હૃદયની કોઈ ભાષા ન હોય
લાગણીને કોઈ વાચા ન હોય
આંખો કહેવા ધારે કશુંક
ને આંસુઓના ખુલાસા ન હોય
સ્ફૂટ-અસ્ફૂટ બે શબ્દ જો હોય
ઊર્મિના ઊંડાણમાંથી
ત્યારે પ્રભુ,
હું તને ચાહું છું અંતરના ઊંડાણમાંથી
મારા અંતર-સ્તરના પ્રદેશમાં
અગાધ પ્રેમની કોઈ વ્યાખ્યા નથી
કિન્તુ હું માનું છું
તારા અસ્તિત્વથી તે પર નથી
આ એક તુક્કો પણ છે ભલો ને
જડ્યો છે મને
સત્ય-અસત્યના ખેંચાણમાંથી
પ્રભુ, હું તને ચાહું છું અંતરના ઊંડાણમાંથી
તું સૂક્ષ્મ છે છતાં વિરાટ છે!
તું દિસતો નથી. છતાં પ્રકાશ છે!
અનુભૂતે આભાસ છે છતાં તું ખાસ છે!
વિરોધાભાસોની વચ્ચે તું નામે વિશ્વાસ છે
બુદ્ધિએ પ્રમાણિત થતો નથી હવે તું
હૃદયના આ કોઈ પ્રમાણમાંથી
ને…છતાં પ્રભુ,
હું તને ચાહું છું અંતરના ઊંડાણમાંથી
– મહેશચંદ્ર ‘નિસ્તેજ’
Your Content Goes Here





