(૧૭મી શતાબ્દીના સંત, કાર્મેલાઈટ ઓર્ડરના બ્રધર લૉરેન્સનું જીવન દૈનન્દિન કાર્યોની વચ્ચે ઈશ્વરનું સતત સાંનિધ્ય મેળવવા ઈચ્છતા ભક્તો માટે અત્યંત પ્રેરણાદાયી છે. તેમના ઉપદેશો તથા પત્રોનું સંકલન ‘The Practice of the Presence of God’ નામના સુપ્રસિદ્ધ પુસ્તકમાં પ્રકાશિત થયું છે. તેના થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.)
આપણે પ્રભુ સાથે સતત સંભાષણ કરીને પ્રભુના સાંનિધ્યની ભાવનામાં આપણી જાતને પ્રસ્થાપિત કરવી જોઈએ. નજીવી અને મૂર્ખાઈ ભરેલી બાબતો પર વિચાર કરીને આ સંભાષણનો ત્યાગ ક૨વો એ શરમજનક છે.
આપણે આપણા આત્માને પ્રભુ વિષેના ઊંચા ખ્યાલથી ભરી દેવો જોઈએ, અને પોષવો જોઈએ. પ્રભુની સેવાથી આપણને મહાન આનંદ થશે.
આપણે આપણી શ્રદ્ધા વધારે જીવંત, વધારે ઝડપી બનાવવી જોઈએ. આપણી પાસે બહુ જ થોડો સમય છે. અને માણસો શ્રદ્ધાને જીવનના નિયમ તરીકે સ્વીકારવાનું છોડીને હ૨રોજ બદલાતી નજીવી ભક્તિમાં આનંદ માને એ શોચનીય છે. શ્રદ્ધાનો માર્ગ જ સાધુસંઘનું મૂળતત્ત્વ છે. અને ઉચ્ચ કક્ષાની પૂર્ણતાને પ્રાપ્ત કરાવી શકે એટલું એ સમર્થ છે.
આપણે આપણી જાતને – દુન્યવી તેમજ આધ્યાત્મિક – બન્ને બાબતોમાં, પ્રભુને સમર્પી દેવી જોઈએ. એની ઈચ્છાને પૂર્ણ કરવામાં જ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી ભલે પ્રભુ આપણને દુઃખ આપે કે દિલાસો. કારણ કે જે સાચી રીતે દુનિયાથી નિવૃત્ત થયો હશે એને મન બધું સરખું જ હશે. નીરસ કે અચેતનાના ગાળાઓમાં કે પ્રાર્થના વખતે આવતા કંટાળાઓમાં – જે વખતે પ્રભુ આપણી કસોટી કરી લેતો હોય છે – ત્યારે વફાદારીની જરૂર પડે છે. આ કાળે જ આપણે ત્યાગનાં કર્મો પૂરાં કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘણી વખત તો આવા કાળે જ આધ્યાત્મિક પ્રગતિ ઘણી બધી ઉન્નત કરી શકાતી હોય છે.
ઈશ્વરપ્રાપ્તિ માટે આવશ્યક એવી આવી સમાધાનવૃત્તિ પ્રાપ્ત કરવા માટે આપણે આપણી વાસનાઓને ખૂબ જ કાળજીપૂર્વક તપાસવી જોઈએ. આવી વાસનાઓ જેવી રીતે હલકા સ્વભાવમાં સરળતાથી, સ્વાભાવિક રીતે ભળી જતી હોય છે, તેવી જ રીતે આધ્યાત્મિક બાબતોમાં પણ ભળી જતી હોય છે. જેઓ ખરેખર પ્રભુને સેવવા માગતા હોય તેમને પ્રભુ આવી આસક્તિઓ વિષે પ્રકાશ આપે છે જ.
આપણે પ્રભુ સાથે ખૂબ સરળતાથી વર્તવું જોઈએ. એની સાથે નિખાલસતાથી અને સ્પષ્ટ રીતે બોલવું જોઈએ; અને જેમ જેમ કાર્ય બનતાં આવે તેમ તેમ એની મદદની યાચના કરવી જોઈએ.
આપણે સમાજનાં કાર્યો અને સંકલ્પશક્તિનાં કાર્યો વચ્ચે સ્પષ્ટ ભેદ પાડવો જોઈએ. આમાંના પ્રથમનું (સમાજનું કાર્ય) મૂલ્ય સાપેક્ષ દૃષ્ટિએ ઓછું છે, જ્યારે બીજાનું બધું જ. આપણું કાર્ય એક જ રહેવું જોઈએ. પ્રભુને ચાહવાનું અને એમાંજ આનંદ લેવાનું.
આપણે પ્રભુમાં શ્રદ્ધા રાખી એને માન આપીએ છીએ અને એ દ્વારા એની મહાન કૃપાને આપણે આપણા તરફ આકર્ષીએ છીએ.
પ્રભુ આપણને છેતરે એ અશક્ય છે, એટલું જ નહીં પણ જે આત્મા એને સંપૂર્ણ શરણે જાય છે અને એને ખાત૨ જ બધું સહન કરવા નિશ્ચય કરે છે, તેને એ લાંબો વખત દુઃખમાં પણ રહેવા દેતો નથી.
ઘણી વ્યક્તિઓ ખ્રિસ્તી માર્ગમાં આગળ વધી શકતી નથી હોતી કારણ કે એ લોકો તપ અથવા અમુક આચરણને જ ચોંટી રહેતાં હોય છે અને પ્રભુના પ્રેમનો – આખરે તો એ જ એમનું ધ્યેય હોય છે – અનાદર કર્યે જતાં હોય છે. એમનાં કાર્યો પરથી આ સ્પષ્ટ વર્તાઈ આવે છે અને એ કારણે જ આપણે બહુ ઓછા નક્કર સદ્ગુણો જોઈએ છીએ.
પ્રભુ-પ્રાપ્તિ માટે કળા કે વિજ્ઞાન – કોઈની જરૂર નથી પણ પ્રભુ અથવા પ્રભુને ખાતર જ પ્રયત્ન ક૨વાના અને પ્રભુને જ ચાહવાના અડગ નિશ્ચયવાળું આગ્રહી હૃદય જ જરૂરી છે.
આપણાં કાર્યો બદલવા ઉપર આપણી પવિત્રતાનો આધાર રહેતો નથી; પરંતુ જે કામ આપણે સામાન્ય રીતે આપણી ખાતર જ કરતા હોઈએ તે કાર્યો પ્રભુને ખાતર જ કરવાથી આ પવિત્રતા પ્રાપ્ત થાય છે. ઘણી વ્યક્તિઓ સાધનને જ સાધ્ય તરીકે સ્વીકારી લેવાની ભૂલ કરી બેસે છે. અમુક કામને ચોંટી બેસે છે. અને માનવીય અથવા સ્વાર્થી હેતુને કારણે એ કાર્યો ખૂબ જ અપૂર્ણ રીતે પૂરાં કરે છે, એ ખરેખર શોચનીય છે.
પ્રાર્થનાનો સમય બીજા સમયથી જુદો હોવો જોઈએ, એ માન્યતા એક મોટો ભ્રમ છે. જેમ પ્રાર્થના સમયે આપણે પ્રભુને સમગ્ર શક્તિથી યાદ કરીએ છીએ તેવી જ રીતે કાર્યો કરતી વખતે પણ આપણે પ્રભુને અનુસરવું જોઈએ. એ આપણી ફરજ બની રહે છે.
અને પ્રાર્થના એટલે પ્રભુના સામીપ્ય સિવાય બીજું શું છે? પ્રાર્થીનો આત્મા, બીજી બધી વસ્તુઓ ભૂલી જઈને પ્રભુના પ્રેમ ઉપર જ એકાગ્ર થતો હોય છે. આથી પ્રાર્થનાનો નિયત સમય પસાર થઈ જાય તો પણ એને કોઈ તફાવત માલૂમ પડતો નથી. કારણ કે એ તો સતત, પોતાની બધી શક્તિથી, પ્રભુની સ્તુતિ કરવામાં નિમગ્ન રહેતો હોય છે. એનું આખું જીવન સતત આનંદમાં વ્યતીત થતું હોય છે. છતાં એને એવી આશા તો રહે છે જ કે પ્રભુ એને થોડું સહન કરવાનું આપે કે જેથી એ વધારે શક્તિશાળી બને.
આપણે હંમેશને માટે આપણી બધી શ્રદ્ધા પ્રભુમાં મૂકી દેવી જોઈએ અને આપણી જાતનું સંપૂર્ણ સમર્પણ કરી દેવું જોઈએ. આપણે એટલી તો ખાતરી રાખવી જોઈએ કે પ્રભુ આપણને કદી દગો નહીં દે.
પ્રભુના પ્રેમને ખાતર નાની-નાની વસ્તુઓ કરતાં આપણે કદી થાકવું ન જોઈએ. પ્રભુ આપણા કાર્યની મહત્તા જોતો નથી પણ આપણે કેટલા પ્રેમથી એ બજાવીએ છીએ એ જ જુએ છે. શરૂમાં આપણે આપણા પ્રયત્નોમાં વારે વારે નિષ્ફળ નીવડીએ તો આપણે વિસ્મય પામવું ન જોઈએ. છેવટે આપણને એવી આદત પડી જશે કે જેથી આપણી ચિંતા વિના આપણાં કાર્યો સ્વાભાવિક રીતે જ પાર પડશે અને એથી આપણને ખૂબ આનંદ થશે.
જે શ્રદ્ધા રાખે છે તેમને માટે બધું જ શક્ય છે; જેઓ આશા રાખે છે તેને માટે ઓછું મુશ્કેલ છે; જેઓ ચાહે છે તેને માટે તો એ વધારે સરળ છે; પણ જે વ્યક્તિ આ ત્રણે સદ્ગુણોના આચરણમાં ખંતથી વળગી રહે છે તેને માટે તે એથીય વધુ સરળ બની રહે છે.
આ જીવનમાં – અને અનંત જીવનમાં પણ- આપણો એકમાત્ર હેતુ તો આપણી સમગ્ર શક્તિથી બની શકે એટલી સંપૂર્ણ રીતે, પ્રભુના ભક્ત થઈ રહેવાનો છે. કાર્ય માટેનો સમય મારે મન પ્રાર્થનાના સમય કરતાં ભિન્ન નથી; મારા રસોડાના અવાજ અને ખણખણાટમાં, ઘણી બધી વ્યક્તિઓ એકી સાથે વિવિધ વસ્તુઓ માગતી હોય ત્યારે પણ પવિત્ર ધર્મસંસ્કાર વખતે જેટલી ચિત્તશાંતિ રાખું તેટલી જ શાંતિ મને લાગે છે.
(પ્રૉ. મગનભાઈ દેસાઈ દ્વારા અનૂદિત અને જી.ટી.એસ. બુક સ્ટોર્સ, આણંદ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘પ્રભુમય જીવન’માંથી સાભાર ગૃહીત)
Your Content Goes Here




