(ગતાંકથી આગળ)

આપણે સ્વતંત્ર લોકશાહી રાષ્ટ્રની નાગરિકતા માટે ભારતીય ગૃહસ્થોમાં રાષ્ટ્રિય દાયિત્વનું જ્ઞાન અને બોધ વિકસાવવાના છે અને એ રીતે નવી માનસિક પરિપક્વતા જગાડવાની છે. નાગરિકતા એટલે પોતાના નિકટના, દૂરના, સહનાગરિક ભાઈબહેનોની સમસ્યાઓ, તેની આશાઆકાંક્ષાઓને સમજવી અને તેને અનુરૂપ આચરણ કરવાની ક્ષમતામાં વૃદ્ધિ કરવાની છે. દિલ્હીના ગૃહસ્થો દૂરસુદૂર મિઝોરમ, નાગાલેન્ડ અને બીજા રાજ્યોમાં રહેનારાઓની અભિલાષાઓ જાણવાના કાર્યમાં લાગી જાય અને એમને અનુકૂળ આચરણ પણ કરે. ત્યાંના ગૃહસ્થો દિલ્હીવાસીઓનાં આશા-ઉમંગને જાણે અને એને અનુકૂળ આચરણ કરે. પરિવારના નાના આનુવંશિક વર્તુળમાંથી બહાર નીકળીને સમગ્ર રાષ્ટ્ર પ્રત્યે સંવેદનશીલ થવાથી જ નાગરિકનો આધ્યાત્મિક વિકાસ થશે. આ વિકાસ એક માત્ર ગૃહસ્થના વિકાસ કરતાં ભિન્ન હશે. ભારતવર્ષમાં રાષ્ટ્રનાં જીવન અને ઇતિહાસમાં આપણે ગૃહસ્થના આદર્શ અને તેના પાલન-આચરણ પર એક સોનેરી પ્રકરણ અવશ્ય લખ્યું છે. સમકાલીન પરિસ્થિતિઓ અને માનવીય સમસ્યાઓની માગ છે કે આપણા ગૃહસ્થ નાગરિક ઉન્નત થઈ જાય એવો આપણે આપણા પોતાના ઇતિહાસમાં એક વધારે ઉજ્જવળ અધ્યાય ઉમેરીએ. દુર્ભાગ્યથી આ વિષયમાં આપણે જેટલું ઇચ્છીએ છીએ તેટલું પરિવર્તન, તેટલો વિકાસ નથી થયો. આપણા મોટા ભાગના દેશવાસીઓ મારી દૃષ્ટિએ સારા ગૃહસ્થ તો છે પરંતુ ખરાબ નાગરિક છે, બેપરવા નાગરિક છે.

ગૃહસ્થ સંકલ્પનાની મર્યાદાઓ

આ જ આપણી મોટી મુશ્કેલી છે અને એનાથી આખો દેશ હેરાન-પરેશાન છે. આપણે કયા અર્થમાં ખરાબ કે બેપરવા નાગરિક છીએ? ખરાબ નાગરિક અને સારા ગૃહસ્થ બની રહેવાથી સમાજમાં ઊભા થતાં અનેક અનિષ્ટોમાંના અનિષ્ટ અન્યાયનો ફેલાવો થયો છે. આ પહેલી ખરાબી કે ખામી છે. ભાઈ ભત્રીજાવાદ વળી એક બીજી ખરાબી છે. જેમની માગ યોગ્ય છે, ન્યાયસંગત છે, એમની ઉપેક્ષા કરીને પોતાનાં સગાંસંબંધીઓ અને જાતિ ભાઈઓને વિશેષ સુવિધાઓ અપાવવી એ જ ભાઈ ભત્રીજાવાદ કે કુંટુંબપરસ્તિ છે. જો કોઈ પોતાની બિરાદરીની જ ભલાઈ કરવા લાગે અને બીજાઓની ઉપેક્ષા કરતાં જાય તો સમાજમાં અન્યાય વધતો જ જશે. નાગરિકની જાગરુકતા જ આવી પ્રવૃત્તિને રોકી શકે છે. કેવળ ગૃહસ્થની જાગરુકતાવાળા લોકો સગાસંબંધીઓ અને જાતિ ભાઈઓના સંબંધોથી પ્રભાવિત છે અને જેઓ નાગરિક જાગરુકતાના ઉદાત્ત સ્પર્શથી પાવન કે શુદ્ધ નથી થયા તેઓ ખરેખર ભાઈ ભત્રીજાવાદની આ ખરાબીથી પીડાય છે. તેઓ એને ક્યારેય ખરાબી કે ખામી રૂપે માની શકવાના નથી. આ તો સહજ છે. એમ કહીને તેઓ સંતોષ માની લે છે. તેઓ એ ભૂલી જાય છે કે એમનામાં ઉદાત્ત સ્વભાવ પણ છે; એ અવ્યક્ત છે અને વ્યક્ત થવા માટે આતુર પણ છે. પરંતુ આ કુટુંબપરસ્તિની ચાર દિવાલોથી ઘેરાયેલી કોઈ પણ જાતના સ્પંદન વિનાની મનોવૃત્તિને કારણે તે ઉદાત્ત પ્રકૃતિ ખૂલતી નથી કે પ્રગટ થતી નથી.

એનાથી ઊલટું આધ્યાત્મિક વિકાસ દ્વારા જે ગૃહસ્થ નાગરિક બન્યો છે તે આ ખરાબી કે ખામીથી બનેલો ગૃહસ્થ નથી અને એમાં જો કોઈ ખામી હોય તો એનાથી એટલું નુકશાન થતું નથી. એનો અર્થ એ થયો કે નાગરિકના નાતે એ સ્ત્રી કે પુરુષની ચેતના વિકસિત બની છે, એની સહાનુભૂતિ અને અભિરુચિ ગહન બની છે. તેમજ આ ઉન્નતિ-વિકાસ તથા ગહનતા એ સ્ત્રી કે પુરુષને એક કુટુંબ પરસ્તિના બંધનમાંથી મુક્ત કરી દે છે. વીસમી સદીના જીવ વિજ્ઞાનમાં એને માનવના સાંસ્કૃતિક વારસાનો વિકાસ ગણવામાં આવ્યો છે. એ કોમળ અને લચીલો છે, તે એની આનુવંશિક વિરાસતથી ઉપર ઊઠે છે. આનુવંશિક વિરાસત કઠોર છે, અનમનીય છે અને એ માનવમાં કૂળ કે જાતિ પર આધારિત અનુદારતા, દુરાભિમાન અને દંભનું મૂળ છે. માનવના વિકાસની કેવી સ્પૃહણીય કલ્પના છે! પ્રાણીઓમાં આવો વિકાસ કે ઉન્નતિ હોતા નથી. એમનામાં કેવળ આનુવંશિક વિરાસત છે. પરંતુ માનવ આ આનુવંશિક વિરાસતથી પર સાંસ્કૃતિક વિરાસતનો ઉત્તરાધિકારી છે એટલે માનવમાં જ આવો વિકાસ કે આવી ઉન્નતિ સંભવ છે. આ વિકાસ કે ઉન્નતિ પૂરી સમજણ સાથેનાં ચયન, પ્રયાસ અને શિક્ષણ દ્વારા થાય છે. પ્રકૃતિએ માનવમાં જ આ જૈવિક ક્ષમતા એમના મસ્તિષ્કના સ્નાયુઓમાં ભરપૂર ભરી દીધી છે અને એ કેવળ પોતાની જૈવિક સીમાથી પર ઊઠીને નહિ પરંતુ માનવજાતિને લાંઘીને એની જાગરુકતા અને સહાનુભૂતિમાં વૃદ્ધિ કરે છે.

ભારતમાં કેવળ રાજનૈતિક દૃષ્ટિએ નહિ પરંતુ આવા પ્રબુદ્ધ નાગરિક કેટલા હશે? અહીં સામાન્ય કે રાજનૈતિક દૃષ્ટિએ નાગરિકોની કંઈ ખોટ નથી; એની સંખ્યા તો જરૂર કરતાં પણ વધારે છે. દેશની પ્રજનનશીલ વસતી પણ એને માટે જવાબદાર છે, એ પરિણામની દૃષ્ટિએ દેશની જનસંપત્તિનો સંકેત છે. આપણે પરિવાર નિયોજનના ઉપાય દ્વારા આ વધતી વસતીને રોકવાના ભરપૂર પ્રયાસ કરીએ છીએ જેથી ગુણાત્મક દૃષ્ટિએ દેશની સંપત્તિ વધે. આપણી વચ્ચે એવા સામાન્ય નાગરિક એટલે કે કેવળ ગૃહસ્થ જરૂરત કરતાં વધારે છે; રાષ્ટ્રે એમને ઘણી મોટી જવાબદારીઓ સોંપી છે; તેઓ ઊંચા ઊંચા પદો પર બેઠા છે, પરંતુ એમનામાં પ્રબુદ્ધ નાગરિક તો માત્ર ગણ્યાગાંઠ્યા છે. 

સ્વાતંત્રોત્તર રાષ્ટ્રની આ સૌથી મોટી કરુણાંતિકા હતી. પરિણામ સ્વરૂપે જીવના પ્રત્યેક ક્ષેત્રમાં, સમાજમાં અન્યાય વધી રહ્યો છે અને ચારે તરફ ક્રોધ, હિંસા, અવ્યવસ્થા, હતાશાની બોલબાલા છે. આનું નિવારણ કરવા માટે રાષ્ટ્રના પ્રત્યેક નાગરિકમાં આધ્યાત્મિક વિકાસ થવો આવશ્યક છે. માત્ર ૨૧ વર્ષની ઉંમર થઈ ગઈ અને નાગરિક બની ગયો એટલું પૂરતું નથી. ૨૧ વર્ષની ઉંમર ઘટાડીને ૧૮ વર્ષની કરવામાં આવી છે – એનો મતલબ શરીરના વિકાસની સાથે મનનો પણ વિકાસ થયો છે એવો નથી. માનસિક પરિપક્વતા માટે સામાજિક જવાબદારીનું ભાન અનિવાર્ય છે. પોતાનામાં કોઈ પણ પ્રકારની માનસિક પરિપક્વતા હોય કે ન હોય પણ ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક શિશુ હરોળમાં ઊભો રહી જાય છે અને ૨૧ વર્ષ થતાં જ (અત્યારે ૧૮ વર્ષ) નાગરિક બનવાની રાહમાં ઊભો હોય છે. શારીરિક વિકાસ તો છે જ અને શિક્ષણ દ્વારા કેટલાક લોકોમાં બૌદ્ધિક વિકાસ પણ થયો છે છતાં પણ આ બધું નહિવત્‌ છે. પરંતુ ગૃહસ્થમાં નાગરિક બનવા માટે આવશ્યક આધ્યાત્મિક વિકાસ તો ક્યાંય દૂર રહી ગયો છે. આ આધ્યાત્મિક વિકાસની આવશ્યકતા છે એ વાત કોઈ સમજી પણ શક્યું નથી. આ જ કારણે સ્વતંત્રતાના હર્ષોન્માદમાં બંધારણની ઉદાત્ત ઘોષણા અને ધ્યેયને અનુરૂપ કોઈ પણ ક્ષેત્રમાં દેશમાં નિર્ધારિત કે અપેક્ષિત પ્રગતિ થઈ નથી. છેલ્લાં ૩૦ વર્ષોમાં આપણે સતત કોઈ પ્રગતિ બતાવી નથી. કેવળ ડગુમગુ ચાલે પાંચેક ફૂટ આગળ વધ્યા છીએ અને ચાર ફૂટ પાછળ હટ્યા છીએ; મોટે ભાગે તો પાંચ ફૂટ આગળ વધ્યા છીએ અને છ ફૂટ પાછળ ગયા છીએ!

વયસ્ક નાગરિકતા વિરુદ્ધ પ્રબુદ્ધ નાગરિકતા

મારો આશય એવો નથી કે ભારતના સમગ્ર દેશવાસીઓ – દેશના સૂત્રધારો પણ એમાં આવી જાય છે -પ્રબુદ્ધ નાગરિક બની જાય અને ભાઈ ભત્રીજાવાદની બુરાઈ કે ખામીથી બચે તો રાષ્ટ્રની બધી સમસ્યાઓ તરત જ ઉકેલાઈ જશે. આ વિશાળ દેશની સમસ્યાઓ અનંતકાળથી એકઠી થતી આવી છે. સદીઓ સુધી અહીં માનવનો વિકાસ થયો જ નથી. આ સમસ્યાઓને સમજવા માટે અને એનો ઉકેલ શોધવા માટે સારો એવો સમય લાગવાનો જ. દેશવાસીઓએ કઠોર પરિશ્રમ કરવો પડશે, ઉત્તમ પુરુષાર્થ કરવો પડશે, સૌએ સાથે મળીને કામ કરવું પડશે; દસકાઓ સુધી પોતાના લોહી રેડવા અને પરસેવો પાડવા તૈયાર રહેવું પડશે; ત્યારે આપણે રાષ્ટ્રિય વિકાસના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ થશું. પરંતુ એ બધા માટે પ્રજામાં પ્રબુદ્ધ નાગરિકતાની જાગૃતિ, રાજનીતિ અને દેશના પ્રશાસનની જાણકારી આવશ્યક છે. પ્રજાને લાગે વળગે છે ત્યાં સુધી તે પણ રાષ્ટ્રિય વિકાસના તણાવ અને દબાણને કારણે ઉત્પન્ન થયેલી કઠિન પરિસ્થિતિઓને સહન કરી લેશે. હા, પ્રજાને એટલું તો લાગવું જોઈએ કે મોટા પાયે ક્યાંય કોઈ અન્યાય કે વગવસીલાવાદ નથી. રાષ્ટ્રના વિકાસના ચરણોમાં વસ્તુઓની ઊણપ, સેવાનો અભાવ વગેરે કારણે સાર્વજનિક કુંઠિતતા, ક્રોધ, હિંસા અને અવ્યવસ્થા પણ રહેશે નહિ. ઉપદ્રવકારી વ્યાપક અન્યાયને કારણે જ માનવમાં ભાવોદ્વેગ તીવ્ર બને છે. શિક્ષણના ક્ષેત્ર, વિજ્ઞાનના અનુસંધાન, પ્રશાસનમાં, નિયમ અને વિનિયમને અમલમાં લાવવામાં અને કાયદાનું શાસન લાગુ કરવામાં આવા અન્યાયોની આજે ચારે તરફ બોલબાલા છે. આ બધી વાતોમાં આપણે એ બધી શયતાની પ્રવૃત્તિઓને મોકળે મને પોતાના ખેલ ખેલતી જોઈએ છીએ. આવી પ્રવૃત્તિઓ ભલા ગૃહસ્થ અને ખરાબ નાગરિક બનાવે છે.

દેશવાસીઓની સાથે આ ભલા ગૃહસ્થ અને ખરાબ નાગરિકનો વ્યવહાર થોડોઘણો આધ્યાત્મિક વિકાસ કરી ચૂકેલા ગૃહસ્થોના વ્યવહારથી સર્વથા ભિન્ન હશે. જેમ મેં પહેલાં કહ્યું છે કે ગૃહસ્થ જો નાગરિક બની ગયો તો આનુવંશિક પારિવારિક સીમાઓથી પર થઈને તેનો વિકાસ થશે. આ વિકાસ દર્શાવનારનું નવું નામ છે ‘પ્રબુદ્ધ નાગરિક’. બીજા પ્રકારની આવી વ્યક્તિઓ દેશવાસીઓને પોતાના ભાઈ-ભાંડુ ગણશે. હું એમનો પોતાનો છું, તેઓ મારા પોતાના છે, એમની થાપણ મારા હાથમાં સુરક્ષિત છે. હું મારા કુટુંબના લોકો કે જાતભાઈઓની તરફદારી કરવા માટે પોતાના પદ કે અધિકારનો દુરુપયોગ નહિ કરું. ગૃહસ્થના નાતે નોકરીની શોધમાં રહેનારના સંબંધે કે નોકરને નાતે હું આ પદ પર નથી; નાગરિકના સંબંધે રાષ્ટ્ર પ્રત્યે પોતાનું કર્તવ્ય નિભાવવા માટે રાષ્ટ્ર વતી મને આ પદ પર બેસાડ્યો છે. હું કોઈ ધંધાદારી માણસ નથી, પરંતુ નાગરિક છું અને આ કામ કરવા માટે નિમાયો છું. આ કામ પૂરું કરવામાં હું ગૌરવનો અનુભવ કરું છું, એને હું મારું પોતાનું સૌભાગ્ય માનું છું અને એનાથી હું પ્રસન્ન છું. આ જ દૃષ્ટિકોણથી પ્રબુદ્ધ નાગરિકતાની સતત જાગૃતિ ઝળકી ઊઠે છે. આવી પ્રબુદ્ધ નાગરિકતાથી જ ન્યાય સંગત પ્રગતિશીલ સામાજિક વ્યવસ્થા ઉદ્‌ભવે છે. આ પ્રબુદ્ધ નાગરિકતાને બદલે કેવળ સામાન્ય વયસ્ક નાગરિકતા હોય તો ક્યારેય ન્યાયસંગત સામાજિક વ્યવસ્થા સંભવ ન બને. રાષ્ટ્રિય વિકાસના લક્ષ્યની પ્રાપ્તિ માટે કોઈ શાંત સ્થિર અને સતત ગતિ પણ નહિ હોય. ત્યાં જેમ પહેલાં બતાવ્યું તેમ માત્ર ડગુમગુ પગની ચાલ હશે અને રાષ્ટ્રિય લક્ષ્ય સંબંધે માત્ર શાબ્દિક શોરબકોર જ હશે.

પ્રબુદ્ધ નાગરિકતાનો આ પહેલો આયામ છે. તે માનવીના ઊર્ધ્વમુખી વિકાસના અને સમાજને માટે તદનુરૂપ સમતલ પર તેના યોગદાનનો સંકેત બનશે; આનુવંશિક સીમિત સ્વાર્થથી પૃથકતા અને વિશાળ વ્યક્તિત્વના વિકાસનું દ્યોતક બનશે. માનવમાં, એના અસ્તિત્વમાં, એના દૃષ્ટિકોણમાં, એના કાર્યમાં અને પરસ્પરના વૈયક્તિક સંપર્કમાં આ બધાં ક્ષેત્રોમાં આને લીધે કેવું અનોખું પરિવર્તન આવશે! ગીતાના યોગનું પ્રતિસ્થાપન આનાથી થાય છે. એટલે આધ્યાત્મિક વિકાસ એ આ પરિવર્તનનું નામ છે. માનવમાં આધ્યાત્મિક અનુભૂતિ માટેનું આ પહેલું કદમ છે. વીસમી સદીના જીવવિજ્ઞાનની પદાવલીમાં બુદ્ધિપૂર્વક ‘માનસિક, સામાજિક વિકાસ’ને અનંત પથ પર આગળ વધવાનું પ્રથમ સોપાન છે.

પ્રત્યેક ગૃહસ્થ કે ગૃહપતિ પોતાના પરિવારના લાલનપાલન કરવા માટે તેમજ જીવનનો આનંદ લેવા માટે ધન રળવા ઇચ્છે છે અને એને માટે કઠોર પરિશ્રમ કરે છે. પરંતુ પોતાના હિતને ભૂલ્યા વિના શું તે દેશની ભલાઈ માટે કઠોર પરિશ્રમ કરી શકશે? આજ દિવસ સુધી આ સવાલનો જવાબ દેશમાંથી ‘નહિ’ જ મળ્યો છે. આ ખરેખર નિરાશાજનક વાત છે. એનાથી આ દેશ સ્વતંત્રતાના હર્ષોન્માદ અને ભાવાવેશને સ્થાયી રાષ્ટ્રિય ઉત્સાહ અને સંઘર્ષ તથા વિકાસની નક્કર ઉપલબ્ધિઓમાં પરિણત ન કરી શક્યો. સ્વતંત્ર ભારતનો આવો એક અનુભવ રહ્યો છે કે કોઈ નિજી ઉદ્યોગ હશે તો વ્યક્તિ સક્રિય અને ઉત્સાહી રહેશે, પરંતુ એ જ જ્યારે સાર્વજનિક કે વિશાળ જન-સમુદાયના કલ્યાણ માટેનો ઉદ્યોગ બનશે તો વ્યક્તિનો ઉત્સાહ મંદ થઈ જશે, ઠંડો પડી જશે અને એમાં એને નહિવત્‌ રસરુચિ રહેશે. ભારતમાં સાર્વજનિક (સર્વનો) ઉદ્યમ કોઈનો ઉદ્યમ નહિ બને. સાર્વજનિક ઈમારત કોઈની ઈમારત નહિ રહે. સાર્વજનિક નળ કોઈનો નળ નહિ રહે. આપણે જાણી સમજીને આ બધાંની ઉપેક્ષા કરીએ છીએ એવી વાત નથી. એનો એટલો જ અર્થ થાય છે કે આપણામાં નાગરિકતાની જાગૃતિ અને એમાંથી નીકળતી સામાજિક જવાબદારીની ભાવના નથી. સદીઓથી ગીતાપાઠ કરવા છતાં કેવી રીતે લોકો આ સંદેશને સમજી ન શક્યા, એ આ ઊણપ કે ખામીથી જાણી શકાય છે. સાર્વજનિક ઈમારતો, ઊર્જા ઉત્પાદક સાધન કે ઉપકરણ, રાજ્ય પરિવહનનાં વાહન અને આવી જ રાષ્ટ્રની બીજી સંપત્તિઓની દેખભાળ ખૂબ જ ભૂંડી દશામાં છે. સરકારી નળ ખૂલા પડ્યા રહે છે, પાણી નકામું વહી જાય છે, હું એને માટે શું કામ હેરાન થાઉં? આવું જ જો આપણા પોતાના ઘરમાં થશે તો હું તરત જ નળ બંધ કરી દેવાનો. પાણીનું મીટર ઝડપથી ચાલતું રહે એમ હું ઇચ્છતો નથી. આપણા ઊર્જા-ઉત્પાદનના સંયંત્રોની ઉત્પાદન ક્ષમતાના પ્રમાણમાં ઊર્જાનું ઉત્પાદન નહિવત્‌ છે. મોટા ભાગના તો બગડેલી હાલતમાં રહે છે. એની મરામત સંભાળ પણ સાવ હલકી કક્ષાની છે. જો કે આ યંત્ર-સાધનો ઘણાં મોંઘાં છે; આ બધું એટલા માટે છે કે આપણે ભલે એન્જિનિયર હોઈએ, કારીગર હોઈએ, અધ્યાપક હોઈએ, ધંધા રોજગારવાળા હોઈએ; પણ આપણે કેવળ ‘ગૃહસ્થ’ છીએ, ‘નાગરિક’ નથી.

આપણે પહેલો બોધપાઠ તો એ શીખવાનો છે કે આપણે સૌ પ્રથમ તો નાગરિક છીએ અને બાકીનું બીજું બધું એ હૈસિયતનું પરિણામ છે. આપણે નર્યા માનવ, વૈયક્તિક માનવ હતા. દેશના હિતનો એમાં કોઈ વિચાર ન હતો; એટલે આપણી રાજનૈતિક સ્વતંત્રતા ચાલી ગઈ અને સદીઓ સુધી ગુલામીમાં સબડતા રહ્યા. રાષ્ટ્રના સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન આપણા આ અત્યંત સંકુચિત અને નુકશાનદાયી ખતરનાક દૃષ્ટિકોણથી દૂર થયા અને આપણું રાષ્ટ્ર સ્વતંત્ર થયું. જો આપણે આ સ્વતંત્રતા જાળવી રાખવી હોય તો, એને લાખો કરોડો દેશવાસીઓના કલ્યાણના કાર્યમાં લાવવી હોય તો આપણે સ્વતંત્ર દેશના સ્વતંત્ર અને પ્રબુદ્ધ નાગરિકોનો દૃષ્ટિકોણ અને વલણ ફરીથી અપનાવવાં પડશે. આપણે ભારતને પ્રથમ સ્થાન અપાવવું છે અને પોતાને તેના અભિન્ન અંગના રૂપે ઓળખવાનું ફરીથી શીખવું પડશે. હું જો મારી જાતને એનાથી અલગ કરી લઉં તો તેનું પણ નુકશાન થશે અને મારુંય નુકશાન થવાનું. બહુપ્રચલિત વાક્યમાં કહેવું હોય તો ‘જો ભારત જીવે તો કોણ મરે, ભારત મરે તો કોણ જીવે?’ આ સૂત્રમાં સાચી નાગરિકતા, પ્રબુદ્ધ નાગરિકતાનો ભાવ છે. આપણો આ દેશ જીવિત રહે, ઉન્નતિ કરે; તે સ્વસ્થ રહે, સશક્ત રહે; તેની વિપુલ જનસંખ્યા માનવીય સ્તરે ઉપર ઊઠે. લોકો ગમે તે કામધંધો અપનાવે, આ બધા કામધંધાના મૂળમાં આ સતત નાગરિક જાગૃતિ સક્રિય રહે. રસ્તાઓ, સાર્વજનિક ઈમારતો, બાગબગીચા, બધું સાફસુંદર રહે, કોઈ એને ગંદાં ન કરે, આ દિશામાં નાગરિક સદૈવ જાગ્રત રહેશે.

અપ્રબુદ્ધ નાગરિકની રીતભાત

હું ૧૯૫૦માં આપણા રાષ્ટ્રની આ રાજધાનીમાં રહેતો હતો. એ સમયે તરુણો અને શિક્ષિતોમાં આ નગરની સફાઈ પ્રત્યેની લાપરવાહી જોઈને હું ચકિત થયો. આવી વસ્તુઓ જોઈને હું ખૂબ ઉશ્કેરાઈ જાઉં છું. હું એક ગામડામાં જન્મ્યો છું. પરંતુ ગામડાના શિક્ષણથી જ નાગરિકતાની આ જાગૃતિ ત્યારથી મારા મનમાં ઉદ્‌ભવી હતી. એના દ્વારા મને શિક્ષણ મળ્યું કે મારે આખા ગામના કલ્યાણની કાળજી લેવી જોઈએ અને રાષ્ટ્રના કલ્યાણની કાળજી પણ લેવી જોઈએ. બાળપણથી જ તળાવને ગંદુ કરવાના કે સાર્વજનિક ઈમારતોને બગાડવાની વાત હું વિચારી પણ ન શકતો. ગામમાં જ રહેતાં રહેતાં જ્યારે સ્વામી વિવેકાનંદના સાહિત્યથી મારો પરિચય થયો અને એના કેટલાય ભાગ વાંચી ગયો ત્યારે આ જાગૃતિની આગનો ભડકો મારી અંદર જાગી ઊઠ્યો.

એક વાર દિલ્હીમાં દરિયાગંજના માર્ગે હું મોટર કારમાં જઈ રહ્યો હતો. મેં મારી કારમાંથી જોયું તો બીજી કારમાં ભણેલાં-ગણેલાં સ્ત્રીપુરુષો કેળાં ખાઈને તેની છાલ હસતાં હસતાં રસ્તાની બંને બાજુએ ફેંકતાં હતાં. તેઓ ભૂલ કરી રહ્યાં હતાં એ બાબત પર એમનું ધ્યાન આકર્ષિત કરવાના ઇરાદાથી હું એનો પીછો કરતો રહ્યો, પરંતુ કંઈ ફાયદો ન થયો; રસ્તા પર ગાડીઓની ભીડ જામી હતી.

આપણા દેશ સિવાય દુનિયાના કોઈ પણ સ્વતંત્ર સભ્ય રાષ્ટ્રમાં શિક્ષિત યુવપેઢી આવું કામ કરે એની કોઈ કલ્પના પણ કરી શકે છે ખરો? આપણા પોતાના મકાનમાં આવું નથી કરતા, કારણે મકાન આપણું છે. પરંતુ પડોશીના મકાનની સામે કૂડોકચરો ફેંકતી વખતે આપણને કંઈ ખટકતું નથી. આવાં કામ કરતી વખતે આપણો દૃષ્ટિકોણ આવો હશે: ‘સારું મારું, નઠારું તારું’, ‘પહેલાં હું અંતે તું, ક્યારેય તું નહિ!’ નાગરિકનો દૃષ્ટિકોણ આનાથી બિલકુલ ઊલટો જ હશે. સ્વતંત્ર ભારતના સુયોગ્ય નાગરિક કહેવડાવતાં પહેલાં આપણે આપણા દેશવાસીઓના દૃષ્ટિકોણમાં આમૂલ પરિવર્તન લાવવું પડશે. સદીઓ સુધી આપણે ‘અહં’ કેન્દ્રિત રહ્યા. આપણે સદૈવ પ્રાર્થના કરતા હતા: હે પ્રભુ અમને આ આપો, તે આપો. પ્રત્યેક માનવ સ્વર્ગ પહોંચવા માટે આતુર હતો. બીજાની શી દશા થશે એની કોઈને પડી ન હતી. આપણાં મંદિરોમાં દર્શન માટે આપણે બીજાઓને પાછળ ધકેલીને આગળ વધીએ છીએ. ‘પ્રભુનાં દર્શન’ માટે બીજાને કોણી મારવા માટે પણ તૈયાર રહીએ છીએ. વ્યક્તિ ગમે તેટલી ધર્મપરાયણ હોય પણ તે સૌથી વધુ કોણી મારવાનો અને હરોળ તોડવાનો. એનું કારણ એ છે કે તે પોતાને ભગવાનની વધારે નજીક માનતો હશે. આવા લોકોમાં આવો વિચાર જ નહિ આવે કે ભગવાનને આપણે વધુ પ્યારા છીએ તો છેલ્લે રહેવું મને પસંદ છે. આ ગતિશીલ આધ્યાત્મિકતા છે. જ્યારે પહેલી નિમ્નકક્ષાની ધર્મપરાયણતાથી આવૃત્ત દુનિયાદારી છે. મેં પ્રાચીન ગ્રંથોમાં ક્યાંક વાંચ્યું હતું. એ પુસ્તકનું નામ યાદ નથી આવતું. એક ધર્મપરાયણ ગૃહસ્થ પ્રભુને પ્રાર્થના કરે છે: ‘ભગવાન મને દીકરો દેજે અને પાડોશીને ત્યાં દીકરી!’ આ છે આપણી ઘણા લાંબા સમયથી ચાલી આવતી ધર્મ પરાયણતાથી આવૃત્ત દુનિયાદારી અને એને આપણે ભૂલથી ધર્મ માની બેઠા છીએ! આ દૃષ્ટિકોણ બદલ્યા વિના આપણે આધુનિક રાજનૈતિક દબાવને પરિણામે એક સ્વતંત્ર લોકશાહી રાષ્ટ્રના નાગરિકની હૈસિયતમાં ફેંરવાઈ ગયા છીએ. નાગરિકતાની શાલીનતા અને ધૈર્યયુક્ત ગુણો વિના મળેલી આવી નાગરિકતા કેવળ ‘નામની જ નાગરિકતા’ બની રહેશે.

આ પ્રસંગે હું આપને દિલ્હીમાં બનેલી અનેક ઘટનાઓમાંથી એક ઘટના અત્યારે કહીશ. હું એ વખતે ગોલમાર્કેટના શાંત મોડ રોડ પર ફરવા નીકળતો. એક દિવસ મેં એક ચોકમાં માટીનાં વાસણોના ટુકડા વિખરાયેલા જોયા. પાસે જ રંગીન પ્રવાહીના છાંટણાં હતાં. મારી સમજમાં એ વાત ન આવી કે આખરે આ તમાશો છે શું? મેં નજીકમાં જઈ રહેલા એક માણસને પૂછ્યું. તેણે મને આખી ઘટનાની વાત સંભળાવી. પાડોશીના મકાનમાં કોઈ ભૂતનો વાસ હતો. એમણે ભૂવાને બોલાવ્યો. થોડા મંત્રો બોલ્યા પછી ભૂવાએ ‘ભૂતને આ મટકામાં પૂરી દીધું’. હવે આ મટકું ક્યાં ફેંકવું એનો પ્રશ્ન ઊભો થયો. ઘરની નજીક ફેંકવામાં આવે તો એ ભૂત ફરીથી પાછો ઘરમાં ઘૂસી આવવાનો અંદેશો હતો. આવો મકાનમાલિકનો વિચાર હતો. બધા લોકો ભણેલગણેલ અને બુદ્ધિશાળી હતા, કેન્દ્રના સચિવાલયમાં નોકરી કરતા હતા. એટલે એમણે ઘણી બુદ્ધિમત્તા સાથે નિર્ણય લીધો : જાહેર ચોકમાં જ મટકું ફોડવામાં આવે, કારણ કે કેટલાય લોકો અહીંથી આવજા કરે છે એટલે આ ભૂત કોઈ એક ઘરમાં ઘૂસી જાય તો આપણે ઘરમાં આરામથી રહી શકીએ.

આવા અનેક ક્ષુદ્ર અને હીન દૃષ્ટિકોણની સાથે આપણને ઉત્તરાધિકારમાં મળ્યો એક ગજબનો દૃષ્ટિકોણ. એમાં કેટલાક ઉચ્ચ અને સારા દૃષ્ટિકોણ પણ છે, પરંતુ આ પાછલો દૃષ્ટિકોણ પ્રગટ ન થઈ શક્યો, એની અભિવ્યક્તિને અવસર જ ન મળ્યો. આ બધામાં નાગરિક ક્યાં છે? નાગરિક હિંમતથી કહે ‘ભૂત મારા પર સવાર છે તો સારું’. આ હિંમત, ઉદાત્તતા ગૃહસ્થમાંથી નાગરિક બનવાના આધ્યાત્મિક વિકાસમાં આવે છે. આ વિકાસમાં એ બધાં ભૂતોને પચાવી લેવાની તાકાત છે. બધી જાતના ડર અને સર્વ પ્રકારના સામાજિક વિષને દૂર કરવાની શક્તિ એમાં છે. એ આધ્યાત્મિક વિકાસવાળા દૃષ્ટિકોણમાં આપણે માનવમાં સદા અવ્યક્ત રૂપે રહેલા શિવની શક્તિનો આવિર્ભાવ જોઈએ છીએ. પુરાણોની સમુદ્રમંથનની સુપ્રસિદ્ધ વાર્તામાં માનવતા પ્રત્યેના પ્રેમને કારણે શિવે વિશ્વવિનાશક હલાહલનું પાન કર્યું હતું અને એને પચાવી પણ દીધું હતું; એવા શિવનું સ્મરણ થઈ આવે છે. આ નવી શક્તિ માનવ માટે પ્રેમની શક્તિનો સંદેશ છે. જેમાં ભયને કોઈ સ્થાન કે ભયની કોઈ સત્તા નથી. એકલા રહેતી વખતે વાઘ પીછો કરે તો મા ભાગી જાય છે. એ જ પોતાના બાળક સાથે રહેતી હોય ત્યારે બાળક અને વાઘની વચ્ચે હિંમતથી ઊભી થઈ જાય છે અને બાળકને વાઘના મોંમાંથી બચાવી લે છે. ‘પ્રેમમાં ભય નથી’ આ સ્વામી વિવેકાનંદનું પ્રસિદ્ધ સૂત્ર છે.

Total Views: 190

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.