(ગતાંકથી આગળ)

સૌથી પહેલાં તો આપણે ભારતના નાગરિક છીએ અને પછી અલગ અલગ ક્ષેત્રોના ધંધાદારી કાર્યકર છીએ. એ બધા ધંધાદારી કાર્યો છે અને આપણે એમને દેશના એક નાગરિક તરીકે કરીએ છીએ. આપણે જે કંઈ અલગ અલગ કાર્યો કરીએ છીએ તેની પાછળ રહેલ નાગરિકતાની જાગરૂકતાની એકતાના પરિણામો પર જરા ધ્યાનથી જુઓ. આ બધાં કાર્યો શૂદ્ર, અતિશૂદ્રથી માંડીને ઉચ્ચ અને બળવાન સુધી વિસ્તરેલાં છે.

જો મુખ્યત: આમાંના કોઈ પણ વ્યવસાય સાથે પોતાનો સંબંધ જોડતા રહીએ તો ઉપર રહેનારો ઉપર જ રહેશે, બળવાન જ વધુ તાકાતવાળો બનશે, નોકર નોકર રહેશે અને શૂદ્ર શૂદ્ર જ રહેશે. આ રીતે બીજા ધંધાદારીઓમાં પણ દરજ્જાની શ્રેણી ઊંચી નીચી બનતી રહેશે. ઉપર રહેનારો કે બળવાન નોકર કે શૂદ્રને નીચી નજરે જ જોવાનો. નીચલા દરજ્જાના લોકો મધ્યમ દરજ્જાના કે પેલા ઉચ્ચ અને બળવાન લોકોની સામે જ નજર રાખીને એમને સલામ ભરતા રહેશે. યુગો યુગોથી આ દેશમાં આવું જ થતું આવ્યું છે. શું આને જ જાળવી રાખવા માટે આપણને ત્રીસ વર્ષ (અત્યારે ૫૫) પહેલાં આપણે પ્રજાતંત્ર રાષ્ટ્રની સ્થાપના કરી હતી? જાતિ, વર્ગ અને હેસિયત પર આધારિત કોઈ પણ જાતના મેળ વિનાના માનવીય સંબંધોની આ જડ છે. રાજનૈતિક સ્વતંત્રતા પછી પણ આ જડ ઉખડી નહિ, એનો નાશ ન થયો. ઊલટાનું એને વધુ સિંચન મળ્યું અને વધારે ને વધારે એ જડ ઊંડી ઘૂસતી જાય છે. વેદાંતની દૃષ્ટિએ આધુનિક લોકશાહીમાં નાગરિકતાની કલ્પનાનું સૌંદર્ય અને મહત્ત્વ જોવા મળે છે. વેદાંતનો આધ્યાત્મિક સંદેશ કહે છે : વિરાટથી પણ વિરાટ અને સૂક્ષ્માતિસૂક્ષ્મના મૂળમાં એક જ અનંત આત્મા રહેલો છે. એને લીધે બધામાં સ્વતંત્રતા, ગરિમા અને સમાનતાની શ્રેષ્ઠતા છે. આ રીતે આપણા પ્રજાતંત્રનો રાજનૈતિક સંદેશ છે કે મોટામાં મોટું કામ કોઈ ભલે કરે. વળી કોઈ નાનામાં નાનું કામ પણ ભલે કરે. પણ સમાજમાં માનવ દ્વારા થતાં આ બધાં કાર્ય અસ્થાયી અને પરિવર્તનશીલ છે. પ્રજાતંત્રમાં નાગરિકતાની અનન્યતા જ બધામાં સમાન છે. એ જ શાશ્વત છે, સ્થાયી છે અને અવિભાજ્ય છે. એને લીધે રાષ્ટ્રના નિવાસીઓમાં સ્વતંત્રતા, ગરિમા અને સમાનતાનું સમાશ્વાસન સાંપડે છે. જ્યારે દેશવાસીઓમાં નાગરિકતાની જાગરૂકતા મુખ્ય લક્ષ્ય કે બિંદુ બની જાય અને એમની વૃત્તિઓ, ધંધા વગેરે ગૌણ બની જાય; આ મુખ્યબિંદુથી પ્રભાવિત રહે તો ઉપર રહેલા પ્રબળ લોકો નિમ્નકક્ષાના લોકો પ્રત્યે નીચી નજરે નહિ જુએ અને નિમ્નકક્ષાના લોકો ઉચ્ચવર્ગના લોકો તરફ એકીનજરે જોઈને કાંપતાં, ભયભીત થતાં, હાથ જોડતાં અને ઘૂંટણિયે પડતાં બની રહેશે નહિ. પ્રત્યેક સમાજમાં અરે માર્ક્સવાદી સમાજમાં પણ ઉચ્ચ અને નિમ્ન એવા કાર્યો કે ધંધા રહેવાનાં જ. પરંતુ એ રાષ્ટ્રમાં, એ સમાજમાં, બધાની નાગરિકતા વિષયક જાગરૂકતાથી સૌ કોઈની સ્વતંત્રતા, ગરિમા અને સમાનતા સુરક્ષિત રહેવાની. ધંધા રોજગારની વિવિધતા અને સમાનતાના મૂળમાં એકતા અને સમાનતાની સ્થિતિનું આ જ મૂળ કેન્દ્રબિંદુ છે.

આ દિશામાં આપણા દેશને વાળવામાં આવે તો આપણું રાજનૈતિક પ્રજાતંત્ર એક સામાજિક પ્રજાતંત્રમાં પરિવર્તિત થઈ જશે. જ્યાં જીવનમાં આધ્યાત્મિકતાનું કોઈ પ્રભુત્વ કે વર્ચસ્વ નથી એવાં સ્કેન્ડેનેવિયા જેવાં રાષ્ટ્રોમાં માનવની સ્વતંત્રતા, ગરિમા, સમાનતાની એક સામાજિક રૂપે જે રીતે પરિણત થઈ છે તે ખરેખર આશ્ચર્યકારક વાત છે. ૧૯૬૧માં મારી વ્યાખ્યાનયાત્રાના વખતે આ રાષ્ટ્રોમાં આવું દૃશ્ય મને જોવા મળ્યું. ઓસ્લોમાં નોર્વેના પ્રસારણ નિયમન કાર્યાલયમાં હું પહોંચ્યો. મારી સાથે એક મહિલા અધિકારી ગાઈડ બનીને આવ્યાં હતાં. તેઓ મને આ નિગમની કેન્ટિનમાં લઈ ગયાં. આ કેન્ટિનમાં લોકો ખચાખચ ભર્યા હતા. એ લોકો તરફ ગર્વપૂર્વક ઈશારો કરીને તેમણે મને કહ્યું: ‘અહીં નિર્દેશકથી માંડીને નોકર સુધીના બધા કર્મચારીઓ સાથે મળીને નાસ્તો કરે છે અને આ દેશમાં અમે માનવ માનવ વચ્ચે કોઈ ભેદ જોતા નથી.’ સ્વીડનના નરેશ બીજા નાગરિકોની જેમ બજારમાં ખરીદી કરવા જાય છે. ભારતમાં એક પરિપૂર્ણ સામાજિક પ્રજાતંત્રની સ્થાપના માટે પ્રયત્ન કરવો અને તેને સાકાર થવા દેવો એ કોઈ ખાલી સપનું નથી, રામરાજ્યનો આદર્શ નથી. પરંતુ એને સફળતાપૂર્વક ચરિતાર્થ કરવા માટે અને આવા પ્રજાતંત્રના સ્ત્રીપુરુષો આંતરિક આધ્યાત્મિક ઉન્નતિથી વંચિત ન રહે, બાહ્ય સામાજિક સ્વર્ગસમાન સુખોનો પણ ઉપભોગ કરે, એટલા માટે સામાજિક – આર્થિક વિકાસની સાથે આધ્યાત્મિક વિકાસની પણ એટલી જ આવશ્યકતા છે. પ્રબુદ્ધ નાગરિકતા વિશે ચર્ચા કરતી વખતે સમાજમાં ‘નીતિશતક: શ્લોક ૬૪’માં ભર્તુહરિ દ્વારા વર્ણવાયેલ ચાર પ્રકારના માનવોનો સ્વભાવ જાણવો લાભદાયી થશે. મધ્યપ્રદેશના માલવા વિસ્તારના નિવાસી ભર્તુહરિ છઠ્ઠી સદીના હતા. તેઓ રાજા, કવિ અને તત્ત્વજ્ઞ હતા. તેઓ કહે છે : 

એકે સત્પુરુષા: પરાર્થ ઘટકા: સ્વાર્થાન્‌ પરિત્યજ્ય યે;
સામાન્યાસ્તુ પરાર્થમુદ્યમભૃતા સ્વાર્થાવિરોધેન યે.
તેઽમી માનવ રાક્ષસા: પરહિતં સ્વાર્થાય નિઘ્નન્તિ યે,
યે તુ ઘ્નન્તિ નિરર્થકં પરહિતં તે કે ન જાનીમહે.

‘એક પ્રકારના માણસ હોય છે જે સત્પુરુષ ગણાય છે, તેઓ સજ્જન છે અને પોતાનો સ્વાર્થ ભૂલીને પણ બીજાના કલ્યાણ માટે કાર્ય કરે છે. બીજા વર્ગના લોકોને સામાન્ય જન કહેવાય છે, આની સંખ્યા વધારે છે; આ બધા બીજાની ભલાઈ માટે કામ તો જરૂર કરે છે, પરંતુ પોતાના સ્વાર્થનો પરિત્યાગ કરતા નથી. ત્રીજા વર્ગના લોકોને માનવ રાક્ષસો ગણવામાં આવે છે. પોતાનો સ્વાર્થ સાધવા માટે બીજાની સ્વાર્થરક્ષામાં તેઓ વિઘ્નરૂપ બને છે, આ બધાથી ઊલટું ચોથા એવા લોકો પણ છે કે જે કોઈ પણ કારણ વિના બીજાના લાભમાં હાનિ પહોંચાડે છે. આવા લોકોને કયા નામે બોલાવવા એ હું જાણતો નથી.’

આ દ્વારા આપણને જોવા મળે છે કે પેલા બે વર્ગના લોકોથી સમાજનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને બાકીના બીજા બે વર્ગના લોકો કોઈ પણ સમાજ માટે માથાના દુખાવા જેવા બની રહે છે. પ્રત્યેક સમાજમાં પ્રથમ પ્રકારના માનવો પણ હોય છે પણ આવા લોકો વિરલ હોય છે. દરેક સમાજમાં બીજા વર્ગના લોકોની બહુમતિ છે. પ્રબુદ્ધ નાગરિકતા આ વર્ગમાં સક્રિય બનશે. ૧૯મી સદીના બ્રિટિશ રાજનૈતિક દર્શનમાં વર્ણવ્યા પ્રમાણે એમના જીવનદર્શનને ‘પ્રબુદ્ધ સ્વહિત’ કે ‘પ્રબુદ્ધ સ્વાર્થ’ Enlightened Self Interest કહી શકાય. એ કોઈ વૈરાગી નથી. પોતાના માટે અને પોતાના પરિવાર માટે એ બધા કંઈક કરવા ઇચ્છે છે. એ દ્વારા વ્યાપક સમાજનું પણ હિત સધાય છે. આ જ એના સ્વહિત કે સ્વાર્થની સાથે જોડાયેલ ‘પ્રબુદ્ધતા’ની જીવંત નિશાની છે. પરંતુ આ વર્ગે જાગ્રત રહેવાની આવશ્યકતા છે, અન્યથા આ પ્રબુદ્ધતામાં મોટો ઘસારો આવશે અને માત્ર સ્વાર્થ જ રહી જશે. આવો ઘસારો એક વાર શરૂ થયો તો એ લોકો પીછેહઠ કરીને ત્રીજા વર્ગમાં ચાલ્યા જશે. આવા લોકો લાંચ, રુશ્વત, ભ્રષ્ટાચાર, કરચોરી, ચોરી, દવા અને ખોરાકમાંયે ભેળસેળ, જેવા સામાજિક દુરાચાર અને દૂષણોના શિકાર બને છે. એમાંથી બાકી રહેલા ચોથા પ્રકારમાં સામેલ થઈને લૂંટફાટ ચલાવવામાં જ મજા માણે છે. બીજા પ્રકારના લોકો ત્રીજા કે ચોથા પ્રકારમાં ભળી ન જાય એટલા માટે જાગરૂકતા જ એનો એક માત્ર ઉપાય છે. એની સાથે એમણે પ્રથમ પ્રકારના અલ્પસંખ્યક સત્પુરુષો પાસેથી સતત પ્રેરણા મેળવતા રહેવું જોઈએ. આવા જ સ્ત્રીપુરુષને ઈશુખ્રિસ્ત બાઈબલમાં ‘ધરતીનું લૂણ’ Salt of the earth કહ્યું છે.

પ્રત્યેક સમાજમાં ઉપર્યુક્ત ચાર પ્રકારના લોકો હોય છે. પરંતુ આ ચાર પ્રકારના લોકોની સંખ્યાનું પ્રમાણ સમાજે સમાજે ભિન્ન હોય છે, એક જ સમાજના વિભિન્ન યુગોમાં થયેલ અંતર કે ભેદ વ્યક્ત થાય છે. આજના ભારતમાં અત્યારે પણ પ્રથમ પ્રકારના અલ્પસંખ્યક સત્પુરુષો ગણ્યાગાંઠ્યા છે. ત્રીજા અને ચોથા પ્રકારના લોકોની સંખ્યા અપાર છે. પરંતુ બીજા વર્ગના લોકો પણ ઓછા છે. આ ધ્યાન દેવા જેવી બાબત છે કે આત્મબળના અભાવમાં અને પ્રથમ પ્રકારના કરતાં ત્રીજા અને ચોથા પ્રકારના લોકોને જ આદર્શ માની લેવાથી આ બીજા પ્રકારની સંખ્યા ઘટતી જાય છે અને માનવરાક્ષસો તેમજ લૂંટફાટ મચાવનારાની જમાત છૂટતી જ જાય છે.

યુગો યુગોથી આધ્યાત્મિક સ્તરે માનવમાં રહેલ સમાનતાના પ્રચાર અને પ્રયોગ આ દેશમાં થતા આવ્યા છે. પરમાત્મા બધાં પ્રાણીઓમાં રહેલો છે. તે એ બધાંમાં વ્યાપ્ત છે. તે અભિન્ન છે, પરિપૂર્ણ છે. સમત્વ અને સમદર્શિત્વ એમાંથી જ સ્ફુરિત થયાં છે. વેદાંતના આ કથનનો આ જ અર્થ છે. એ એમાંથી જ નિષ્પન્ન થયું છે. ગણ્યાગાંઠ્યા સંતો અને ભક્તોને આ સત્યનો સાક્ષાત્કાર થયો હતો અને એમનાં જીવન એનું પ્રમાણ હતું. શ્રીરામકૃષ્ણદેવની પ્રસિદ્ધ ઉક્તિ છે: ‘ભક્તેર જાત નાઇ’, ‘ભક્તોની કોઈ જાતિ નથી કારણ પ્રભુ સર્વમાં રહેલો છે’. વ્યાપક સામાજિક અને આર્થિક ક્ષેત્રોમાં આ મહાન સત્યને ક્યારેય આચરણમાં મૂક્યું નહિ. લાખો કરોડોની સામાજિક ચેતનામાં પણ એની જાગૃતિ પેદા ન થઈ. આજે આ આધુનિક યુગમાં આપણને આ અવસર મળ્યો છે. આધુનિક રાજનૈતિક આર્થિક અને સામાજિક પ્રજાતંત્રના માધ્યમ દ્વારા આ સુઅવસર ફરીથી આવ્યો છે. લોકશાહી રાષ્ટ્રની નાગરિકતા વિષયક આધુનિક કલ્પના અને પ્રયોગથી આધ્યાત્મિક સ્તર પરનું સમદર્શિત્વ રાજનૈતિક અને સામાજિક સ્તર પરના સમદર્શિત્વથી પુષ્ટ અને સબળ બન્યું છે.

પ્રજાતંત્રની નાગરિકતા માનવની સ્વતંત્રતા અને ગરિમાનું જ નહિ પણ માનવની સમાનતાનું એક કેન્દ્રબિંદુ છે. વેદાંતના સમદર્શિત્વનો ભાવ માનવની સ્વતંત્રતા, ગરિમા અને સમાનતામાં પરિણત બને એ આપણા ઇતિહાસના આધુનિક યુગની વિશેષતા છે. સ્વામી વિવેકાનંદની આવી જ આકાંક્ષા હતી. સમાનતાના સિદ્ધાંતના આધારે સમાજની રચનાના પ્રયાસમાં આધુનિક ભારતમાં રાજનૈતિક અને આધ્યાત્મિક સાધના બંને મળીને એક બની ગઈ છે, એક બીજાની ગતિમાં સહાય-યોગ આપી રહી છે. એક નાગરિકતાના આધારે માનવની એકતાને સુદૃઢ બનાવવી એ રાજનૈતિક સાધનાનું પ્રયોજન છે.

આ નવા આલોકમાં આપણે નાગરિકતાની કલ્પનાનું સૌંદર્ય જોઈ શકીએ છીએ અને સમાજમાં વ્યક્તિ જે કોઈ ધંધામાં સંલગ્ન હોય, એ બધી ગૌણ હેસિયતોના મૂળમાં આ એક મૌલિક હેસિયત પર જોર દેવાના મહત્ત્વનો પણ અનુભવ કરી શકીએ છીએ. જ્યારે સૌ દેશવાસીઓ જાણશે કે આપણે સૌ પહેલાં તો નાગરિક છીએ અને સમાજમાં આપણને ભિન્ન ભિન્ન  ક્ષેત્રોમાં નિયત કામ કરવાનું મળ્યું છે ત્યારે માનવીમાં એકતા અને સમાનતા પરિપક્વ બનશે અને વર્ગ તથા જાતિનું અંતર નિરર્થક બની જશે. કામ બદલી શકે છે, ધંધામાં પણ અંતર હોઈ શકે છે પરંતુ, એનાથી નાગરિકતા સંબંધી જાગરૂકતામાંથી જન્મેલી એકતા બદલશે નહિ. ધંધાના દરજ્જામાં ઊંચનીચની સંભાવના છે પરંતુ, નાગરિકતાનો દરજ્જો એક સમાન છે. એમાં ઊંચનીચની કોઈ સંભાવના નથી. 

મજૂર પ્રધાન બની ગયો એટલે એના ‘કામની હેસિયત’ વધે છે. પરંતુ ‘નાગરિકતાની હેસિયત’ એ જ રહે છે. પ્રધાનનું પ્રધાનપણું ચાલ્યું ગયું અને વળી પાછો એ મજૂર બની ગયો. પણ નાગરિકતાની તેની હેસિયત એવી ને એવી જ રહે છે. કેવળ કામ કરવાની હેસિયતમાં ઊણપ આવે છે. કલ્પના કરો કે ૬૫.૫ કરોડ (અત્યારે સો કરોડ) દેશવાઈઓ જ્યારે આ સત્યનો થોડો ઘણો પણ અનુભવ કરશે કે અમારી મુખ્ય અને મૂળ હેસિયત સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિકની છે ત્યારે રાષ્ટ્ર કેટલું બળવાન બની જશે! કેટલી ગરિમા વધશે! સ્વસ્થ માનવીય સંબંધોથી દેશની માનવક્ષિતિજો કેવી ચમકી ઊઠશે!

આ દૃષ્ટિકોણનું પરિણામ ‘બીજા પ્રત્યે આદરભાવ’ આવશે. ભલે કોઈ પણ સ્ત્રી કે પુરુષની કાર્ય કરવાની હેસિયત ગમે તે હોય એનામાંથી આવો ભાવ ઊગી નીકળશે કે આપણે બધા એક મહાન લોકશાહી રાષ્ટ્રના નાગરિક બંધુઓ છીએ. આપ પણ સ્વતંત્ર છો; હું પણ સ્વતંત્ર છું. આપણે બધાં સ્ત્રીપુરુષો સ્વતંત્ર દેશમાં સ્વતંત્ર છીએ. આ દૃષ્ટિકોણ માત્રથી દેશવાસી દેશની સાથે એક અનન્ય સંબંધ જોડવાની અદ્‌ભુત ક્ષમતા પ્રાપ્ત કરશે. રાષ્ટ્રિય સમગ્રતાની સહજ અનુભૂતિ થવા લાગશે. તે નેતાઓ અને શાસકોના ભાષણનો મસાલો જ માત્ર બની નહિ રહે કે સૂત્રોચ્ચારી પણ નહિ રહે. દુર્ભાગ્યની વાત એ છે કે અત્યારે તો મોટા ભાગના દેશવાસીઓમાં આ સ્વસ્થ જાગરૂકતા જ નથી. કેવળ વૃત્તિપરક જાગરૂકતા બધામાં છે. હું ઓફિસર છું, હું નોકર છું, હું એક સામાન્ય અધ્યાપક છું, હું અમુક છું, હું તમુક છું. આ બધા ‘કામધંધા’ના મૂળમાં નિહિત પોતાનું ‘અસ્તિત્વ’ આપણે જાણતા નથી. સામંતશાહી ભારત કરતાં સ્વતંત્ર ભારતમાં આને લીધે હેસિયતની ભાવના પ્રબળ બની ગઈ છે, એ ઓછી થઈ નથી. આ કેવી મોટી વિડંબણા છે? આ કેવી મોટી કરુણાંતિકા છે? આ બધું એવી રીતે છે કે આપ કોઈને પણ પૂછો કે આપ કોણ છો? તો જવાબ મળશે ‘હું અમુકનો પતિ છું, અમુકની પત્ની છું’. એ સાંભળીને તમે વળી કહેશો કે આ તો અલગ અલગ વ્યવસાયની વાત થઈ. અલગ અલગ સંબંધોની વાત છે. એની સાથે તમે કોઈના પિતા છો, કોઈની માતા છો, કોઈનો પુત્ર કે ભાઈ છો, કે કોઈની દીકરી કે બહેન છો. હજારો માનવીય સંબંધોના તાણાવાણામાં તમે માત્ર એક સંબંધને બીજા સંબંધ સાથે જોડો છો અને એમાં જ બંધાઈ રહો છો! આનાથી બીજી મોટી મુર્ખામી કઈ હોઈ શકે?

જે કોઈ વૃત્તિ કે ધંધાના સ્તરે જીવે છે તે જ્યારે કામ કરવાનું બંધ થઈ જાય ત્યારે તે બેકાર બની જાય છે. આ ખોટા દૃષ્ટિકોણને કારણે આપણામાંથી મોટાભાગના લોકો બેકાર છીએ. જે બધા અસ્તિત્વના ધરાતલ પર જીવે છે અને પેલી જાગરૂકતાના સ્તરેથી કાર્યોન્મુખ રહે છે તેઓ કામધંધામાંથી નિવૃત્ત થવાથી, વૃદ્ધ બની જવાથી કે લાકડીને સહારે કાંપતા રહેવા છતાં પણ બેકાર બની જતો નથી. વેદાંતના આધ્યાત્મિક ઉપદેશમાં આ જ અમર આત્મા છે, ઈશ્વરનો સ્ફુલિંગ છે અને ભગવાનનું સંતાન છે. આ જાગરૂકતાથી તેઓ પોતાના કામધંધા સુચારુ રૂપે ચલાવે છે અને જ્યારે એ ધંધામાંથી નિવૃત્ત થશે ત્યારે પણ તેઓ જાગરૂકતા સાથે જીવન વીતાવશે. 

પ્રબુદ્ધ નાગરિક વિરુદ્ધ ભાડાના ટટ્ટુ

આ પ્રબુદ્ધ નાગરિકની જાગરૂકતા આપણામાં સંતોષજનક માત્રામાં નથી. જાતિ અને સંપ્રદાયની વફાદારી અને આજકાલ જોવા મળતી રાજનૈતિક પક્ષોની વફાદારીમાં ડૂબેલા આપણા સૌ દેશવાસીઓએ રાષ્ટ્ર પ્રત્યેની વફાદારીને નબળી બનાવી દીધી છે. આ એક વફાદારી દ્વારા બાકીની બીજી વફાદારીઓને શક્તિ મળે છે, એમનું મહત્ત્વ પણ વધે છે. દેશના ૬૫.૫ કરોડ (અત્યારે સો કરોડ) નિવાસીઓમાંથી લગભગ ૩૦.૫ કરોડ (અત્યારે આશરે પ૦ કરોડ) પુખ્તવયના નાગરિક છે. એમને મતદાનનો અધિકાર મળ્યો છે. અત્યારે અપાર સંખ્યા એક શક્તિનો સ્રોત ન બનીને દુર્બળતાનું કારણ બની ગઈ છે. પરંતુ જ્યારે દેશભરમાં નાગરિકતા સંબંધી ચેતના ફેલાશે ત્યારે આ દુર્બળતા પ્રચૂર શક્તિમાં બદલાઈ જશે, કારણ કે એમાં એક પ્રકારનું ગુણાત્મક પરિવર્તન આવી જશે. ભારતની તુલનામાં એથેન્સ જેવા નાના રાજ્યની હસ્તી જ શું છે? ભારત તો ૨૦ હજાર એથેન્સ નગરો જેટલું વિશાળ છે. પોતાના વિશેષ ક્ષેત્રોમાં એથેન્સ વિશેષ ક્ષમતાને કારણે જ મહાન બની શક્યું. એ ગુણોને આત્મસાત કરીને આપણે આ ગુણાત્મક પ્રાપ્તિમાં વૃદ્ધિ કરી શકીએ છીએ. સીમિત જનસંખ્યાવાળા એથેન્સનું પ્રજાતંત્ર ભારત જેવા બહુસંખ્યક વિશાળ પ્રજાતંત્રથી ભિન્ન છે. આ વિશાળ પ્રજાતંત્રનું પ્રશાસન કોઈ રમત વાત નથી. વિપુલ મનોબળ અને વિશાળ દૃષ્ટિકોણને વિકસિત કરી લેવાથી પ્રશાસનનું આ જટિલ કાર્ય અવશ્ય સરળ બનાવી શકાય. સંકુચિત કે ઉગ્ર દૃષ્ટિકોણથી આ કાર્ય સુગમ ન બને.

આ પાંચ લાખ ટન તેલની આધુનિક ટાંકીઓના જહાજ જેવું છે. ૧૯મી સદીના જહાજોથી આ સો ટકા ઘણું મોટું હોય છે. પરંતુ એમાં એના પ્રમાણે શક્તિશાળી એન્જિન પણ હોય છે, જે એ જહાજોને અબાધિત ગતિએ આગળ વહાવી જાય છે અને પોતાની ગતિને ઝડપી પણ રાખે છે. આ રીતે રાષ્ટ્ર ગમે તેટલું મોટું હોય, વૈવિધ્યપૂર્ણ હોય, જટિલ હોય પણ એના સંચાલન કરનારાના મનને પણ વધારે વ્યવસ્થિત અને અનુશાસિત રહેવું પડશે. નાના પરિવારના સંચાલન કે એ પરિવારની જરૂરતો પૂરી કરવા માટે કેવળ સાધારણ સમર્થ ‘ગૃહસ્થ’નું મન અને અભિગમ આવશ્યક છે. પરંતુ વિશાળ રાષ્ટ્રનું સુકાન સંભાળનાર માટે અપાર શક્તિની આવશ્યકતા છે, પ્રબુદ્ધ નાગરિકતાની જાગરૂકતા પણ જરૂરી છે જેથી દેશનાં નિયંત્રણ, સંચાલન અને ઉદ્દેશ્યની પૂર્તિ માટે સુયોગ્ય માર્ગદર્શન સુલભ બની જાય. એટલે આ જાગરૂકતા દ્વારા જ આપણે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પૂરી શક્તિ અને પૂરતા મનોબળથી પોતપોતાનું નિયત કાર્ય કરી શકીએ છીએ. આ એક સાધારણ ગૃહસ્થના સામર્થ્યની વાત નથી. ગૃહસ્થ તો નોકરીની શોધમાં રહેનારો કે નોકરી કામધંધાવાળો માણસ હોય છે. કોઈ કચેરીમાં નોકરીની શોધમાં પહેલવહેલાં જ્યારે આપણે ઘરથી બહાર નીકળીએ છીએ ત્યારે આપણે નોકરીની શોધમાં નીકળી પડેલા સ્ત્રીપુરુષ છીએ. આપણે પૈસા કમાવા ઇચ્છીએ છીએ. આટલું બધું ઇચ્છવા છતાં પણ આપણે માત્ર નોકરીને શોધનારા માણસ નથી, પરંતુ એક નાગરિક છીએ અને નાગરિક રૂપે નોકરીની શોધમાં નીકળ્યા છીએ. એ દ્વારા આપણે પોતાના ક્ષેત્રમાં દેશની સેવા કરવા ઇચ્છીએ છીએ. પોતાના તેમજ પોતાના પરિવારનું હિત પણ પ્રસંગોપાત જોતા રહીએ છીએ. નાગરિકના નાતે આ ચેતનસ્તરમાં પરિવર્તન કરવાથી આપણી હેસિયતમાં કેવું અનોખું પરિવર્તન થઈ જાય છે! આ મુખ્ય પરિવર્તન વિના આપણી હેસિયત એક માત્ર ભાડાના ટટ્ટુના જેવી રહી જાય છે. ઓક્સફોર્ડના સંક્ષિપ્ત શબ્દકોષમાં Mercenary – આ ભાડાના ટટ્ટુ-વેઠિયાનો અર્થ ‘કેવળ પૈસા કે ઈનામ માટે કામ કરનાર’ એવો છે. આવો વેઠિયો સામાજિક દર્પણમાં પોતાનું જ પ્રતિબિંબ જોશે, એ નાગરિકનું નહિ જુએ. 

સદીઓની વિદેશી ગુલામીના ઇતિહાસથી આ કઠોર સત્ય વ્યક્ત થાય છે. એ સમયે આપણે નાગરિક ન હતા. કેવળ ‘પ્રજા’ હતા, શાસિત હતા. આ પહેલાં આ વાત આપણે કરી ચૂક્યા છીએ. તત્કાલીન રાજનૈતિક ઉથલપાથલને કારણે દેશી અને વિદેશી પ્રતાપી રાજાઓએ પોતપોતાના રાજ્ય બનાવી લીધા અને પોતાનાં પૌરુષ, સાહસ અને સંકલ્પથી એની વ્યવસ્થા અને પ્રબંધ પણ કર્યો. જેનામાં આવા ગુણ હોય છે તે ચંદ્રસાહસી યુવકોને એકઠાં કરી લે છે, પ્રદેશ વિશેષ પર પોતાની સત્તા જમાવી દે છે, પડોશી રાજ્યને જીતીને પોતાના રાજ્યની સીમામાં એ બધાને ભેળવી દે છે. તે કોઈ રાજ્ય કે સામ્રાજ્ય ઊભું કરે છે. ક્યારેક ક્યારેક દેશભરમાં કે દેશની બહાર પણ અધિકાર સ્થાપિત કરી લે છે. આ બધાં અભિયાનોમાં ભારતની જનતાનું પાત્ર શું હતું? દેશપ્રેમથી પ્રેરિત સામ્રાજ્ય નિર્માણની કેટલીક યોજનાઓને છોડી દઈએ તો દેશવાસીઓ આ બધી બાબતોમાં કેવળ એક મૂક પ્રેક્ષક જ હતા. શાસક ઉદાર હોય તો તેઓ પ્રસન્ન થતા, અન્યથા દુ:ખી દુ:ખી રહેતા. એનો અર્થ એ થયો કે દેશવાસીઓ તો સામાન્ય ગૃહસ્થ જ બની રહેતા, ખેતરમાં ખેતી કરતા, પોતપોતાના ઉદ્યોગધંધા ચલાવતા રહેતા, ગ્રંથો રચતા અને ભગવાનની પૂજા કરતા. એ દિવસોમાં યુદ્ધ રણાંગણ સુધી જ સીમિત રહ્યું એને આપણે સંયોગ જ કહી શકીએ અને બાકીની જનતા એ યુદ્ધના આતંક વિના પોતાના કામધંધા સંભાળતી અને જીવન વીતાવતી. આ રીતે રાજનૈતિક ઉથલપાથલનો જનતા પર કોઈ સીધો પ્રભાવ ન હતો.

અસહાય પ્રજાના દીર્ધકાળના અનુભવથી આપણે રાજનીતિથી અલગ રહેવાનું પસંદ કર્યું અને પોતાનું આવું એક જીવનદર્શન જેવું બનાવી લીધું કે રાજા ભલે રામ હોય કે રાવણ આપણા માટે તો બંને એક જ છે. બહુસંખ્યક જનતાનો આવો જ દૃષ્ટિકોણ છે. જે અલ્પસંખ્યક બુદ્ધિમાન શક્તિશાળી અને મહત્ત્વાકાંક્ષી હતા તેમણે આ પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો. રાજાઓના રાજકાજ સંભાળવા માટે અને રાજ્યની રક્ષા માટે લોકોની આવશ્યકતા હતી. એમણે સ્વેચ્છાએ આવાં કામ પર આવવાવાળાને નિમંત્રણ આપ્યું. એ લોકોને મોટા પગાર અને બીજી સુવિધાઓનું વચન પણ આપ્યું. અલ્પ સંખ્યક લોકોએ આ અવસરને હાથમાંથી જવા ન દીધો. આમાંનો દરેકેદરેક ‘જી, હજુર! આ દેહ અને મારું આ કૌશલ રાજ્યની સેવા માટે હાજર છે’ આવું કહીને આગળ વધતો રહ્યો. કેટલાકે તો પોતાના આત્માને પણ વેચી નાખ્યો. રાજા મહારાજાઓને પોતાનું સર્વસ્વ સોંપી દીધું. આ રીતે એમાંના કેટલાક લોકો સૈનિક બન્યા, ઓફિસરો બન્યા, પ્રધાનો બન્યા, મોટા બાબુઓ બન્યા, નોકરેય બન્યા અને દરબારીઓ પણ બન્યા. પરંતુ વાસ્તવમાં આ બધા લોકો નોકરી ધંધાની શોધમાં હતા અને નોકરી એક આજીવિકા હતી. રાજ્યની બાબતોમાં એ બધાને પોતાનું બીજું કોઈ હિત કે બીજો કોઈ સ્વાર્થ ન હતો. આવા લોકો આ મનોભાવ સાથે આગળ વધ્યા અને કામ કર્યું. વફાદારીપૂર્વક અને દેહમન લગાડીને કામ કર્યું. આ બધું જ્યાં સુધી રાજા ઊંચા પગાર આપતો ત્યાં સુધી ટકી રહેતું. જેવો પગાર મળવાનો બંધ થતો એટલે તરત જ એ બધા એ રાજાને છોડીને બીજા રાજાની સેવામાં હાજર થઈ જતા. રાજ્ય કે રાજામાં એ બધાને બીજો કોઈ રસ ન હતો. એ બધા વેતનભોગી, આજીવિકા પ્રેમી, ગૃહસ્થ માત્ર હતા. અંગ્રેજીમાં એને Mercenary – ભાડાના ટટ્ટુ-વેઠિયાનો અર્થ ‘કેવળ પૈસા કે ઈનામ માટે કામ કરનાર’ કહે છે. પ્રતિકુળ રાજનૈતિક પરિસ્થિતિઓમાં જીવવા અને કામ કરવા માટે લાચાર બનવા છતાં પણ તેમાંના કેટલાક તો સુખ્યાત દીવાન કે પ્રધાન, અધિકારી, સેનાપતિ કે નેતા બન્યા; જેમનામાં દેશપ્રેમની થોડીઘણી ભાવના હતી ખરી.

(ક્રમશ:)

Total Views: 161

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.