(ઓક્ટોબર’ ૦૪ થી આગળ)
કાયદા, ન્યાય અને માનવનું દર્શન
ગરીબોને કાયદાકીય સહાય મળવી જોઈએ આ ચર્ચા આ દેશમાં સાંભળવા મળે છે. આ દિશામાં કાચબાની ચાલે કંઈક થવા લાગ્યું છે. એ વાત સારી છે કે આપણે ભલે ધીમે ધીમે પણ એ વાત સમજવા લાગ્યા છીએ કે કાયદાનું શાસન ચલાવવું અને બધાને માટે કાયદો સુલભ બનાવવો એ ન્યાય આપવાના કાર્ય જેવું નથી. કાયદો અને ન્યાય બંનેને સાથે અને નજીક લાવ્યા વિના પ્રજાતંત્રની સ્થાપના નક્કર અને પાકી ન બની શકે. સિદ્ધાંતની વાત કરીએ તો કાયદો બધાને માટે સમાન છે અને કાયદાની દૃષ્ટિએ બધા સમાન છે. પરંતુ વાસ્તવિક રીતે અમીર અને પ્રબળ લોકો જ એનો ફાયદો ઉઠાવે છે, ગરીબ અને નિર્બળ એનાથી વંચિત રહે છે. સંસ્કૃતમાં એક શબ્દ છે : ‘ધર્મ’. માનવસમાજને જોડવાની એક કડી છે. ન્યાય કે નીતિ કે સૌજન્ય – સાધુત્વ એ એનો આશય છે. આમાં આત્મા મૂળ સત્ય છે,પછી જ ભારતીય સમાજમાં ધર્મ મહત્ત્વપૂર્ણ વ્યાપક સત્ય છે. આત્માનું મૂળ સત્ય માનવોના આદાન પ્રદાનને, સામાજિક સંદર્ભમાં ચરિતાર્થતાને ધર્મ ગણવામાં આવે છે. બૃહદારણ્યક ઉપનિષદ (૧.૪.૧૪)માં ધર્મનું પ્રતિપાદન ન્યાયના આત્મા રૂપે થયું છે:
સ નૈવ વ્યભવત્ તત્ શ્રેયો રૂપમ્ અસૃજત-ધર્મમ્ । તત્ એતત્ ક્ષાત્રસ્ય ક્ષત્રમ્, યત્ ધર્મ: । તસ્માત્ ધર્માત્ પરમ્ નાસ્તિ । અથો અબલીયાન્ બલીયાંસમ્ આશંસતે ધર્મેણ, યથા રાજ્ઞા, એવમ્, યો વૈ સ ધર્મ:, સત્યમ્ વૈ તત્।
‘આટલું હોવા છતાં પણ બુદ્ધિ, રાજનીતિ, સેના, વાણિજ્ય અને શ્રમ દ્વારા વિશ્વમાં પોતાની પૂરેપૂરી શક્તિ પ્રક્ષેપિત કર્યા પછી પણ તે (પરમ પુરુષ) સમૃદ્ધ ન બની શક્યો. એણે ઉદાત્ત રૂપ ધર્મને પ્રક્ષેપિત કર્યો. ધર્મ ક્ષત્રિયો માટે અંકુશ છે. ક્ષત્રિય સત્તાધારી, અધિકારી હોય છે. એનાથી વધારે ઉચ્ચ કોઈ નથી. એટલે ધર્મ દ્વારા દુર્બળ પણ સબળને પરાજિત કરી શકે છે. રાજાને પણ ધર્મથી હરાવી શકાય છે. એટલે ધર્મ જ સત્ય છે.’
કાયદા બનાવવામાં અને તે પ્રમાણે શાસન ચલાવવામાં એક સરખાપણું ન હોય તો કાનૂનનો કોઈ અર્થ જ નથી રહેતો. ગરીબોને કાયદાકીય સહાયતાની વ્યવસ્થા માત્રથી જ કાનૂનને અર્થપૂર્ણ બનાવી શકાતો નથી. એનું કારણ એ છે કે અમીર અને તાકાતવાન કાયદાની મદદથી વ્યવસ્થાને પલટી પણ શકે છે અને તેઓ કાયદાને જ ઊલટાવી દે છે. સામાજિક વ્યવસ્થામાં ધનથી, અધિકારથી કોઈને પણ પોતાને વશ કરી લેવો એ સરળ છે. ધન અને ઐહિક સુખોપભોગનું જ સર્વાધિક મૂલ્ય છે. માનવનું અવમૂલ્યન થઈ જાય છે. પરંતુ મૂલ્યનું કેન્દ્ર માનવ બની જાય અને ભીતર, બહાર તેને એક સમાનતા અર્પનારું દર્શન સ્વીકૃત બની જાય તો ધન કે ઇતર ઐહિક ઉપભોગો પેલા કેન્દ્રિય મૂલ્યને અધીન થઈ જશે, કાનૂન તથા ન્યાયની વચ્ચે એક સુસંબંધ કાયમ બનશે. ભૌતિકવાદી દર્શન રહેવાથી કાનૂન અને ન્યાય વચ્ચેનો સુસંબંધ ક્ષણભરનો રહેશે. પરંતુ જ્યારે લૌકિક સુખ ભોગવવાનો આતંક સર્વત્ર છવાઈ જાય તો કાયદો અને ન્યાય અલગ અલગ થઈ જશે. અંતે કાયદો અર્થહીન જ બની રહેવાનો. કાયદાકીય રીતે જે કંઈ સારું અને સાચું છે તે જ પોતે પોતાની રીતે ન્યાય નહિ બની રહે. સામંતશાહી સામાજિક સંદર્ભમાં કેટલાય માનવીય સંબંધ અને સામાજિક આચરણ કાનૂની ગણાશે. પરંતુ એમને કોઈ ન્યાયોચિત ન કહી શકે.
વિધાનસભાઓમાં કે સંસદમાં પસાર થયેલા કાયદા કે અધિનિયમોથી અથવા ન્યાયાલયોના નિર્ણયોથી કોઈ સમાજ ન્યાય પર આધારિત સમાજ બનતો નથી. સમાજમાં ન્યાયપ્રેમી સ્ત્રીપુરુષ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી એમના દ્વારા એમાં સહાયતા મળતી રહશે. ન્યાય પર આધારિત સમાજ ન્યાય પ્રેમી સ્ત્રીપુરુષથી બનશે. વેદાંતમાં જેને શમ-દમ ગણવામાં આવ્યા છે, બુદ્ધદેવે જેને શીલ કહ્યું છે, એની સાધનાથી જ શારીરિક, માનસિક, બૌદ્ધિક તણાવ કે દબાણના ચેતનાસ્તરથી પોતાની જાતને ઉપર લઈ જનારા સ્ત્રીપુરુષોથી જ આવો સમાજ બને. આ આધ્યાત્મિક વિકાસ છે. પ્રબુદ્ધ નાગરિકતા એનું પહેલું સોપાન છે.
અપરાધ, અનૈતિક જાતીય સંબંધ, નશીલા પદાર્થોનું સેવન અને વિસ્ફોટ વગેરે વધુ ઓછા પ્રમાણમાં વધતા રહે છે. આને લીધે આધુનિક જગતમાં રાજનૈતિક અને સામાજિક વ્યવસ્થા હચમચી ગઈ છે. બાવરા બનાવનારી આ ઘટનાઓથી આ વસ્તુ આવશ્યક બની ગઈ છે કે આધુનિક માનવ જે માનવી મૂલ્યો અને દર્શનથી પ્રભાવિત થયો છે તે મૂલ્યો અને દર્શનનું પુનર્મૂલ્યાંકન થવું જોઈએ. ઉપરછલ્લી રીતે તેને થોડું મઠારી લેવાથી આ સમસ્યાનો ઉકેલ શોધવામાં કોઈ મદદ મળવાની નથી.
જેમાં પ્રજાતંત્ર પણ સામેલ છે એવી બધી રાજનૈતિક વ્યવસ્થાઓમાં જ્યાં સુધી વ્યક્તિગત અને સામુહિક માનવ જીવન ભૌતિકવાદના દર્શન પર આધારિત રહેશે ત્યાં સુધી એ બધી વ્યવસ્થાઓ માંદી જ રહેવાની અને એની એ બીમારી વધતી જ રહેવાની. આ દર્શનમાં માનવના વ્યક્તિગત વિષયક આધ્યાત્મિક ગહનતા અને આયામોની અંતર્દૃષ્ટિને તે માનવને ઐન્દ્રિક સુખોપભોગનું એક રૂપ ગણે છે અને એ વાસનાઓની તૃપ્તિ સુધી એને સીમિત માને છે. આધુનિક યુગમાં મોટા ભાગના માનવ આ અંધદર્શનની ગળાટૂંપથી અસંતુષ્ટ છે. એના પંજામાંથી પોતાની જાતને બચાવવાનો એ પ્રયત્ન પણ કરે છે અને તેની નિયતિને વધુ ગહનતાથી સમજવા અને બીજો વિકલ્પ શોધવાની દિશામાં તેઓ આજે લાગી પડ્યા છે. યુગનો પ્રસિદ્ધ ગ્રંથ Modern Man in Search of a Soul ‘આત્માની ખોજમાં આધુનિક માનવ’ના શીર્ષકનું આ જ મહત્ત્વ છે. વેદાંતમાં વર્ણવેલ આત્મા માનવીની દિવ્ય પ્રકૃતિ છે. સ્ત્રીપુરુષ જ્યારે આ મહાન સત્ય જાણી જશે ત્યારે તેઓ માનવનાં સ્વતંત્રતા, ગરીમા, સમાનતા અને મુક્તિનાં મૂલ્યોનું નવું કેન્દ્ર પોતાનામાં જ શોધી લેશે. આ મૂલ્ય આજે ચરિતાર્થ થવાની રાહ જોઈ રહ્યા છે. માનવ વિષયક આ સૂક્ષ્મ દર્શનથી પ્રેરણા અને માર્ગદર્શન મેળવીને સ્ત્રીપુરુષ સમર્થ, સ્થીર અને શાંતિપ્રેમી બનશે. તેઓ પોતાના જીવનમાં, કર્મક્ષેત્રમાં, તનમનના અનુશાસન દ્વારા, શમ દ્વારા સહજદિવ્ય આયામને ખોલતા જશે; આધ્યાત્મિક વિકાસ કરતા જશે અને નૈતિક દૃઢ વિશ્વાસનો અનુભવ પણ કરશે. આવા આધ્યાત્મિક વિકાસથી ન્યાય, દયા વગેરે માનવીય ગુણોનું એક કેન્દ્ર સ્થાન બનશે. એવા નૈતિક દૃઢવિશ્વાસવાળાં સ્ત્રીપુરુષોની ઉપસ્થિતિથી ન્યાય પર આધારિત સમાજ સ્થપાશે. એમનામાં વીરતાનો પૂટ હશે. ભારતીય પરંપરામાં આવાં સ્ત્રીપુરુષોને ‘ધીર’ કહેવામાં આવે છે. સમાજમાં ન્યાયપોષકના રૂપે આ ધીરોનું ગુણગાન ભતૃહરિના સુપ્રસિદ્ધ ૭૪મા શ્લોકમાં આ રીતે કરવામાં આવ્યું છે:
નિન્દન્તુ નીતિનિપુણા યદિ વા સ્તુવન્તુ
લક્ષ્મી સમાવિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ્ ।
અદ્યૈવ વા મરણમસ્તુ યુગાન્તરે વા
ન્યાય્યાત્ પથાત્ પ્રવિચલન્તિ પદમ્ ન ધીરા: ॥
નીતિનિપુણ ન્યાયવાદી ભલે નિંદા કરે કે સ્તુતિ કરે, લક્ષ્મી ભલે સ્વેચ્છાએ આવે કે જાય, મૃત્યુ ભલે હમણા જ આવે કે યુગાન્તરો પછી, ધીર લોકો ન્યાયના પથથી જરાય પથચલિત ન થાય.
ધીરોના આ અસાધારણ પૌરુષ તથા પ્રતાપનું સ્રોત ક્યાં છે? એ બાહુબળ તો નથી ને? ક્યારેય નહિ. એ ધનબળ તો નથી ને? રજમાત્ર પણ નહિ. શું એ બુદ્ધિબળ છે? ના. શું એ અધિકાર બળે છે? એ પણ નથી. એક નાની એવી લાલચ સામે આ બધાં બળ ઝાંખાઝપટ થઈ જાય છે અને માનવી કાનૂન અને ન્યાયના પથ પરથી વિચલિત થઈ જાય છે. આપણા જ દેશમાં અને સમગ્ર વિશ્વમાં આવું જ બની રહ્યું છે અને એના આપણે સાક્ષી છીએ. બાહુબળ, વિત્તબળ, બુદ્ધિબળ સિવાય ભારતીય પરંપરામાં એક વધુ પ્રકારના બળનો ઉલ્લેખ છે. એ છે યોગબળ કે આત્મબળ. બધાં સ્ત્રીપુરુષો તેના ઉત્તરાધિકારી છે. આ કોઈ સુધારણા કે જ્ઞાન વિરોધી જાદુ કે રહસ્યયુક્ત બળ નથી. એ છે ચારિત્ર્યબળ. માનવના હૃદયમાં પરમાત્માના આવિર્ભાવથી ઉત્પન્ન થયેલું બળ. માનવીની શક્તિના એ સ્રોતથી બધા ભૌતિકવાદી દર્શનો અણજાણ છે. આ સ્રોતને જાણ્યા વિના પણ કેટલાક પ્રસિદ્ધ ભૌતિક શાસ્ત્રીઓમાં કે ભૌતિકવાદીઓમાં આધ્યાત્મિક ચારિત્ર્યબળ વિકસી ગયું હોય એવું પણ બની શકે. કોનોપનિષદમાં કહેવામાં આવ્યું છે : ‘આત્મના વિન્દતે વીર્યમ્’ – ‘આત્મજ્ઞાનથી માનવ વીર્યવાન બને છે.’
ભૌતિકવાદના પ્રભાવથી જે સ્ત્રીપુરુષો જૈવિક સ્તર પર જ રહી જાય છે તેઓ સમાજમાં ન્યાયનો સહારો કે સમાજને પોષકરૂપ બની શકતાં નથી. માનવ જ મૂલ્યોનું મૂળ બિંદુ છે અને ધન ગૌણ છે – આ કથનની વ્યાખ્યા એ બધા લોકો એવી રીતે કરશે કે મૂળ બિંદુ આપણે છીએ અને બાકીના લોકોના શોષણથી આપણે અમીર બની જઈએ. ‘તું તારી માફક જ તારા પાડોશીને ચાહ’ ઈશુખ્રિસ્તના આ સૂત્ર માટે ઉપર્યુક્ત લોકોમાં આવો પ્રશ્ન ઊઠશે – ‘મારો પાડોશી કોણ છે?’ એના મનહૃદયમાં એનો જવાબ પણ તૈયાર હશે – ‘હું જ મારો પાડોશી, બીજો કોઈ નહિ.’ આવા માનવદ્વેષીના શબ્દોમાં એમના મનની પ્રાર્થના આવી હશે:
‘પ્રભુ! રક્ષા કરો મારી અને મારી પત્નીની.
પુત્ર જ્હોનની અને તેની પત્નીની.
રક્ષા કરો અમારી ચારની બીજા ન કોઈની.’
આ નરપશુ છે, નિમ્નતર જ છે, હજી માનવ નથી. ‘માનવતાનો એક ઉમેદવાર છે’ આ વાક્યાંશ થોમસ હાર્ડી કે વિક્ટર હ્યુગોનું હશે. આધ્યાત્મિક વિકાસ દ્વારા પ્રબુદ્ધ નાગરિકતાના અધિકારી બનવાથી જ આવી દરેક વ્યક્તિ માનવ બનશે. ત્યારે તે ન્યાયનું મૂળ કેન્દ્રબિંદુ બનશે. કાયદા માટે સતત વિકાસશીલ સામાજિક ઉદ્દીપન બનશે. ન્યાય સાથે એનો સુમેળ થશે. મહાભારતના અંતે સ્વર્ગારોહણ પર્વમાં મહર્ષિ વ્યાસ શુકદેવને ભારત સાવિત્રીના નામે ચાર શ્લોક શીખવે છે. સાવિત્રી પવિત્ર ગાયત્રીનો વૈદિક મંત્ર છે. આ શ્લોકોમાં મહાભારત જેવા મહાકાવ્યનો નિચોડ વ્યક્ત થાય છે:
માતાપિતૃ સહસ્રાણિ પુત્ર દારા શતાનિ ચ ।
સંસારેષ્વનુભૂતાનિ યાન્તિ યાસ્યન્તિ ચાપરે ॥
હર્ષ સ્થાન સહસ્રાણિ ભયસ્થાન શતાનિ ચ ।
દિવસે દિવસે મૂઢમ્ આવિશન્તિ ન પંડિતમ્ ॥
ઊર્ધ્વબાહુ વિરૌમ્યેષ ન ચ કશ્ચિત્ શ્રુણોતિ મે ।
ધર્માત્ અર્થશ્ચ કામશ્ચ સ કિમર્થં ન સેવ્યતે ।
ન જાતુ કામાત્ ન ભયાત્ ન લોભાત્
ધર્મમ્ ત્યજેત્ જીવિતસ્યાપિ હેતો: ।
નિત્યો ધર્મ: સુખ-દુ:ખે ત્વનિત્યે
જીવો નિત્યો હેતુરસ્યત્વનિત્ય: ॥
(૧૭.૫.૪૭-૫૦ ભાંડારકર સંસ્કરણ)
હજારો માતપિતા, સેંકડો પુત્રદારા વગેરેએ આ લોકનો ઉપભોગ કર્યો છે. એ બધાં હવે નથી. શેષ પણ રહેશે નહિ.
જીવનમાં હજારો સુખની પળો છે, સેંકડો દુ:ખની ક્ષણ પણ છે. અપ્રબુદ્ધ માનવ જ દિવસે દિવસે આ બધાંથી પ્રભાવિત થાય છે. પ્રબુદ્ધ માનવી પ્રભાવિત થતો નથી.
હું છાતી ઠોકીને કહી રહ્યો છું, કોઈ એની પરવા કરતું નથી. અર્થ, કામ આ પુરુષાર્થ ધર્મથી સિદ્ધ થાય છે તો માનવ ધર્મનું પાલન શા માટે નથી કરતો?
કામ (સમાજ વિરોધી વાસનાઓ), ભય, લોભ (સમાજ વિરોધી લાલસાઓ), પોતાના પ્રાણની રક્ષા વગેરેનાં પ્રલોભનમાં પડીને માનવીએ ધર્મનો સર્વથા પરિત્યાગ ન કરવો જોઈએ, કારણ કે ધર્મ નિત્ય છે, સુ:ખદુ:ખ તો અનિત્ય છે. જીવાત્મા નિત્ય છે પરંતુ એને કારણે બનેલું આ શરીર અનિત્ય છે.
નાગરિકતાનું જ્ઞાન કે બોધ ધર્મનું પરિણામ છે. જ્યારે ધનવાન કે બળવન વ્યક્તિને આનું જ્ઞાન થશે ત્યારે તે પોતાની મેળે આવો વિચાર કરશે : ‘મારી પાસે ધન છે, અધિકાર છે. હું એમનો દુરુપયોગ કરીને કાયદાઓને મારા પોતાના હકમાં કે લાભમાં નહિ કરી લઉં કે એને ઊલટવાની ચાલ પણ નહિ ચાલું. કાયદા અને ન્યાયની ઊલટફેર કરનાર પોતે જ ઊલટાઈ જવાનો. ‘ધર્મો રક્ષતિ રક્ષિતારમ્’ કાયદા અને ન્યાયની જે રક્ષા કરશે ન્યાય અને કાયદા દ્વારા એમનું રક્ષણ થશે. ન્યાય નિત્ય છે. વિશ્વમાં બધાં માટે સમાન રૂપે હિતકારી છે. પોતાનાં ધન અને અધિકારના બળે એને પલટાવવા એ મોટી મુર્ખતા બનશે. ચિંતનનું આ કેવું સુંદર વિધાન છે! બધા સુસંસ્કૃત લોકોને આ તર્ક પસંદ પડવાનો. ઉન્નત પથે આગળ વધેલ માનવીનું આ જ લક્ષણ છે. જૈવિક ધરાતલથી માનસિક-સામાજિક ધરાતલ પર એ જૈવિક વિકાસનું દ્યોતક છે. આ વિકાસનો, આધ્યાત્મિક વિકાસનો એક કણ માત્ર પણ કોઈમાં વ્યક્ત થઈ જાય પછી ભલે એ સામંતશાહી સમાજનો જમીનદાર કેમ હોય, એમાં પરિવર્તન આવવાનું જ. એ સામંતશાહી સમાજનો જમીનદાર પણ આવું વિચારવા પ્રેરાશે: ‘નહેરનું બધું પાણી પોતાના જ ખેતરોમાં વાળી લેવાથી કેટલું બધું પાણી નિરર્થક વહી રહ્યું છે. બીજા જમીનદારોની જેમ હું ગરીબ ખેડૂતોનાં ખેતરોમાં પાણીને ન જવા દઈને એને શા માટે રોકું? પાણી એમને એટલું જ જરૂરી છે જેટલું મને છે. મારે એમને મદદ કરવી જોઈએ. તેઓ આપણાં જ દેશભાંડુ છે, સહનાગરિક છે. એમની શક્તિમાં મારી પણ શક્તિ છે. આપણી બધી સવિશેષ સાધનસુવિધાઓને હું એમની સેવામાં લગાડી દઈશ.’ સામંતશાહી કે રાજનૈતિક દાસતાના સંદર્ભમાં પણ આવી વ્યક્તિને પ્રબુદ્ધ નાગરિક માનવામાં આવશે. સ્વતંત્ર પ્રજારાષ્ટ્રના સંદર્ભમાં આવી વ્યક્તિઓના ગૌરવની તો વાત જ શી કરવી! વાસ્તવમાં એ જ પ્રજાતંત્રને જીવિત માનવામાં આવે છે કે જેમાં આવા મહાનુભાવો દસવીસ નહિ પરંતુ સેંકડો, હજારો, લાખો, અને કરોડોની સંખ્યામાં હોય.
શ્રીરામકૃષ્ણદેવ કહે છે : ‘હું’ અને ‘મારું’ અજ્ઞાન છે; ‘તું’ અને ‘તારું’ જ્ઞાન છે. ‘હું’ અને ‘મારું’ માયા છે; ‘તું’ અને ‘તારું’ દયા છે.’ ‘હું’ અપ્રબુદ્ધતાનું અજ્ઞાન છે. ‘અમે – આપણે’ પ્રબુદ્ધતાનો પ્રકાશ વેદાંત અનુસાર ભિન્નતા અપ્રબુદ્ધતા છે, અજ્ઞાન છે. અભિન્નતા પ્રબુદ્ધતા છે, જ્ઞાન છે. ગીતાનો સંદેશ છે: ‘પરસ્પરમ્ ભાવયન્ત: શ્રેય: પરમવાપ્સ્યથ’ ‘પરસ્પર ભાવ અને પરસ્પરાવલંબનથી સમૃદ્ધ અને સુખી બનીએ.’ આજની સભાના પ્રારંભમાં આપણે સૌએ જે મંત્રપાઠ સાંભળ્યો એ મંત્રપાઠ ઋગ્વેદનો અંતિમ મંત્ર છે. ઋગ્વેદ માનવનો પ્રાચીનતમ ગ્રંથ છે. એમાં મન-હૃદયના મિલનનો સંદેશ છે :
સંગચ્છધ્વમ્ સંવદધ્વમ્ સમ્ વો મનાંસિ જાનતામ્ ।
દેવા ભાગં યથા પૂર્વે સંજાનાના ઉપાસતે ।
સમાનો મંત્ર: સમિતિ: સમાની
સમાનં મન: સહચિત્તમેષામ્
સમાનં મંત્રં અભિમંત્રયે વ:
સમાનેન વો હવિષા જુહોમિ ॥
સમાની વ આકૂતિ: સમાના હૃદયાનિ વ: ।
સમાનમસ્તુ વો મનો યથા વ: સ-સહાસતિ ॥
અમારી સમરતામાં ગતિ હજો, સમસરતામાં અમારી ઉક્તિ હજો, સમરસતામાં અમારી મતિ હજો. પ્રાચીન યુગમાં આ સમરસતાને સહારે દેવોએ મળીને જીવન વીતાવ્યાં અને પોતાનાં ધ્યેય પૂર્ણ કર્યાં.
સાથે મળીને પરામર્શ કરીએ. સાથે મળીને સભાનો કાર્યકલાપ કરીએ. સમરસતાની સમજબૂઝમાં આપ સર્વનું મન સાથ દેતું રહે. મૈત્રીપૂર્ણ વિચારવિનિમય દ્વારા સંમિલિત સંકલ્પ વ્યક્ત થજો. તમે આહુતિ આપો તે પૂર્ણ શાંતિથી અર્પણ થાય.
તમારી સંમિલિત ઇચ્છાશક્તિ હજો, તમારું હૃદય એક બનજો, તમારા વિચારો એક થજો. તમે બધાં એક બનીને પરિપૂર્ણતા પ્રાપ્ત કરો.
પ્રબુદ્ધ નાગરિકતા અને સામાજિક વાતાવરણ
આપણા ૫૦૦૦ વર્ષોના ઇતિહાસમાંથી આપણને આવો સ્ફૂર્તિદાયક મનોભાવ વિરાસતમાં મળ્યો છે : ‘સાથે મળીને આપણે ઉન્નત થયા છીએ, વિભાજિત થઈને આપણું પતન થયું છે.’ ધનવાન-નિર્ધન, ઉચ્ચ-નીચ જાતિ, આવી ફાટફૂટથી જ્યારે આપણે વિભાજિત થઈ ગયા, માનવતાનાં આપણાં સમાન ગર્વગૌરવને વિસારે પડ્યાં ત્યારે આપણું પતન થયું અને સદીઓ સુધી (ગર્તામાં) પડ્યા રહ્યા. હવે આ સમયે એ કરુણાંતિકા બેવડાવી ન જોઈએ.
આપણી સમૃદ્ધ અનેકતા વચ્ચે દેશની નાગરિકતામાં રાજનૈતિક એકતાનું સૂત્ર છે. આ રાજનૈતિક એકતા ‘બધામાં (રહેલ) પરમાત્મા એક છે, અનંત છે.’ આ આધ્યાત્મિક એકતા અને સમાનતા ભાસ્વર સત્ય દ્વારા સમર્થિત છે. આ બાબત પર બરાબર ભાર દેતા રહેવાથી આ દેશમાં – અહીં પેલી પુરાણી કરુણાંતિકા ફરીથી નહિ ઘટે. એનાથી આપણું ચારિત્ર્યબળ નિર્માણ પામશે. એ સ્વામી વિવેકાનંદના શબ્દોમાં ‘સાગર જેવું ગહન અને નભ જેવું વિશાળ બનશે’. આવી જાગરૂકતા અને એવા ચારિત્ર્યબળથી જે સ્વતંત્રતા આપણને મળી છે, તેનાથી આપણે ગતિશીલ પ્રજાતંત્રને અનુરૂપ સામાજિક વાતાવરણનું નિર્માણ કરી શકીએ છીએ. આવા વાતાવરણમાં એક અદનો નાગરિક પણ માનવની ગરિમા અને તેના મૂલ્યનો અનુભવ કરશે. બાકીના નાગરિકો આ અનુભવને વધુ ગહન અને વ્યાપક બનાવી લેવામાં તેને મદદ કરશે. સમાજમાં ઈર્ષ્યા સૌથી મોટી ખરાબી છે. આ ખરાબીને દૂર કરી શકાય તો એવું વાતાવરણ ઊભું કરી શકાય. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ઈર્ષ્યા ગુલામીમાં ફસાયેલા માનવકુળોની ઘોર વિપત્તિ છે. ગુલામી અને ઈર્ષ્યા એક જ સિક્કાની બે બાજુઓ છે. નાગરિક જાગરૂકતાના આગમન સાથે જ ગુલામી મનોવૃત્તિ દૂર થઈ જાય છે. એક સમાન બાહ્ય વાતાવરણ છે જેમાં આપણે જીવીએ છીએ, શ્વાસ લઈએ છીએ. આવી રીતે એક ભીતરી સૂક્ષ્મ માનસિક વાતાવરણ છે જ્યાં આપણે જીવિત છીએ. જુલિયન હક્સલી અને ચાર્ડીન જેવા આધુનિક વૈજ્ઞાનિકો એને noosphere કહે છે. આ noosphere એક દેશ કે સમાજના બધા લોકોનાં માનસિક સ્પંદન અને વિચારધારાથી બને છે. આ noosphere સ્ફૂર્તિદાયી પણ છે અને ઉદાસીનતાવાળું પણ છે; જેમ કે લગ્નવાળા ઘરમાં આનંદ ઉલ્લાસ અને ઉત્સાહનું વાતાવરણ હોય છે, એ જ ઘરમાં જો કોઈનું મૃત્યુ થાય તો એ વાતાવરણમાં વિષાદ અને ઉદાસીનતા છવાઈ જાય છે.
પાછલી કેટલીક સદીઓથી ભારતનું noosphere – ભીતરી સૂક્ષ્મ માનસિક જીવંત વાતાવરણ – ઘોર નિરાશાજનક રહ્યું છે. અહીં સામાન્યજનોની વ્યથા-પીડા અને પતન એક બાજુએ છે તો બીજી બાજુએ અહીંના કેટલાક વર્ણ કે વર્ગવાળા લોકો અત્યંત નિર્દય અને નિર્મમ રહ્યા છે. સમાજના નીચલા દરજ્જાનો માનવ ઉત્સાહિત બની ઊઠે એવું કોઈ અહીં વાતાવરણ ન હતું. અને વળી જો તે ઉપર આવવાનો પ્રયત્ન કરે, એ માટે સંઘર્ષ કરે તો એને કોઈ પ્રોત્સાહન પણ ન મળતું; ઊલટાનું અહીંનું સામાજિક વાતાવરણ, અહીંનું noosphere બરાબર એને દબાવી દેતાં. આજે આપણે એક નવા લોકતાંત્રિક માનવીય noosphere બનાવવાનું છે. કરોડો લોકતાંત્રિક વિચાર અને કરોડો પ્રજાતાંત્રિક વ્યાપાર એક લોકતાંત્રિક noosphere ના નિર્માણ માટે આવશ્યક છે. એનાથી એક નવું સ્વસ્થ સામાજિક વાતાવરણ રચાશે. આવું વાતાવરણ પ્રત્યેક સંઘર્ષશીલ સ્ત્રીપુરુષના કાનોમાં, એમનાં દિલમાં આ વિચાર કે ભાવ ભરતું રહેશે: ‘ભાઈ, બહેનજી, ટટ્ટાર ઊભા થાઓ, માનવ વિકાસમાં અનંત પથ પર કદમ આગે ભરતાં જાઓ. અમે બધા આપની મદદ માટે તૈયાર છીએ. પ્રભુ આપનું કલ્યાણ કરો.’ પ્રબુદ્ધ નાગરિકતાના વ્યાપક વિકાસથી આ કામ આપણે કરી શકીશું.
(ક્રમશ:)
Your Content Goes Here




