આધુનિક પાશ્ચાત્ય રાષ્ટ્રમાં લોકશાહીનો વિકાસ

ગ્રીસવાસીઓએ જે વિચાર્યું હતું, જે કંઈ ઉપલબ્ધ કર્યું હતું, જે જ્ઞાન અને વિવેકને વિકસિત કર્યાં હતાં, એ બધાં રોમ સામ્રાજ્યના માધ્યમ દ્વારા આધુનિક પાશ્ચાત્ય સંસ્કૃતિનું અંગ બની ગયાં. આ નવી સંસ્કૃતિમાં શિષ્ટ એવી ગ્રીસની સંસ્કૃતિ ફરીથી ઝળકવા લાગી. એમાં ક્રમિક સામાજિક, રાજનૈતિક વિકાસથી પુષ્ટ બનેલ રાજનૈતિક પ્રજાતંત્ર, સ્વતંત્ર નાગરિકતા વગેરે સામેલ હતાં. વીલ ડ્યૂરાં Story of Civilization ‘સંસ્કૃતિની વાર્તા’ (The Life of Greece, ગ્રીસનું જીવન, ભૂમિકા, પૃ.૭)માં કહે છે: ‘યાંત્રિકીકરણ સિવાય આપણી સંસ્કૃતિમાં આપણે ગ્રીસમાંથી અપનાવ્યો ન હોય એવો એક પણ લૌકિક અંશ નથી.’

પરંતુ યુરોપનાં રાષ્ટ્રો ઘણાં મોટાં હતાં, એમના નાગરિકો દૂરસુદૂર વસેલા અને વિસ્તરેલા હતા. એટલા માટે એ વાત સ્વાભાવિક હતી કે રાજનીતિ અને શાસન સભાઓમાં બધા નાગરિકો પ્રત્યક્ષ રૂપે ભાગ લઈ શકતા ન હતા. એટલે પાશ્ચાત્ય દેશોમાં પ્રતિનિધિઓ દ્વારા સરકાર ચલાવવાની એક પ્રથા પડી. પ્રત્યેક પ્રતિનિધિ સભામાં દરેક વિસ્તારના એકાદબે નિવાસીઓને પ્રતિનિધિ રૂપે ચૂંટીને મોકલી દેતા હતા. આ વિકાસમાં ગ્રીસના પ્રજાતંત્રને એક નવી દિશા સાંપડી, પરંતુ સ્વતંત્ર નાગરિકની કલ્પના પ્રજાતંત્રની આધારશિલા બની રહી. યુરોપવાસીઓને સાર્વભૌમ નાગરિકતા તથા શાસન, કરનિર્ધારણ અને સરકાર પર નિયંત્રણ રાખવા માટે કેટલાય રાજનૈતિક સંઘર્ષ કરવા પડ્યા, કેટલાય ગૃહયુદ્ધ લડવા પડ્યા અને કેટલીયે ક્રાંતિઓ સર્જવી પડી. ૧૩મી સદીમાં ઈંગ્લેન્ડમાં ‘પ્રતિનિધિત્વ વિના કરનિર્ધારણ નહિ, શાસનનિર્માણ નહિ’નો નારો ગુંજી ઊઠ્યો. વ્યક્તિગત અને રાજનૈતિક સ્વાધીનતાનો પ્રસિદ્ધ આજ્ઞાપત્ર (Magna Carta)ની ઘોષણા થઈ. યુરોપના બધાં રાષ્ટ્રોમાં એના પડઘા સંભળાયા. પછીની સદીઓમાં અમેરિકામાં પણ સ્વતંત્રતાના આંદોલન માટે એના દ્વારા પ્રેરણા મળી.

આ રીતે એથેન્સના પ્રજાતંત્રથી આધુનિક પ્રજાતંત્ર કે લોકશાહીનો વિકાસ થયો. ધારો કે કોઈ રાષ્ટ્રમાં નાગરિકોની સંખ્યા વધુ છે તો નાગરિક પોતાના વિશ્વાસુ વ્યક્તિ કે વ્યક્તિઓને પોતાની જવાબદારી સોંપે છે. એનાથી ચૂંટણીના કે પસંદગીના વિધાનનો આરંભ થયો. સાથે ને સાથે રાજનૈતિક પક્ષ કે સમુહ અસ્તિત્વમાં આવ્યા.  પ્રત્યેક પક્ષને પોતાનું કોઈ રાજનૈતિક હીત, ધ્યેય કે આદર્શ હોય છે. જ્યારે નાગરિકોનો સમુહ કોઈ વ્યક્તિને પોતાની જવાબદારી સોંપે છે તો તે વ્યક્તિ એ સમુદાયનો પ્રતિનિધિ બની જાય છે. બ્રિટનના સુપ્રસિદ્ધ વક્તા એડમંડ બર્કે પ્રતિનિધિ (Delegate) અને પ્રતિનિધિ સભ્ય (Representative) વચ્ચે ભેદ બતાવ્યો. ચોક્કસ ક્ષેત્ર વિશેષના નિવાસીઓનો હિતરક્ષક પ્રતિનિધિ બને છે અને એ એમને પ્રવક્તા (mouth piece) બને છે. પરંતુ પ્રતિનિધિસદસ્ય કોઈ વિશેષ ક્ષેત્રના નિવાસીઓના જ હિતેચ્છુ નથી પરંતુ તે સમગ્ર રાષ્ટ્રનો પ્રવક્તા રહે છે, સંસદ કે શાસન સભામાં, લોકશાહીમાં પ્રતિનિધિસભ્યનું આ સ્થાન છે. આ ઘણી સુંદરમજાની કલ્પના છે.

નાગરિક સાર્વભૌમિક અને શાસિત પણ – બંને સાથે સાથે

નાગરિકની સ્વતંત્રતાની આધારશીલા પર આવી રીતે આધુનિક લોકશાહીનો વિકાસ રચાયો છે. આ સ્વતંત્રતા કાનૂની કાર્યવાહી વિના છીનવી ન શકાય. આ કાનૂન બનાવવામાં નાગરિકોનો પણ હિસ્સો હોય છે. આધુનિક લોકશાહી રાષ્ટ્રમાં પ્રત્યેક પુખ્યવયની વ્યક્તિ સ્વતંત્ર નાગરિક છે; બીજાની સાથે મળીને તે સંસદ માટે પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે. સંસદ કાયદાઓ ઘડે છે, એ કાયદાઓનું પાલન નાગરિકે કરવું પડે છે. એને એ કાયદાઓમાં પરિવર્તન લાવવાનો કે એને બદલવાનો અધિકાર છે. એનું સમર્થન પ્રાપ્ત કરીને સરકાર ટકી રહે છે. સમર્થન પાછું લઈ લેવામાં આવે તો સરકારનું પતન થઈ શકે છે.

આ રીતે લોકશાહીમાં નાગરિક સાર્વભૌમ અને શાસિત બંને સાથે સાથે હોય છે. સાર્વભૌમના સંબંધે તે કાયદાઓ બનાવે છે, શાસિતના સંબંધે તે કાયદાઓનું પાલન કરે છે. નાગરિક, સંસદ અને સરકાર આ ત્રણેય વચ્ચે સતત આદાનપ્રદાન થતું રહે છે; પરંતુ સિદ્ધાંત રૂપે લોકશાહી રાષ્ટ્રનો અંતિમ અધિકાર નાગરિકોના હાથમાં હોય છે. આ સિદ્ધાંતના પ્રયોગ પ્રમાણે લોકશાહી રાષ્ટ્રની તંદુરસ્તી કે નાદુરસ્તી માપી શકાય છે. પ્રયોગની સફળતા કેટલાય અંશો પર નિર્ભર છે, જેમ કે શિક્ષિત અને જાગરુક મતદાતા, રાજનૈતિક સદાચાર અને વિવેકનું ઉચ્ચધોરણ નાગરિકોમાં વ્યાપક આર્થિક અસમાનતાનો અભાવ, સંસ્કૃતિ અને શાલીનતાનું ઉર્ધ્વતર ધોરણ અને દેશવાસીઓમાં માનવીય સદ્‌ભાવના અને અનુકંપા વગેરે. વિશ્વનાં બધાં લોકશાહી રાષ્ટ્રોમાં આ જ આદર્શ આદર્શ રૂપે રહેલો છે. આપણી લોકશાહી તો આ આદર્શથી વધુ નિમ્નગામી બની ગઈ છે. 

સમ્રાટ વિરુદ્ધ સાર્વભૌમ

આવી બધી ખામીઓ હોવા છતાં લોકશાહી સર્વોત્તમ રાજનૈતિક વ્યવસ્થા ગણાય છે. એને ક્રમશ: ઊંચે લઈ જવા માટે સતત પ્રયાસ કરવા આવશ્યક છે. ઈંગ્લેન્ડ તથા કેટલાંક રાષ્ટ્રોમાં એક પ્રકારની લોકશાહી પ્રણાલી છે. ત્યાં રાજા કે રાણી સમ્રાટના પ્રતીક રૂપે છે, પરંતુ પ્રભુસત્તા નાગરિકોમાં જ રહેલી છે. આ સીમિત રાજાશાહી-રાજન્યતંત્ર કહેવાય છે. જ્યાં આવાં વિશેષ સાર્વભૌમ કેન્દ્રો નથી ત્યાંના રાજતંત્રને ગણતંત્ર ગણવામાં આવે છે. બંને પરિસ્થિતિઓમાં અંતિમ અધિકાર તો નાગરિકોના હાથમાં રહે છે. આ વાત અનિયંત્રિત રાજાશાહી કે અધિનાયક વાદમાં હોતી નથી. અહીં બધા અધિકાર રાજા, રાણી કે અધિનાયકમાં જ કેન્દ્રિત રહે છે. એક વ્યક્તિમાં કેન્દ્રિત એવા અનિયંત્રિત અધિકારોની વિરુદ્ધ પ્રજા વિદ્રોહ કરતી આવી છે, લડાઈઓ પણ લડી લીધી છે; રાજાઓ, સમ્રાટો અને સરમુખત્યારોને ગાદીએથી ઊતારી મૂક્યા છે અને પોતાને જ સાર્વભૌમ ઘોષિત કરી ચૂકી છે. ઈ.સ.૧૭૭૬માં અમેરિકાએ ઈંગ્લેન્ડના પ્રભુત્વથી પોતાને મુક્ત કરી લીધું. આટલા દૂરસુદૂર રહેલ સંસ્થાનવાદી દંભી રાષ્ટ્રની વિરુદ્ધ ઘનઘોર યુદ્ધ કર્યાં અને અંતે પોતાને ગણતંત્ર – લોકશાહી રાષ્ટ્ર જાહેર કર્યું. એમણે સમ્રાટને તો દૂર કરી દીધા, પરંતુ સાર્વભૌમનો સિદ્ધાંત છોડ્યો નહિ. એણે સુદૂર રહેલા રાજાના સાર્વભૌમત્વને છીનવી લીધું અને સંયુક્ત રાજ્ય અમેરિકાના લોકો, કરોડો નિવાસીઓને સાર્વભૌમ બનાવી દીધા. 

લોકશાહીમાં નાગરિક સ્વતંત્ર છે, સાર્વભૌમ છે. ઈંગ્લેન્ડ અને અમેરિકા ઉપરાંત ફ્રાંસ, યુરોપના બીજાં રાષ્ટ્રો, કેન્દ્રિય અને દક્ષિણ અમેરિકાના બીજાં રાષ્ટ્રો, એશિયા અને આફ્રિકાના કેટલાંય રાષ્ટ્રોમાં આવાં પરિવર્તનો આવી ચૂક્યાં છે. હાલમાં સ્પેન અને પોર્ટુગલ જેવા યુરોપના સરમુખત્યાર શાહીવાળા રાષ્ટ્રોમાં પણ આ પરિવર્તન થવા લાગ્યાં છે. 

આધુનિક ભારતમાં લોકશાહીનો પ્રયોગ

૧૫૦ વર્ષના પશ્ચિમના ઇતિહાસ, સાહિત્ય અને સંસ્થાઓના અધ્યયનના પરિણામે ભારતમાં પણ  પાશ્ચાત્ય રાજનીતિની આ વ્યવસ્થા પોતાના મૂળિયાં જમાવી રહી છે. આપણા મહાન નેતાઓ જેમાં સ્વામી વિવેકાનંદ જેવા આધ્યાત્મિક પથપ્રદર્શક નેતા પણ સામેલ છે, આપણા દેશમાં પશ્ચિમની આ વ્યવસ્થાનું સ્વાગત કરી ચૂક્યા છે. તેઓ એને આપણા રાષ્ટ્રના સુદીર્ઘ ઇતિહાસમાં એક નવા અધ્યાય, એક આધુનિક અધ્યાયનો આરંભ માને છે. એટલે જ્યારે ઈ.સ. ૧૯૪૭માં આપણને રાજનૈતિક સ્વાતંત્ર્ય મળ્યું ત્યારે આ વિશાળ દેશ માટે જે બંધારણ બનાવવામાં આવ્યું અને એને સ્વીકારવામાં આવ્યું, એમાં ભારતને સાર્વભૌમ પ્રજાતંત્ર કે લોકશાહી રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું છે. ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ પ્રથમ પ્રજાસત્તાક દિવસના શુભ અવસરે ભારતવાસી જે બ્રિટિશ સામ્રાજ્યની પ્રજાના નામે ઓળખાતા હતા, તેઓ ‘પ્રજા’ ન રહેતા, ભારતના સાર્વભૌમ પ્રજાતંત્ર-લોકશાહીના ‘નાગરિક’ બની ગયા. એના દ્વારા આપણે ઈંગ્લેન્ડના રાજામાં કેન્દ્રિત થયેલા સાર્વભૌમ થયેલા અધિકાર છીનવી લીધા પરંતુ સાર્વભૌમત્વ બની રહેવાનું સ્વીકાર્યું. આપણા સંવિધાને ભારતના લાખો કરોડો નાગરિકોને સાર્વભૌમ ઘોષિત કર્યા.

૧૯૫૦ થી ભારતવાસીઓ સાર્વભૌમ પ્રજાતંત્રવાળા લોકશાહી રાજ્યમાં સાર્વભૌમ સ્વતંત્ર નાગરિકનું ગૌરવ પ્રાપ્ત કરી શક્યા. ત્યારથી ભારતમાં આપણે પ્રાચીન અને આધુનિક પાશ્ચાત્ય પ્રયોગોને મોટા પાયે, નવી રીતે, જીવિત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ નૂતન પ્રયોગથી નવા અનુભવ પ્રાપ્ત કરી રહ્યા છીએ. એને રાષ્ટ્રવ્યાપી રાજનૈતિક પ્રજાતંત્રના ઢાળામાં ઢાળી રહ્યા છીએ. એને અહીંના વિભિન્ન માનવકુળો અને જટિલ સામાજિક પરંપરાઓના તથા એક ઉપખંડ જેટલા વિશાળ તેમજ હજારો વર્ષની પ્રાચીન સાંસ્કૃતિક પ્રણાલીઓની સાથે જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ગ્રીસના નાનાં નાનાં રાજ્યોના નેતાઓ આ વિશાળ અને વ્યાપક પ્રયોગને જોતાં જ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. સ્વતંત્રતા પછી જે કેટલાક રાજ્ય સ્તરની ચૂંટણીઓ થઈ એનાથી દેશવાસીઓને લોકશાહી પ્રજાતંત્રની રાજનૈતિક કેળવણી મળી છે. આવી કેળવણી આપણા દેશના આટલા સુદીર્ઘ ઇતિહાસમાં આ પહેલાં ક્યારેય મળી ન હતી. બંધારણ ભારતવાસીઓને સાર્વભૌમ અને સ્વતંત્ર ગણે છે, અહીં કોઈ ગુલામ નથી, કોઈ નાગરિકતાની સીમાથી બહાર નથી. સમગ્ર ભારતવાસીઓની એક સ્વતંત્ર પ્રજાતંત્ર રાષ્ટ્રના નાગરિકોમાં ગણતરી થાય છે. આ કેવી અનોખી કલ્પના છે અને કેવો અસાધારણ અનુભવ છે!

ગુલામીમાંથી સ્વતંત્રતા, પ્રજામાંથી નાગરિકતામાં આવેલું પરિવર્તન કેટલું મહાન છે. પરંતુ દુર્ભાગ્ય એ છે કે આપણે એનું મહત્ત્વ નથી સમજ્યા, એના આશયને પણ આપણે પ્રશંસી શક્યા નથી. આપણે નાગરિકતાની આ કલ્પના અને મૂલ્યના સૌંદર્ય તેમજ તેની શક્તિને આત્મસાત્‌ કરવાનો કોઈ પ્રબળ પુરુષાર્થ કર્યો નથી. આ બાબતમાં આપણે ચૂકી ગયા છીએ. ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦ના પ્રજાસત્તાક દિનના પ્રથમ ધ્વજારોહણના આંદોલનના શોરબકોર બાદ આપણે દિનપ્રતિદિન એ બધું ભૂલી ગયા. આપણે સ્વતંત્ર પ્રજાતંત્રના નાગરિક  છીએ એનો અર્થ શું છે? અને આ ગૌરવને લાયક બનવા તેમજ પોતાના નવા લોકશાહી રાષ્ટ્રને શક્તિશાળી બનાવવા માટે આપણામાં આપણી રીતિ નીતિમાં તેમજ આપણા આચરણમાં મારે (એક નાગરિક તરીકે) કયાં કયાં પરિવર્તનો લાવવાં જોઈએ? એ સવાલ પર કોઈએ ગહનતાથી વિચાર ન કર્યો. બે-ચાર દિવસના કોલાહલ પછી સ્વતંત્રતાનો બધો ઉન્માદ ધીમે ધીમે ઠંડો પડી ગયો. સ્વતંત્ર નાગરિક બનવાની ચેતના, આધુનિક યુગના ઇતિહાસમાં તેનું મહત્ત્વ વગેરે વાતો આ દેશના ગણ્યાંગાઠ્યા વાસીઓ સુધી સીમિત રહી ગઈ. આ આપણા રાષ્ટ્રનું દુર્ભાગ્ય છે. એક બાજુએ ત્રણ દશકામાં સ્કૂલ-કોલેજોમાં શિક્ષિત બુદ્ધિમાનો નાગરિકતાનો અર્થ સમજી ગયા હોય, એને પચાવી ચૂક્યા હોત તો કેટલી બધી રાજનૈતિક અને આર્થિક શક્તિ, કેટલું બધું માનવ સંશાધન બળ, કેટલી બધી સર્વતોમુખી રાષ્ટ્રિય પ્રગતિ આજ દિવસ સુધીમાં થઈ ચૂક્યાં હોત. એટલા માટે ભારત માટે જ સાચી રીતે આપણે ‘પ્રબુદ્ધ નાગરિકતા’ની નવી પદાવલિને કામે લગાડવી પડશે. રાજનૈતિક વયસ્ક નાગરિકતા અને પ્રબુદ્ધ નાગરિકતાની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવો પડશે.

ભારતમાં આ વિષય આપણા સૌ માટે ઘણો મહત્ત્વનો છે. એક બાજુએ ત્રીસ વર્ષોમાં આપણે સમસ્યાઓનો એક મહાન પર્વત ઊભો કરતા આવ્યા છીએ હરેક વર્ષ અમારા માટે એ બધું માથાના દુ:ખાવા જેવું બની રહ્યું છે. આવું એટલા માટે થયું કે પ્રજાતાંત્રિક નાગરિકતામાં રહેલ સાર્વભૌમ સ્વતંત્રતાનો અર્થ અને એનું મહત્ત્વ આપણા લોકો અને એમાંય વિશેષ કરીને શિક્ષિત લોકો સમજી ન શક્યા. ગ્રીસ, રોમ અને આધુનિક પાશ્ચાત્ય રાષ્ટ્રોના નિવાસીઓનો અનુભવ આપણને બતાવે છે કે એ લોકોએ આ ચેતનાને વિકસિત કરી. આવો વિકાસ આપણે ત્યાં ન થયો. ઉપર્યુક્ત દેશોમાં પ્રત્યેક વ્યક્તિ જાણે છે કે નાગરિકતા એટલે આસપાસના માનવો પ્રત્યે પોતાના વ્યવહારમાં કેટલાંક પરિવર્તનો અનિવાર્ય છે, સમાજ પ્રત્યે જવાબદારીનું ભાન થવું જોઈએ. રાષ્ટ્રની જવાબદારીઓનો અનુભવ કરવો જોઈએ, સ્વઅનુશાસનમાં વૃદ્ધિ કરવી જોઈએ અને કાયદાનું પાલન આવશ્યક ગણવું જોઈએ.

નાગરિક : સ્વતંત્રતા અને ફરજોનું કેન્દ્ર

આપણી પ્રવૃત્તિઓમાં એવું કોઈ વ્યાયક પરિવર્તન આવી શક્યું નથી. આપણે રાજનૈતિક સ્વતંત્રતા પ્રાપ્ત કરી પણ એનાથી નાગરિકતા સાંપડતી નથી. નાગરિક બનવા માટેનું બીજું અનિવાર્ય તત્ત્વ છે કર્તવ્ય કે ફરજ. આ તત્ત્વ વિના સ્વતંત્રતા પોતે વિઘાતક બની જશે. પશ્ચિમમાં લોકો સ્વતંત્ર છે, એમનામાં વ્યક્તિત્વનો વિકાસ છે, વ્યક્તિની ગૌરવગરિમા પણ છે. સાથે ને સાથે એમનામાં સામાજિક કર્તવ્ય કે જવાબદારી પણ છે. એ બંને એકીસાથે રહેવાથી જ, બંનેના પરસ્પરના સુમેળથી જ સાચી નાગરિકતા, પ્રબુદ્ધ નાગરિકતા સંભવ બને છે. આપણે સ્વતંત્ર તો થયા, સ્વતંત્રતાને કારણે આપણે નાગરિક પણ બન્યા, આ કેવળ સિદ્ધાંતની વાત થઈ. પરંતુ આ સ્વતંત્રતાથી આપણને કોઈ બળશક્તિ ન મળ્યાં, ઊલટાનું આપણું પ્રજાતંત્ર એને લીધે દુર્બળ બન્યું છે, કારણ કે એણે આપણને કર્તવ્યભાનથી સુદૃઢ અને સંપન્ન થવા ન દીધા. આ જ કારણે ચોતરફ મનમાની ચાલે છે; અનુશાસનહીનતા છે, કાયદાઓનું ઉલ્લંઘન કરવાની ખૂલી છૂટ છે. ભારતના નાગરિકોની આ આચરણહીનતાને લીધે રાષ્ટ્ર દુર્બળ બન્યું છે અને રાજનીતિ દુષિત થઈ છે. આપણા દેશની વસતી પણ કંઈ ઓછી નથી. અહીંના લોકોની બુદ્ધિમત્તા પણ ક્ષીણ નથી. અહીં શિક્ષણનો નિયમિત અને વ્યાપક પ્રસાર પણ કંઈ કમ નથી, છતાં પણ દેશની દશા દયનીય છે. આપણે આપણી પોતાની સ્વતંત્રતામાં નાગરિકતાની આ બીજી મહત્ત્વપૂર્ણ વિશેષતા ફરજ ભાવની ભાવનાનો ભાવ આપણામાં ભરવાનો છે. આ કાર્ય પ્રાથમિક કક્ષાથી જ સતત શિક્ષણના પ્રસારમાં આવશ્યક સુધારણા સાથે થવો જરૂરી છે.

આપણો એ અનુભવ નથી કે આ રાષ્ટ્ર, લોકશાહી રાષ્ટ્ર પ્રધાનમંત્રી અને એમના અન્ય સહયોગી મંત્રીઓના ખભા પર નથી. પરંતુ આપણા સૌ નાગરિકોના ખભા પર એ ટકી રહ્યું છે. આપણું સ્થાન એક પ્રજાનું છે અને બધી રાજનૈતિક જવાબદારીઓ રાજા કે મહારાજાની છે; એ પરંપરામાં આપણે ઉછર્યા છીએ અને એમાં આપણે માનતા આવ્યા છીએ. ‘પ્રજા’નો અર્થ છે સંતાન; સંતાન હોવાથી આપણી કોઈ જવાબદારી નથી. જવાબદારીઓ ઉપાડનારા આપણા અભિભાવકો તો છે જ. શિક્ષિત હોવા છતાં પણ, આજે આપણે નાગરિક હોવા છતાં પણ, આપણા માથા પર રાજા કે મહારાજા ન હોવા છતાં પણ આપણામાંથી મોટા ભાગના લોકો આ પ્રજાચેતનાથી પીડાય છે. બાળકની જેમ હંમેશાં બીજાના મોં પર નજર નાખતા રહીએ છીએ. કર્તવ્ય ભાવના કે જવાબદારીનું ભાન માનવ વિકાસનું, માનસિક પરિપક્વતાનો સંકેત છે. નાગરિકતાની પ્રવૃત્તિમાં મુખરતા નથી, એમાં હાવી બનવાની શક્તિ કે ક્ષમતા નથી, કારણ કે એમાં વિકાસ નથી, પરિપક્વતા નથી.

ભારતીય પરંપરામાં ગૃહસ્થનું સ્થાન

આ વિકાસ કેવી રીતે થાય? આના પર વિચાર કરવો પડશે. વિષય ઘણો વ્યાપક છે. આ તો સંતોષ્ઠી છે અને બીજા વક્તાઓ પણ વિષયના અન્યાન્ય વિષયાંગો પર બોલવાના છે. આ વિષય સાથે સંબંધ બે-એક વિષયાંગોની ચર્ચા સુધી હું મારી જાતને સીમિત રાખીશ. વિષય વિવેચનની દૃષ્ટિએ એ વધારે પ્રાસંગિક પણ છે.

નાગરિક બનવામાં માનવ વિકાસનો સહજક્રમ કયો છે? આ વિશે વિકાસના બે આયામોની ચર્ચા આવશ્યક છે. સમાજમાં માનવનું સ્થાન પહેલું છે. સમાજમાં અલગ અલગ સમુહોનો અરસપરસનો સંબંધ એ બીજું છે. જ્યાં સુધી માનવને સંબંધ છે ત્યાં સુધી એ સ્પષ્ટ છે કે સામાજિક કર્તવ્યભાનની સાથે જ માનવમાં ઉલ્લેખનીય પરિવર્તન આવે છે. વ્યક્તિગત રીતે માનવ એ જાણી લે કે હું કેવળ આદમી નથી, લીબનિટ્‌ઝના દર્શનની પદાવલિ પ્રમાણે ‘Window-less monad’ – ‘બારીવિહોણો એકાકી’ પણ નથી. આપણે સૌ એક બીજા સાથે સમાજમાં આદાન-પ્રદાન કરીએ છીએ, સમાજમાં અને બીજા માનવીઓ સાથે સંપર્ક પણ રાખીએ છીએ. સ્વસ્થ વાતાવરણમાં થયેલ આવાં આદાન-પ્રદાનથી આદમી ‘વ્યક્તિ’ બને છે. ‘આદમી’ આદમીના નાતે સ્વતંત્રતાનું કેન્દ્ર છે; પરંતુ ‘વ્યક્તિ’ સ્વતંત્રતા અને કર્તવ્યભાનનું કેન્દ્ર છે. 

પ્રત્યેકમાં આવો વિકાસ થવો જોઈએ. એને હું માનવીના આધ્યાત્મિક પ્રકાશનું બીજું ચરણ માનું છું. પહેલું ચરણ છે ઇન્સાનિયત. માનવ જ ઇન્સાનિયતનું મૂલ્ય જાણે છે. પ્રકૃતિની સમગ્ર સચેતન સત્તામાં માનવ પાસે જ આ આત્મચેતના રહેલી છે, પ્રાણીઓને આ આત્મચેતનાનું જ્ઞાન થતું નથી. પ્રાણી કેવળ અનાત્માનો અનુભવ કરે છે. માનવમાં પણ આ આત્મચેતના બાળકના બે કે અઢી વર્ષના થયા પછી સ્ફૂરે છે. નવજાત શિશુમાં ન તો ‘અહં’ છે કે ન આત્મચેતના. આત્મચેતનાના કેન્દ્રના આવિર્ભાવ સાથે જ બાળકમાં અપાર શક્તિસ્રોતનો નવો અનુભવ જાગ્રત થાય છે અને એમાં આદમી હોવાનો ભાવ પુષ્ટ બને છે; આદમીની અનન્યતાનું જ્ઞાન થાય છે. અનન્યતાના આ જ્ઞાનને આગળ વધારવું એ એની પહેલી કેળવણી છે. સ્વતંત્રતાની ભાવનાથી આ કેળવણી સફળ બને છે. પરંતુ એનામાં અત્યાર સુધી કર્તવ્યભાન નથી. બીજા ચરણની કેળવણીમાં માનવની સ્વતંત્રતા, વ્યક્તિની સ્વતંત્રતા અને કર્તવ્યભાવના વિકસિત બને છે.

હજારો વર્ષથી અલગ અલગ પ્રસંગોમાં સંસ્કૃતનો એક શબ્દ પ્રચલિત છે. આપણે આ પ્રસંગે એ શબ્દનો વિશિષ્ટ આશય જાણવો છે. એ શબ્દ છે : ‘ગૃહસ્થ’. પુત્ર તથા કન્યા શિક્ષણ મેળવવા માટે ગુરુને ત્યાં જાય છે. ત્યાં બાર વર્ષ સુધી બ્રહ્મચારી કે બ્રહ્મચારિણીનું જીવન જીવ્યા પછી શિક્ષણ પૂરું કરીને તેઓ ઘરે પાછા ફરે છે. લગ્ન થાય છે, અને ગૃહસ્થ બની જાય છે. આપણો આદર્શ કે વિચાર સદૈવ એવો રહ્યો છે કે ‘ગૃહસ્થ’ જ સમાજ અને રાષ્ટ્રની સંરચના કરે છે; પરંતુ ‘ગૃહસ્થ’ની આ કલ્પના થોડી સંકુચિત છે. આધુનિક સંદર્ભમાં એના દ્વારા નાગરિકનો વિકાસ જાણવા માટે ગૃહસ્થ શબ્દને ફરીથી નવી પરિભાષાની જરૂર છે.

‘ગૃહસ્થ’ની કલ્પના આનુવંશિકતાથી નિર્ધારિત થતી કલ્પના છે. પતિ-પત્ની, બાળ-બચ્ચાં અને કેટલાંક સગાંસંબંધી, આ જ ‘ગૃહસ્થ’ની દુનિયા છે. આનુવંશિકતાથી સંબદ્ધ આદમી સાથે રહે, મળીને કામ કરે, જીવનનો ઉપભોગ કરે, પરસ્પર ભાવ રાખે, એકબીજા પર નિર્ભર રહે અને એક બીજાને સહાયતા પણ કરે. ‘ગૃહસ્થ’ ગૃહમાં, ઘરમાં કેન્દ્રિત છે. સ્ત્રી કે પુરુષ ગૃહસ્થ છે, ગૃહ કે ઘર એમને માટે છે. ‘ગૃહ’માં ‘ગૃહિણી’ હોય છે. ઘરની શોભા એ જ છે, તે જ ઘરને સંભાળે છે. પતિ ઘરનું બહારનું કામ કરે છે. આપણી સંસ્કૃતિમાં ‘ગૃહસ્થ’ ગૃહિણી અને ગૃહનું સ્થાન ઘણું ઊંચું છે. ગૃહિણીનું ગૌરવ આપણી સંસ્કૃતિમાં આદર અને મમતાને કારણે વધ્યું છે. મહાભારતમાં ભીષ્મ પિતામહ ‘ગૃહિણી’નું ગુણગાન કરે છે. ભારતીય સંસ્કૃતિના બીજા ગ્રંથોમાં પણ એની સાથે મળતા આવતા ઉદ્‌ગાર જોવા મળે છે. ‘ઘર એટલે ઈંટ, પથ્થર, માટી, ચૂના વગેરેથી બનેલું માળખું નહિ; પરંતુ ગૃહિણીથી ઘર બને છે. ગૃહિણી વિના ઘર મારી દૃષ્ટિએ સૂનું છે : 

ન ગૃહં ગૃહમિત્યાહુ: ગૃહિણી ગૃહમુચ્યતે ।
ગૃહં તુ ગૃહિણીહીનમ્‌ અરણ્યસદૃશં મતમ્‌ ॥

પરસ્પર પ્રેમ, આદર, સેવા, પરિવારમાં એકબીજાની વચ્ચે મમતાથી પ્રેરિત મધુર સંબંધ, સ્વચ્છતા, પવિત્રતાથી સ્વર્ગીય, ઘરે પધારેલા અતિથિઓની સેવા અને સન્માન, નૈતિક ગુણોનો વિકાસ વગેરે લક્ષણોથી શોભિત ભારતીય ગૃહ, ગૃહિણી, ગૃહસ્થ સદીઓથી માનવીય ઉદાત્ત અને મહાન આદર્શોનું પ્રતીક રહ્યાં છે. રામાયણ, મહાભારત, ધર્મશાસ્ત્ર, પુરાણ તથા બીજા આકર ગ્રંથોમાં, બૌદ્ધ અને જૈન તથા શીખ સાહિત્યમાં પણ આ ‘ગૃહસ્થ’ભાવ તથા આદર્શ તન્મયતાથી વર્ણવાયા છે. આપણે કહી શકીએ કે ભારતવાસીઓ એ સ્વસ્થ સમાજના સ્વસ્થ એકમ અને આધારશીલાના રૂપે ઘર અને પરિવારની શ્રેષ્ઠતાના ગુણગાન ગાયાં છે.

ગૃહસ્થે નાગરિકતામાં વિકસવું જોઈએ

‘ગૃહસ્થ’ની કલ્પના અને ‘ગૃહસ્થ’ના આદર્શનું ઘણું માન છે. દેશનો ઇતિહાસ આજે ઔદ્યોગિકીકરણ અને ભૌતિકવાદની લપેટમાં આવી ગયો છે. સમકાલીન પ્રતિકૂળ પ્રવૃત્તિઓ એનો નાશ કરવા લાગી છે. આવી દશામાં આપણે વિવેક સાથે એ આદર્શને સુરક્ષિત રાખવો પડશે. એનું પોષણ કરવું પડશે. એમાં સફળ થવા માટે આપણે બે કાર્ય કરવાના છે. પહેલું કામ છે – સદીઓ પુરાણી સંસ્કૃતિનાં સનાતન આધ્યાત્મિક મૂલ્યોને નિષ્ઠા સાથે સુરક્ષિત રાખવાં અને બીજું છે – આ ‘ગૃહસ્થ’ની કલ્પના અને આદર્શને વ્યાપક અને વિસ્તૃત બનાવતો જોવો કે જેથી તે ક્રાંતિકારી પરિવર્તન સમકાલીન સામાજિક રાજનૈતિક પરિસ્થિતિઓ અને પડકારોનો બહુ સારી રીતે સામનો કરી શકે.

આ કઈ દિશામાં બને? પરિવારની આનુવંશિક સીમાથી પર ગુણસંપન્ન ગૃહસ્થે નાગરિકની વ્યાપક સામાજિક જાગરૂકતા યુક્ત બનવું એ જ આ દિશા છે. ‘ગૃહસ્થ’ પરિવારમાં જ સંસારની સમસ્યાઓમાં સક્રિય રુચિ લે તો પરિવારથી બહાર સમાજ અને રાષ્ટ્રના વિસ્તૃત અને વ્યાપક વ્યાપારમાં એનાં રસરુચિ નહિવત્‌ હતાં. સમાજ અને રાષ્ટ્ર સાથે એનો જીવનનિર્વાહ પૂરતો જ સંબંધ હતો.  સાંસ્કૃતિક અને ધાર્મિક પર્વ કે તહેવારોમાં ભાગ લેવા અને એમાં પ્રેરિત બનવા સુધીનો એ સંબંધ હતો તેમ જ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે ઉદાર ચરિત સદ્‌ભાવ પૂરતો  એ સંબંધ સીમિત હતો. આજે વિસ્તૃત સમાજ અને રાષ્ટ્રના ક્ષેત્ર પ્રત્યે ગૃહસ્થે નવો દૃષ્ટિકોણ અપનાવવો રહેશે અને વિસ્તૃત જગતના કલ્યાણમાં, એના ઉત્કર્ષમાં સક્રિય ભાગ ભજવવો પડશે. જ્યારે તે આવું કરશે ત્યારે તે પરિવારની આનુવંશી સીમાથી બહાર નીકળશે તથા તેમાં આધ્યાત્મિક વિકાસ પણ આવશે. આપણા વેદાંતદર્શનના પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો આ જ આધુનિક નાગરિકતાની કલ્પના અને એનો આદર્શ છે. આજ સુધી જેને ‘ગૃહસ્થ’ માનતા આવ્યા છીએ તે જ જ્યારે નાગરિક બનશે ત્યારે પરિવારના આનુવંશી વર્તુળમાંથી બહાર નીકળીને એ નાગરિકનું નવું નામ હશે ‘પ્રબુદ્ધ નાગરિક’. આ વિકાસ કેવળ ભૌતિક કે બૌદ્ધિક નથી, એ એક આધ્યાત્મિક વિકાસ બનશે. પ્રેમ, પરસ્પર ભાવ, સેવા, વગેરે જે આજ સુધી પરિવારના આનુવંશી લોકો સુધી જ સીમિત હતું તે એ વર્તુળની સીમા તોડીને રાષ્ટ્રનાં લાખો કરોડો લોકો સુધી ફેલાઈ જશે. આ રીતે ‘ગૃહસ્થ’ પ્રબુદ્ધ નાગરિકના રૂપે વિકસશે. પારિવારિક જવાબદારી લુપ્ત નહિ થાય એટલે આ કોઈ વિસ્થાપન ‘Displacement’ નથી, વિકાસ છે – ઉન્નતિ છે, વિશ્વને પોતાનું માનવાનું છે, ગૃહસ્થના સુંદર મજાના આદર્શને વધુ સમૃદ્ધ, ઉદાત્ત અને સુંદરતર બનાવવાનો છે.

Total Views: 166

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.