ઘણાખરા ઠાકુરને પ્રણામ કરે છે. ઠાકુર વચ્ચેવચ્ચે કહે છે કે ઈશ્વરને પ્રણામ કરો. પાછા કહે છે કે ઈશ્વર જ બધું થઈ રહેલ છે, પણ કોઈ કોઈ સ્થળે વધુ પ્રકાશ, જેમકે સાધુમાં. જો એમ કહો કે પણ દુષ્ટ લોકોય છે, વાઘ સિંહેય છે, એય ઈશ્વર ને? તો એનો ઉત્તર એ કે એ ખરું, પણ એથી કાંઈ વાઘ-નારાયણને ભેટી પડવાની જરૂર નહિ, દૂરથી જ પ્રણામ કરીને ચાલ્યા જવાનું. વળી જુઓ જળ. કહે છે કે આપ: નારાયણ : જળ એ નારાયણ-સ્વરૂપ છે. પણ કોઈક જળ પીવાય, કોઈક જળ પૂજામાં ચાલે, કોઈક જળ નાહવા માટે જ, તો વળી કોઈક જળ માત્ર હાથપગ ધોવામાં જ વપરાય.

પાડોશી- મહારાજ, વેદાન્ત-મત શું કહે છે?

શ્રીરામકૃષ્ણ – વેદાન્તવાદીઓ કહે ‘સોહમ્‌’, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, ‘હું’ યે મિથ્યા, કેવળ એ પરબ્રહ્મ જ છે.

‘પરંતુ ‘હું’ પણું તો જતું નથી, એટલે હું પ્રભુનો દાસ, હું પ્રભુનું સંતાન, હું પ્રભુનો ભક્ત, એવું અભિમાન સારું.

‘કલિયુગમાં ભક્તિ-યોગ જ સારો. ભક્તિ વડે ય પ્રભુને પામી શકાય. દેહ-ભાન હોય એટલે વિષય-ભાન હોય જ. રુપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ એ બધા વિષયો. વિષય-ભાન જવું બહુ જ કઠણ, વિષય-ભાન હોય ત્યાં સુધી ‘સોહમ્‌’ થાય નહિ.

‘ત્યાગીઓમાં વિષય-બુદ્ધિ ઓછી હોય, પણ સંસારીઓને બધો વખત વ્યવહારના વિષયોનું ચિંતન કરવું પડે, એટલે સંસારીને માટે ‘દાસોહમ્‌’.

પાડોશી – અમે તો પાપી રહ્યા, અમારું શું થશે?

શ્રીરામકૃષ્ણ- પ્રભુનાં નામ-ગુણોનું કીર્તન કરવાથી દેહનાં સર્વ પાપ નાસી જાય. દેહરૂપી વૃક્ષમાં પાપરૂપી પંખીઓ છે. ઈશ્વરનાં નામ, ગુણ-કીર્તન જાણે કે તાળી પાડવી. તાળી પાડવાથી જેમ ઝાડ ઉપરનાં પંખીઓ બધાં ઊડી જાય, તેમ પાપો બધાં પ્રભુનાં નામ, ગુણ-કીર્તનથી ચાલ્યાં જાય.

‘વળી જુઓ, ખેતરમાંની તળાવડીનું પાણી સૂર્યના તાપથી એની મેળે સુકાઈ જાય. તેમ પ્રભુનાં નામ, ગુણ-કીર્તનથી પાપ-તળાવડીનું પાણી એની મેળે સુકાઈ જાય. 

‘રોજ પ્રયાસ કરવો જોઈએ. સર્કસમાં જોઈ આવ્યો કે ઘોડા દોડ્યે જાય છે, તેના ઉપર છોકરી એક પગે ઊભી છે! કેટલા પ્રયાસે એ થયું હશે!

‘અને પ્રભુનાં દર્શન માટે ઓછામાં ઓછું રોજ એક વાર તો સાચા હ્યદયથી રડો.’

‘આ બે ઉપાય : અભ્યાસ અને અનુરાગ, એટલે કે ઈશ્વર-દર્શનની આતુરતા.

(‘શ્રીરામકૃષ્ણ કથામૃત – સંચયન’ પૃ.૧૬૮-૬૯)

Total Views: 134

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.