સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં વેદાંત સોસાયટી ન્યૂયોર્કના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી તથાગતાનંદજી મહારાજના અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.
(આ લેખનો એક અંશ દિપોત્સવી અંકમાં છપાઈ ચૂક્યો છે.)
સ્વામીજીના લખાણોનાં સૌંદર્ય – નજાકતતા અને શક્તિ વાચકના મન પર પણ અજબનું આકર્ષણ જમાવે છે. રોમાંરોલાંએ મદ્રાસમાં પોતાના દેશબાંધવોને ઉદ્દેશેલા સ્વામીજીના શબ્દો આ પ્રમાણે નોંધ્યા છે, ‘હવે પછીનાં ૫૦ વર્ષ સુધી આપણો આ એક જ મુખ્ય સૂર બનવો જોઈએ : આપણી મહાન માતૃભૂમિ ભારત ! એટલા માટે બીજા બધા ફાલતુ દેવોને આપણાં મનમાંથી રજા આપી દઈએ. આ એક જ દેવ, આપણી પોતાની ભારતીય પ્રજા, અત્યારે જાગૃત છે. સર્વત્ર તેના હાથ છે, સર્વત્ર તેના કાન છે; સર્વત્ર એ વ્યાપી રહેલ છે. બીજા બધા દેવો તો સૂઈ ગયા છે. આપણી ચારેબાજુએ રહેલ આ વિરાટ ભગવાનને આપણે ભજીશું નહીં તો વળી બીજા કયા ફાલતુ દેવોની પાછળ દોડ્યા કરીશું ? … બધી પૂજાઓમાં અગ્રપૂજા વિરાટની – જેઓ આપણી ચારે બાજુએ રહેલા છે તેમની કરવાની છે. (ભારતમાં આપેલાં ભાષણો પૃ. ૧૭૨)
રોમાંરોલાં આગળ લખે છે, ‘આ શબ્દોના ઘનગર્જના સમા રણકારની કલ્પના તો કરો !… તોફાન શમી ગયું છે. અહીં તહીં પાણી અને તણખા મેદાનમાં વિખરાયેલાં પડ્યાં છે. આત્માની શક્તિને, માનવમાં સૂતેલા પ્રભુને, એની અસીમ શક્યતાઓ અને શક્તિઓને આવું જબરું આહ્વાન ! હું ચમત્કારિક રીતે મરેલાને પુનર્જીવિત કરતા ઊંચા હાથવાળી ટટ્ટાર ઊભેલ ઈસુ ખ્રિસ્તની આકૃતિની જેમ એમને જોઈ શકું છું.’
‘શું આ મૃતપ્રાય : જાગ્યાં ખરાં ? એમના આ ઝણઝણાવી દેતા શબ્દોએ ભારત વર્ષના આ પયગંબરની આશાઓનો શું ભારતે પ્રતિભાવ આપ્યો ખરો ? શું ભારતભૂમિનો આ ભવ્ય ઉત્સાહ કાર્યોમાં પરિણત થયો ખરો ?… સ્વપ્નની દુનિયામાં દટાયેલી ટેવવાળી, પૂર્વગ્રહોથી ગ્રસિત થયેલ અને સામાન્યમાં સામાન્ય પ્રયત્ન કરવાના બોજાથી પોતાની જાતને નિષ્ફળ થવા દેતી પ્રજાને પળમાં પરિવર્તિત કરવી અશક્ય છે. પરંતુ પોતાના માલિકના આ આડેધડ ફેંકાયેલા શબ્દ કોરડાથી એ ઊંઘમાંથી એણે જાગીને થોડું પડખું ફેરવ્યું અને ભારતની આગેકૂચના, પોતાના દેવના ચૈતન્યના સ્વપ્નની આ મધ્યાવસ્થામાં એક વીરનાદ પ્રથમવાર રણકી ઊઠ્યો. આ પળ તે ક્યારેય વિસરી ન શકી. તે જ દિવસથી જાગૃતિની ઘડી આવી પહોંચી. પેઢીઓ પછી પેઢીઓ આવતી રહી, સ્વામી વિવેકાનંદના મૃત્યુ પછી ત્રણ વર્ષ બાદ તેમણે તિળક અને ગાંધીના મહાન આઝાદી આંદોલનની પૂર્વભૂમિકારૂપે બંગાળની ક્રાંતિ નજરે જોઈ. એક સંગઠિત પ્રજાસમૂહની દૃષ્ટિએ ચોક્કસ સામૂહિક પ્રતિક્રિયા આપતું આ કાર્ય સ્વામીજીએ મદ્રાસમાં પોતાના પ્રજાજનોને આપેલા પ્રારંભિક આઘાત જેવા નાદથી આ સૂતેલો મહારાક્ષસ જાણે કે જાગી ગયો.’
‘આ શક્તિના સંદેશને બે દૃષ્ટિએ અગત્યનો અને મહાન ગણાવી શકાય : એક રાષ્ટ્રીય અને બીજો વૈશ્વિક. અલબત્ત, અદ્વૈતના મહાન સંન્યાસીરૂપે એમનો વૈશ્વિક અર્થ વધારે મહત્ત્વનો છે અને તેના બીજા રાષ્ટ્રીય સંદેશે ભારતનાં અંગે અંગને પુનર્જીવિત કરી દીધાં.’
રોમાંરોલાં સ્વામીજીની વાણી વિશે આ ઉદ્ગારો કાઢે છે : ‘એમની વાણી એટલે ભવ્ય સંગીત; એમની શબ્દાવલિઓમાં બિથોવનની શૈલીનો રણકો છે; અને ભાવોત્કર્ષ જગાવતા એમના વાણીલયમાં હેન્ડેલનાં સમૂહગીતોની પરંપરા પ્રતીત થાય છે. આજથી ત્રીસ વર્ષ પહેલાં ગ્રંથસ્થ થયેલાં એમનાં વચનામૃતોને જ્યારે હું વાંચું છું, ત્યારે વિદ્યુતના આંચકા જેવી ઝણઝણાટી મારા સમગ્રદેહમાં હું અનુભવ્યા વિના રહી શકતો નથી. તો પછી જ્યારે એ નરવીરના સ્વમુખેથી એ જ્વલંત શબ્દો ઉચ્ચારાયા હશે ત્યારે તેણે કેવા આંચકા, કેવા હર્ષોત્કારો પેદા કર્યા હશે !’
સ્વામી વિવેકાનંદ પરના પોતાના વક્તવ્યમાં આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સ્વામીજીને એકમેવ આદર્શ વ્યક્તિ તરીકે વર્ણવ્યા છે અને કિશોરો અને યુવાનોએ તેનું અનુસરણ કરવું જોઈએ એમ કહ્યું હતું. તેમણે કહ્યું છે : ‘ભૂતકાળમાં જેનાં મૂળિયાં રહેલાં છે અને ભારતના અમરવારસાનું જેમને પૂર્ણ ગૌરવ છે એવા સ્વામી વિવેકાનંદ જીવનની સમસ્યાઓના અભિગમમાં આધુનિકતમ હતા અને તેઓ ભારતના ભૂતકાળ અને ભાવિના સેતુરૂપ હતા… તેઓ પોતાના વિશે અને પોતાનાં જીવનકાર્ય વિશે ચોક્કસ હતા. સાથે ને સાથે ભારતને આગળ ધપાવવાની લાગણી અને ઊર્જાશક્તિમાં પૂરેપૂરા ક્રિયાશીલ હતા… સ્વામી વિવેકાનંદ કચડાયેલા અને પતિત હિંદુમનવાળા લોકો માટે એક પોષકતત્ત્વ બનીને આવ્યા અને એમણે તેમને સ્વાવલંબન પણ આપ્યું… એટલે સ્વામીજીએ જે કંઈ લખ્યું છે અને કહ્યું છે તે આપણા સૌના હિતની વાત છે અને એ હિતની વાત બનવી જ જોઈએ. એટલું જ નહીં આવનારા દીર્ઘકાળ સુધી તે આપણા પર પ્રભાવ પાડતું રહેશે.’
સ્વામી વિવેકાનંદનો દેહબાંધો તાકાતવાન હતો. તેઓ તંદુરસ્ત, બળવાન હતા, તેઓ સદૈવ નિર્ભય રહ્યા. અને એક વીરનાયક જેવું વલણ જાળવી રાખ્યું. ગરીબોના યોગક્ષેમ માટેનો એમનો જીવંત ઉત્સાહ એમના નિર્મળ ચારિત્ર્ય અને પ્રબળ બુદ્ધિ પ્રતિભા સાથે બરાબર બંધબેસતો બની ગયો. ઈશ્વરને નજરો નજર – પ્રત્યક્ષ જોવાની એમની તીવ્ર ઝંખનાએ એમને એક પ્રોજ્જવલ ઊર્જા આપી હતી અને એ જ ઝંખના એમને દક્ષિણેશ્વરમાં રામકૃષ્ણદેવ સુધી દોરી ગઈ. એમની આધ્યાત્મિક ક્ષેત્રની મહત્ત્વની પ્રગતિએ એમને મહાન સંન્યાસી બનાવ્યા. પોતાની નિર્દય અને અગ્નિસમી હથોડીથી શ્રીરામકૃષ્ણે એના વ્યક્તિત્વને પોતાના મુખ્ય શિષ્યરૂપે ઘાટ આપ્યો. પછીથી આ પટ્ટશિષ્યને સમગ્ર વિશ્વે નિહાળ્યો.
દક્ષિણેશ્વરમાં નવવેદાંતના જીવન બક્ષતા સંદેશને લોકજાગરણના ઉમદા મહાકાર્ય માટે સ્વામીજીને શ્રીરામકૃષ્ણે તૈયાર કર્યા. વેદાંતના ઉપદેશે એમને અનન્ય ઝંખના સેવતા બનાવ્યા. સાથે ને સાથે એમને આકર્ષ્યા અને એટલે જ તેમને એમાં ‘શક્તિની ખાણ’ સાંપડી. વેદાંતનો સાર એક જ શબ્દમાં કહીએ તો તે છે ‘સામર્થ્ય’. સ્વામી વિવેકાનંદમાં આપણને પ્રાચીન ઋષિઓ જેવાં ક્ષાત્રવીર્ય અને બ્રહ્મતેજ જોવા મળે છે.
Your Content Goes Here




