સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં વેદાંત સોસાયટી ન્યૂયોર્કના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી તથાગતાનંદજી મહારાજના અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

સ્વામી વિવેકાનંદ કહે છે :

‘તમારી આ દેહદૃષ્ટિની પાછળથી કેટલી શક્તિ, કેટલી સિદ્ધિઓ, કેટલાંય બળો હજી પણ ડોકિયાં કરી રહ્યાં છે તેની તમને ખબર છે ? માનવમાં રહેલું બધું કયા વૈજ્ઞાનિકે જાણી લીધું છે ? આ પૃથ્વી પર માનવ પ્રથમ આવ્યો તેને લાખો વરસો થઈ ગયાં છે; છતાં હજી તો તેની શક્તિઓનો માત્ર એક પરમાણુુ ભાગ જેટલો જ હિસ્સો પ્રગટ થયો છે, માટે એમ ન કહો કે તમે દુર્બળ છો. સપાટી પર દેખાતા અધ :પતન તળે શી શી શક્યતાઓ પડેલી છે, તે તમે ક્યાંથી જાણો ? તમે તો તમારામાં જે રહેલું છે તેનો માત્ર થોડોક જ અંશ જાણો છો; તમારી પાછળ તો અનંત શક્તિ અને કલ્યાણનો મહાસાગર પડેલાં છે…

‘હૃદયની પૂર્ણતામાંથી વાણી પ્રગટે છે અને હૃદયની પૂર્ણતામાંથી હાથ પણ કાર્ય કરે છે, તેમાંથી કાર્યશક્તિ આવશે. તમારી જાતને આદર્શથી ભરી દો; તમે જે કંઈ કરો તેના પર પૂરો વિચાર કરો. વિચારની શક્તિથી જ તમારાં સર્વ કાર્યો મોટાં દેખાશે, તેમનું સ્વરૂપ પલટાઈ જશે, તેમનામાં દિવ્યત્વ આવશે. જડ દ્રવ્ય જો શક્તિમાન હોય તો વિચાર સર્વશક્તિમાન છે. આ ભાવના તમારા જીવનમાં ઊતરે એમ કરો; તમારી જાતને તમારા સર્વશક્તિત્ત્વની, તમારી ભવ્યતાની અને તમારા મહિમાની ભાવનાથી ભરપૂર કરી મૂકો.’ (સ્વા. વિ. ગ્રંથમાળા : ૨.૪૪૯)

સ્વામી વિવેકાનંદ (૧૮૬૩ થી ૧૯૦૨) વાસ્તવિક રીતે દિવ્ય ઊર્જાનું મૂર્તિમંત રૂપ હતા. તેમનાં અનેક અંગઉપાંગોવાળાં વિલક્ષણ વ્યક્તિત્વથી તેમને શક્તિનો અવતાર કહી શકાય. સ્વામીજીની અત્યંત ગતિશીલ વ્યક્તિમતાએ જુદાં જુદાં માનવમન પર વિવિધ પ્રભાવ પાડ્યો છે. સામાન્યજને પણ એમને ‘સાયક્લોનિક મંક – વાવાઝોડા સમા સંન્યાસી’, ‘હિન્દુ નેપોલિયન’ અને ‘યોદ્ધા સંન્યાસી’ જેવાં બીજાં અનેક નામે એમને પ્રસંશા અને મંત્રમુગ્ધતા સાથે સંબોધ્યા છે. તેઓ એક જીવંત ડાયનેમો હતા અને એમણે પોતાના પ્રોજ્જવલ વ્યક્તિત્વથી દરેક પર ચોક્કસ પ્રભાવ પાડ્યો છે. તેમણે પોતાની હિમ્મત અને નિર્ભયતાના તેજપૂંજમાંથી સર્વત્ર કિરણો ફેલાવ્યાં છે. એમનું આધ્યાત્મિક ચુંબકત્વ, પ્રબળ આશાવાદ અને તેમનો શક્તિદાયી સંદેશ એમના ‘જીવતા જાગતા દર્શનશાસ્ત્ર’નું શાશ્વત સ્રોત છે. એમના આ દર્શનશાસ્ત્રને ‘આત્માનું પોષક તત્ત્વ’ ગણવામાં આવે છે. અમેરિકામાં વસેલા ડચ ગુરુદાસ મહારાજ જે પાછળથી સ્વામી અતુલાનંદ બન્યા તેમણે એમની આ પ્રથમ છાપની નોંધ આ શબ્દોમાં લીધી છે, ‘એ છાપ એમના પર ઘણી પ્રબળવેગે આવી’ પછી તેઓ આગળ લખે છે :

‘બીજા લોકોથી વિંટળાયેલા એવા એમને મેં પ્લેટફોર્મ પર ઉભેલા થોડી ક્ષણ સુધી જોયા ત્યારે મારા મનમાં આવા વિચારો ઝબકી ઊઠ્યા, ‘કેવા ભવ્ય, કેવું સામર્થ્ય, કેવું પુરુષાતન અને કેવી અજબની વ્યક્તિમતા ! એમની આજુબાજુ ઉભેલા બધા એમની સરખામણીએ મહત્ત્વહીન લાગ્યા. તે વ્યક્તિત્વ મારી સામે લગભગ એક આઘાતની જેમ આવ્યું અને મને તો જાણે કે ચમકાવી દીધો. એવું તે શું હતું કે જેણે સ્વામીજીને આવી વિલક્ષણતા બક્ષી હતી ? શું એ તેમની ઊંચાઈ હતી ? ના, એવું ન હતું એમની આજુબાજુ એમનાથી પણ ઊંચા સજ્જનો હતા. તો પછી શું એમનું દેહબંધારણ એવું હતું ? ના, એમની આજુબાજુ માનવદેહના કેટલાક સુંદર નમૂના રહેલા હતા. બીજી કોઈ પણ બાબત કરતા એમના ચહેરાની અભિવ્યક્તિમાં જ કંઈક વધારે લાગતું હતું. શું એ પવિત્રતા કે નિર્મળતા હતી ? તે શું હતું ? હું એનું વિશ્લેષણ કરી ન શક્યો. મને ‘‘ભગવાન બુદ્ધ – નરોમાં સિંહ’’ વિશે કહેવાયેલી વાત યાદ આવી. મને લાગ્યું કે સ્વામીજી પાસે અસિમ શક્તિ છે કે જેનાથી પોતે ઇચ્છે તો સમગ્ર ધરતી અને સ્વર્ગને હચમચાવી મૂકે. આ જ હતી મારી એમની સૌથી વધારે પ્રબળ અને કાયમી ટકી રહેલી અમીટ છાપ… મેં એમને આ રીતે જોયા તે માટે હું તેમનો ઋણી છું અને એ બે સપ્તાહ દરમિયાન તેઓ મારા પ્રત્યે ઘણા માયાળુ રહ્યા અને આજે પણ જ્યારે હું સ્વામીજીનાં વક્તવ્યોને વાંચું છું અને પુન :વાંચું છું ત્યારે એ અદ્‌ભુત સામર્થ્ય અને પવિત્રતાનું અનોખુ ચિત્ર મારા માનસ પટલ પર તરી આવે છે અને એ છપાયેલી પંક્તિઓમાં કંઈક એવો મહાન જુસ્સો કે આત્મા ધબકી ઊઠે છે કે જે પશ્ચિમના જગતને નવી દૃષ્ટિ આપવા આવ્યો હતો’

Total Views: 421

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.