઢ સદાચાર અને માનવીય આધાર વિના ઉચ્ચ આધ્યાત્મિક જીવન સંભવ નથી. આજ સુધી આપણા દેશના ભાઈઓએ વિચાર્યું હતું અને આજે પણ વિચારે છે કે આદમી સ્વાર્થી જ નહિ પણ કુટિલ પણ રહીને સંત કહેવડાવવા માટે ધ્યાન અને યોગની સાધના કરી શકે છે અથવા ધનરાશિ વધારીને ઈશ્વરને પ્રસન્ન કરવા પ્રાર્થનામાં પ્રવૃત્ત બની શકે છે. આજે આપણે સમજવાનું છે કે આવું કરવું ખોટું છે, મૂર્ખતાભર્યું છે અને હાનિકારક પણ છે.

(ક્રમશ:)

Total Views: 156

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.